વર્ષ ૧૮૫૭ ના સ્વતંત્રતા યુદ્ધના યજ્ઞવેદી પરની પહેલી સમિધા હતી પરમવીર મંગલ પાંડેની અને તે અર્પણ થઈ ૮ એપ્રિલ ૧૮૫૭ના દિવસે ! આ દિવસે હિંદુ પંચાંગ પ્રમાણે ચૈત્ર સુદ પક્ષ ચતુર્દશી હતી. આ નિમિત્તે મંગલ પાંડેનો ચરિત્રનો કેટલોક ભાગ આપણે જોઈશું !
સત્વશીલ બ્રાહ્મણ સિપાહી
મંગલ પાંડે ૩૪મી ટુકડીમાંના યુવાન બ્રાહ્મણ સિપાહી હતા. તેઓ ક્રાંતિપક્ષના સદસ્ય હતા. કોલકાતા નજીક બરાકપૂર ખાતે ૧૯મી ટુકડી પર તે સમયના અંગ્રેજ અધિકારીએ ગાય અથવા ભૂંડની ચરબી લગાડેલા નવા કારતૂસનો પ્રયોગ કરી જોવાનું નક્કી કર્યું. આ કારતૂસો બંદૂકમાં ભરવા પહેલાં તેમને લગાડેલું આવરણ દાંતથી તોડવું પડતું. આ સમયે આ આવરણને લગાડેલી ગાય અથવા ભૂંડની ચરબી મોઢામાં જતી. તેથી તે ટુકડીમાંના સિપાહીઓએ તે કારતૂસો સ્વીકાર કરવાનું નકાર્યું. એટલું જ નહીં, તો પ્રતિકારાર્થે તેમણે શસ્ત્ર ઉગામ્યું.
તે દિવસે બ્રિટીશ અધિકારીઓની સંખ્યા ઓછી હોવાથી તેમણે તે અપમાન સીધી રીતે સહન કર્યું. તેમણે બ્રહ્મદેશ (મ્યાનમાર)થી ગોરા સૈનિકોની ફોજ મગાવીને આ ટુકડીને નિઃશસ્ત્ર કરીને અપમાનિત કરીને હાંકી કાઢવાનું નક્કી કર્યું. આની કાર્યવાહી બરાકપૂર ખાતે કરવાનું નક્કી કર્યું. પોતાના બાંધવોના આ અપમાનની કલ્પનાથી મંગલ પાંડે રોષે ભરાયા. સ્વધર્મ પર પ્રાણો કરતાં વધારે નિષ્ઠા ધરાવનારા, આચરણથી સત્શીલ, દેખાવે તેજસ્વી અને યુવાન મંગલ પાંડેના પવિત્ર લોહીમાં દેશસ્વતંત્રતાની ‘વિદ્યુત ચેતના’નો સંચાર થયો.
કવાયતના મેદાનમાં ઝંપલાવ્યું !
૩૧ મે ના દિવસે એકદમ સર્વત્ર ક્રાંતિયુદ્ધનો આરંભ કરવાની શ્રીમંત નાનાસાહેબ પેશવે ઇત્યાદિની યોજના હતી; પણ ૧૯મી ટુકડીના સ્વદેશ બાંધવોનું પોતાની દેખતા અપમાન થવું, આ વાત મંગલ પાંડેના અંતઃકરણને અસહ્ય દુઃખ આપવા લાગી. ‘આપણી ટુકડીનું આજે જ ઉત્થાન કરવું જોઈએ’, એમ કહીને મંગલ પાંડેએ તેમની બંદૂક ભરી લીધી. આ દિવસ હતો રવિવાર, ૨૯ માર્ચ ૧૮૫૭નો. કવાયતના મેદાન પર ઝંપલાવીને મંગલ પાંડે બ્રિટીશ કરી રહેલા અન્યાયના વિરોધમાં દેશી સૈનિકોને ઉત્તેજિત કરવા લાગ્યા. ‘હે મર્દો, ઊઠો !’ એવી ગર્જના કરીને તેમણે સૈનિકોને કહ્યું, ‘‘હવે પાછીપાની કરશો નહીં. બાંધવો, ચાલો તૂટી પડો ! તમને તમારા ધર્મના સોગંધ છે !! ચાલો, આપણી સ્વતંત્રતા માટે શત્રુનો કચ્ચરઘાણ કરો !!!’
આ જોઈને સાર્જંટ મેજર હ્યૂસને તેને પકડવાની આજ્ઞા કરી; પણ એકપણ સૈનિક જગ્યાથી હલ્યો નહીં. ઊલટું મંગલ પાંડેની ગોળી લાગીને હ્યૂસન ઘાયલ થયો. આ જોઈને લેફ્ટનંટ બૉ ઘોડા પરથી મંગલ પર ધસી ગયો. એટલામાં મંગલની બંદૂકમાંથી છૂટેલી ગોળી ઘોડાના પેટમાં ઘૂસી. ઘોડો લેફ્ટનંટ સહિત ભૂમિ પર પડ્યો. મંગલ પાંડેને બંદૂકમાં ગોળી ભરવાનો સમય મળે તે પહેલાં જ લેફ્ટનંટ બૉ પોતાની પિસ્તોલ કાઢીને ઊભો રહ્યો. મંગલ પાંડેએ જરા પણ ડગમગ્યા વિના તેમની તલવાર કાઢી. બૉએ પિસ્તોલમાંથી ગોળીબાર કર્યો પણ મંગલ પાંડેએ તેમનું નિશાન નિરસ્ત કર્યું. પોતાની તલવારથી મંગલ પાંડેએ તેને પણ આડો પાડ્યો. હ્યૂસન અને બૉ તેમના નિવાસસ્થાન ભણી ભાગી ગયા.
દેશદ્રોહી શેખ !
એટલામાં શેખ પાલટૂ નામક મુસલમાન સિપાહી મંગલની દિશામાં આવવા લાગ્યો ‘તે આપણી ટુકડીમાંનો હોવાથી સહાયતા માટે આવતો હશે’, એવું મંગલ પાંડેને લાગ્યું; પણ તેમ થવાને બદલે શેખ પાલટૂએ મંગલ પાંડેને પાછળથી પકડી લીધા. પાંડેએ તેના હાથ છોડાવ્યા. દેશી સિપાહીઓ શેખની દિશામાં પથ્થર ફેંકવા લાગ્યા. જીવના ડરથી શેખ પાલટૂ ભાગી ગયો. થોડી વારમાં જ કર્નલ વ્હીલર તે સ્થાન પર આવ્યો. તેણે સૈનિકોને મંગલ પાંડેને પકડવાની આજ્ઞા કરી. કર્નલ વ્હીલરને સૈનિકોએ તડપથી કહ્યું, ‘‘અમે આ પવિત્ર બ્રાહ્મણનો વાળ પણ વાંકો થવા દઈશું નહીં.’’
ભારતની પવિત્ર ભૂમિ પરથી વહેનારું ગોરા અધિકારીનું લોહી અને સામેના ધર્માભિમાની સિપાહી જોઈને કર્નલ વ્હીલર તેના બંગલા ભણી ભાગી ગયો. પછી જનરલ હિઅર્સએ પુષ્કળ યુરોપિયન સિપાહી લઈને મંગલ પાંડે પર ચઢાઈ કરી. ત્યાં સુધી બપોર થઈ હતી. મંગલ પાંડે થાકી ગયા હતા. પોતે ફિરંગીઓના હાથમાં સપડાશે, એ જોતાં જ તેમણે બંદૂક પોતાની છાતી ભણી તાંકી અને પોતાના પર ગોળીબાર કર્યો. મંગલ પાંડે ધરતી પર પડ્યા. તેઓ બેભાન થઈ ગયા. પછી જ બ્રિટીશ તેમને પકડી શક્યા. ઘાયલ થયેલા મંગલ પાંડેને સૈનિકી રુગ્ણાલયમાં દાખલ કરવામાં આવ્યા.
અઠવાડિયામાં જ તેમના પર સૈનિકી ન્યાયાલયમાં અભિયોગ (ખટલો) ચલાવવામાં આવ્યો. સ્વધર્મ પર પ્રાણ કરતાં પણ વધારે નિષ્ઠા ધરાવનારા આ જુવાનજોધ ક્રાંતિવીરને ન્યાયાલયે અન્ય કારસ્થાનો કરનારાઓના નામ પૂછ્યા; પણ મંગલ પાંડેના મોઢામાંથી કોઈનું પણ નામ બહાર પડ્યું નહીં. પાંડેને ફાંસીની શિક્ષા સંભળાવવામાં આવી. પોતાના દેશબાંધવોના અપમાન ખાતર પોતાના પ્રાણ અર્પણ કરનારા આ ક્રાંતિકારી વિશે લોકોમાં એટલી વધારે શ્રદ્ધા નિર્માણ થઈ હતી કે, સંપૂર્ણ બરાકપૂરમાં તેમને ફાંસી દેવા માટે એક પણ વ્યક્તિ ગોત્યે પણ જડતો નહોતો.
અંતે આ ગંદા કામ માટે કોલકાતાથી ચાર માણસો મગાવવામાં આવ્યા. મંગલ પાંડે જે ટુકડીમાં સૈનિક હતા, તેના સુભેદારને અંગ્રેજોએ જીવે મારી નાખ્યો. ૧૯ અને ૩૪ આ બન્ને ટુકડીઓ તેમણે નિઃશસ્ત્ર કરીને ખાલસા કરી. તેનું પરિણામ ઊલટું જ થયું. સિપાહીઓને ધાક લાગવાને બદલે સેંકડો સિપાહીઓએ પોતે થઈને ગુલામીનું ચિહ્ન ધરાવનારા તેમના સૈનિકી ગણવેશ ફાડી નાખ્યા. આ પરદાસ્યની શૃંખલા આજ સુધી જાળવી હોવાના પાપક્ષાલનાર્થે તેમણે સાચે જ ભાગીરથીમાં સ્નાન કર્યું.
સ્વતંત્રતા સૂર્યને લોહીનું અર્ઘ્ય !
૮ એપ્રિલના દિવસે સવારે મંગલ પાંડેને ફાંસીના તક્તા ભણી લઈ જવામાં આવ્યા. મંગલ પાંડે સાહસથી તક્તા પર ચઢી ગયા. ‘હું કોઈનું પણ નામ કહીશ નહીં’, એવું તેમણે ફરી એકવાર કહેતાં જ તેમની પગ નીચેનો ટેકો કાઢી લેવામાં આવ્યો. માતૃભૂમિના ચરણો પર પોતાના લોહીનું અર્ઘ્ય આપીને મંગલ પાંડે વર્ષ ૧૮૫૭ના ક્રાંતિયુદ્ધમાંના પ્રથમ ક્રાંતિકારી પુરવાર થયા. તેમના નામનો પ્રભાવ એટલો તો વિલક્ષણ હતો કે, આ ક્રાંતિયુદ્ધમાંના સર્વ સૈનિકોને અંગ્રેજો ‘પાંડે’ નામથી જ સંબોધવા લાગ્યા.