‘આ અધિક માસ ‘પુરુષોત્તમ આસો માસ’ છે. અધિક માસને આગળના મહિનાનું નામ આપવામાં આવે છે, ઉદા. આસો માસ પહેલાં આવનારા અધિક માસને ‘આસો અધિક માસ’ આ રીતે સંબોધવામાં આવે છે અને પછી આવનારા માસને ‘નિજ આસો માસ’ કહે છે. અધિક માસ એકાદ મોટા પર્વ જેવો હોય છે. તેથી તે માસમાં ધાર્મિક કૃતિઓ કરે છે અને ‘પુરુષોત્તમ માસ મહાત્મ્ય’ ગ્રંથનું વાચન કરાય છે.
૧. અધિક માસ એટલે શું ?
૧ અ. ચાંદ્રમાસ
સૂર્ય અને ચંદ્રની એકવાર યુતિ થવાના સમયથી, અર્થાત્ એક અમાસથી ફરીવાર આવી યુતિ થાય ત્યાં સુધી, અર્થાત્ આગળના માસની અમાસ સુધીનો કાળ એટલે ‘ચાંદ્રમાસ’ છે. તહેવાર, ઉત્સવ, વ્રતો, ઉપાસના, હવન, શાંતિ, વિવાહ ઇત્યાદિ હિંદુ ધર્મશાસ્ત્રમાંની સર્વ કૃતિઓ ચાંદ્રમાસ પ્રમાણે (ચંદ્રની ગતિ પરથી) નક્કી થયેલી હોય છે. ચાંદ્રમાસના નામો તે માસમાં આવનારી પૂર્ણિમાના નક્ષત્ર પરથી પડ્યા છે, ઉદા. ચૈત્ર માસની પૂર્ણિમાએ ચિત્રા નક્ષત્ર હોય છે.
૧ આ. સૌરવર્ષ
ઋતુ સૌરમાસ પ્રમાણે (સૂર્યની ગતિ પરથી) નક્કી થયેલી હોય છે. સૂર્ય અશ્વિની નક્ષત્રથી ભ્રમણ કરીને પાછો તે જ ઠેકાણે આવે છે. તેટલા કાળને ‘સૌરવર્ષ’ કહે છે.
૧ ઇ. ‘ચાંદ્રવર્ષ અને સૌરવર્ષનો મેળ બેસે’, તે માટે અધિક માસનું પ્રયોજન !
ચાંદ્રવર્ષના ૩૫૪ દિવસ અને સૌરવર્ષના ૩૬૫ દિવસ હોય છે, અર્થાત્ આ બન્ને વર્ષોમાં ૧૧ દિવસોનો ફેર હોય છે. ‘આ ફેર બરાબર થાય’, તેમજ ચાંદ્રવર્ષ અને સૌરવર્ષનો મેળ બેસે; તેથી સ્થૂળ રીતે ૩૨॥ (સાડાબત્રીસ) માસ પછી એક અધિક માસ માનવામાં આવે છે, અર્થાત્ ૨૭ થી ૩૫ માસ પછી ૧ અધિક માસ આવે છે.
૨. અધિક માસના અન્ય નામો
અધિક માસને ‘મળમાસ’ કહે છે. અધિક માસમાં મંગળ કાર્યો કરવાને બદલે વિશેષ વ્રતો અને પુણ્યકારક કૃતિઓ કરવામાં આવે છે; તેથી તેને ‘પુરુષોત્તમ માસ’, એમ પણ કહે છે.
૩. અધિક માસ કયા માસમાં આવે છે ?
અ. ચૈત્રથી આસો આ સાત માસમાંથી એક માસ ‘અધિક માસ’ તરીકે આવે છે.
આ. ક્યારેક જ ફાગણ માસ પણ ‘અધિક માસ’ તરીકે આવે છે.
ઇ. કારતક, માગશર અને પોષ આ મહિનાઓને જોડીને અધિક માસ આવતો નથી. આ ત્રણ માસમાંથી કોઈપણ એક માસનો ક્ષય માસ થઈ શકે છે; કારણકે આ ત્રણ માસમાં સૂર્યની ગતિ વધારે હોવાથી એક ચાંદ્રમાસમાં તેનાં બે સંક્રમણો થઈ શકે છે. જ્યારે ક્ષય માસ આવે છે, ત્યારે એક વર્ષમાં ક્ષય માસ પહેલાં ૧ અને પછી ૧, આ રીતે ૨ અધિક માસ પાસે પાસે આવે છે.
ઈ. મહા માસ અધિક કે ક્ષય માસ તરીકે ક્યારે પણ આવતો નથી.
૪. અધિક માસમાં વ્રતો અને પુણ્યપ્રદ કૃતિઓ કરવા પાછળનું શાસ્ત્ર
પ્રત્યેક માસમાં સૂર્ય એકેક રાશીમાં સંક્રમણ કરે છે; પણ અધિક માસમાં સૂર્ય કોઈપણ રાશીમાં સંક્રમણ કરતો નથી, અર્થાત્ અધિક માસમાં સૂર્ય સંક્રાંતિ હોતી નથી. તેથી ચંદ્ર અને સૂર્યની ગતિમાં ફેર પડે છે અને વાતાવરણમાં પણ ગ્રહણકાળની જેમ પાલટ થાય છે. ‘આ બદલનારા અનિષ્ટ વાતાવરણનું આપણી પ્રકૃતિ પર પરિણામ થાય નહીં; તેથી આ માસમાં વ્રતો અને પુણ્યકારી કૃતિઓ કરવી’, એવું શાસ્ત્રકારોએ કહ્યું છે.
૫. અધિક માસમાં કરવાના વ્રતો અને પુણ્યકારી કૃતિઓ
અ. અધિક માસમાં શ્રી પુરુષોત્તમ પ્રીત્યર્થે ૧ માસ ઉપવાસ, આયાચિત ભોજન (અકસ્માત્ એકાદના ઘરે ભોજન કરવા માટે જવું), નક્ત ભોજન (દિવસે જમવાને બદલે કેવળ રાત્રે પહેલા પ્રહરમાં એકવાર જ જમવું) કરવું અથવા એકભુક્ત રહેવું (દિવસમાં એકવાર જ જમવું). નબળી વ્યક્તિએ આ ચાર પ્રકારમાંથી એક પ્રકારનું તોયે ઓછામાં ઓછું ત્રણ દિવસ અથવા એક દિવસ તોયે આચરણ કરવું.
આ. પ્રતિદિન એક વાર જ ભોજન કરવું. જમતી વેળાએ બોલવું નહીં. તેથી આત્મબળ વધે છે. મૌન રહીને ભોજન કરવાથી પાપક્ષાલન થાય છે.
ઇ. તીર્થસ્નાન કરવું. ન્યૂનતમ એક દિવસ ગંગાસ્નાન કરવાથી સર્વ પાપોની નિવૃત્તિ થાય છે.
ઈ. ‘આ સંપૂર્ણ માસમાં દાન કરવાનું ન બને, તેણે સુદ અને વદ બારસ, પૂર્ણિમા, વદ આઠમ, નવમી, ચૌદસ, અમાસ આ તિથિઓએ તેમજ વ્યતિપાત, વૈધૃતિ આ યોગ પર વિશેષ દાનધર્મ કરવો’, એવું શાસ્ત્રમાં કહ્યું છે.
ઉ. આ માસમાં પ્રતિદિન શ્રી પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને નામજપ કરવો. અખંડ અનુસંધાનમાં રહેવાનો પ્રયત્ન કરવો.
ઊ. દીપદાન કરવું. ભગવાન સામે અખંડ દીપ પ્રજ્વલિત રાખવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે.
એ. તીર્થયાત્રા કરવી. દેવદર્શન કરવા.
ઐ. તાંબૂલદાન (પાનબીડું-દક્ષિણા) કરવું. એક માસ તાંબૂલદાન દેવાથી સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે.
ઓ. ગોપૂજન કરવું. ગોગ્રાસ આપવો. (ગાયને ચારો આપવો).
ઔ. અપૂપદાન (માલપૂડો, છિદ્ર ધરાવતી વાનીનું દાન) કરવું.
૬. અધિક માસમાં કયા કામો કરવા ?
આ માસમાં નિત્ય અને નૈમિત્તિક કર્મો કરવાં. જે કર્યા વિના છૂટકો નથી, એવાં કર્મો કરવાં. અધિક માસમાં નિરંતર નામસ્મરણ કરવાથી શ્રી પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન પ્રસન્ન થાય છે.
અ. જ્વરશાંતિ, પર્જન્ય-યષ્ટી ઇત્યાદિ હંમેશાંના કામ્ય કર્મો કરવાં.
આ. આ માસમાં ભગવાનની પુનઃપ્રતિષ્ઠા કરી શકાય છે.
ઇ. ગ્રહણશ્રાદ્ધ, જાતકર્મ, નામકર્મ, અન્નપ્રાશન ઇત્યાદિ સંસ્કાર કરવા.
ઈ. મન્વાદિ અને યુગાદિના સંબંધમાં રહેલા શ્રાદ્ધ ઇત્યાદિ કૃતિઓ કરવી. તીર્થશ્રાદ્ધ, દર્શશ્રાદ્ધ અને નિત્યશ્રાદ્ધ કરવું.
૭. અધિક માસમાં કયા કામો કરવા નહીં ?
હંમેશાંના કામ્ય કર્મો ઉપરાંતના અન્ય કામ્ય કર્મોનો આરંભ અને સમાપ્તિ કરવા નહીં. મહાદાનો (ઘણાં મોટાં દાનો), અપૂર્વ દેવદર્શન (પહેલાં ક્યારે પણ ન ગયા હોવ તે ઠેકાણે દેવદર્શન માટે જવું), ગૃહારંભ, વાસ્તુશાંતિ, સંન્યાસગ્રહણ, નૂતનવ્રત ગ્રહણદીક્ષા, વિવાહ, જનોઈ, ચૌલ, દેવપ્રતિષ્ઠા ઇત્યાદિ કરવા નહીં.
૮. અધિક માસમાં જન્મદિવસ આવે તો શું કરવું ?
એકાદ વ્યક્તિનો જન્મ જે માસમાં થયો હોય, તે જ માસ અધિક માસ તરીકે આવે તો તેનો જન્મદિવસ નિજ માસમાં કરવો, ઉદા. વર્ષ ૨૦૧૯માં આસો માસમાં જન્મેલા બાળકનો જન્મદિવસ આ વર્ષે આસો માસ અધિક હોવાથી અધિક માસમાં કરવાને બદલે નિજ આસો માસમાં તે તિથિએ કરવો.
આ વર્ષે અધિક આસો માસમાં જે બાળકનો જન્મ થશે, તે બાળકનો જન્મદિવસ પ્રતિવર્ષે આસો માસમાં તે તિથિએ કરવો.
૯. અધિક માસ હોય ત્યારે શ્રાદ્ધ ક્યારે કરવું ?
જે માસમાં વ્યક્તિનું નિધન થયું હોય, તેનું વર્ષશ્રાદ્ધ તે જ માસ અધિક માસ આવે, ત્યારે તે અધિક માસમાં જ કરવું, ઉદા. વર્ષ ૨૦૧૯ના આસો માસમાં વ્યક્તિનું નિધન થયું હોય, તે વ્યક્તિનું વર્ષશ્રાદ્ધ આ વર્ષે અધિક આસો માસમાં તે તિથિએ કરવું.
અ. સંવત ૧૯૪૧ના (અર્થાત્ ગત વર્ષના) આસો માસમાં મૃત્યુ થયું હોય, તો તેનું પ્રથમ વર્ષશ્રાદ્ધ સંવત ૧૯૪૨ના (આ વર્ષના) અધિક આસો માસમાં તે તિથિએ કરવું.
આ. પ્રતિવર્ષનું આસો માસમાંનું પ્રતિસાંવત્સરિક શ્રાદ્ધ આ વર્ષે નિજ આસો માસમાં કરવું; પણ પહેલાંના અધિક આસો માસમાં મૃત્યુ થયેલાઓનું પ્રતિસાંવત્સરિક શ્રાદ્ધ આ વર્ષે અધિક આસો માસમાં કરવું.
ઇ. સંવત ૧૯૪૧માં કારતક, માગશર, પોષ ઇત્યાદિ માસમાં મૃત્યુ થયેલાનું પ્રથમ વર્ષશ્રાદ્ધ તે માસમાંની તેમની તિથિએ કરવું. ૧૩ માસ થાય છે; તેથી ૧ માસ પહેલાં કરવું નહીં.
ઈ. આ વર્ષે અધિક આસો અથવા નિજ આસો મહિનામાં મૃત્યુ થાય તો તેમનું પ્રથમ વર્ષશ્રાદ્ધ આગલા વર્ષે આસો માસમાં તે તિથિએ કરવું. (સંદર્ભ : ધર્મસિંધુ – મળમાસ નિર્ણય, વર્જાવર્જ્ય કર્મો વિભાગ)’ (સંદર્ભ : દાતે પંચાંગ)
૧૦. અધિક માસ કાઢવાની પદ્ધતિ
અ. જે માસની વદ પાંચમે સૂર્યની સંક્રાંતિ આવે, તે જ માસ ઘણું કરીને આગલા વર્ષે અધિક માસ થાય છે; પણ આ બાબત સર્વસામાન્ય રીતે છે.
આ. શાલિવાહન સંવતને ૧૨ થી ગુણવું અને આ ગુણાકારને ૧૯ થી ભાગવું. જે શેષ રહે, તે ૯ અથવા તેના કરતાં ઓછું હોય, તો તે વર્ષે અધિક માસ આવશે, એમ સમજવું.
ઇ. હજી એક પદ્ધતિ (વધારે વિશ્વસનીય) : વિક્રમ સંવત સંખ્યામાં ૨૪ ઉમેરીને તે સરવાળાને ૧૬૦ થી ભાગવું.
૧. શેષ ૩૦, ૪૯, ૬૮, ૮૭, ૧૦૬, ૧૨૫ માંથી એકાદ રહે તો ચૈત્ર,
૨. શેષ ૧૧, ૭૬, ૯૫, ૧૧૪, ૧૩૩, ૧૫૨ માંથી એકાદ રહે તો વૈશાખ,
૩. શેષ ૦, ૮, ૧૯, ૨૭, ૩૮, ૪૬, ૫૭, ૬૫, ૮૪, ૧૦૩, ૧૨૨, ૧૪૧, ૧૪૯ માંથી એકાદ રહે તો જેઠ,
૪. શેષ ૧૬, ૩૫, ૫૪, ૭૩, ૯૨, ૧૧૧, ૧૩૦, ૧૫૭ માંથી એકાદ રહે તો અષાઢ,
૫. શેષ ૫, ૨૪, ૪૬, ૬૨, ૭૦, ૮૧, ૮૨, ૮૯, ૧૦૦, ૧૦૮, ૧૧૯, ૧૨૭, ૧૩૮, ૧૪૬ માંથી એકાદ રહે તો શ્રાવણ,
૬. શેષ ૧૩, ૩૨, ૫૧ માંથી એકાદ રહે, તો ભાદરવો, અને
૭. શેષ ૨, ૨૧, ૪૦, ૫૯, ૭૮, ૯૭, ૧૩૫, ૧૪૩, ૧૪૫, માંથી એકાદ રહે, તો આસો માસ અધિક માસ હોય છે.
૮. અન્ય સંખ્યા શેષ રહે તો અધિક માસ આવશે નહીં.
ઉદા. આ વર્ષે વિક્રમ સંવત ૨૦૭૭ છે.
૨૦૭૭ + ૨૪ = ૨૧૦૧
૨૧૦૧ને ૧૬૦ થી ભાગ્યા પછી શેષ ૨૧ રહે છે. તેથી આસો માસ અધિક માસ છે.
૧૧. આગામી અધિક માસનું કોષ્ટક
શાલિવાહન સંવત | અધિક માસ |
૧૯૪૨ | આસો |
૧૯૪૫ | શ્રાવણ |
૧૯૪૮ | જેઠ |
૧૯૫૧ | ચૈત્ર |
૧૯૫૩ | ભાદરવો |
૧૯૫૬ | અષાઢ |
૧૯૫૯ | જેઠ |
૧૯૬૧ | આસો |
સંકલક
સંપૂર્ણ માહિતી સરસ