‘શિયાળામાં ઋતુ પ્રમાણે ઠંડી અને કોરાપણું વધે છે. તેનો યોગ્ય પ્રતિકાર ન કરવાથી વિવિધ વિકાર થાય છે. તેમાંના મોટાભાગના વિકાર ‘તેલનો યોગ્ય ઉપયોગ કરવો અને શેક કરવો’, આ ઉપચારોથી નિયંત્રણમાં આવે છે.
૧. શિયાળામાંના વિકારો પર ઉપચાર માટે ઉપયોગમાં લેવાનું તેલ
કોપરાનું તેલ ઠંડું હોય છે, જ્યારે અન્ય સર્વ ખાદ્ય તેલો ઉષ્ણ હોય છે. જેમને ઉષ્ણ તેલથી ત્રાસ થાય છે, તેમણે આગળ જણાવેલા ઉપચાર માટે કોપરાના તેલનો ઉપયોગ કરવો. રાઈનું તેલ વધારે ઉષ્ણ હોય છે.
એક વાટકી જેટલું કોઈપણ ખાદ્યતેલ લઈને તેમાં ૧-૨ લસણની પાંખડી અથવા એક ઇંચ આદુ અથવા વેખંડનો ટુકડો કચડીને નાખવો અને તે તેલ ધીમે તાપે ઉકાળવું. તેલ ઉકાળ્યા પછી ગૅસ બંધ કરવો અને તે તેલ ઠંડું પડે એટલે ગાળીને બાટલીમાં ભરી રાખવું. આ રીતે બનાવેલા તેલનો ગુણધર્મ ઉષ્ણ હોય છે. આવા તેલથી શિયાળાને કારણે આવેલી ઠંડી દૂર કરવામાં સહાયતા થાય છે.
૨. શેક કરવાના પર્યાય
શેક કરવા માટે ગરમ પાણીની થેલીનો ઉપયોગ કરવો. ગરમ પાણીની થેલી ન હોય, તો એકાદ જાડું કપડું ઇસ્ત્રીથી ગરમ કરીને તેનાથી શેકવું. શિયાળામાં તડકો કુમળો હોય છે. આ તડકામાં થોડીવાર બેસવાથી શેક લીધા પ્રમાણે લાભ થાય છે. નહાવા સમયે ગરમ પાણીથી શેક કરી શકાય.
૩. શિયાળામાં મોખરે થનારા કેટલાક વિકાર અને તેના પરના ઉપચાર
૩ અ. ત્વચામાં ચીરા પડવા (ત્વચા ફાટવી)
વાતાવરણમાં રહેલા કોરાપણાને કારણે ત્વચા અને હોઠ ફાટી જાય છે. (તેમને ચીરા પડે છે.) ખાસ કરીને પગના તળિયા અને હથેળીમાં ચીરા પડે છે. ત્વચા કોરી પડવાથી ખંજવાળ આવે છે. આવા સમયે ખંજવાળવાથી ત્વચા છોલાઈ જઈને ત્યાં બળતરા થવા લાગે છે. ઘણીવાર મૂત્રમાર્ગના અગ્રભાગની ત્વચા આકુંચન પામે છે અને ત્યાં પણ ચીરા પડે છે. તેથી પેશાબ કરતી સમયે વેદના થાય છે.
૩ અ ૧. ઉપચાર
અ. પ્રતિદિન ત્વચાને તેલ લગાડવું. તેથી ત્વચા સુંવાળી રહે છે અને તેને પડેલા ચીરા વહેલા રુઝાઈ જાય છે.
આ. હોઠ જો વારંવાર કોરા પડતા હોય તો દિવસમાં ૩ – ૪ વાર હોઠને તેલ લગાડવું.
ઇ. મૂત્રમાર્ગના અગ્રને પણ દિવસમાં ૨ – ૩ વાર તેલ લગાડવું.
ઈ. ઠંડીથી રક્ષણ થવા માટે ઊનના કપડાં, ઉદા. સ્વેટરનો ઉપયોગ કરવો.
૩ આ. શરદી અને ઉધરસ
રાત્રે ઝાકળમાં ફરવાથી શરદી થાય છે. ઘણા લોકો સવારે વ્યાયામ કરવા માટે ચાલવા જાય છે. તે સમયે જો માથું, નાક, મોઢું અને કાન ઢાંકેલા ન હોય, તો ઝાકળને કારણે શરદી અથવા ઉધરસ થાય છે. રાત્રે મોટાભાગે મોઢું ખુલ્લુ રહે છે, ઠંડીને કારણે નાક બંધ થાય છે અને શ્વાસોચ્છ્વાસ મોઢાથી ચાલુ થાય છે. આ ઠંડી હવા નિરંતર ગળામાં જવાથી ગળાને સોજો આવે છે અને ઉધરસ ચાલુ થાય છે. નાકની અંતસ્ત્વચાને સોજો આવે છે અને નાક ભણીના હાડકાના પોલાણમાંના સ્રાવને અડચણ નિર્માણ થાય છે. તેથી શરદી થાય છે.
૩ આ ૧. ઉપચાર
અ. દિવસમાં ૨ – ૩ વાર પાણીની વરાળ લેવી. ઉષ્ણ વરાળને કારણે શ્વસનમાર્ગ ખુલ્લો થાય છે. કફ પાતળો થવામાં સહાયતા થાય છે.
આ. દિવસમાં ૨ – ૩ વાર ટચલી આંગળી તેલમાં બોળીને તે બન્ને નસકોરાંમાં અંદરની બાજુથી થોડું તેલ લગાડવું. તેથી નાક અંદરથી કોરું પડતું નથી. નાકનો સોજો ઓછો થાય છે. નાકમાં આવનારી ઠંડી હવા ગરમ થઈને અંદર જાય છે. વાતાવરણમાંના પરાગકણ અથવા ધૂળ નાકને અંદરથી લગાડેલા તેલને ચોંટી જાય છે. તેથી તેનાથી ઍલર્જી થઈને શરદી અથવા ઉધરસ થવાનું જોખમ ટળે છે.
ઇ. સળેખમ થયું હોય ત્યારે સમગ્ર દિવસ બન્ને કાનમાં રૂ રાખવા.
ઈ. રૂમાલ અથવા ઓઢણી ‘નાક, મોઢું અને કાન ઢંકાઈ જાય અને શ્વાસ પણ ચાલુ રહે’, એ રીતે બાંધીને સૂવું.
ઉ. રાત્રે પંખો કરવો નહીં. જો બહુ જ ગરમી લાગતી હોય તો ‘સીલિંગ ફૅન’ને બદલે ‘ટેબલ ફૅન’નો ઉપયોગ કરવો. તેને કારણે હવા નિરંતર શરીર પર આવવાને બદલે ફરતી રહે છે અને તેનો વધારે ત્રાસ થતો નથી.
૩ ઇ. રહી રહીને પેશાબ થવો અથવા પેશાબ ઉતરવામાં સમય લાગવો
આ વિકાર જો પહેલેથી હોય તો ઠંડીને કારણે તેમાં વૃદ્ધિ થવાની શક્યતા હોય છે.
૩ ઇ ૧. ઉપચાર
અ. જેમાં બેસી શકાય એટલા આકારનો એક ટબ લો. પ્રતિદિન સવારે ઊઠ્યા પછી પોતાને સહન થાય એટલું ગરમ પાણી લઈને તેમાં ૧૦ થી ૧૫ મિ. બેસવું. ટબમાં બેઠા પછી પાણી નાભિ (દૂંટી) સુધી આવે તેમ જોવું.
આ. દિવસમાં ૨ – ૩ વાર ૫ થી ૧૦ મિ. પેઢા પર શેક કરવો.
૩ ઈ. કબજિયાત (મળાવરોધ)
ઠંડીને કારણે ગુદદ્વાર આકુંચન પામે છે અને કબજિયાત નિર્માણ થાય છે. ગુદદ્વાર આકુંચન પામવાથી ઘણીવાર ‘શૌચ ગયા પછી ત્રાસ થશે’, આ ડરથી શૌચ જવાનું ટાળવામાં આવે છે. તેથી મળાશયમાં મળ વધારે સમય ભરાઈને કડક બને છે. ટાઢા પાણીથી ગુદદ્વાર ધોવાથી તે વધારે આકુંચન પામે છે અને કબજિયાત નિર્માણ થાય છે.
૩ ઈ ૧. ઉપચાર
અ. રાત્રે સૂતી વેળાએ સોપારી જેટલું રૂ કોઈપણ ખાદ્યતેલમાં બોળીને ગુદદ્વાર દ્વારા ગુદમાર્ગમાં રાખવો. આ રૂનો ડૂચો શૌચ સમયે પડી જાય છે. આ ડૂચાને કારણે ગુદમાર્ગના સ્નાયુ નરમ રહે છે અને તે સહજ રીતે પ્રસરણ પામે છે. મળ કડક બનતો નથી. હરસ અને પરિકર્તિકા (ફિશર – ગુદદ્વારને ચીરા પડવા) આ વિકારમાં આ રીતે ડૂચો રાખવાનું લાભદાયી હોય છે. જેમને કબજિયાતનો ત્રાસ વધારે છે, તેમણે રૂ પલાળવા માટે એરડિયાનો ઉપયોગ કરવો.
આ. શૌચાલયમાં બેઠા પછી ગુદદ્વાર અને કમર પર ગરમ પાણી મારવું. તેને કારણે ગુદદ્વારના સ્નાયુઓ પ્રસરણ પામે છે. કમર પર ગરમ પાણી રેડવાથી શૌચ લાગવા માટે સહાયતા મળે છે.
૩ ઉ. ડોકના તેમજ અન્ય સ્નાયુઓ ઝલાઈ જવા
ઠંડીને કારણે ડોકના સ્નાયુ અકડાવાથી ડોક ઝલાઈ જાય છે. જેમને પહેલેથી સાંધાનો દુઃખાવો છે, તેમના સાંધા ઠંડીમાં સ્નાયુઓ ઝલાઈ જવાથી વધારે દુઃખવા લાગે છે.
૩ ઉ ૧. ઉપચાર
અ. દિવસમાં ૨ – ૩ વાર ઝલાઈ ગયેલા સ્નાયુઓને તેલ લગાડવું. તેલ લગાડવા પહેલાં તે થોડું ગરમ કરવું. તેલ વધારે ચોળવું નહીં.
આ. તેલ લગાડ્યા પછી ૫ થી ૧૦ મિ. શેક કરવો. શેક કરતી વેળાએ દુખનારા ભાગની હિલચાલ કરવી. શેકની ઉષ્ણતાને કારણે સ્નાયુ ઢીલા પડે છે. આવા સ્નાયુઓ ની હિલચાલ કરવાથી તેમનું ઝલાઈ જવું ન્યૂન થાય છે.
૩ ઊ. એડી દુઃખવી
ઠંડી લાદી પરથી ચાલવાથી અથવા ઠંડી લાદી પર પગ મૂકીને બેસવાથી એડી દુઃખવા લાગે છે.
૩ ઊ ૧. ઉપચાર
અ. પગમાં નિરંતર ચંપલ પહેરવી.
આ. એડી શેકવી.
ઇ. એકજ ઠેકાણે વધારે સમય રહેવું પડે (ઉદા. સંગણક સામે બેસવું, રસોઈ કરવા માટે સગડી સામે ઊભા રહેવું) ત્યારે પગ નીચે ગૂણપાટ અથવા પગલુછણિયું લેવું.’