આયુર્વેદ એ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. જેને અનુસરવાથી દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય એ તંત્રને આયુર્વેદ કહેવાય. આયુર્વેદ આ મનુષ્યના જીવિત રહેવાની વિધિ તેમ જ તેના પૂર્ણ વિકાસના ઉપાયો બતાવે છે. તેથી આયુર્વેદ અન્ય ચિકિત્સા પદ્ધતિની જેમ એક ચિકિત્સા પદ્ધતિ માત્ર નહી, પરંતુ સમ્પૂર્ણ આયુષ્યનું જ્ઞાન છે. આયુર્વેદમાં આયુષ્ય હિત (પથ્ય આહારવિહાર), અહિત (અપથ્ય આહારવિહાર), રોગના નિદાન અને વ્યાધિની ચિકિત્સા કહેવાય છે. પથ્ય આહારનું સેવન તેમ જ અપથ્ય આહારનો ત્યાગ કરવાથી મનુષ્ય પૂર્ણ રુપથી સ્વસ્થ રહી શકે છે. આયુર્વેદ અનુસાર સ્વસ્થ વ્યક્તિ જ જીવનના પરમ લક્ષ્ય ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. પુરુષાર્થ ચતુષ્ટયંની પ્રાપ્તિનું મુખ્ય સાધન શરીર છે. એટલે શરીરની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપતાં આયુર્વેદ કહે છે કે ધર્મ અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિનું મુખ્ય સાધન શરીર છે. બધી જ રીતે વિશેષ રુપથી શરીરની રક્ષા કરવી જોઇએ.
આયુર્વેદ અનુસાર ઉનાળાની ઋતુચર્યા !
ફેબ્રુઆરી અને માર્ચ
ઋતુ અનુસાર થનારી શરદી, ઉધરસ ઇત્યાદિ વિકાર ટાળવા માટે
૧. વ્યાયામ કરો ! પાણીમાં પ્રતિલિટર પા ચમચી સૂંઠની ભૂકી ભેળવીને તે પાણી પીવું !
૨. ઠંડાં, સ્નિગ્ધ, ભારે, વધારે ગળ્યા અને ખાટાં પદાર્થો, તેમજ બપોરે સૂવાનું ટાળો !
એપ્રિલથી જૂન (વરસાદ ચાલુ થાય ત્યાંસુધી)
આ કાળમાં સખત તડકો હોવાથી ભૂખ, શારીરિક શક્તિ અને ઉત્સાહ ઓછો થાય છે અને વાયુપ્રકોપ વધે છે; આ માટે –
૧. ગળ્યા, સ્નિગ્ધ અને દ્રવ પદાર્થો વધારે ખાવ ! માટલાનું પાણી પીવો !
૨. ખારા, તીખા, ‘ફ્રીજ’માંના પદાર્થો ખાવાનું તેમજ તડકામાં ફરવાનું ટાળો !
વાંચો : સનાતનનો ગ્રંથ ‘આયુર્વેદ અનુસાર દિનચર્યા (૨ ખંડ)’ (અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ)
આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુચર્યા !
જૂન થી સપ્ટેંબર
શરદી, તાવ જેવા ચેપી વિકાર ટાળવા માટે
૧. પચવામાં હલકો આહાર લો ! અઠવાડિયામાં ૧ દિવસ ઉપવાસ કરો !
૨. વધુ શ્રમ, બપોરની ઊંઘ, વરસાદમાં પલળવું અને ભીના કપડાં પહેરવાનું ટાળો !
ઑક્ટોબર
ચોમાસાના અંતમાં એકાએક પડનારા સૂરજના પ્રખર કિરણોને કારણે પિત્ત અને લોહી દૂષિત થઈને અનેક રોગ થાય છે. તે માટે
૧. ઘી તેમજ કડવા પદાર્થો ખાવ ! અઠવાડિયામાં એકવાર એરડિયાનું રેચક લો !
૨. દહીં, તળેલા પદાર્થો, પેટભરીને જમવું, તડકો, તેમજ પૂર્વ દિશાનો પવન ટાળો !
સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘આહારશાસ્ત્રનાં મૂળતત્ત્વો’) (અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ)
આયુર્વેદ અનુસાર શિયાળાની ઋતુચર્યા !
નવેમ્બરથી ફેબ્રુઆરી
આ કાળમાં પાચનશક્તિ ઉત્તમ હોવાથી આહાર પર ખાસ કાંઈ બંધન હોતું નથી; તેથી વધતી જતી ભૂખ માટે પૂરતો પૌષ્ટિક આહાર લો !
૧. તલ, ગોળ, મગફળી, ટોપરું ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થોનો આહારમાં ઉપયોગ કરો !
૨. રસોઈમાં રાઈ, અજમો, હિંગ, મરી જેવા મસાલાના પદાર્થોનો ઉપયોગ કરો !
૩. ઠંડીને કારણે ત્વચા ફાટે નહીં, તે માટે પ્રતિદિન સ્નાન કરવા પહેલાં શરીરને તેલ લગાડો !
૪. ઠંડીનો પ્રતિકાર કરવાની ક્ષમતા વધે એ માટે પુષ્કળ વ્યાયામ કરો !
૫. ઝાંકળ, તેમજ પાણીના તુષાર શરીર પર લેવા અને નિરંતર પંખાનો પવન ખાવાનું ટાળો !