ચંડીવિધાન (પાઠ અને હવન)

Article also available in :

શ્રી દુર્ગાદેવી

નવરાત્રિના સમયગાળામાં શ્રી સપ્‍તશતીનો પાઠ કરવામાં આવે છે અને અંતમાં હવન કરવામાં આવે છે. આને જ ચંડીવિધાન કહેવામાં આવે છે. આ વિશેની માહિતી આ લેખ દ્વારા જાણી લઈએ.

 

૧. ચંડીવિધાનનો અર્થ

ચંડી એ શ્રી દુર્ગાદેવીનું એક નામ છે. માર્કંડેયપુરાણમાં ચંડીદેવીનું માહાત્‍મ્‍ય વિશદ કર્યું છે અને તેમાં તેમના અવતારો અને પરાક્રમોનું વિગતવાર વર્ણન કર્યું છે. તેમાંના લગભગ સાતસો શ્‍લોક એકત્રિત લઈને ‘શ્રી સપ્‍તશતી’ નામનો ગ્રંથ દેવીમાંની ઉપાસના માટે અલગથી તારવ્‍યો છે. ‘સુખ, લાભ, જય ઇત્‍યાદિ અનેક કામનાઓની પૂર્તિ માટે આ સપ્‍તશતીનો પાઠ કરવો’, એમ કહ્યું છે. આ પાઠ ખાસ કરીને આસો માસની નવરાત્રિમાં કરાય છે. કેટલાક કુળમાં તેવો કુલાચાર પણ હોય છે. પાઠ કર્યા પછી હવન પણ કરવાનો હોય છે. આ સર્વ મળીને ‘ચંડીવિધાન’ કહેવામાં આવે છે.

 

૨. ચંડીવિધાનના પ્રકાર

અ. નવચંડી

નવ દિવસ પ્રતિદિન સપ્‍તશતીનો પાઠ અને તેમના એક દશાંસથી હવન કરાય છે, તેને નવચંડી કહેવામાં આવે છે. અનુષ્‍ઠાનના એક ભાગ તરીકે નવ દિવસ એક કુમારીની પૂજા કરે છે અથવા પહેલા દિવસે એક, બીજા દિવસે બે, આ રીતે ચઢતા ક્રમથી કુમારીઓની પૂજા કરવામાં આવે છે.

આ. શતચંડી

આ વિધાનમાં સપ્‍તશતીના એકસો પાઠ કરવામાં આવે છે. પાઠના આરંભ અને અંતમાં નવાર્ણ મંત્રનો સો-સો જાપ કરવામાં આવે છે. આ રીતે કરેલા પાઠને ‘સંપુટિત પાઠ’ કહેવામાં આવે છે. પહેલા દિવસે એક, બીજા દિવસે બે, ત્રીજા દિવસે ત્રણ અને ચોથા દિવસે ચાર આ રીતે ચઢતા ક્રમમાં દસ બ્રાહ્મણો પાઠ કરે, તો સો ચંડીપાઠ પૂર્ણ થાય છે. તે પૂર્ણ થયા પછી પાંચમા દિવસે દશાંસ હવન કરવામાં આવે છે.

ઇ. સહસ્રચંડી

રાજ્‍યનાશ, મહાઉત્‍પાત, મહાભય, મહામારી, શત્રુભય, રોગભય ઇત્‍યાદિ સંકટોનો નાશ થવા માટે સહસ્રચંડીનું વિધાન કરવામાં આવે છે. આમાં સપ્‍તશતીના એક સહસ્ર પાઠ કરવાના હોય છે. તે માટે એકસો બ્રાહ્મણોને બોલાવે છે.

ઈ. લક્ષચંડી

સપ્‍તશતીના એક લાખ પાઠ અને તેના અનુષંગથી અન્‍ય વિધિને લક્ષચંડી કહે છે.

 

૩. વિવિધ પદ્ધતિ

શ્રી દુર્ગાસપ્‍તશતીના ઉપાસક તેના સીધી, ઊંધી, સપલ્‍લવ, સંપુટ આ પદ્ધતિથી પાઠ કરે છે. વિશિષ્‍ટ કામના માટે વિશિષ્‍ટ પ્રકારના પાઠ કરવામાં આવે છે.

 

૪. ઇચ્‍છાનુસાર પ્રાર્થના

શ્રી સપ્‍તશતીમાં નીચે જણાવ્‍યા પ્રમાણે કેટલાંક શ્‍લોક જેવા વિશિષ્‍ટ કામનાપૂર્તિ માટે વિશિષ્‍ટ શ્‍લોક છે.

અ. સારી પત્ની મળે તે માટે

पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम् ।

तारिणीं दुर्गसंसारात् सागरस्य कुलोद्भवाम् ।।

અર્થ : મને મનોરમા, મારી ઇચ્‍છા પ્રમાણે વર્તન કરનારી, કઠિન એવા આ ભવસાગરમાંથી તારનારી અને સારા કુળમાં જન્‍મેલી એવી પત્ની મળવા દો.

આ. સર્વાંગીણ કલ્‍યાણ થવા માટે

सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके ।

शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते ।।

અર્થ : સર્વ મંગલવસ્‍તુઓમાં માંગલ્‍યરૂપ એવાં દેવી, કલ્‍યાણદાયિની દેવી, સર્વ પુરુષાર્થ સાધ્‍ય કરાવનારાં દેવી, શરણાગતોનું રક્ષણ કરનારાં દેવી, હે ત્રિનયના, ગૌરી, નારાયણી તમને નમસ્‍કાર છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘શક્તિ’

Leave a Comment