ગીતા જયંતી નિમિત્તે.. (માગશર સુદ પક્ષ ૧૧)

   સાધના માર્ગ પર ચાલનારા લોકો માટે મોક્ષ
વિશે માર્ગદર્શન કરનારી ભગવાન્ શ્રીકૃષ્ણજીની શિખામણ !

ભગવાન્ શ્રીકૃષ્ણ ! નામ લેતાં જ મન આદર અને આનંદથી ભરાઈ જાય છે. ભગવાન્ શ્રીકૃષ્ણ પ્રત્યે મનમાં અત્યધિક આદર શા માટે હોય છે ? તેમના અનુપમ સૌંદર્યને કારણે ? રાસલીલાને કારણે ? બાળપણમાં તેમણે કરેલા અનેક ચમત્કારોને કારણે ? ભગવાન્ શ્રીવિષ્ણુના સોળ કળાઓ ધરાવતા પૂર્ણાવતાર હોવાને કારણે ? ના ! ભગવદ્દગીતા દ્વારા તેમણે આપેલા દિવ્ય જ્ઞાનને કારણે ! ખરૂં જોતાં આ જ્ઞાન માટે ‘દિવ્ય’, ‘અપ્રતિમ’, ‘અલૌકિક’, ‘અદ્દભૂત’ જેવા શબ્દો પણ અપૂરાં પડે છે.

 

ભક્તોને આશ્વાસન આપતાં શ્રીકૃષ્ણજીનાં કેટલાંક વચનો

૧. શુભ કર્મ કરનારાઓની કદીપણ અધોગતિ થતી નથી !

‘न हि कल्याणकृत्कश्‍चिद्दुर्गतिं तात गच्छति ।’

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૬, શ્લોક ૪૦

અર્થ : સારાં કર્મો કરનારાઓને કદીપણ દુર્ગતિ મળતી નથી.

૨. મારા નિષ્કામ ભક્તોનો યોગક્ષેમ હું ચલાઉં છું !

  ‘योगक्षेमं वहाम्यहम् ।’

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૯, શ્લોક ૨૨

અર્થ : જે કોઈ અનન્યભાવથી મારી નિરંતર નિષ્કામ ઉપાસના કરે છે, તેમનો જીવનનિર્વાહ હું ચલાઉં છું.

૩. મારા ભક્તનો કદીપણ નાશ થતો નથી !

   ‘न मे भक्तः प्रणश्यति ।’

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૯, શ્લોક ૩૧

અર્થ : મારા ભક્તનો ક્યારે પણ નાશ થતો નથી (અતિ દુરાચારી પણ જો અનન્યભાવથી મારી ભક્તિ કરશે, તો તેને સાધુ સમજવું યોગ્ય થશે; કારણકે તેણે યોગ્ય નિશ્ચય કર્યો છે. તે વહેલો જ ધર્માત્મા બની જાય છે.)

૪. ભક્તનો આ નશ્વર સંસારથી હું ઉદ્ધાર કરું છું !

 ‘तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् ।’

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૧૨, શ્લોક ૭

અર્થ : જે કોઈ બધા જ કર્મો મને અર્પણ કરીને, મારા ઠામે પરાયણ થઈને મારામાં અનન્યતાથી ચિત્ત પરોવે છે, તેમનો હું મૃત્યુમય જગતથી ઉદ્ધાર કરું છું.

૫. હું તમને બધા જ પાપોથી મુક્ત કરીશ !

 ‘अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥’

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૧૮, શ્લોક ૬૬

અર્થ : બધા જ ધર્મોનો (ધર્મોમાં કહેલાં બધાં જ કર્મોનો) ત્યાગ કરીને એક મારી જ શરણમાં આવો. શોક કરશો નહીં, હું તમને બધા પાપોથી મુક્ત કરીશ.

 

 ભગવદ્દગીતા ની શિખામણનું આચરણ
કરીને પોતાનામાં સ્થિત ઈશ્વરને જાગૃત કરો !

   શ્રીમદ્ ભગવદ્દગીતા અર્થાત્ જીવનદર્શન અને મોક્ષદર્શન !

શ્રીમદ્ ભગવદ્દગીતા દ્વારા એવું જ્ઞાન મળે છે કે ‘જીવન કેવી રીતે જીવવું જોઈએ અને કેવી રીતે નહીં’. તે માર્ગ ભૂલેલા લોકોને માર્ગદર્શન કરે છે તેમજ દુ:ખી-પીડિત લોકોને આશ્વાસન આપે છે. ગીતામાં માતાની મમતા છે; તેથી ગીતા ‘માતા’ છે. ગીતાના પ્રત્યેક શબ્દમાં ચૈતન્ય સમાયેલું છે. ગીતા સંન્યાસ, જ્ઞાન, કર્મ, ધ્યાન, ભક્તિ ઇત્યાદિ યોગમાર્ગોનું માર્ગદર્શન કરાવનારો ધર્મગ્રંથ છે.

 

   યુરોપિયન વિદ્વાનોએ ઓળખ્યું ગીતાનું મહત્વ !

જગતની ૧૯૨ ભાષાઓમાં ગીતાનો અનુવાદ થયો છે. અનેક યુરોપિયન તેમજ અમેરિકન વિદ્વાનોએ ગીતાની મહિમાનું મુક્ત કંઠથી યશોગાન કર્યું છે. થોરો નામક પશ્ચિમી દાર્શનિકને એકવાર કોઈએ પ્રશ્ન પૂછ્યો, ‘તમારા આચાર-વિચાર આટલા શ્રેષ્ઠ કેવી રીતે છે ?’ ત્યારે તેણે તત્કાલ ઉત્તર આપ્યો, ‘હું પ્રતિદિન સવારે ઊઠીને  ભગવદ્દગીતા વાચું છું’.

 

   શ્રીમદ્ ભગવદ્દગીતા ની શિખામણ જ
ભારતવર્ષને તેમજ જગતને પણ તારી લેશે !

ગીતા જ્ઞાનમય ચૈતન્યનું શિક્ષણ છે. અજ્ઞાન, રજ-તમ પ્રવૃત્તિ, દુ:ખ તેમજ અન્યાયના વિરોધમાં લડવાની વીરવૃત્તિ છે. ભગવદ્દગીતા  માનવીમાં દેવત્વ જાગૃત કરે છે. આજે રાષ્ટ્ર અને ધર્મની સ્થિતિ દયનીય છે અને ભારતીઓ તેજહીન બની ગયા છે. ભગવદ્દગીતા ની શિખામણ જ ભારતવર્ષ તેમજ સમગ્ર જગતને તારી લેશે !

સનાતનના સંત (પૂ.) સંદીપ આળશી

 

મહાભારત – એક વિશિષ્ટતાપૂર્ણ ધર્મયુદ્ધ

૧. કૌરવ-પાંડવો વચ્ચેનું યુદ્ધ, એક ધર્મયુદ્ધ હતું. તે સમયે અરસ-પરસ ચર્ચા કરીને યુદ્ધના નિયમો બનાવવામાં આવ્યા હતા.

૨. સૂર્યાસ્ત થાય ત્યારે યુદ્ધ સમાપ્ત થઈ જતું હતું. તે વેળાએ બન્ને પક્ષના લોકો એકબીજાને મળતા હતા. રશિયા, યુરોપિયન દેશો, અમેરિકા આવા યુદ્ધની કલ્પના પણ કરી શકે નહીં.

શ્રીમદ્ ભગવદ્દગીતા હિંસા નહીં, જ્યારે મોક્ષપ્રાપ્તિ માટેના ઉપાયો બતાવે છે, આ વાત રશિયાને સમજાવો !

ભગવદ્દગીતા  હિંસાને ઉશ્કેરે છે એમ માની લઈને રશિયામાં બે વાર સદર ગ્રંથ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો; પણ સત્ય તો એમ છે કે ભગવદ્દગીતા હિંસાને પ્રોત્સાહન આપવાને બદલે તત્વજ્ઞાન શીખવે છે.

૩. ગીતામાં ઈશ્વરની ન તો ‘આજ્ઞા’ હોય છે કે નથી હોતા ‘ફતવા’

૪. નિર્ણય કરવાનો અધિકાર અર્જુનને જ આપવામાં આવવો

इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया ।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥

શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૧૮, શ્લોક ૬૩

અર્થ : આ રીતે, મારા દ્વારા તમને આ ગોપનીયથી પણ અતિ ગોપનીય જ્ઞાન કહેવામાં આવ્યું છે. હવે તમે આના વિશે સારી રીતે વિચાર કરીને, જેવી તમારી ઇચ્છા હોય, તે પ્રમાણે કરો.

 સ્પષ્ટીકરણ

શ્રીકૃષ્ણજી અર્જુનને કહે છે, ‘મેં તને કર્તવ્ય-અકર્તવ્ય, યોગ્ય-અયોગ્ય, આત્માનું સ્વરૂપ, મોક્ષપ્રાપ્તિના માર્ગો ઇત્યાદિ વિશે સંપૂર્ણ જ્ઞાન આપ્યું છે. તેનો તું સારાસાર વિચાર કરીને જેવી તારી ઇચ્છા હોય, તે પ્રમાણે કર.’

ઉપર્યુક્ત વિવેચન દ્વારા સ્પષ્ટ થાય છે કે ભગવદ્દગીતા વિશે અધૂરી જાણકારીના આધાર પર અયોગ્ય ધારણા કરી લેવા કરતાં, તેનો યોગ્ય અભ્યાસ કરીને તેમાં વર્ણિત જ્ઞાન આત્મસાત્ કરવું એ જ રશિયા સહિત સહુકોઈના હિતમાં છે.

– પૂ. અનંત બાળાજી આઠવલે (સનાતનનો ગ્રંથ : ‘ગીતાજ્ઞાનદર્શન’)

 

ગીતામાં પ્રતિપાદિત મોક્ષપ્રાપ્તિના જુદા જુદા માર્ગ

અર્જુનને ગીતા-ઉપદેશ માનવજાતિ માટે મોક્ષનો માર્ગ બતાવવાનું નિમિત્ત હતું. ગીતામાં રણનીતિ, અસ્ત્ર-શસ્ત્રોનું કુશળ સંચાલન ઇત્યાદિ વિશે ચર્ચા જ નહોતી, પણ મોક્ષપ્રાપ્તિના વિભિન્ન યોગમાર્ગ કહેવામાં આવ્યા છે.

અ. સાંખ્યયોગ : આ સંન્યાસનો માર્ગ છે.

આ. ધ્યાનયોગ : તેમાં, એકલા તેમજ ગુપ્તસ્થાનમાં રહીને ધ્યાન લગાડવા માટે કહેવામાં આવ્યું છે.

ઇ. કર્મયોગ : તેમાં, સ્વાર્થ અને ફળપ્રાપ્તિની ઇચ્છાનો ત્યાગ કરીને કર્મ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ઈ. ભક્તિયોગ : તેમાં, ઈશ્વરપ્રાપ્તિને માનવીનું ધ્યેય કહેવામાં આવ્યું છે.

ઉ. વિભૂતિયોગ : તેમાં, ઈશ્વરના સર્વવ્યાપી રૂપની અનુભૂતિ અનુભવવા માટે કહેવામાં આવ્યું છે.

એમ હોય, ત્યારે, ઉપર્યુક્ત યોગમાર્ગોમાં હિંસાને સ્થાન ક્યાં છે ?

 

સાંખ્યયોગ અને બુદ્ધિયોગ, આ મોક્ષપ્રાપ્તિના બે રાજમાર્ગોમાંનો બુદ્ધિયોગ

૧. તત્વજ્ઞાન

બુદ્ધિયોગ એટલે કર્મયોગ છે. કર્મ કરતી વેળાએ બુદ્ધિ કેવી હોવી જોઈએ, આ વાત ભગવાન્ શ્રીકૃષ્ણજીએ નીચે જણાવ્યા પ્રમાણે કહી છે –

૧ અ. ફળની ઇચ્છા રાખ્યા વિના કર્મ કરવું
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૨, શ્લોક ૪૭

અર્થ : તમને કેવળ કર્મો કરવાનો અધિકાર છે, તેના ફળો પર નથી; (તેથી) કર્મ કરતી વેળાએ તમારો ઉદ્દેશ ફળપ્રાપ્તિ કરી લેવાનો ન હોવો, તેમજ કર્મ ન કરવા બાબતે પણ આસક્તિ ન હોવી જોઈએ.

૧ આ. બુદ્ધિયોગ શું છે ? : યશ-અપયશમાં સમત્વ રાખવું, સમ રહીને કર્મ કરવું એટલે  બુદ્ધિયોગ  છે.
योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय ।
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते ॥

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૨, શ્લોક ૪૮

અર્થ : હે ધનંજય અર્જુન, તું આસક્તિ છોડી દઈને, તેમજ સિદ્ધિ અને અસિદ્ધિમાં (યશ-અપયશમાં) સમાન ભાવ રાખીને યોગના ઠામે સ્થિર રહીને કર્તવ્યકર્મ કર. આ સમત્વને જ  યોગ  કહે છે.

बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ॥

શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૨, શ્લોક ૫૦

અર્થ : સમબુદ્ધિ રાખનારો પુરુષ પુણ્ય અને પાપ આ બન્નેનો આ જ જગતમાં ત્યાગ કરે છે, અર્થાત્ તેનાથી મુક્ત રહે છે; તેથી તું સમત્વરૂપી યોગ અનુસાર આચરણ કર. આ સમત્વરૂપ યોગ જ કર્મોમાં કુશળતા છે, અર્થાત્ કર્મબંધનથી છૂટવાનો ઉપાય છે.

  વિવેચન

કર્મ કરતી વેળાએ તેમાં યશ મળશે કે કેમ, તેનું વાંછિત પરિણામ આવશે કે નહીં, તેના દ્વારા સુખની પ્રાપ્તિ થશે કે દુ:ખની, તેનો વિચાર કરવાને બદલે આ સર્વ બાબતોમાં સમબુદ્ધિ રાખવી, એ કર્મ કરવાની કુશળતા છે. તેનાથી સામાન્ય રીતે કર્મો દ્વારા મળનારા પાપ-પુણ્ય મળવાને બદલે માનવી કર્મ-બંધનોથી મુક્ત રહે છે.

૧ ઇ. ત્રિગુણાતીત થવું
त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन ।
निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् ॥

શ્રીમદ્ ભગવદ્દગીતા,, અધ્યાય ૨, શ્લોક ૪૫

અર્થ : હે અર્જુન, વેદ ત્રણેય ગુણોના કાર્ય તરીકે ભોગ તેમજ તેમની પ્રાપ્તિના ઉપાય બતાવે છે. તું, ભોગ અને તેની પ્રાપ્તિના ઉપાયોમાં આસક્તિ રાખવાને બદલે ત્રિગુણાતીત બની જા. સુખ-દુ:ખાદિ દ્વંદ્વો વિહોણા શાશ્વત પરમાત્માના ઠામે સ્થિત, યોગક્ષેમની ઇચ્છા રાખ્યા વિના આત્મપરાયણ બની જા.

વિવેચન

વેદ, વૈદિક કર્મ ત્રિગુણમય છે; તેથી તેઓ ફળ આપે છે, જે ભોગવવા પડે છે. કર્મોના ફળો પામવાની આશા, ઇચ્છા તેમજ કર્મોના ફળોને કારણે થનારા સુખ-દુ:ખાદિ દ્વંદ્વોથી અળગાં રહેવું, આને જ ત્રિગુણાતીત કહે છે.

  ૨. સાધના

અ. આસક્તિ રાખ્યા વિના કર્મો કરવાના છે તેમજ કર્મો કરવા પ્રત્યે ઉદાસીન પણ રહેવાનું નથી.

આ. અંતસમયમાં બ્રહ્મલીન થવું : બધી કામનાઓ, મમતા અને અહંકાર ત્યજનારને શાંતિ મળે છે. આ બ્રહ્મમય સ્થિતિ છે. આવો સાધક અંતસમયે આ સ્થિતિમાં રહીને બ્રહ્મમાં લીન થઈ જાય છે. (અધ્યાય ૨, શ્લોક ૭૧,૭૨)

વિવેચન

સર્વ ઇંદ્રિયો પ્રતિ નિરંતર દક્ષતા વર્તવી આવશ્યક

यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्‍चितः ।
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥

શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૨, શ્લોક ૬૦

અર્થ : ઇંદ્રિયો એટલી પ્રબળ અને ચંચળ છે કે હે અર્જુન, ઇંદ્રિયોને નિયંત્રણમાં રાખવા માટે પ્રયત્નરત વિવેકી પુરુષના મનને પણ તેઓ પોતાની ભણી બળજબરાઈથી ખેંચી લે છે.

 

કર્મો કરવા છતાં પણ તેમનું પાપ-પુણ્ય
કેવી રીતે લાગવા ન દેવું, તે શીખવનારો કર્મયોગ

 ૧. કર્મફળ

૧ અ. કયું કર્મ બંધનકારી છે ?

ઈશ્વર પ્રત્યે, ઈશ્વરાર્પણ કરીને કરેલા કર્મો સિવાયના બાકીનાં બધા જ કર્મો બંધનકારક છે, અર્થાત્ તેના દ્વારા પાપ-પુણ્ય લાગે છે અને જેના ફળ ભોગવવા પડે છે.

૧ આ. કર્મની આસક્તિ છૂટી જવાનું મહત્વ !

કર્મ કરવાનું છોડવાથી નૈષ્કર્મ્ય (સર્વકર્મપરિત્યાગ) અથવા સંન્યાસ થતો નથી, સંન્યાસનું ફળ મળતું નથી. ( તેના માટે હજી વધુ શું કરવું જોઈએ , તે આગળ પાંચમા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે.) તેમજ શરીર દ્વારા કર્મો કરવાનું છોડી દેવા છતાં પણ, જો મનમાં કર્મો કરવાના વિચાર આવતા રહે, તો એવું  કર્મ છોડી દેવું  એટલે એક ઢોંગ હશે. (અધ્યાય ૩, શ્લોક ૪ અને ૬)

૧ ઇ. કર્મફળની આસક્તિ મટાડવાના ઉપાયો

બધા કર્મો પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે; પણ અહંકારને કારણે મોહિત થયેલો માનવી પોતાને કર્તા માનવા લાગે છે. ગુણવિભાગ અને કર્મવિભાગનાં તત્વો  (પરિશિષ્ટ ક્ર. ૧, સૂત્ર ૪) જાણનારો ગુણો તેમજ કર્મફળોમાં આસક્ત થતો નથી.

   વિવેચન

   કર્મો કરીને સ્વભાવદોષ દૂર કરવાની યુક્તિ

૧. સામાન્ય માનવી કામનાપૂર્તિ માટે કર્મો કરે છે, જ્યારે કર્મયોગી કામનાનિવૃત્તિ માટે કર્મો કરે છે.

૨. કર્મયોગમાં કર્મ જો અન્યોની સેવા માટે કરીએ, તો તે પોતાના માટે યોગ હોય છે.

૩. કર્મયોગમાં શરીર અન્યોની સેવા કરવાના ઉપયોગમાં લાવવાથી અહંતા, તેમજ પોતાની વસ્તુઓ અને ધન અન્યોની સેવા કરવાના ઉપયોગમાં લાવવાથી વસ્તુ તેમજ ધનમાં રહેલી મમતા નષ્ટ થઈ જાય છે. નિષ્કામ સેવા કરવાથી ભાવના અને દ્વેષ નષ્ટ થઈ જાય છે.

       ૨. સાધના

અ. કર્મ (ફળ) ઈશ્વરને અર્પણ કરવું. એમ કરવાથી કર્મનું પાપ-પુણ્યરૂપી બંધન નિર્માણ થતું નથી. (અધ્યાય ૩, શ્લોક ૯)

આ. કર્મો, અન્યોના હિત માટે કરવાં. અન્યોના લાભ માટે તેમજ અન્યોની સેવા કરવા માટે કરવા.

ઇ. કર્મો તો કરવાના જ છે; પરંતુ તેના ફળની આસક્તિ સંપૂર્ણ રીતે છોડીને કરવાં. (તેનાથી તે કર્મ દ્વારા પાપ-પુણ્ય લાગતું નથી) (અધ્યાય ૩, શ્લોક ૧૯)

ઈ. પ્રકૃતિના ગુણોને કારણે કર્મો થાય છે.  આપણે તે કર્મોના કર્તા નથી , આ વાત ધ્યાનમાં રાખીને કર્મો કરવા જોઈએ. કર્તાપણાનો અહંકાર થવા દેવો નહીં. (અધ્યાય ૩, શ્લોક ૨૭ અને ૨૮)

ઉ. ઇંદ્રિયોનું નિયમન કરીને કામ તેમજ ક્રોધનો નાશ કરવો. (અધ્યાય ૩, શ્લોક ૩૭ અને ૪૧)

 

ભક્તિના વિભિન્ન પ્રકાર, તેમજ ઈશ્વરને
પ્રિય એવા ભક્તના લક્ષણો વિશદ કરનારો ભક્તિયોગ

      ૧. તત્વજ્ઞાન

૧ અ. ઈશ્વરે ભક્તનો ઉદ્ધાર કરવો

જે કોઈ સર્વ કર્મો ઈશ્વરને અર્પણ કરીને તેમની અનન્ય ભક્તિ કરે છે, તેમનો મૃત્યુરૂપી સંસારસાગરમાંથી ઈશ્વર જ ઉદ્ધાર કરે છે. (અધ્યાય ૧૨, શ્લોક ૬ અને ૭)

     ૨. જુદી જુદી સાધનાઓ

અ. મન અને બુદ્ધિ ઈશ્વરમાં પરોવવાં (અધ્યાય ૧૨, શ્લોક ૮)

આ. જો એ બનતું ન હોય, તો (આસક્તિ અને સ્વાર્થ ત્યજીને) સર્વ કર્મો ઈશ્વર માટે થઈને કરવાં (અધ્યાય ૧૨, શ્લોક ૧૦)

ઇ. સર્વ કર્મો ઈશ્વરાર્પણ કરવું બનતું ન હોય, તો મનનો સંયમ કરીને સર્વ કર્મોનાં ફળોનો ત્યાગ કરવો (અધ્યાય ૧૨, શ્લોક ૧૧)

 વિવેચન

ગીતામાં સર્વકર્મફળત્યાગનું મહત્વ સૌથી વધારે કહ્યું છે. ઉપનિષદમાં પણ વિશદ કર્યું છે, त्यागेनै के अमृतत्त्वमानशु: । (કૈવલ્યોપનિષદ્, મંત્ર ૩), અર્થાત્  એકમાત્ર ત્યાગથી જ અમરત્વ, એટલે જીવન-મૃત્યુના ફેરામાંથી મુક્તિ મળે છે.

આરંભમાં કર્મોનાં ફળોનો ત્યાગ કરવો પડે છે. આગળ જતાં તે સહેજે બનતો જાય છે. તેનાં કરતાં પણ આગળની સ્થિતિમાં કરેલાં કર્મોનાં ફળોની ઇચ્છા જ મનમાં ઉદભવતી નથી. મન નિષ્કામ બની જાય છે. બ્રહ્મ પણ આવું જ નિષ્કામ હોય છે; તેથી બ્રહ્મ સાથે સાધર્મ્ય થાય છે.

 

   ૩. ફળ

મન અને બુદ્ધિ ઈશ્વરમાં પરોવવાં, તેની કવાયત હાથ ધરવી, ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો, ધ્યાન ધરવું અથવા સર્વ કર્મોનાં ફળોનો ત્યાગ કરવો, આમાંથી કોઈપણ સાધના દ્વારા ક્રમવાર ચિત્તશુદ્ધિ થઈને ઈશ્વરપ્રાપ્તિ થાય છે.

 

   ૪. ઈશ્વરને પ્રિય એવા ભક્તનાં લક્ષણો

કોઈનો પણ દ્વેષ ન કરનારો, કરૂણામય, મમત્વરહિત, સુખ-દુ:ખાદિ સર્વ દ્વંદ્વોમાં સમ રહેનારો, ક્ષમાશીલ, સદા સંતુષ્ટ, મન અને ઇંદ્રિયોને સ્વવશ કરેલો, મન અને બુદ્ધિ ઈશ્વરમાં પરોવેલો, જેના દ્વારા અન્યને ઉદ્વેગ થતો નથી અને જે અન્યના કારણે ત્રસ્ત થતો નથી એવો, અપેક્ષારહિત, અંતર્બાહ્ય શુદ્ધ, સર્વ કર્મોનાં આરંભમાં જ કર્તાપણાનો ત્યાગ કરેલો ભક્ત હોય છે અને આવો ભક્ત ઈશ્વરને પ્રિય હોય છે.

 સંદર્ભ : સનાતનનો ગ્રંથ – ‘ગીતાજ્ઞાનદર્શન’

Leave a Comment