અનુક્રમણિકા
૧. આરોગ્યદાયી શિયાળો
શિયાળાની ઠંડીને કારણે ત્વચા પરના છિદ્રો બંધ થતા હોવાથી શરીરમાંનો અગ્નિ અંદરો-અંદર ગોંધાઈ જઈને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. રોગપ્રતિકારક ક્ષમતા અને બળ અગ્નિ પર આધારિત હોવાથી તે પણ આ ઋતુમાં સારાં હોય છે; તેથી શિયાળામાં લગભગ ૪ માસ (મહિના) નૈસર્ગિક રીતે જ આરોગ્ય ઉત્તમ રહે છે.
૨. શિયાળા ઋતુ અનુસાર આહાર
૨ અ. શિયાળામાં શું ખાવું અને શું ન ખાવું ?
આ ઋતુમાં જઠરાગ્નિ ઉત્તમ હોવાથી કોઈપણ પ્રકારનું અન્ન સહેજે પચે છે. તેને કારણે આ ઋતુમાં ખાવા-પીવા પર બહુ મોટું બંધન હોતું નથી. આ સમયગાળામાં રાત્રિ મોટી હોવાથી સવારે ઊઠીએ કે તરત જ ભૂખ લાગે છે,
તેથી સવારે પ્રાતઃક્રિયાઓ પરવારીએ કે પેટભરીને જમી લેવું, એવું આયુર્વેદમાં કહ્યું છે. શિયાળામાં લૂખાપણું વધી ગયું હોય છે. તેથી આહારમાં સ્નિગ્ધ (તેલવાળા) ઘટક ઉદા. તલ, શીંગદાણા, ટોપરૂં અગત્યતાપૂર્વક ખાવું; તેથી જ આ દિવસોમાં તલ-સાંકળી વહેંચવાની પરંપરા છે. આ ઋતુમાં આપણને પચે તેવા પૌષ્ટિક પદાર્થો ખાઈને તંદુરુસ્તી સારી રીતે સુધારી લેવી. વચમાં વચમાં ખાવું આરોગ્ય માટે હાનિકારક હોય છે; તેથી દિવસમાં નક્કી કરેલા ૨ સમયે યોગ્ય પ્રમાણમાં જમવું, તેથી અકાળે ભૂખ લાગતી નથી. પાચન સારું થવા માટે જમ્યા પછી પાનબીડું ખાવું.
૨ આ. કૂલરમાંનું ઠંડું પાણી આરોગ્ય માટે અપાયકારક
કોઈપણ ઋતુમાં શીતકબાટમાંનું (ફ્રીઝમાંનું) અથવા કૂલરનું ઠંડું પાણી પીવું આરોગ્ય માટે અપાયકારક છે. આવું પાણી પીવાથી પાચનશક્તિ મંદ થાય છે અને શરદી, ઉધરસ, સાંધાનો દુઃખાવો, આળસ જેવા વિકારો ઉદ્ભવે છે.
૩. શિયાળા ઋતુમાં અન્ય આચાર
૩ અ. બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવું
આ દિવસોમાં ઠંડીને કારણે હજી થોડું સૂવું છે, એમ ભલે લાગતું હોય, તો પણ નિયમિત રીતે બ્રાહ્મમુહૂર્ત પર અર્થાત્ સૂર્યોદય કરતાં દોઢ કલાક વહેલાં ઊઠવું. નિયમિત રીતે બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવું આ એક કૃતિ પણ સર્વ રોગોથી દૂર રાખનારી છે.
૩ આ. ઔષધી ધૂમપાન કરવું
સવારે દાંત ઘસ્યા પછી ઔષધી ધુમાડો લેવો. આમ કરવાથી શરદી, ઉધરસ જેવા કફના વિકારોને પ્રતિબંધિત કરી શકાય છે. કાગળની ભૂંગળીમાં અજમાની ભૂકી નાખીને બીડી બનાવવી અને તે એક બાજુથી સળગાવીને બીજી બાજુથી ધુમાડાના ૩ સડાકા મારવા (દમ ખેંચવો). ધુમાડાથી યુક્ત શ્વાસ નાકથી છોડવાને બદલે મોઢેથી છોડવો. અજમાને બદલે તુલસીના પાનની ભૂકી પણ વાપરી શકાય છે.
૩ ઇ. નહાવા પહેલાં શરીરે નિયમિત તેલ લગાડવું
આ ઋતુમાં સ્નાન પહેલાં નિયમિત શરીરે કોપરાનું તેલ, તલનું તેલ, સરકીનું (કપાસિયાનું) તેલ, શીંગદાણા કે રાઈના તેલમાંથી કોઈપણ તેલ લગાડવું. તેનાથી ઠંડીને કારણે ત્વચા કોરી પડીને ખંજવાળ આવવી; ત્વચા, હોઠ, પગમાં ચીરા પડવા આ વિકાર થતા નથી. કોપરાનું તેલ ઠંડું, જ્યારે રાઈનું તેલ ઉષ્ણ હોય છે. એમ ભલે હોય, તો પણ શિયાળામાં કોપરાનું તેલ વાપરવાથી અપાય થતો નથી. જેમને હંમેશાં ઉષ્ણતાના વિકાર થાય છે, તેમના માટે કોપરાનું તેલ ઘણું લાભદાયી પુરવાર થાય છે. પેટ્રોલિયમ જેલી, કોલ્ડ ક્રીમ જેવા મોંઘાદાટ અને કૃત્રિમ પ્રસાધનોનો ઉપયોગ કરવા કરતાં તેનાથી સોંઘા અને નૈસર્ગિક તેલનો ઉપયોગ ત્વચાના આરોગ્ય માટે વધારે ઉપયોગી છે.
૩ ઈ. વ્યાયામ
શિયાળામાં પુષ્કળ વ્યાયામ અને શ્રમ કરવા. સવારે શરીરે તેલ લગાડીને વ્યાયામ કરવો અને પછી અડધો કલાક રહીને નહાવું.
૩ ઉ. સ્નાન
આ ઋતુમાં ગરમ પાણીથી સ્નાન કરવું
૩ ઊ. કપડાં
ઠંડીથી રક્ષણ થવા માટે હૂંફાળા કપડાં પહેરવાં.
૪. આ ધ્યાનપૂર્વક ટાળવું
ઝાંકળમાં અથવા ચાંદનીમાં ફરવું, ઠંડીથી પોતાનું રક્ષણ ન કરવું, પાણીના તુષાર શરીર પર લેવા, નિરંતર પંખાનો જોરથી પવન શરીર પર લેવો, દિવસે સૂવું આ વાતો સદર ઋતુમાં ધ્યાનપૂર્વક ટાળવી જોઈએ. આને કારણે શરીરમાંનો કફ વધે છે અને વિકાર નિર્માણ થાય છે.
શિયાળા વિશેની ઋતુચર્યાનું પાલન કરીને સાધક નિરોગી બને અને સહુકોઈની આયુર્વેદ પરની શ્રદ્ધા વધે, એ જ ભગવાન ધન્વન્તરિનાં ચરણોમાં પ્રાર્થના !