શ્‍વસનસંસ્‍થાના વિકારોમાં ઉપયોગી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ

Article also available in :

(પ્રતિકાત્મક છાયાચિત્ર)

 

૧. સિતોપલાદી ચૂર્ણ

આયુર્વેદમાં રાજયક્ષ્મા જેવા ગંભીર રોગમાં શ્‍વસનસંસ્‍થામાંનો દૂષિત કફ બહાર કાઢવો, શરીરમાંના અગ્‍નિનું દીપન કરવું (પાચનશક્તિ સુધારવી) અને સર્વ શરીરને બળ આપવા માટે આ ઔષધનો ઉપયોગ કરવામાં આવે છે. ‘રાજયક્ષ્મા’ આ રોગમાં સર્વ શરીર ક્ષીણ થતું જાય છે. ઉધરસ, તેમજ તાવના પણ લક્ષણો હોય છે. આધુનિક કાળમાંના ક્ષયરોગમાં આમાંના કેટલાક લક્ષણો દેખાય છે. તેથી ક્ષયરોગમાં પણ શરીરને શક્તિ આપવા માટે આ ઔષધ ઉપયોગમાં લઈ શકાય છે. અડધીથી એક ચમચી ઔષધ દિવસમાં બે વાર મધ અને ઘી નાખીને લેવું. ઉધરસમાં જો પ્રત્‍યેક વેળાએ કફ પડતો હોય, તો ઘીથી બમણું મધ લેવું. જો કોરી ઉધરસ હોય અથવા પેટમાં બળતરા થતી હોય, તો મધથી બમણું ઘી લેવું. (મધ અને ઘી કદીપણ સમપ્રમાણમાં ન લેવાં.)

વૈદ્ય મેઘરાજ પરાડકર

૧ અ. ઉધરસ અને જૂનો તાવ

શ્‍વસનમાર્ગમાંથી વ્‍યવસ્‍થિત રીતે દૂષિત કફ બહાર કાઢવો અને આવશ્‍યક એવો સારો કફ નિર્માણ કરવો, આ કાર્ય આ ઔષધના સેવનથી થાય છે. સામાન્‍ય રીતે ૧ અઠવાડિયા સુધી આ ઔષધ લેવું.

૧ આ. ક્ષય (શરીર ક્ષીણ થવું) અને રક્તજ કાસ (રક્તદોષને કારણે થનારી ઉધરસ)

અન્‍ય ઔષધિઓ સાથે સિતોપલાદી ચૂર્ણ પણ ૧ થી ૩ માસ લેવું. આ સાથે જ ૧ – ૧ ચપટી પ્રવાળ પિષ્‍ટી લેવાથી સારો લાભ થાય છે.

૧ ઇ. મંદાગ્‍નિ (પાચનશક્તિ મંદ થવી અથવા ખાધેલું ન પચવું) અને અરુચિ (મોઢામાં સ્‍વાદ ન હોવો)

બન્‍ને સમય ભોજનના ૧૫ મિ. પહેલાં લેવું. કેવળ ચૂર્ણ ચગળીને ખાઈએ તો પણ ચાલે.

૧ ઈ. ઉરોદાહ (ગળામાં અને છાતીમાં પિત્તને કારણે બળતરા થવી)

ત્રાસ થાય, તે સમયે પા ચમચી ચૂર્ણ અને ૨ ચપટી પ્રવાળ પિષ્‍ટીનું મિશ્રણ ચગળીને ખાવું.

૧ ઉ. ગર્ભવતી સ્‍ત્રીઓ માટે ઉપયુક્ત

ગર્ભવતીઓને ઉધરસ માટે આ ઔષધ ઉપયુક્ત છે. આ સાથે જ આવનારું બાળક સશક્ત, તેજસ્‍વી અને બુદ્ધિમાન થવામાં સહાયતા થાય, તે માટે પ્રવાળ ભસ્‍મ ૨ ચપટી અને સિતોપલાદી ચૂર્ણ પા ચમચી આ મિશ્રણ ૨ ચમચી ઘી અને ૧ ચમચી મધના મિશ્રણ સાથે ૬ – ૭ માસ પ્રતિદિન ૨ વાર લેવું. આ ઔષધ ચાલુ કરવા પહેલાં વૈદ્યની સલાહ લેવી.

૧ ઊ. બાળકનાં હાડકાં મજબૂત થવા માટે, તેમજ બાળક સશક્ત થવા માટે

૨ ચપટી સિતોપલાદી ચૂર્ણ અને ૧ ચપટી પ્રવાળ ભસ્‍મનું મિશ્રણ સવારે નયણે કોઠે અડધી ચમચી ઘી અને પા ચમચી મધના મિશ્રણ સાથે દીર્ઘ કાળ સુધી (૩ થી ૬ માસ) લેવું. આ પહેલાં વૈદ્યની સલાહ લેવી.

 

૨. ચંદ્રામૃત રસ (ગોળીઓ)

કોઈપણ પ્રકારની ઉધરસમાં વાપરી શકાય છે, એવું આ ઔષધ છે. ૧ – ૨ ગોળીઓ દિવસમાં ૨ – ૩ વાર ૫ થી ૭ દિવસ લેવી. ગોળીઓનું ચૂર્ણ મધમાં ભેળવીને ચગળીને ખાવાથી વધારે લાભ થાય છે. ઉધરસ આવતી હોય, ત્‍યારે ૧ – ૨ ગોળીઓ ખાલી ચગળીને ખાઈએ તો પણ ચાલે.

 

૩. શ્રૃંગારાભ્ર રસ (ગોળીઓ)

આયુર્વેદમાં અબરક ભસ્‍મ સર્વ શરીર ઘટકોને પોષણ પૂરું પાડનારા ઔષધ તરીકે પ્રસિદ્ધ છે. શ્રૃંગારાભ્ર રસ આ ઔષધીમાં અબરક ભસ્‍મ મુખ્‍ય ઘટક હોવાથી આ ઔષધી પણ શરીરઘટકોને પોષણ આપવામાં ઉપયુક્ત છે. ખાસ કરીને શ્‍વસનસંસ્‍થાને બળ આપનારું આ ઔષધ છે. સવાર-સાંજ એકેક ગોળીનું ચૂર્ણ મધ સાથે ચાટીને ખાવું.

૩ અ. શ્‍વસનસંસ્‍થાના સર્વ વિકારોમાં શ્‍વસનસંસ્‍થાને બળ આપવા માટે ઉપયુક્ત

૧૫ દિવસથી ૧ માસ ઔષધ લેવું

૩ આ. અમ્‍લપિત્ત અને પંડુરોગ

અન્‍ય ઔષધિઓ સાથે આ ઔષધ લેવાથી શરીરના સંબંધિત અવયવોને શક્તિ મળીને આ રોગ વહેલા મટી જવામાં સહાયતા થાય છે. ૧૫ દિવસથી ૧ માસ સુધી ઔષધ લેવું.

ઔષધિઓ પોતાના મનથી લેવા કરતાં વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ; પરંતુ ઘણીવાર વૈદ્ય પાસે તરત જ જવા જેવી પરિસ્‍થિતિ હોતી નથી. કેટલીક વાર વૈદ્ય પાસે પહોંચીએ ત્‍યાં સુધી તરત જ ઔષધ મળવું આવશ્‍યક હોય છે, જ્‍યારે ઘણીવાર થોડીઘણી ઔષધિઓ લેવાથી વૈદ્ય પાસે જવાનો વારો જ આવતો નથી. તેથી ‘પ્રાથમિક ઉપચાર’ તરીકે અહીં આયુર્વેદની કેટલીક ઔષધિઓ આપી છે. જો ઔષધિઓ લઈને પણ સારું ન લાગે, તો બીમારી સહન કર્યા કરવા કરતાં સ્‍થાનિક વૈદ્યને મળવું.

 –   વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૫.૭.૨૦૨૨)

Leave a Comment