અનુક્રમણિકા
શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના દેવભૂમિ હિમાચલ પ્રદેશના દૈવી પ્રવાસનો વૃત્તાંત
કુલુ (હિમાચલ પ્રદેશ) – સનાતનનાં શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે સપ્તર્ષિ જીવનાડીપટ્ટીમાં કહ્યા પ્રમાણે ૧૯ જૂન ૨૦૨૧ના દિવસે દેવભૂમિ હિમાચલ પ્રદેશના પ્રવાસનો આરંભ કર્યો. સપ્તર્ષિએ કહ્યા પ્રમાણે આ પ્રવાસમાં શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના વિવિધ દૈવી સ્થાનોનાં દર્શન કર્યા અને ‘હિંદુ રાષ્ટ્રની સ્થાપનામાં ઉદ્ભવતા અંતરાય (અડચણો) વહેલામાં વહેલી તકે દૂર થાય, તેમજ તેની વહેલામાં વહેલી તકે સ્થાપના થાય અને આપત્કાળમાં સાધકોનું રક્ષણ થાય’, એ માટે પ્રાર્થના કરી. આવા આ દૈવી ક્ષેત્ર ધરાવતા કુલુ પ્રદેશમાં અનેક ઋષિઓની તપોભૂમિ આવેલી છે. ૨૬.૬.૨૦૨૧ના દિવસે અહીંના ‘દુર્વાસઋષિ’, તેમજ, ત્યાંના સાચાણી વિસ્તારમાં આવેલા ગર્ગઋષિની તપોભૂમિ ખાતે જઈને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે તેમના દર્શન કર્યા. આ વિષયને લગતો આ વૃત્તાંત છે.
૧. હિમાચલ પ્રદેશમાં સર્વ ઋષિઓનો દિવ્ય તેજસ્વી સ્વરૂપે વસવાટ
સનાતન હિંદુ ધર્મશાસ્ત્રોમાં ૮૮ સહસ્ત્ર ઋષિઓનો ઉલ્લેખ છે. ભારતમાં અનેક ઠેકાણે વિશેષતઃ જ્યાં પર્વતો આવેલા છે ત્યાં ઋષિઓએ તપસ્યા કરી હોવાનાં અનેક સ્થાન છે. દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં એવા અનેક ગામ છે કે, જે કેવળ ઋષિઓના નામથી જ ઓળખાય છે. તેમાંના કેટલાક ગામોમાં ઋષિઓએ નિયત કરેલા નિયમોનું જ પાલન કરવામાં આવે છે. વસિષ્ઠ, વ્યાસ, પરાશર, દુર્વાસ, ગર્ગ, ચ્યવન, માર્કંડ, પુંડરિક, જમદગ્નિ, મનુ, ભૃગુ, ગૌતમ, યાજ્ઞવલ્ક્ય ઇત્યાદિ જેવા અનેક ઋષિઓનાં નિવાસસ્થાન હિમાચલ પ્રદેશમાં આવેલા છે. ‘આ સર્વ ઋષિઓ આજે પણ દિવ્ય તેજસ્વી સ્વરૂપે અહીં વાસ કરે છે’, એમ કહેવામાં આવે છે.
૨. દુર્વાસઋષિનું માહાત્મ્ય
મહર્ષિ અત્રિ અને ઋષિપત્ની અનુસૂયાએ કરેલી કઠિન તપસ્યાને કારણે સાક્ષાત શિવજી ‘દુર્વાસઋષિ’ના સ્વરૂપે અવતર્યા. આપણને આકાશમાં દેખાતો ચંદ્ર એ બ્રહ્મદેવનો અંશ છે અને તે મહર્ષિ અત્રિ અને અનુસૂયાનો પુત્ર છે, તેમજ તે દુર્વાસઋષિનો ભાઈ છે. આ ઉપરાંત મહર્ષિ અત્રિ અને અનુસૂયાના સુપુત્ર ભગવાન દત્તાત્રેય એ પણ દુર્વાસઋષિના ભાઈ છે. સર્વ પુરાણોમાં દુર્વાસઋષિનો ઉલ્લેખ ‘શીઘ્રકોપી’ એવો જ છે; માત્ર દુર્વાસઋષિના શાપને કારણે જ અનેક દૈવી લીલાઓ થવા પામી છે. સમુદ્રમંથન, શ્રીરામાવતાર અને શ્રીકૃષ્ણાવતાર સમાપ્તિ આદિક દૈવી ઘટનાઓ દુર્વાસાઋષિના શાપને કારણે જ બનવા પામી છે. દુર્વાસાઋષિ જેટલાં શાપ આપતાં, તેના કરતાં પણ અધિક વરદાન આપતાં. રાણી કુંતીએ કરેલી સેવાને કારણે દુર્વાસાઋષિએ કુંતીને સિદ્ધ મંત્ર આપ્યો, જેના થકી સૂર્યનો અંશ ધરાવનારા કર્ણનો જન્મ થયો. દ્રૌપદીને ક્યારેય પણ વસ્ત્રોની ઓછપ નહીં થવાનું વરદાન આપ્યું હતું. તેથી જ મહાભારતમાં વસ્ત્રહરણના પ્રસંગે દ્રૌપદીને વસ્ત્રોની ઉણપ વર્તાઈ નહીં.
૩. પાલગી ખાતેના દુર્વાસ ઋષિના મંદિરનું સ્થાનમાહાત્મ્ય
કુલુ જિલ્લાના પાલગી નામના ગામમાં દુર્વાસઋષિનું મંદિર છે. આ ઠેકાણે સ્વયંભૂ શિવલિંગ છે. અહીંના પર્વત પર દુર્વાસઋષિએ તપસ્યા કરી હોવાનું કહેવાય છે. પ્રતિદિન રેશમી વસ્ત્ર (અબોટિયું) ધારણ કરીને સવારે ૭ થી ૮ના સમયમાં પૂજા થાય છે. પ્રતિદિન પૂજાનો આરંભ કરતા પહેલાં પૂજારી એક પિત્તળના વાસણમાં ચોખા, ગોળ, દૂધ અને ઘી નાખીને એક જ વાર ડહોળે છે અને તેને કોલસાના ચૂલા પર મૂકી દેવાય છે. પૂજા પૂર્ણ થઈ રહે ત્યાં સુધી તે ખીર ડહોળ્યા વિના તૈયાર થાય છે. આ ખીરની વિશિષ્ટતા એટલે તેનો સ્વાદ હંમેશાં એક જેવો જ હોય છે, એવું ત્યાંના મહિલા ભક્તોએ કહ્યું. આજ સુધી અનેક લોકોને આવી અનુભૂતિ થઈ છે કે, અડધો કિલો ચોખાની ખીર મંદિરમાં ૫૦, ૧૦૦, ૫૦૦ અથવા ૧ સહસ્ત્ર લોકો પણ જો આવે તોયે તે સહુને પૂરી પડે છે. આજ સુધી એક પણ વાર વાસણ ખાલી થયું હોય અથવા ખીર ફરીથી બનાવવી પડી હોય એવું બન્યું નથી. આ દુર્વાસઋષિનું અક્ષયપાત્ર જ છે. એક અન્ય વિશિષ્ટતા એટલે અહીંના સ્થાનિક લોકો દુર્વાસઋષિને તેમના ઘરની સમસ્યાઓ, વિવાહ ઇત્યાદિ બાબતો વિશે તેમની સંમતિ માગવા હેતુ પૂછપરછ કરે છે. અહીં સંમતિ માગવાની પદ્ધતિ અલગ છે.
વિશિષ્ટતાભર્યા ક્ષણચિત્રો
૧. અમને દુર્વાસઋષિના મંદિર ભણી જવા માટે પરોઢિયે ૫.૩૦ કલાકે નીકળવાનું હતું. તેથી શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ સ્વયં પરોઢિયે ૩.૩૦ કલાકે ઊઠ્યા અને તેમણે અંત:પ્રેરણાથી ‘શિવમહિમ્ન સ્તોત્ર’ સાંભળ્યું. ત્યાર પછી પ્રવાસે નીકળ્યા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે, દુર્વાસઋષિ એ સાક્ષાત શિવજીના અંશાવતાર હતા અને દુર્વાસાઋષિએ જ તેમને સ્તોત્ર સાંભળવાની પ્રેરણા આપી.
૨. જ્યારે શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ દુર્વાસઋષિના મંદિરમાં પહોંચ્યા, ત્યારે તેમણે સૂક્ષ્મમાંથી દુર્વાસઋષિની પાદ્યપૂજા કરી. સૂક્ષ્મમાંથી તેમનાં ચરણો પર પાણી રેડતી વેળાએ દુર્વાસઋષિના ચરણોમાંથી ગરમ વરાળ નીકળી રહી હોવાનું તેમને દેખાયું. તે સમયે તેમને જણાયું કે, ગરમ વરાળ એટલે દુર્વાસઋષિના તપોબળના કારણે નિર્માણ થયેલી ઉષ્ણતાનું તે પ્રતીક છે.
૩. કુલુથી ૩૦ કિ.મી. દૂર ઊંચા પર્વત પર દુર્વાસષિઋનું મંદિર છે. ત્યાં જવા માટેનો માર્ગ દુર્ગમ છે. ગાડી દ્વારા ઊંચે ઊંચે પર્વત પર જતી વેળાએ ભય લાગે છે. કેટલાંક ઠેકાણે રસ્તો પણ ઢસળી ગયો હતો. એવા સમયે અમોને દુર્વાસ મંદિરના વિશ્વસ્ત શ્રી. દિલીપ સિંહે સહાયતા કરી. તે અંગે શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે કહ્યું, ‘‘શ્રી. દિલીપ સિંહના માધ્યમ દ્વારા દુર્વાસઋષિએ જ અમને સહાયતા કરી. દુર્વાસઋષિની તપોભૂમિના સ્થાન પર આપણે સહુએ જવું, એ ઋષિની જ ઇચ્છા છે.’’ દર્શન અને પૂજા થયા પછી શ્રી. દિલીપ સિંહ અમને સહુને તેમના ઘરે લઈ ગયા અને તેમના બગીચાના અખરોટ તેમણે શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને અર્પણ કર્યા.
શ્રી. વિનાયક શાનભાગ, હિમાચલ પ્રદેશ (૨૬.૬.૨૦૨૧)
૪. જગત્ને ગર્ગ સંહિતા પ્રદાન કરનારા અને ભગવાન શ્રીકૃષ્ણનું નામકરણ કરનારા ગર્ગઋષિના શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે કૃતજ્ઞતાપૂર્વક દર્શન કર્યાં !
કુલુ પ્રદેશમાં સાચાણી ખાતે ‘ગર્ગઋષિ’ની તપોભૂમિ છે. શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે ૨૬.૬.૨૦૨૧ના દિવસે આ તપોભૂમિના સ્થાને જઈને દર્શન કર્યા. તે અંગેનો આ વૃત્તાંત
ગર્ગઋષિ મહાત્મ્ય
જગત્ને ગર્ગ સંહિતા આપનારા ગર્ગઋષિ એ ગોકુળના યાદવ કુળના કુળપુરોહિત હતા. નંદરાજાને જ્ઞાત હતું કે, ગર્ગઋષિ જ્યોતિષશાસ્ત્ર તજ્જ્ઞ અને જાણકાર હતા. નંદરાજાની વિનંતીથી ગર્ગઋષિએ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરીને ધ્યાન ધર્યું અને વાસુદેવે નંદરાજા પાસે લઈ આવેલા બાળકનું નામકરણ ‘શ્રીકૃષ્ણ’ એમ કર્યું. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, શુક્રાચાર્યની જેમ ગર્ગઋષિને પણ ‘ગર્ગાચાર્ય’ એવી આચાર્ય પદવી પ્રાપ્ત થઈ છે. વાસ્તુશાસ્ત્ર અને આયુર્વેદ જેવા વિષયો પર પણ તેમણે અનેક શાસ્ત્રગ્રંથ લખ્યા છે. ગર્ગઋષિએ ૨૭ નક્ષત્રોમાંથી ‘કૃત્તિકા’ નામના નક્ષત્રને પ્રથમ નક્ષત્રનું સ્થાન આપ્યું છે.
સાચાણી (હિમાચલ પ્રદેશ) ખાતેનું ગર્ગઋષિ મંદિર
હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના સાચણી નામના ગામની ચારે બાજુ ઊંચા ઊંચા સુંદર પર્વતો આવેલા છે. એમાના એક પર્વત પર ગર્ગઋષિનું મંદિર છે. ‘અહીં આવેલા પર્વત પર ગર્ગઋષિએ તપસ્યા કરી હતી’, એવું કહેવાય છે. સાચાણી ગામના સ્થાનિક લોકો આ સ્થાનને ‘ગર્ગાચાર્ય મંદિર’ એમ કહે છે. આ મંદિરમાં મહોરાના સ્વરૂપમાં ગર્ગઋષિની પૂજા કરવામાં આવે છે. તેમની સાથે તેમની શક્તિ યોગિનીદેવીનું પણ મહોરું છે.
ક્ષણચિત્રો
૧. ગર્ગઋષિના મંદિરમાં સહુને પ્રવેશ આપવામાં આવતો નથી. એક અચરજ એટલે ત્યાંના પૂજારી શ્રી. નરેંદ્ર ધામીને ‘અમે સનાતન સંસ્થાના અશ્રમમાંથી આવ્યા છીએ’, એવું કહ્યા પછી મંદિરમાં અંદર જવા માટે તેમણે પ્રવેશ આપ્યો અને મંદિર વિશેની સર્વ જાણકારી અમને આપી. મંદિરની અંદર ગર્ગઋષિની ઉત્સવમૂર્તિ અને પાલખી છે. આ અવસર પર પૂજારીએ ગર્ગઋષિની પાલખી પરનું એક વસ્ત્ર આશ્રમમાં જતન કરવા માટે આપ્યું. મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના સંગ્રહમાંના આ વસ્ત્રના માધ્યમ દ્વારા ગર્ગઋષિનું માહાત્મ્ય આગળ આવનારી અનેક પેઢીઓને જ્ઞાત થશે.
૨. મંદિરમાં અંદર પ્રવેશ કરતી વેળાએ હાથ પર ગોમૂત્ર લગાડીને અંદર જવાની રીત ઘણા લાંબા સમયથી અનુસરવામાં આવે છે. વર્તમાનમાં કોરોના જેવો રોગચાળો ફેલાવવાથી આપણે હાથ પર ‘સેનિટાયઝર’ લગાડીએ છીએ; પણ આપણા ઋષિઓએ સ્વયંને શુદ્ધ કરવાની આ રીત પ્રાચીન કાળથી જ શોધી હતી.
શ્રી. વિનાયક શાનભાગ, હિમાચલ પ્રદેશ
સનાતનનાં શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે અત્યાર સુધી આશરે ૮ લાખથી પણ અધિક કિ.મી.નો પ્રવાસ ખેડીને આવા પ્રાચીન અને ઐતિહાસિક સ્થળોને ભેટ આપી છે. તેથી આપણને ઇતિહાસના ગર્ભમાં છુપાયેલી દૈવી સ્મૃતિઓનાં છાયાચિત્ર સ્વરૂપે દર્શન થઈ રહ્યાં છે ! તે માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલે અને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા !