ગોવા ખાતેના વિવિધ સંગીત પ્રકાર અને તે માટે ઉપયોગમાં લેવાતા વાદ્યો દ્વારા ઇતિહાસમાં ડોકિયું કરી શકાય છે. કોઈપણ સમાજનું સંગીતને લગતું જીવન તે સમાજના વાસ્તવિક જીવન સાથે જ સામાજિક અને સાંસ્કૃતિક જીવનના ઘટકો સાથે પૂર્ણતઃ સંકળાયેલું હોય છે. માનવી જીવનનો દૃષ્ટિકોણ એ તે તે સમાજની સંગીત પરંપરા સાથે આંતરપ્રક્રિયાથી જોડાયેલો હોય છે. તેથી લોકપરંપરા દ્વારા ઉત્પન્ન થયેલા વાદ્યોનું માનવવંશશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત મહત્વ હોય છે. વાદ્યોની બનાવટ, વાદન-પદ્ધતિ અને તે અનુષંગથી કરવામાં આવનારા યાતુવિધિનો અભ્યાસ આ માનવી વંશશાસ્ત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે.
ગોમંતકમાંના લોકવાદ્યો પર દૃષ્ટિક્ષેપ કરતી વેળાએ એક વાત પ્રકર્ષથી જણાય છે, તે એટલે અહીંની લોકશૈલીમાંના મોટાભાગના સંગીત પ્રકાર અને વાદ્યો પર દક્ષિણ ભારતીય પરંપરાનો પ્રભાવ વધારે દેખાય છે. અર્થાત્ તે તેમ હોવું સ્વાભાવિક પણ છે. ગોવા દક્ષિણ ભારતમાંની અનેક રાજવટો હેઠળ હતો.
ગોવામાંના વાદ્યોનો વિચાર કરીએ તો તેમાં લયવાદ્યો, સ્વરવાદ્યો, સ્વતંત્ર રીતે વગાડી શકાય તેવા વાદ્યોનો સર્વંકષ વિચાર કરવો પડે છે. તેમાં કેટલાક સ્વતંત્ર વાદ્યો છે તેવી જ રીતે સાથ આપનારા વાદ્યો પણ છે. કેટલાક વાદ્યવૃંદો છે. દેવાલય અને ચર્ચ ઇત્યાદિ સ્થાનો પર આ વાદ્યો વગાડવામાં આવે છે. વાદ્યોનો મૂળગામી વિચાર કરીએ તો માનવી શરીરને જ પ્રાચીન વાદ્ય કહ્યું છે. તેના માટે દૈવી વીણા આ શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. આ કલ્પનાને કારણે વાદ્યોના વિવિધ ભાગોને શિર, મુખ, વદન, ઉદર, બાવડા ઇત્યાદિ નામો પાડવામાં આવ્યા હશે. ભારતીય વાદ્યોની પ્રાચીન પરંપરા વેદકાળથી અસ્તિત્વ ધરાવે છે. તે સમયે પણ વિશિષ્ટ વાદ્ય વિશિષ્ટ એવા પ્રસંગે વગાડવાની પરંપરા હતી.
ગૃહ્યસૂત્રમાં વિવાહ પ્રસંગે ‘બાણ’ પદ્ધતિનું વાદ્ય વગાડવું, એમ કહ્યું છે. વિવાહ પહેલાંની વિધિ સમયે ચાર સોહાગણોએ ‘નંદી’ વાદ્ય વગાડવું. મહાવ્રત સમયે ઉદ્ગાતા શતતંત્રી વીણા વગાડતા હતા. તે સાથે જ યજ્ઞ કરનારા યજમાનના પત્ની કાણ્ડવીણા (તંત્રવીણા) અને પિચ્છોરા આ સુષિરવાદ્ય વગાડતાં હતાં. આજે પણ લોકશૈલીમાં આ સાંકેતિક પરંપરા જાળવી હોવાનું આપણે જોઈ શકીએ. આજના કાળમાં શાસ્ત્રીય સંગીત કરતાં લોકસંગીત, ધાર્મિક સંગીત અને ઉત્સવ સંગીત માટે અનેક વાદ્યોનો ઉપયોગ થાય છે. ગોવામાં વધારેમાં વધારે પ્રચલિત અને અપ્રચલિત વાદ્યો પર કરેલો આ એક દૃષ્ટિક્ષેપ !
ઘુમટ
આ લોકવાદ્ય ખાસ ગોવા અને સીમા પરના મહારાષ્ટ્ર (કોંકણકિનારો), તેમજ કર્ણાટક (દક્ષિણ અને ઉત્તર કૅનરા જિલ્લા) અને કેરળ ખાતે કોંકણીભાષી પ્રાંતમાં ઉપયોગમાં લેવાતું હોવાનું જણાય છે. આ વાદ્ય ગોવામાં અત્યંત લોકપ્રિય છે. આ વાદ્યની રચના અત્યંત સરળ અને વાદન પદ્ધતિ પણ ઉપર-ઉપરથી ભલે સહેલી લાગતી હોય, તો પણ તાલનિર્મિતિ અઘરી લાગે છે. બે ભિન્ન વ્યાસ ધરાવતા મોઢા રહેલો માટીનો શેકેલો ઘડો કુંભાર પાસેથી કરાવી લેવામાં આવે છે. મોટા મોઢાનો વ્યાસ લગભગ ૨૦ સેં.મી. હોય છે, જ્યારે નાના મોઢાનો વ્યાસ ૧૨ સેં.મી. હોય છે.
મોટા મોઢા પર ઘોની ચામડી ખેંચીને બેસાડવામાં આવે છે. તે માટે વનસ્પતિનો ચીક અથવા ગુંદર લગાડીને તેના પર સિંધરી મજબૂતીથી બાંધીને ચામડું બેસાડવામાં આવે છે અને છાંયામાં સૂકવવામાં આવે છે. બન્ને મોઢામાંથી દોરી પરોવીને તે ઘુમટ ખભે ભેરવીને વાદ્ય વગાડે છે. વગાડતી વેળાએ જમણા હાથે ચામડા પર થાપ દઈને ધ્વનિનિર્મિતિ કરે છે.
ડાબો હાથ નાના મોઢા પર રાખીને પંજાથી હવાનું દબાણ નિયંત્રિત કરીને વાદન કરવામાં આવે છે. આ વાદ્ય સ્વતંત્ર રીતે વગાડવામાં આવતું નથી. તેની સાથે શામેળ, જોડશામેળ અથવા મ્હાદળ માંથી એકાદ વાદ્ય સાથ તરીકે વગાડવામાં આવે છે. ઘુમટવાદન આ ગ્રામીણ ભાગમાં ઘણું લોકપ્રિય છે. પૂજા-અર્ચન, ગણેશચતુર્થી, શિગમો (હોળી) ઇત્યાદિ વ્રતો, ઉત્સવો, જાત્રા-ઉત્સવો અને જાગરણ સમયે ઘુમટવાદન કરવામાં આવે છે.
શાસ્ત્રીય પદ્ધતિથી વાદન કરવામાં આવે તો તેનાં ‘સુંવારીવાદન, ચંદ્રાવળ, ફાગ, ખાણપદ, આરતીઓ’ એવાં નામો પાડવામાં આવ્યાં છે; પરંતુ આ વાદનોમાં ઘુમટ વાદ્ય ભલે મુખ્ય હોય, તો પણ શામેળ અને કાસાળે આ વાદ્યો સાથ તરીકે વગાડવામાં આવે છે. ગાયક ગીતો ગાય છે અને સાથે જ વાદ્યવાદન કરવામાં આવે છે. અનેક લોકનૃત્યોની સાથ માટે ઘુમટવાદનના વિવિધ પ્રકારો સુનિશ્ચિત હોય છે.
મૃદંગ, પખવાજ અને તબલા
ગોવાના મંદિરોમાં થનારી પૂજા-અર્ચનના એક ભાગ તરીકે પરંપરાથી કીર્તન પ્રસ્તુત કરવામાં આવતું. પખાવજ અથવા પખવાજ આ વાદ્ય મંદિરમાં પ્રસ્તુત થનારા શંખાસુર કાલો, દશાવતારી કાલો, ભજન ઇત્યાદિ પ્રસંગોમાં સાથ-વાદ્ય તરીકે વગાડવામાં આવે છે. વર્તમાનમાં મૃદંગ, પખવાજ આ વાદ્યો ગોવાના સંગીતપટલ પરથી સરકવા લાગ્યા છે અને તેમની જગ્યા તબલાએ લીધી છે. આ ત્રણેય વાદ્યો શાસ્ત્રીય વાદ્યો તરીકે ઉપયોગમાં લેતાં હોવાથી અને સર્વપરિચિત હોવાથી તેમનું વર્ણન આપવામાં આવ્યું નથી.
તાસો અથવા તાશા અને આરાબ
સંબળ વર્ગનું આ લોકવાદ્ય ગોવામાં અત્યંત લોકપ્રિય છે. આ પહેલાં રણવાદ્ય તરીકે ઉપયોગમાં લેવાતું હતું. તેની પ્રતીતિ ગોવાના શિગમોત્સવ (હોલિકોત્સવ) સમયે આવે છે; પરંતુ ઢોલ-ઢોલકની સાથથી આ વાદ્ય ગોવાનાં મંદિરોમાંથી ત્રણેય સમયે વગાડતાં હોય છે. તાંબાકૂંડીનો આકાર ધરાવતા લાકડાના, માટીના અથવા તાંબા-પિત્તળના વાસણ પર કડીઓમાંથી પરોવેલા સુતરના તાંતણા અથવા તાણચાવીઓની (પિત્તળના સ્ક્રૂની) સહાયતાથી બકરાની ચામડી ખેંચીને બેસાડવામાં આવે છે. બન્ને હાથથી લગભગ ૩૦ સેં.મી. લંબાઈની નાના આકારની બે નેતરની સોટી ચામડા પર પછાડીને વાદ્ય વગાડવામાં આવે છે. મોટાભાગે વાદ્ય ડોકમાં ભરાવીને અથવા કમરે બાંધીને વગાડાય છે. ઘણાં મોટા આકારના તાશાને ગોવામાં ‘આરાબ’ કહે છે. કેટલાક ગામોમાંથી શિગમોત્સવ જેવા પ્રસંગો માટે ‘આરાબ’ની સાથ દઈને લોકગીતો ગાઈને લોકનૃત્ય પ્રસ્તુત કરવાની પરંપરા છે.
શરણાઈ અને સૂત
આ સુષિરવાદ્ય ! તેને ગોવામાં ‘શનાય’ કહે છે. પહેલાં પ્રત્યેક દેવાલયમાં શરણાઈ-નગારું વગાડવામાં આવતાં. તે માટે પરંપરાથી કલાકારો નિયુક્ત કરવામાં આવતા, પણ સમયજતાં ગોવામાં શરણાઈ-વાદન લોપ પામી રહ્યું છે. નવા કલાકારો શરણાઈ વાદન શીખવા માટે અથવા ધંધા તરીકે સ્વીકારવા માટે આગળ આવતા નથી. એક સમય એવો હતો કે, પ્રતિદિન ઓછામાં ઓછું ૩ સમયે તોયે પ્રત્યેક મોટા મંદિરમાં શરણાઈ વાદન (નગારું) થતું. હવે કલાકારો ન હોવાથી યાંત્રિક સ્વરૂપના નગારાવાદનની વ્યવસ્થા મંદિરવ્યવસ્થાપને કરવી પડે છે. શનાયની લંબાઈ ૩૦ થી ૩૨ સેં.મી. હોય છે અને એક બાજુથી શંકુઆકાર, અણિયાળી એવી આ સિસમ લાકડાની પોલી નળી હોય છે. અણિયાળી ટોચ પરના પોલાણનો વ્યાસ લગભગ ૧ સેં.મી. હોય છે. તેના પર ૨ સેં.મી. લંબાઈની પાલા નામક ઘાસ વનસ્પતિમાંથી બનાવેલી બે પડ ધરાવતી ‘જીભલી’ બેસાડેલી હોય છે.
નળીની બીજી પહોળી ટોચ પર ધતૂરાના આકારનો ધાતુનો કર્ણો બેસાડવામાં આવ્યો હોય છે. બે પડવાળી જીભલી સ્વરનિર્મિતિ માટે, વચલી લાંબી નળી સ્વરને આકાર આપવા માટે જ્યારે કર્ણો સ્વરવર્ધન માટે અથવા સ્વરવિકાસ માટે હોય છે. વચ્ચેની નળી પર ૮ થી ૯ છિદ્રો હોય છે. તેમાંથી એકજ રેખામાં રહેલા ૭ છિદ્રો સ્વરનિષ્પત્તિ અને સ્વરવિસ્તાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વાદક જમણા હાથનાં ત્રણ આંગળાં અને ડાબા હાથનાં ચાર આંગળાં સ્વરરંધ્રો પર રાખીને અપેક્ષિત સ્વરનિર્મિતિ કરે છે. શરણાઈની સાથે અખંડ ષડ્જ સ્વર પૂરો પાડવા માટે સૂર્ત અથવા સૂર વાદ્યનો ઉપયોગ કરવામાં આવે છે. અપ્રગત સુષિરવાદ્યના ઉદાહરણ તરીકે સૂર્ત વાદ્યનો ઉલ્લેખ કરી શકાય.
મ્હાદળે
મૃદંગ અથવા પખવાજ માટે જેવી રીતે આડો લાકડાનો ઘડો ઉપયોગમાં લેવાય છે, તેવી જ રીતે માટીનો લંબવર્તુળાકાર ૬૦ થી ૬૫ સેં.મી. લંબાઈનો ઘડો તૈયાર કરી લેવામાં આવે છે. તે શેકવા પહેલાં તેની વચ્ચોવચ એક છિદ્ર પાડવામાં આવે છે. તે ઘડાના બન્ને મોઢાં લગભગ ૨૦ સેં.મી. વ્યાસ ધરાવે છે અને તે ઘોના ચામડામાંથી મઢાવેલા હોય છે. ઘુમટ પર જેવી રીતે ચીક કે ગુંદરની સહાયતાથી ચામડું તાણીને બેસાડવામાં આવે છે, તેવી જ રીતે મ્હાદળ પર ચામડું બેસાડવામાં આવે છે. ઘુમટવાદન સમયે મ્હાદળું આડું પકડીને ગળામાં પહેરીને, બગલ (કાખ)માં અથવા સાથળ પર ધરીને જમણા મોઢા પર હાથની આંગળીઓથી થાપટીને સાથ આપે છે. ખ્રિસ્તી સમાજમાં જાગોર આ વિધિનાટ્ય પ્રસંગે, તેમજ ખ્રિસ્તી ગાવડા જમાતમાંના તોણયાં રમત, ધાલો ઇત્યાદિ પ્રસંગોમાં આ વાદ્ય સાથ તરીકે ઉપયોગમાં લેવાય છે.
શામેળ
શામેળ એટલે સંબળ ! લગભગ ૩૦ સેં.મી. ઊંચાઈના ખદીર (કાથાનું ઝાડ) વૃક્ષના થડમાંથી બનાવેલું લાકડાનું ઊભું પાત્ર ૨ લોખંડની સળીઓમાં ઊભું અટકાવવામાં આવે છે. તેના લગભગ ૧૬ થી ૧૮ સેં.મી. વ્યાસના ખુલ્લા મોઢા પર બકરીનું પાતળું ચામડું દોરીની સહાયતાથી લોખંડના સળિયામાં પરોવીને ખેંચીને બેસાડવામાં આવે છે. બન્ને સળિયાથી સમાન અંતર પર દોરી પરોવીને ચામડા પરની ખેંચ ઓછી-વત્તી કરવાની સગવડ કરેલી હોય છે. અમસ્તા પણ બધા શામેળ બેસીને વગાડવાની પ્રથા છે. શામેળ મોટાભાગે હિંદુઓમાં વગાડવાની પરંપરા રૂઢ છે. તબલાની જેમ બે વાદ્યો (શામેળ) રહેલા; પણ બન્ને દોરીની સહાયતાથી એકત્રિત બાંધેલો આ શામેળ એટલે જોડ-શામેળ. જમણી બાજુ બાંધેલો શામેળ હોય છે; પરંતુ ડાબી બાજુ બાંધેલા શામેળનો આકાર ડગ્ગા જેવો થોડો વર્તુળાકાર હોય છે.
તેવી બનાવટને કારણે તે ખર્જ સ્વરનો બને છે; પણ જમણો શામેળ આ તેની તુલનામાં થોડો ચડતો સ્વર ધરાવનારો હોય છે. જોડશામેળ ડોકમાં પહેરીને જમણા હાથમાં સીધી નેતરની સોટી અને ડાબા હાથમાં આગળની ટોચ પર વર્તુળાકાર આપેલી નેતરની સોટી લઈને ઘુમટની સાથ માટે વગાડવામાં આવે છે. સુવારીવાદનમાં અને ખાસ કરીને શિગમો ઉત્સવમાં કાણકોણ, સાંગે ઇત્યાદિ ભાગમાં જોડશામેળ વગાડતા હોવાનું જોવા મળે છે.
નગારું ઘૂમ અને ચોઘડિયાં
આજે નગારું આ વાદ્ય ગોવામાંના સર્વ મહત્વનાં દેવાલયોમાં વગાડવામાં આવે છે, જ્યારે ઘૂમ આ વાદ્ય ગોવાના શિગમોત્સવમાં મધ્ય અને ઉત્તર ભાગોમાં વગાડતા હોવાનું જોવા મળે છે. ગોવાનાં દેવાલયોમાં જાત્રા-ઉત્સવોના પ્રસંગોમાં અને લગ્નપ્રસંગો જેવા મંગલ પ્રસંગોમાં ચોઘડિયાં વાદન કરવામાં આવે છે.
જઘાંટ
કાસું અને પિત્તળ આ મિશ્ર ધાતુથી બનાવેલી એક થી દોઢ સેં.મી. જાડાઈ ધરાવતી અને ૨૫ થી ૩૦ સેં.મી. વ્યાસની થાળી વચ્ચોવચ થોડી જાડી (૨ સેં.મી.) કરવામાં આવી હોય છે. પરિઘ પાસે બે કાંણા પાડીને દોરી અથવા તાર પરોવવાની સગવડ કરવામાં આવી હોય છે. આ થાળી દોરીની સહાયતાથી ખીંટીએ ટાંગે છે અથવા ડાબા હાથથી ટિંગાતી ઝાલીને જમણા હાથથી લાકડાની સોટીથી પ્રહાર કરીને નાદનિર્મિતિ કરવામાં આવે છે. ગોવામાંનાં દેવાલયો અને હિંદુઓના ધાર્મિક ઉત્સવોના સમયે જઘાંટ વગાડવામાં આવે છે. જઘાંટ આ શબ્દપ્રયોગ જયઘંટા આ શબ્દમાંથી અપભ્રંશ થયો હશે. ધાર્મિક મનોરંજનમાં આ ઘંટનો અગત્યતાથી ઉપયોગ કરવામાં આવે છે.
કાસાળે, ઝાંઝ (કાંસી જોડ) અને કરતાળ (કાંસીજોડાં, ઝાંઝ)
ગોવામાં વગાડવામાં આવનારા ઘનવાદ્યોમાંથી કાસાળે આ પ્રાચીન ઘનવાદ્ય છે. વર્તુળાકારનાં ૧૫ થી ૨૦ સેં.મી. વ્યાસના બે કાંસાના પત્રાના ટુકડા, ૪ સેં.મી. વ્યાસના મધ્યભાગ પર ખાડો કરીને તેમાંથી દોરી પરોવવા માટે છિદ્ર રાખે છે. બન્ને ટુકડામાં દોરી પરોવીને તેને લાકડાની મૂઠ બાંધે છે. બન્ને હાથમાં બે ટુકડા ઝાલીને એકબીજા પર પછાડીને ઘસીને વગાડવામાં આવે છે. આ વાદ્ય તાલવાદ્ય છે. કાસાંની ઝાંઝ અથવા કાસ્ય-ઝાંઝ એટલે કાસાળે. ઘુમટ-શામેળની સાથમાં આ વાદ્ય વગાડવામાં આવે છે. શિગમોત્સવમાંના બાજઠ (ચૌરંગ) અથવા જોત આ નૃત્ય પ્રકાર પ્રસ્તુત કરતી વેળાએ ગીતનો તાલ ધરવા માટે કાસાળે સ્વતંત્ર રીતે વગાડવામાં આવે છે. કાસાળાનો નાનો અવતાર એટલે ઝાંઝ. આ મોટાભાગે પિત્તળની બનાવેલી હોય છે. આરતી, કીર્તન, કાલો, જાગર ઇત્યાદિ પ્રસ્તુત કરતી વેળાએ ઝાંઝનો ઉપયોગ અનિવાર્ય સમજવામાં આવે છે. કરતાળ ગોવા ખાતે ભજનોમાં સર્વત્ર ઉપયોગમાં લેવાય છે.
ઢોલ, ઢોલકું, ઢોલક
ગોવામાં સર્વત્ર પ્રચારમાં રહેલાં આ ચર્મવાદ્યો છે. ગોવાના મોટાભાગના સર્વ દેવાલયોમાંથી આ વાદ્ય પૂજા-અર્ચનાના પ્રસંગે વગાડવામાં આવે છે. તે ઉપરાંત ઘરગથ્થુ વ્રતો, વિવાહવિધિ અને કૌટુંબિક વિધિ સમયે પણ આ વાદ્ય વગાડવામાં આવે છે. તેથી ઢોલને મંગલ વાદ્યોની હરોળમાં બેસાડવામાં આવ્યું છે. આ વાદ્ય અન્ય તાશા, શરણાઈ, સૂર્ત, કાસાળે ઇત્યાદિ વાદ્યોની સાથથી વગાડવામાં આવે છે.
કર્ણો, બાંકો અને શિંગ
લોકોત્સવ અને ધાર્મિક ઉત્સવ દ્વારા વગાડવામાં આવનારા આ સુષિરવાદ્યો છે. ગોવાના પ્રમુખ એવા શિગમો લોકોત્સવમાં આ વાદ્યો વગાડવામાં આવે છે. કર્ણો એટલે કર્ણા. લગભગ દોઢ મીટર લંબાઈ ધરાવતું એક બાજુથી અણિયાળી કરેલી ધાતુની નળી, તેના પહોળા મોઢા પર લગભગ ૩૦ સેં.મી. વ્યાસ ધરાવનારો વર્તુળાકાર કર્ણો બેસાડેલો હોય છે. અણિયાળી ટોચમાંથી ફૂંક મારવાની સગવડ હોય છે.
બાંકો એ કર્ણા જેવું જ; પણ તેના કરતાં મોટા આકારનું ગોવામાંનું સુષિરવાદ્ય છે. ગોવાનાં દેવાલયોમાં પંચવાદ્ય વાદનના પ્રારંભમાં, વચ્ચે અને અંતમાં આ રીતે ૩ વાર બાંકો વગાડવાની પદ્ધતિ છે. આ વાદ્ય ખાસ કરીને ફોંડા તાલુકામાં શિગમોત્સવમાં વાગતું જોવા મળે છે.
શિંગ આ વાદ્ય એટલે મહારાષ્ટ્રમાં લોકપ્રિય રહેલી તુતારી (તુરાઈ). ભારતીય વાદ્યશાસ્ત્રમાં આને ‘શૃંગ’ નામથી ઓળખવામાં આવે છે. તેના પરથી ગોવામાં આને શિંગ કહેવાતું હશે. એ સિવાય તેનો આકાર પણ ગાય-ભેંસના શિંગડાં જેવો (અર્ધચંદ્રાકાર) હોય છે. તે તાંબાનું બનેલું હોય છે. ગોવાના મંદિરમાંના અને કૌટુંબિક વિધિઓ સાથે જ ઉત્સવ પ્રસંગે પણ તે વગાડવામાં આવે છે.
સુરપાવો, કોંડપાવો, નાકશેર
સુરપાવો આના નામમાં જ વાદ્યનું સ્વરૂપ અને કાર્ય સમાયેલા છે. આ વાદ્ય એટલે આદીમ પ્રકારની મોરલી અથવા પાવો છે. આ વાદ્ય ગોવાળો અને ભરવાડ જાતિના લોકો શિગમોત્સવ અને દશેરાના ઉત્સવ પ્રસંગે પ્રસ્તુત થનારા લોકનૃત્ય સમયે વગાડે છે. કોંડપાવો ૩૦ થી ૩૫ સેં.મી. લંબાઈની અને ૨ સેં.મી. પોલાણ ધરાવનારી મોરલી. ભરવાડોના લોકનૃત્ય સમયે તારસપ્તક સ્વરનિર્મિતિ માટે ઉપયોગમાં લેવાય છે. ભરવાડ-ગોવાળ જાતિમાં વગાડવામાં આવનારું હજી એક સુષિરવાદ્ય એટલે નાકશેર. આ વાદ્ય પિપુડી જેવું હોય છે. પિપુડીને બદલે આ જમાત આ વાદ્યને ‘દુદી’ એમ પણ કહે છે, કારણકે સ્વરવિકાસ માટે આ વાદ્યમાં નાની દૂધીનો જેને મર્કદુદી કહે છે, તેનો પાત્ર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોય છે.
લગભગ ૧૦ થી ૧૨ સેં.મી. વ્યાસની ખાલી રહેલી દૂધીમાં ૧ સેં.મી. વ્યાસની અને ૧૦ થી ૧૨ સેં.મી. લંબાઈના વાંસની નળીઓ ૩ થી ૪ સેં.મી. અંદર સરકાવે છે. બીજી બાજુથી નાની તિરાડ ધરાવતી જોડ-નળી દૂધીમાં સરકાવીને અન્ય ભાગમાંથી હવા નીકળે નહીં, એ માટે મીણનો ઉપયોગ કરવામાં આવે છે. આગળની નળીઓ પર સ્વરરંધ્રો રાખીને બે પડ વાળી જીભલી બેસાડેલી તિરાડની નળીમાંથી હવા ફૂંકીને આ વાદ્ય વગાડવામાં આવે છે. પહેલાં આ વાદ્ય નાકથી વગાડતા હતા. તેથી ગોવામાં તેને નાકશેર અર્થાત્ ‘નાસાયંત્ર’ અને ઉત્તરમાં ‘નાગસર’ કહે છે.
વિવિધ લોકસંસ્કૃતિમાં પ્રચલિત રહેલા વાદ્યોનો અને વાદન પરંપરાનો વિચાર કરીએ તો એક વાત સ્પષ્ટ થાય છે. તે એટલે માનવીએ ચરાચરમાં રહેલો ધ્વનિ અનુભવ્યો અને તે નિરંતર અનુભવતી વેળાએ પોતે તેવો ધ્વનિ નિર્માણ કરી શકે કે કેમ ?, આ કુતૂહલથી વાદ્યોનો જન્મ થયો. આ વાદ્યો દ્વારા નિસર્ગમાંનો નાદ (ધ્વનિ) આપણે નિર્માણ કરી શકીએ, એ વિશે પરમોચ્ચ સમાધાન માનવીએ અનુભવ્યું. તેમાંથી જ તેને આકલન થયું કે, વાદ્ય અને નાદ આ અભિન્ન છે, જેવા કે શરીર અને આત્મા. વાદ્યમાંથી નીકળનારો નાદ એટલે જાણે કેમ શરીરમાંથી વહેતું ચૈતન્ય. તે ચૈતન્યની અનુભૂતિ થતાં થતાં માનવી સંગીતમાં રમમાણ થયો, રમમાણ થઈ રહ્યો છે અને અનંતકાળ સુધી રમમાણ રહેશે.