ભક્તોની ઇચ્છા પૂર્ણ કરનારાં કાશ્મીર ખાતેનાં શ્રી ખીર ભવાનીદેવી !
કાશ્મીરના ગંદેરબલ જિલ્લામાં આવેલું આ મંદિર હિંદુઓ માટે મહત્વનું સ્થાન છે. આ મંદિર શ્રી રાગ્ન્યાદેવી સાથે સંબંધિત છે. જેઠ માસની અષ્ટમી, તેમજ પ્રત્યેક માસની સુદ પક્ષ આઠમની તિથિએ ભક્તો મોટા પ્રમાણમાં મંદિરમાં દર્શનાર્થે આવે છે. મહારાજા પ્રતાપ સિંહજીએ વર્ષ ૧૯૧૨માં આ મંદિર બંધાવ્યું હતું. ત્યાર પછી મહારાજા હરિ સિંહજીએ મંદિરની દેખભાળ અને સુશોભીકરણ કર્યું. વર્તમાનમાં સદર મંદિરના અધિકાર ‘જમ્મુ-કાશ્મીર શ્રાઈન બોર્ડ’ પાસે છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર પોલીસનો નિરંતર પહેરો રહે છે.
પૌરાણિક સંદર્ભ
પુરાણ અનુસાર રાવણ પોતે માતા રાગ્ન્યાદેવીની પૂજા કરતો હતો. તેથી તેને સતત દેવીના આશીર્વાદ મળતા હતા. દેવી રાગ્ન્યા પહેલાં લંકામાં રહેતાં હતાં; પણ રાવણનાં ખરાબ કર્મોને કારણે દેવીએ રાવણને શાપ આપ્યો અને હનુમાનજીને પોતાને સતીસાર (કાશ્મીર) ખાતે લઈ જવાની આજ્ઞા કરી. બાહ્ય જગત્થી દૂર બરફથી આચ્છાદિત પર્વતમાળામાં આ સ્થાન હતું. હનુમાનજી દેવીને તેમના વાહન અને ૩૬૦ નાગ સાથે આ સ્થાન પર લઈ આવ્યા.
મંદિરની રચના
શ્રી ખીર ભવાનીદેવીના મંદિરની ચારેકોર પાણી છે અને મંદિરના પરિસરમાં મોટા ચિનાર વૃક્ષો છે. આ મંદિર ફરતે પાણીનું અષ્ટકોણ તળાવ છે. ત્યાંથી અંદર ગયા પછી એક ચોરસ આકારનું તળાવ છે. મંદિરના ગર્ભગૃહમાં દેવીની મૂર્તિની સ્થાપના કરી છે.
દેવીને શુદ્ધ ખીર પુષ્કળ ભાવે છે. તેથી દેવીની પૂજા ‘મહારાગ્ન્યા’ નામથી કરવામાં આવે છે. દેવીના નિજસ્થાન પર એક રહસ્યમય ઠેકાણું છે. એવું કહેવામાં આવે છે કે, તે રહસ્યમયી સ્થાન પર સહસ્રોની સંખ્યામાં નાગદેવ અને તેમના અષ્ટકુળ દેવતા નિવાસ કરે છે. શ્રી ગણપતિ, ભીમ રાજ અને કુમાર અમૃતકુંડના દ્વાર પાસે રહે છે. અમૃતકુંડના મધ્યભાગમાં પૂર્વ દિશામાં અષ્ટનાગ દેવતા એટલે – વાસુકિ નાગ, નીલ નાગરાજ, તક્ષક નાગરાજ, પદ્મનાગરાજ, મહાપદ્મ નાગરાજ ઇત્યાદિ રહે છે. અમૃતકુંડના મધ્યભાગમાં અનંત નાગરાજ રહે છે.
તેમના ફરતે ૨ સહસ્ર નેત્ર અને ૨ સહસ્ર જીભ રહેલા સહસ્ર નાગોએ કુંડાળું કર્યું છે. દેવી રાગ્ન્યા અનંતનાગરાજ પરના ૧ સહસ્ર પાંખડી ધરાવનારા ગુલાબના પુષ્પ પર બિરાજમાન થયાં છે.
ભવિષ્યમાંની શુભાશુભ ઘટનાઓનો સંકેત આપનારું અષ્ટકોણી તળાવમાંનું પાણી !
આ કુંડનું ચમકનારું પાણી ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે સૂચના આપે છે. ગુલાબી, દૂધિયું અને આછા લીલા રંગનું પાણી શુભ સંકેત આપે છે, જ્યારે કાળા, ઘેરા લાલ રંગોનું પાણી અશુભ સંકેત આપે છે.
જળસ્વરૂપમાં વસવાટ કરનારાં આ દેવી ભક્તોની ઇચ્છા પૂર્ણ કરનારાં છે. દેવી રાગ્ન્યા જળરૂપી તુલ્લમુલ્લ નાગ પર બિરાજમાન છે.