‘પંજાબશાર્દૂલ’ હુતાત્‍મા ઉધમસિંહ !

બલિદાન દિવસ – ૩૧મી જુલાઈ

‘ધ્‍યેય ભલે ગમે તેટલું અસાધ્‍ય હોય, તો પણ જેમનું સર્વસ્‍વ તે ધ્‍યેય માટે સમર્પિત હોય છે અને જેમના આદર્શ ઉત્તુંગ હોય છે, તેઓ પોતાનું ધ્‍યેય સાધ્‍ય કરે છે જ ! એવા જ એક મહાન ધ્‍યેયવાદી ક્રાંતિકારી એટલે ‘પંજાબશાર્દૂલ’ હુતાત્‍મા ઉધમસિંહ !

૧૩ એપ્રિલ ૧૯૧૯ના કાળા દિવસે જનરલ ડાયર અને માયકલ ઓડવાયરે જાલિયનવાલા બાગમાં ભેગા થયેલા નિઃશસ્‍ત્ર અને નિરપરાધ લોકો પર બેછૂટ ગોળીબાર કરીને ૩૭૩ અમાનુષ હત્‍યા કરી, જ્‍યારે ૧૫૦૦ લોકોને ઘાયલ કર્યા. આ ઘાયલ થયેલાઓમાંના એક એટલે સરદાર ઉધમસિંહ. મૂળમાં ક્રાંતિકાર્ય ભણી આકર્ષિત થયેલા અને વાચન દ્વારા જાગૃત થયેલા ઉધમસિંહ આ બનાવથી પ્રક્ષુબ્‍ધ થયા અને તેમણે હત્‍યા કરનારાઓને દેહાંત દંડ દેવાની ઘોર પ્રતિજ્ઞા કરી.

ઉધમસિંહનો ક્રાંતિકારીઓના ટોળામાં સહભાગ વધવાથી પોલીસ તેમની પાછળ પડી ગયા અને તે ટાળવા માટે તેઓ પૂર્વ આફ્રિકામાં ભાગી છૂટ્યા. ત્‍યાંથી અમેરિકા, જર્મની ઇત્‍યાદિ ઠેકાણે ઘણું ફર્યા. તેમને ભગતસિંહનો દારૂગોળો અને શસ્‍ત્ર લઈ આવવાનો સંદેશ મળ્યો. તેઓ હિંદુસ્‍થાનમાં પેઠા. વર્ષ ૧૯૨૭માં તેઓ એક પોલીસ છાપામાં પકડાઈ ગયા. ઉધમસિંહને ૫ વર્ષ કારાવાસની સજા થઈ; પણ છૂટતાંવેંત જ તેઓ છૂપી રીતે દેશબહાર છટક્યા અને રશિયા, ઇજિપ્‍ત, ઍબિસિનીયા, ફ્રાન્‍સ, જર્મની આ રીતે રખડતા અંતે વર્ષ ૧૯૩૩માં ઇંગ્‍લેંડ આવી પહોંચ્‍યા. ત્‍યાં સુધી જનરલ ડાયર મરી ગયો હતો. બીજા મહાયુદ્ધની ધમાધમ ચાલુ થતાં જ તેઓ વર્ષ ૧૯૩૬ થી વર્ષ ૧૯૩૯ દરમ્‍યાન બેવાર યુરોપ જઈ આવ્‍યા. એક બ્રિટીશ ટૉમીને દારૂ પાઈને તેમણે સાવ સસ્‍તામાં એક અમેરિકન બનાવટની ‘સ્‍મિથ એંડ વેસન’ની ૪૫૫ ની પિસ્‍તોલ અને ૨૫ કારતૂસો મેળવ્‍યા.

હવે સર્વ સિદ્ધતા હતી. પ્રતિક્ષા હતી તે યોગ્‍ય તકની અને વહેલી જ આ તક સાંપડી ગઈ. ૧૩ માર્ચ ૧૯૪૦ના દિવસે કૅક્‍સ્‍ટન સભાગૃહમાં ‘ઈસ્‍ટ ઇંડિયા એસોસિએશન’ અને ‘રૉયલ એશિયાટિક સોસાયટી’ વતી એક સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સભા માટે ઉપસ્‍થિત રહેનારા આસામીઓમાં ઓડવાયર પણ હતો. તેમાં જ ઉધમસિંહે યોજના બનાવી.

૧૩ માર્ચની સવાર પડી. પોતાનું ‘સ્‍મિથ એંડ વેસન’ ભરીને અને જો કદાચ પરદેશી શસ્‍ત્ર દગો દે, તો કોટના અંદરના ખીસામાં એક છૂરો રાખીને ઠાઠમાઠનો પહેરાવ કરીને નીકળ્યા અને સભાસ્‍થળે પહોંચ્‍યા. વ્‍યાસપીઠની સામે પ્રથમ હરોળમાં છેક ડાબી બાજુએ ઓડવાયર બેઠો છે, એમ તેમણે જોયું. લોકોને ધકેલતા ઉધમસિંહ બને તેટલા આગળ જવાનો પ્રયત્ન કરતા હતા. આગળ થોડી જગ્‍યા થતાં જ ઝડપથી ઉધમસિંહ આગળ આવ્‍યા અને તેમણે પોતાનું રિવૉલ્‍વર કાઢીને ગોળીબાર કરવાનું ચાલુ કર્યું. પહેલી બે ગોળીઓમાં જ ઓડવાયર પતી ગયો. પણ તેઓ જુસ્‍સાથી ગોળીબાર કરતા જ રહ્યા.

ઉધમસિંહ પોતાને નિયંત્રણમાં રાખતા હતા, ત્‍યારે જ ક્લૉડ રિચેસે એક વાયુદળના સિપાહીની સહાયતાથી તેમની ધરપકડ કરી. આ સમાચાર સાંભળતાં જ સહુકોઈને વર્ષ ૧૯૦૯ના હુતાત્‍મા મદનલાલ ધિંગ્રાએ આ જ સ્‍થાન પર કરેલા કર્ઝન વાયલીના વધનું સ્‍મરણ થયું. હિંદુસ્‍થાનના સ્‍વાર્થી અને સત્તાપિપાસુ નેતાઓ તેનો નિષેધ કરવા લાગ્‍યા, ચમચાગીરી કરનારાઓએ નિષેધ સભાઓ લીધી. ગાંધીજીએ હંમેશાંની જેમજ ‘માથું ફરેલું કૃત્‍ય’ એવું વિશેષણ આપીને ઉપહાસ કર્યો. કેવળ સ્‍વતંત્રતાવીર સાવરકરજીએ પ્રશંસા કરી. જનતા ઉધમસિંહના આ પ્રતિશોધથી અવાક બની ગઈ અને તેમની સામે નતમસ્‍તક થઈ. ખટલો ચાલુ થયો અને ઉધમસિંહને ફાંસીની સજા થઈ.

ત્‍યારે પ્રતિક્રિયા આપતી વેળાએ અંતિમ ભાષણ સમયે ઉધમસિંહે કહ્યું, ‘‘મેં આ કૃત્‍ય કર્યું છે, કારણકે તે મરવાને જ લાયક હતો. તે મારા દેશનો ગુનેગાર હતો. તેણે મારા દેશબાંધવોની અસ્‍મિતા કચડી નાખવાનો પ્રયત્ન કર્યો, મેં તેને કચડી નાખ્‍યો. હું ગત ૨૧ વર્ષ પ્રતિશોધ (બદલો વાળવાની શોધ)માં હતો, તે હવે પૂર્ણ થઈ છે. હું મરવાના વિચારથી જરા પણ વિચલિત થયો નથી; હું મારા દેશ માટે બલિદાન આપી રહ્યો છું. બ્રિટીશોની અત્‍યાચારી રાજવટમાં મેં અનેક દેશબાંધવો મરતાં જોયા છે અને તેનો નિષેધ મેં મારી કૃતિ દ્વારા વ્‍યક્ત કર્યો છે. મારી માતૃભૂમિ પ્રિત્‍યર્થે મને મૃત્‍યુ આવી રહ્યું છે, આનાથી મોટું સન્‍માન બીજું તે શું હોઈ શકે ?’’

૩૧ જુલાઈ ૧૯૪૦ના દિવસે ઉધમસિંહને લંડન ખાતે જ્‍યાં ધિંગ્રાને ફાંસી આપી હતી, ત્‍યાં જ ફાંસી આપવામાં આવી. બરાબર ૨૧ વર્ષ બદલો વાળવાનો ધ્‍યાસ લઈને અંતમાં તે પૂર્ણ કરનારા અને તે માટે હસતા મોઢે બલિદાન દેનારા ‘પંજાબશાર્દૂલ હુતાત્‍મા ઉધમસિંહ’ને વિનમ્ર અભિવાદન !’

Leave a Comment