અનુક્રમણિકા
- ૧. શ્રીરામે કૃષ્ણાતીર પર જવાની કરેલી આજ્ઞા એટલે જ પુરશ્ચરણ હોવાનું હનુમાનજીએ સમર્થને કહેવું
- ૨. હનુમાને બટુ વેશમાં આવીને સમર્થને પુરાણ કહેવાની વિનંતિ કરવી, તેમણે લંકાના કરેણના ઝાડ પરનાં ફૂલોનો રંગ ધોળો હોવાનું કહેવું, હનુમાને લાલ રંગનાં ફૂલો હોવાનું કહીને સમર્થના વક્તવ્ય પર વાંધો ઊઠાવવો અને સાચું-ખોટું નક્કી કરવા માટે પોતે લંકા જવું
- ૩. લંકામાં જઈને કરેણનાં ફૂલોનો રંગ ધોળો જોઈને હનુમાનને આશ્ચર્ય થવું અને વિભીષણે પરમ શ્રીરામભક્ત સાથે મેળાપ કરાવી આપવાની હનુમાનને વિનંતિ કરવી
- ૪. હનુમાને લાલ રંગનાં અને પોતે કહેલા ધોળાં રંગનાં ફૂલો હોવા પાછળનું કારણ સમર્થએ સ્પષ્ટ કર્યા પછી હનુમાને હાર સ્વીકારવી
બોધકથા
૧. શ્રીરામે કૃષ્ણાતીર પર જવાની કરેલી આજ્ઞા એટલે જ પુરશ્ચરણ હોવાનું હનુમાનજીએ સમર્થને કહેવું
નાશિક ખાતે પંચવટી પાસે ટાકળી સ્થિત મઠમાં સમર્થ રામદાસસ્વામી પુરશ્ચરણ માટે (તપશ્ચર્યા માટે) બેઠા હતા ત્યારે એકવાર તેમનો હનુમાનજી સાથે વિવાદ થયો. સમર્થનું પુરશ્ચરણ પૂર્ણ થવામાં હતું, ત્યારે પ્રભુ શ્રીરામે તેમને આજ્ઞા કરી કે, કૃષ્ણાકાંઠે જાવ. એમ કહેતાં જ સમર્થએ કહ્યું, પુરશ્ચરણ પૂર્ણ કરીને જવાની આજ્ઞા આપો. ત્યારે હનુમાન કહે છે, શ્રીરામની આજ્ઞા એ જ પુરશ્ચરણ છે, તો પછી પુરશ્ચરણ પૂર્ણ કરવાની તમારે શું આવશ્યકતા છે ? ત્યારે સમર્થ કહે છે, લોકસંગ્રહની દૃષ્ટિએ પુરશ્ચરણ પૂર્ણ કરવાની આજ્ઞા કરો. રામનવમીનો ઉત્સવ પૂર્ણ કરીને હું કૃષ્ણાકાંઠે જઈશ. (આમાંથી સંત, સદ્ગુરુ નિરંતર પ્રથમ લોકોનો, ભક્તોનો વિચાર કરે છે એ ધ્યાનમાં આવે છે. – સંકલક)
૨. હનુમાને બટુ વેશમાં આવીને સમર્થને પુરાણ કહેવાની વિનંતિ કરવી, તેમણે લંકાના કરેણના ઝાડ પરનાં ફૂલોનો રંગ ધોળો હોવાનું કહેવું, હનુમાને લાલ રંગનાં ફૂલો હોવાનું કહીને સમર્થના વક્તવ્ય પર વાંધો ઊઠાવવો અને સાચું-ખોટું નક્કી કરવા માટે પોતે લંકા જવું
એક દિવસ હનુમાન બટુનો વેશ ધારણ કરીને પુરાણ-શ્રવણના સ્થાન પર આવીને સમર્થને પુરાણ કહેવાની વિનંતિ કરી. ત્યારે સમર્થએ કહ્યું, તમારી સામે પુરાણ કહેવાની મારી યોગ્યતા નથી અને મને તેનો વ્યાસંગ (મહાવરો) પણ નથી. હનુમાન કહે છે, તો પછી બીક શાની લાગે છે ? જ્યાં ભૂલ થશે, ત્યાં હું પાલટ કરીશ. પુરાણિકની આજ્ઞા લઈને સમર્થએ પુરાણ કહેવાનો પ્રારંભ કર્યો. હનુમાન સીતામાતાની શોધ લેવા માટે લંકામાં ગયા હોવાની કથા સમર્થ કહેવા લાગ્યા. તે સમયે સમર્થ અને બટુ વેશ ધારણ કરેલા હનુમાનમાં થયેલો સંવાદ નીચે આપવામાં આવ્યો છે.
સમર્થ : હનુમાન સૂક્ષ્મમાંથી કરેણના ઝાડ પર બેઠા હતા. તે ઝાડનાં ફૂલો ધોળા રંગનાં હતાં.
બટુ (હનુમાન) : જરાય નહીં.
તે સમયે બન્નેમાં વિવાદ ચાલુ થયો. અન્ય શ્રોતાઓ બટુ પર (હનુમાન પર) ક્રોધિત થયા. તેમણે કહ્યું, ‘એય છોકરા, પુરાણમાં કહેલી વાતો જૂઠી છે શું ? શું ગમે તેની સાથે વિવાદ કરી રહ્યો છે ? આ સારું ન કહેવાય’. સમર્થએ શ્રોતાઓને સમજાવીને પુરાણ પૂરું કર્યું.
હનુમાન (સમર્થને ઉદ્દેશીને) : ચાલો, હું તમને કરેણનાં ફૂલો લાલ છે કે નહીં, તે પ્રત્યક્ષ બતાવું છું.
સમર્થ : જો હું તમારી સાથે આવીશ તો શ્રીરામની પૂજામાં ખંડ પડશે.
હનુમાન : શ્રીરામની પૂજા માટે હું કરેણનાં ફૂલો લઈ આવું છું.
એમ કહીને તેઓ લંકા ગયા.
૩. લંકામાં જઈને કરેણનાં ફૂલોનો રંગ ધોળો જોઈને હનુમાનને આશ્ચર્ય થવું અને વિભીષણે પરમ શ્રીરામભક્ત સાથે મેળાપ કરાવી આપવાની હનુમાનને વિનંતિ કરવી
ફૂલો તોડવાનો પ્રારંભ કરતાં જ વિભીષણે તેમને જોયા. ફૂલો ધોળાં જોયા પછી આશ્ચર્ય પામીને શું આ ફૂલો આવા જ હતાં, એવું તેઓ વિભીષણને પૂછે છે. ત્યારે વિભીષણ કહે છે, હા. તે ધોળા જ હતાં. પછી બનેલો પ્રસંગ હનુમાન વિભીષણને કહે છે. વિભીષણે આવા પરમ શ્રીરામભક્ત સાથે મેળાપ કરાવી આપવાની હનુમાનને વિનંતિ કરી. હનુમાન કહે છે, તેઓ પૃથ્વી પ્રદક્ષિણા સમયે અહીં આવશે.
૪. હનુમાને લાલ રંગનાં અને પોતે કહેલા ધોળાં રંગનાં ફૂલો હોવા પાછળનું કારણ સમર્થએ સ્પષ્ટ કર્યા પછી હનુમાને હાર સ્વીકારવી
લંકામાંથી પાછા ફરીને તેમણે સમર્થને પૂછ્યું, ફૂલો જોયા વિના જ તમને કેમ સમજાયું કે તે ધોળાં છે ? ત્યારે સમર્થ ઉત્તર આપે છે, તમારા કહેવા પ્રમાણે તે ફૂલો લાલ હતાં, તે યોગ્ય છે અને તે ધોળાં હોવાનું મેં કહ્યું, તે પણ યોગ્ય છે. સીતામાતાની શોધમાં હતા ત્યારે તમે ક્રોધાયમાન થવાથી તમને ફૂલો રાતાં રંગનાં દેખાયા. રાવણ શિવભક્ત હોવાથી પ્રત્યક્ષમાં તેની વાટિકામાં ધોળાં રંગનાં ફૂલો જ વધારે હોય. એની મને જાણ હતી. તે સમયે હનુમાનને સંતોષ થયો. હનુમાને સમર્થ સામે હાર સ્વીકારી.
આના પરથી સદ્ગુરુ કે ઈશ્વર શ્રેષ્ઠ છે ? ત્રિલોકમાં સદ્ગુરુ જ શ્રેષ્ઠ છે. તેમના કૃપાશીર્વાદ વિના કોઈપણ કાર્ય થઈ શકે જ નહીં. શ્રીરામના આશીર્વાદ વિના સીતામાતાની શોધ લેવી અથવા લંકામાં જવું સંભવ નહોતું. અંતે શું, તો ઈશ્વર એ જ સદ્ગુરુ અને સદ્ગુરુ એ જ ઈશ્વર !
(પૂ.) સૌ. લક્ષ્મી (માઈ) નાઈક, પાનવળ, બાંદા, સાવંતવાડી, સિંધુદુર્ગ.