સર્વસંગવિરહિત શુદ્ધ અને ત્રિગુણાતીત અવસ્‍થા ધરાવતાં અનસૂયાની કૂખે અવતરેલા દત્ત ભગવાનના જન્‍મની અદ્‌ભુત કથા

Article also available in :

૧. માતા અનસૂયા તપ:પૂત અને પતિવ્રતા હોવાથી ભગવાને બ્રહ્મા-વિષ્‍ણુ-મહેશના સ્‍વરૂપમાં ઋષિઓનો વેશ લઈને તેમની પાસે ભિક્ષા માગવા જવું

પ.પૂ. પાંડે મહારાજ

દત્તાત્રેય ભગવાનના જન્‍મની કથા ઘણી અદ્‌ભુત છે. બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશ એકવાર અનસૂયા પાસે ઋષિઓના વેશમાં ભિક્ષા માગવા માટે ગયા; કારણકે ભગવાને માતા અનસૂયાને ‘હું તારી કૂખે જન્‍મ લઈશ’, એવું વરદાન આપ્‍યું હતું. અનસૂયાના પતિ એ અત્રિ ઋષિ એટલે બ્રહ્મદેવના પુત્ર. સપ્‍તર્ષિઓમાંના એક ઋષિ. તેઓ તપ:પૂત અને સામર્થ્‍યવાન હતા. માતા અનસૂયા પણ તેવાં જ તપ:પૂત અને પતિવ્રતા હતાં; તેથી જ ભગવાન બ્રહ્મા-વિષ્‍ણુ-મહેશના સ્‍વરૂપમાં ઋષિઓનો વેશ ધારણ કરીને તેમની પાસે ભિક્ષા માગવા ગયા.

 

૨. ઋષિઓએ કહ્યા પ્રમાણે અનસૂયા તેમને નગ્‍નાવસ્‍થામાં ભોજન પીરસવા માટે ગયા પછી તેમને તે ઋષિઓ બાળકોના સ્‍વરૂપમાં જોવા મળવા અને ત્‍યાર પછી તે ત્રિમુખી સ્‍વરૂપમાં એક હોવાનું દેખાવા લાગવું

તે સમયે અત્રિ ઋષિ બહાર ગયા હતા. અનસૂયા એકલાં જ હતાં. તેમણે તે ત્રણ ઋષિઓનું સ્‍વાગત કર્યું અને તેઓ તેમને ભિક્ષા પીરસવા માટે ગયાં ત્‍યારે ઋષિઓએ કહ્યું, અમને તારા હાથનું ભોજન જોઈએ છે અને તારે તે અમને નગ્‍નાવસ્‍થામાં પીરસવું. તેમણે ‘જેવી આપની ઇચ્‍છા,’ એમ કહ્યું. ત્‍યાર પછી અનુસૂયાએ સ્‍વયં રસોઈ રાંધીને તે  નગ્‍નાવસ્‍થામાં પીરસવા માટે ગયા પછી તેમને તે ત્રણ ઋષિઓ બાળકોના સ્‍વરૂપમાં જોવા મળ્‍યા. પછી તેમણે તેમને ઘોડિયામાં મૂક્યાં. ત્‍યારે તે ત્રિમુખી સ્‍વરૂપમાં એક દેખાવા લાગ્‍યા. એ જ આ દત્તસ્‍વરૂપ !

 

૩. નગ્‍નાવસ્‍થા એટલે સર્વસંગવિરહિત (આસક્તિ વિહીન) શુદ્ધ અને ત્રિગુણાતીત અવસ્‍થા !

અહીં ઋષિઓએ સતી અનસૂયાને નગ્‍ન થઈને પીરસવા માટે કહ્યું. નગ્‍ન (અવસ્‍થા) નો સાચો અર્થ શું છે ?, એ જોવું આવશ્‍યક છે. ભગવાનનો જન્‍મ થવો, એટલે મૂળ સ્‍વરૂપની સ્‍થિતિ નિર્માણ થવી. તેમના દર્શન તે સ્‍વરૂપમાં ત્‍યારે જ થશે, જ્‍યારે આપણે સર્વસંગવિરહિત શુદ્ધ અને ત્રિગુણાતીત અવસ્‍થામાં રહીશું. આ જ તે નગ્‍ન અવસ્‍થા ! દેહાતીત અવસ્‍થા !! કેવળ શરીર પરના કપડાં કાઢી નાખવાં, એને નગ્‍ન કહી શકાય નહીં. આ વ્‍યાવહારિક અર્થ થયો કહેવાય; પરંતુ મૂળ સ્‍વરૂપનું અનુસંધાન ત્‍યારે જ થઈ શકે છે જ્‍યારે આપણા સ્‍વયંમાં રહેલાં આવરણો દૂર થાય. આત્‍મા પર અને વિવિધ દેહો પર અન્‍નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ અને આનંદમય કોષ ઇત્‍યાદિના આવરણ હોય છે. આ આવરણો દૂર થઈ ગયા પછી તે ત્રિગુણાતીત, દેહાતીત અને શુદ્ધ સ્‍વરૂપમાં આવે છે. ત્‍યારે જ તે ભગવાનના દર્શન થાય, એવી અવસ્‍થા છે.

શિવાપરાધક્ષમાપન સ્‍તોત્રમાં શ્રીમદ્ આદિ શંકરાચાર્ય પણ કહે છે,

नग्नो निःसङ्‌गशुद्धस्त्रिगुणविरहितो ध्‍वस्‍तमोहान्‍धकारो

नासाग्रे न्‍यस्‍तदृष्टिर्विदितभवगुणो नैव दृष्टः कदाचित् ।

उन्‍मन्‍याऽवस्‍थया त्‍वां विगतकलिमलं शङ्‌करं न स्‍मरामि

क्षन्‍तव्‍यो मेऽपराधः शिव शिव शिव भो श्री महादेव शम्‍भो ॥

– શ્લોક ૧૦

 અર્થ : નગ્‍ન = દિગંબર (દિક્ +અંબર) = દિશાઓ જેનું વસ્‍ત્ર છે, તે સર્વવ્‍યાપી થયો છે. આકાશની જેમ નિર્મળ, શુદ્ધ, સ્‍વચ્‍છ થયો છે. અંત:ર્બાહ્ય શુદ્ધ છે. સર્વસંગરહિત, શુદ્ધ, ત્રિગુણરહિત, મોહરૂપી અંધકારનો નાશ કરનારા, નાસાગ્ર પર દૃષ્‍ટિ કેંદ્રિત કરીને પદ્માસન પર બેસેલા, સર્વ વિશ્‍વના ગુણોને જાણનારા મંગલમય, ધ્‍યાનસ્‍થ એવા ઠાઠમાં રહેનારા, એવા સ્‍વરૂપમાં મેં ક્યારેય પણ આપના દર્શન કર્યા નથી. ઉન્‍મની એવી અવસ્‍થામાં કલિમલ રહિત એવા આપના કલ્‍યાણ સ્‍વરૂપનું સ્‍મરણ પણ કર્યું નથી. હે  દેવાધિદેવ શંકર ભગવાન, મહાદેવ, શંભો, મારા અપરાધો માટે ક્ષમા કરશો !

ઉપરોક્ત શ્‍લોકમાં ભગવાન શંકરની અવસ્‍થા જણાવેલી છે. ત્‍યારે મારે પણ તેવા સ્‍વરૂપમાંથી જ તેમનું દર્શન કરવું જોઈએ. માતા અનસૂયાએ પણ નાસાગ્ર પર દૃષ્‍ટિ કેંદ્રિત કરીને અને પદ્માસનમાં ધ્‍યાનસ્‍થ અવસ્‍થામાં બેસીને સામેના ઋષિઓને ભોજન કરવા માટે પ્રાર્થના કરી. તે સમયે તેમની સ્‍થિતિ ઉપર વર્ણન કર્યા પ્રમાણે જ હતી. એવા આ સ્‍વરૂપ સંધાનમાંથી જ્‍યારે તેમણે આંખો ખોલીને તે ત્રણ ઋષિઓ સામે જોયું, ત્‍યારે તેઓ તેમને બાળસ્‍વરૂપ દેખાયા.

– પ.પૂ. પાંડે મહારાજ, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ. (૧૩.૧૨.૨૦૧૫)

Leave a Comment