‘વર્ષ ૧૫૯૫માં વિદર્ભમાંના સિંદખેડરાજા ખાતે જિજાબાઈનો જન્મ થયો. તેઓ શહારાજાનાં પત્ની અને છત્રપતિ શિવાજી મહારાજનાં માતા હતાં. તેમને રામાયણ, મહાભારત અને પુરાણોમાંની કથાઓ ઘણી ગમતી. મહારાષ્ટ્ર અને સંપૂર્ણ ભારતમાં મુગલોએ તેમજ વિજાપુરના સુલતાને ધમાચકડી મચાવી હતી. ‘રાષ્ટ્રરક્ષણ માટે સુપુત્ર આપ’, એવી પ્રાર્થના જિજાબાઈએ ભવાનીદેવીને કરી.
બાળ શિવાજીના જન્મ પછી તેમના પર નાનપણથી જ રાષ્ટ્ર અને ધર્મ વિશે સંસ્કાર કેળવાય તે માટે જિજાબાઈએ તેમને પ્રભુ શ્રીરામ, મારુતિ, શ્રીકૃષ્ણ ઇત્યાદિ દેવતાઓની, તેમજ મહાભારત અને રામાયણમાંની વાર્તાઓ કહીને રાષ્ટ્ર અને ધર્મભક્તિની જાણે કેમ ગળથુથી જ પાઈ ન હોય ! પુના ખાતે રહેવા આવ્યા પછી તેમણે કસબામાં શ્રી ગણપતિની સ્થાપના કરી તેમજ જોગેશ્વરી અને કેદારેશ્વરનો જીર્ણોદ્ધાર કર્યો. તત્કાલિન રાજકારણ અને સમાજકારણમાં જિજાબાઈ નિરંતર ધ્યાન આપતાં હતાં. જિજાબાઈના પાંચ પુત્રો મૃત્યુ પામ્યા હતા. એકલા શિવાજી જીવિત રહ્યા અને તેમના પર પણ અનેક સંકટો આવતા હતા; પણ તેવી સ્થિતિમાં પણ મન કઠોર કરીને તે શિવરાયાને યશસ્વી થવાના આશીર્વાદ આપતા હતા.
શિવાજીએ આગ્રા જતી વેળાએ સર્વ રાજ્યકારભાર જિજાબાઈને સ્વાધીન કર્યો હતો. જિજાબાઈ કેવળ માતા જ હોવાને બદલે શિવાજીનાં પ્રેરક શક્તિ પણ હતાં. શિવરાયાના રાજ્યભિષેકની સુવર્ણક્ષણ નિહાળ્યા પછી કેવળ બાર દિવસોમાં જ વર્ષ ૧૬૭૪માં તેમણે રાયગઢની તળેટીમાં વસેલા પાચાડ ગામમાં દેહત્યાગ કર્યો. આવા જિજાઊને કારણે મહારાષ્ટ્રને શિવાજી મહારાજ મળ્યા અને તેથી હિંદવી સ્વરાજ્યની સ્થાપના થઈ.’