પ્રયાગરાજ કુંભ ૨૦૧૯ – આધ્યાત્મિક મહિમા !

કુંભમેળો જગતનો સૌથી મોટો ધાર્મિક પર્વ છે ! કુંભમેળો ભારતીય સાંસ્કૃતિક મહાનતાનું કેવળ દર્શન કરાવવાને બદલે સંત્સંગ પ્રદાન કરનારું આધ્યાત્મિક સંમેલન છે. કુંભપર્વના ઉપલક્ષ્યમાં પ્રયાગ, હરદ્વાર (હરિદ્વાર), ઉજ્જૈન અને ત્ર્યંબકેશ્વર-નાસિક, આ ચાર ક્ષેત્રોમાં પ્રતિ ૧૨ વર્ષ પછી સંપન્ન થનારા સદર પર્વોનું હિંદુ જીવનદર્શનમાં મહત્વપૂર્ણ સ્થાન છે. કુંભમેળાનો આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક મહિમા અનન્ય છે. ૧૫ જાન્યુઆરીથી ૪ માર્ચ ૨૦૧૯ના સમયગાળામાં પ્રયાગરાજ ખાતે અર્ધકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દૃષ્ટિએ કુંભનો અર્થ તેમજ પ્રયાગરાજ તીર્થસ્થાનનું આધ્યાત્મિક મહત્વ સમજી લેશું.

 

૧. કુંભપર્વ સાથે સંકળાયેલી જુદી જુદી સંજ્ઞાઓનો અર્થ

૧ અ. ‘કુંભ’ શબ્દનો અર્થ

પ્રચલિત અર્થ

‘કલશ’, ‘ઘટ’ અથવા ‘ઘડો’

કલશ

‘કલશ’ પવિત્રતા અને માંગલ્યનું પ્રતીક છે. ઋગ્વેદીય બ્રહ્મકર્મ સમુચ્ચય અનુસાર કલશના મુખમાં ભગવાન શ્રીવિષ્ણુ, કંઠમાં રુદ્ર (મહાદેવ), મૂળમાં બ્રહ્મા, મધ્યભાગમાં માતૃકાગણ તેમજ પોલાણમાં સાત સમુદ્ર અને સાત દ્વીપોયુક્ત એવી પૃથ્વીનો વાસ છે. આ રીતે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ પોતાના અંગો સહિત કલશમાં વાસ કરે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર

કુંભ ૧૨ રાશિઓમાંથી એક રાશિ છે.

કુંભપર્વના સંદર્ભમાં બન્ને અર્થ યોગ્ય માનવામાં આવ્યા છે.

૧ આ. કુંભપર્વ : અર્થ અને ઉત્પત્તિની કથા

અર્થ

પ્રત્યેક ૧૨ વર્ષ પછી પ્રયાગ, હરદ્વાર (હરિદ્વાર), ઉજ્જૈન અને ત્ર્યંબકેશ્વર-નાસિક ખાતે આવનારો પુણ્યયોગ.

૧ ઇ. કુંભમેળો

પ્રયાગ (અલાહાબાદ), હરદ્વાર (હરિદ્વાર), ઉજ્જૈન અને ત્ર્યંબકેશ્વર-નાસિક ખાતે પ્રત્યેક ૧૨ વર્ષ પછી કુંભપર્વ નિમિત્તે હિંદુઓ માટે ધાર્મિક પર્વ સંપન્ન થાય છે. તેને ‘કુંભમેળો’ કહેવામાં આવે છે. એવી શ્રદ્ધા છે કે સમુદ્રમંથન કૃતયુગમાં (સત્યયુગમાં) થયું. ત્યારથી કુંભમેળાનો આરંભ થયો છે.

 

૨. ગ્રહગણિત અનુસાર પ્રયાગ ખાતે થનારું કુંભપર્વ

કયા સ્થાન પર કુંભપર્વનું આયોજન કરવું, આ વાત ગ્રહગણિત પર આધારિત છે. દેવ-દાનવોના યુદ્ધમાં ચંદ્ર, રવિ અને ગુરુએ દેવતાઓની વિશેષ સહાયતા કરી. તેથી તેમની વિશિષ્ટ સ્થિતિ અનુસાર કુંભપર્વનો સમય નિશ્ચિત થાય છે.

हरिद्वारे कुम्भयोगो मेषार्के कुम्भगे गुरौ ।

प्रयागे मेषसंस्थेज्ये मकरस्थे दिवाकरे ॥

उज्जयिन्यां च मेषार्के सिंहस्थे च बृहस्पतौ ।

सिंहस्थितेज्ये सिंहार्के नाशिके गौतमीतटे ॥

सुधाबिन्दुविनिक्षेपात् कुम्भपर्वेति विश्रुतम् ॥ – (સંદર્ભ : અજ્ઞાત)

અર્થ

જ્યારે કુંભ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય હોય, ત્યારે હરિદ્વાર ખાતે, મેષ રાશિમાં ગુરુ અને મકર રાશિમાં સૂર્ય હોય, ત્યારે પ્રયાગ ખાતે સિંહ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય હોય ત્યારે ઉજ્જૈનમાં, તેમજ સિંહ રાશિમાં ગુરુ અને સિંહ રાશિમાં સૂર્ય હોય ત્યારે નાસિક ખાતેના ત્ર્યંબકેશ્વરમાં કુંભપર્વ (કુંભમેળો) હોય છે.

પ્રયાગ કુંભપર્વ

વૃષભ રાશિમાં ગુરુ અને મકર રાશિમાં ચંદ્ર અને સૂર્ય આવે, ત્યારે ચંદ્રથી ભૂમિ પર આવનારી લહેરો મનને ઉન્નત કરવામાં સહાયતા કરતી હોય છે તેમજ સૂર્ય ભણીથી આવનારી લહેરો બુદ્ધિના ઉન્નયનમાં સહાયક હોય છે. વૃષભ રાશિમાં સ્થિત ગુરુગ્રહ ભણીથી આવનારી લહેરોમાં આપતત્વ રૂપી ચૈતન્ય હોય છે. આ ત્રણેય લહેરોની મિશ્રિત ઊર્જા દ્વારા પૃથ્વીમંડળ પ્રયાગક્ષેત્રમાં તે વિશિષ્ટ સમયમાં દૈવી તત્વો દ્વારા પ્રભારિત થઈ જાય છે.

આ સમયગાળામાં પ્રયાગક્ષેત્રમાં આ લહેરોને આકર્ષિત કરનારી આકર્ષણશક્તિ ઉત્પન્ન થાય છે. આ આકર્ષણશક્તિના વમળમાં સંબંધિત ગ્રહો દ્વારા આવનારી દૈવી ઊર્જા બંધાઈ જાય છે. તેથી આ સમયગાળામાં અહીં કુંભ પર્વ ઊજવવામાં આવે છે. – (સદગુરુ) સૌ. અંજલી ગાડગીળ, સનાતન સંસ્થા

ગ્રહગણિતને કારણે કુંભપર્વક્ષેત્રના ગંગાજી ઇત્યાદિ જળસ્રોત સ્વાસ્થ્યવર્ધક બનવા

‘વિશિષ્ટ તિથિ, ગ્રહસ્થિતિ તેમજ નક્ષત્રના યોગ પર આવનારા કુંભપર્વ સમયે બ્રહ્માંડીય ઊર્જાનો (કૉસ્મિક એનર્જીનો) પ્રભાવ પ્રયાગ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિકના ગંગાજી ઇત્યાદિ પવિત્ર નદીઓ તેમજ તેમના ૪૫ કિ.મી. પરિસર ક્ષેત્રના સર્વ જળસ્રોત આકાશીય વિદ્યુત-ચુંબકીય પ્રભાવને કારણે ચિકિત્સકીય ગુણોયુક્ત હોય છે, તે સાથે જ તેમનું જળ કોઈપણ વિદ્યુત અવરોધી વસ્તુના (લાકડું, પ્લાસ્ટિક, કાંચ ઇત્યાદિના) વાસણમાં રાખવાથી તેમનો આ ગુણ ઘણા દિવસો સુધી જળવાઈ રહે છે,’ એવું આધુનિક અંતરિક્ષ વૈજ્ઞાનિક તેમજ ભૌતિકશાસ્ત્રજ્ઞોએ શોધખોળ કર્યા પછી માન્ય કર્યું છે.

 

૩. કુંભપર્વક્ષેત્ર પ્રયાગરાજ અને તેની મહતી

આ ઉત્તરપ્રદેશમાં ગંગા, જમના (યમુના) અને સરસ્વતી (આ નદી અદૃશ્ય છે.)ના પવિત્ર ‘ત્રિવેણી સંગમ’ પર વસેલું તીર્થસ્થાન છે. આ પવિત્ર સંગમને કારણે જ તેને  ‘પ્રયાગરાજ’ અથવા ‘તીર્થરાજ’ કહેવામાં આવે છે.

૧. વ્યુત્પત્તિ અને અર્થ

પ્રયાગ શબ્દ ‘પ્ર’ ઉપસર્ગપૂર્વક ‘યજ્’ ધાતુથી બન્યો છે. તેનો અર્થ છે ‘મોટો યજ્ઞ કરવો’. ‘સર્વ પ્રકારના યજ્ઞો માટે પ્રયાગ સર્વોત્તમ સ્થાન છે. તેથી આ સ્થાનને પ્રયાગ કહે છે.’ (સ્કંદપુરાણ)

‘પ્રયાગ’ નામ અર્થપૂર્ણ અને અતિપ્રાચીન છે, તેથી શ્રદ્ધાળુઓએ આ ક્ષેત્રને વિદેશી આક્રમણકારીઓ દ્વારા આપેલા ‘અલાહાબાદ’ નામને બદલે પ્રયાગ’ નામથી સંબોધિત કરવું.

૨. ક્ષેત્રમહિમા

૧. પ્રજાપતિક્ષેત્ર

ખોવાયેલા ચારેય વેદ ફરીવાર પ્રાપ્ત થયા પછી પ્રજાપતિએ અહીં એક મહાયજ્ઞ કર્યો હતો; તેથી પ્રયાગને ‘પ્રજાપતિક્ષેત્ર’ પણ કહેવામાં આવે છે.

૨. પાંચ યજ્ઞવેદીઓની મધ્યવેદી

બ્રહદેવના કુરુક્ષેત્ર, ગયા, વિરાજ, પુષ્કર અને પ્રયાગ આ રીતે પાંચ યજ્ઞવેદીઓમાંથી પ્રયાગ મધ્યવેદી છે.

૩. ત્રિસ્થળી યાત્રામાંથી એક

કાશી, પ્રયાગ અને ગયા આ ત્રિસ્થળી યાત્રાઓમાં એક પ્રયાગનું સ્થાન ધાર્મિક દૃષ્ટિએ અદ્વિતીય છે.

 

૪. પ્રલયકાળમાં સુરક્ષિત રહેનારું ક્ષેત્ર

આ ક્ષેત્રનો મહિમા કહેતી વેળાએ કહેવામાં  આવે છે કે મહાપ્રલયના સમયે સંપૂર્ણ જગત્ ડૂબી જશે, તો પણ પ્રયાગ ડૂબશે નહીં. એમ કહેવામાં આવે છે કે પ્રલયના અંતમાં શ્રીવિષ્ણુ ભગવાન અહીંના અક્ષયવટ પર શિશુરૂપથી શયન કરશે. આ રીતે સર્વ દેવ, ઋષિઓ અને સિદ્ધ અહીં વાસ કરીને આ ક્ષેત્રનું રક્ષણ કરશે.

 

૫. વિવિધ ધર્મગ્રંથોમાં વર્ણિત માહાત્મ્ય

ઋગ્વેદ

ઋગ્વેદમાં ખિલસૂક્તમાં કહેવામાં આવ્યું છે –

सितासिते सरिते यत्र सङ्गते तत्राप्लुतासो दिवमुत्पतन्ति ।

ये वै तन्वं विसृजन्ति धीरास्ते जनासो अमृतत्वं भजन्ते ॥

– ઋગ્વેદ, ખિલસૂક્ત

અર્થ

જ્યાં ગંગા-જમના બન્ને નદીઓનો સંગમ થાય છે, ત્યાં સ્નાન કરનારી વ્યક્તિને સ્વર્ગ પ્રાપ્ત થાય છે અને જે ધીર પુરુષ આ સંગમમાં તનુત્યાગ કરે છે, તેને મોક્ષપ્રાપ્તિ થાય છે.

પદ્મપુરાણ

પ્રયાગ તીર્થક્ષેત્રના સંદર્ભમાં પદ્મપુરાણમાં કહ્યું છે કે –

ग्रहाणां च यथा सूर्यो नक्षत्राणां यथा शशी ।

तीर्थानामुत्तमं तीर्थं प्रयागाख्यमनुत्तमम् ॥

અર્થ

જે રીતે ગ્રહોમાં સૂર્ય અને નક્ષત્રોમાં ચંદ્રમા શ્રેષ્ઠ છે, તેવી જ રીતે સર્વ તીર્થોમાં પ્રયાગરાજ સર્વોત્તમ છે.

કૂર્મપુરાણ

કૂર્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે પ્રયાગ ત્રણેય લોકોમાં સર્વશ્રેષ્ઠ તીર્થ છે.

મહાભારત

प्रयागः सर्वतीर्थेभ्यः प्रभवत्यधिकं विभो ॥

श्रवणात् तस्य तीर्थस्य नामसंकीर्तनादपि ।

मृत्तिकालम्भनाद्वापि नरः पापात् प्रमुच्यते ॥

અર્થ

હે રાજન્, પ્રયાગ સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ છે. તેનો મહિમા શ્રવણ કરવાથી, નામસંકીર્તન કરવાથી અથવા ત્યાંની માટીનો શરીર પર લેપ કરવાથી માનવી પાપમુક્ત બની જાય છે. (મહાભારત, પર્વ ૩, અધ્યાય ૮૩, શ્લોક ૭૪, ૭૫)

તીર્થક્ષેત્ર પરના વિધિ

પ્રયાગરાજની તીર્થયાત્રા કરતી સમયે ત્રિવેણીસંગમનું પૂજન, કેશમૂંડણ, ગંગાસ્નાન, પિતૃશ્રાદ્ધ, સોહાગણ સ્ત્રીઓ દ્વારા વેણીદાન અને દેવતાઓના દર્શન કરવા ઇત્યાદિ આવશ્યક વિધિઓ કરવાના હોય છે.

 

૬. સ્થાનદર્શન

પ્રયાગના સ્થાનદર્શન વિશેના એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે –

त्रिवेणीं माधवं सोमं भरद्वाजं च वासुकिम् ।

वन्देऽक्षयवटं शेषं प्रयागं तीर्थनायकम् ॥

અર્થ

ત્રિવેણી (સંગમ), વેણીમાધવ, સોમેશ્વર, ભારદ્વાજ, વાસુકી નાગ, અક્ષયવટ, શેષ (બલરામ) અને તીર્થરાજ પ્રયાગને હું વંદન કરું છું.

ત્રિવેણી સંગમ

સંગમસ્થળોમાં ગંગા-જમના-સરસ્વતી, આ ત્રણ નદીઓનો પ્રવાહ ચોટલાની લટો પ્રમાણે એકબીજામાં ગૂંથાઈ ગયો છે.

માધવ

અહીં માધવક્ષેત્ર છે, તેમાં વેણીમાધવ (પ્રમુખ માધવ), શંખમાધવ, મનોહરમાધવ ઇત્યાદિ ૧૨ માધવ છે.

સોમેશ્વર

જમનાની પેલેપાર અરૈલ ગામમાં બિંદુમાધવ ક્ષેત્રની નજીક આ શિવમંદિર છે.

ભારદ્વાજ અને શેષ

અહીં ભારદ્વાજ મુનિનો આશ્રમ છે. આ આશ્રમમાંના શિવલિંગને  ‘ભારદ્વાજેશ્વર’ કહે છે. આ દેવાલયમાં સહસ્ર ફેણો ધરાવનારી શેષમૂર્તિ છે.

વાસુકીશ્વર

અહીં ગંગાતટ પર (બક્ષી પેઠમાં) વાસુકીનું મંદિર છે.

અક્ષયવટ

આ પ્રાચીન અને પવિત્ર વટવૃક્ષ પ્રયાગમાં જમનાતટ પર છે. સમસ્ત દેવતાઓનું નિવાસસ્થાન અક્ષયવટનાં મૂળિયાં પાતાળ સુધી ગયા છે. વાયુ, મત્સ્ય, કૂર્મ, પદ્મ, અગ્નિ અને સ્કંદ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, ‘અક્ષયવટનાં નજીકમાં દેહત્યાગ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.’

હિંદુઓને મોક્ષ ન મળે, તે માટે પ્રયાગસ્થિત અક્ષયવટને નષ્ટ કરીને કિલ્લો બંધાવનારો હિંદુદ્વેષી અકબર અને અકબરનો દીકરો જહાંગીર !

સત્તરમી શતાબ્દીના આરંભમાં મોગલ બાદશાહ અકબરે પ્રયાગમાં જમના નદીના કિનારે સુરક્ષા માટે કિલ્લો બાંધતો હોવાનું કારણ કહીને અક્ષયવટ અને તેની ફરતે રહેલા દેવાલયો નષ્ટ કર્યા. જ્યાં અક્ષયવટ હતો, ત્યાં તેણે કિલ્લામાં  મહેલ બંધાવ્યો.

થોડા સમય પછી ત્યાં ફરીવાર અક્ષયવટ ઉગ્યો. ત્યારે અકબરપુત્ર જહાંગીરે ઘણીવાર તેને બાળીને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. જહાંગીરે ગરમ તવો મૂકીને તે વક્ષને જડમૂળથી નષ્ટ કરવાનો પણ પ્રયત્ન કર્યો; પરંતુ પ્રત્યેક વાર આ અક્ષયવટમાં નવી પાલવી ફૂટીને આગળ જતાં તે વૃક્ષનું રૂપ ધારણ કરી લેતી. વર્ષ ૧૬૯૩માં ‘ખુલાસત ઉત્વારીખ’ ગ્રંથમાં પુરાવો છે કે, ‘જહાંગીરે અક્ષયવટ કાપી નાખ્યા પછી પણ તે પાછો ઉગી નીકળ્યો.’

આજે જમના નદીના કિનારે આ કિલ્લામાં તે પ્રાચીન વૃક્ષ ઊભું છે. હિંદુઓને મોક્ષ ન મળે, એ હેતુથી મોગલ બાહશાહોએ તેના દર્શન કરવા પર પ્રતિબંધ મૂક્યો. આગળ અંગ્રેજોએ પણ તે પ્રતિબંધ ચાલુ રાખ્યો. સ્વતંત્રતા પછી આ કિલ્લામાં ભારતીય સેનાદળનું શસ્ત્રાગાર બન્યા પછી ત્યાંની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી.

વર્ષમાં એકવાર મહામેળામાં તેમજ કુંભમેળામાં આ અક્ષયવટના દર્શન કરવાની અનુમતિ મળી. અન્ય સમય શ્રદ્ધાળુઓને કિલ્લામાં સ્થિત વૃક્ષનું થડ દૂરથી જ જોવા મળતું. વર્ષ ૨૦૧૩ના કુંભમેળામાં ભારતીય સેનાદળે પ્રયત્ન કરીને, હિંદુઓને સંપૂર્ણ વર્ષ અક્ષયવટના દર્શન થાય, તે માટે સુરક્ષા વિભાગ સાથે સફળ પત્રવ્યવહાર કર્યો. તેને કારણે હવે હિંદુઓ પ્રતિદિન ત્યાંના કિલ્લામાં જઈને પાતાલપુરી મંદિર, સરસ્વતી કૂપ (કૂવો) અને અક્ષયવટના દર્શન કરી શકે છે.

 

૭. કુંભમેળો

સાધુ સંખ સાથે

પ્રયાગ સ્થિત ગંગા, જમના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પર પ્રત્યેક ૧૨ વર્ષ ઉપરાંત કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે, જેને ‘મહાકુંભમેળો’ કહે છે.

આ કુંભપર્વમાં મકર સંક્રાંતિ, મહા (મૌની) અમાસ અને વસંતપંચમી, આ ત્રણ પર્વકાળ હોય છે. તેમાં મહા (મૌની) ‘ અમાસ’ પ્રમુખ પર્વ છે અને તેને ‘પૂર્ણકુંભ’ કહે છે. મહા પૂર્ણિમાને ‘પર્વકાળ’ માનવામાં આવે છે. આ ચાર પર્વોના દિવસે ગંગાસ્નાનનું વિશેષ મહત્વ છે. ૧૨ વર્ષ પછી આવનારા કુંભમેળાના ૬ વર્ષ પછી આવનારા કુંભમેળાને ‘અર્ધકુંભમેળો’ કહે છે.

મહામેળો

આ પવિત્ર ત્રિવેણી સંગમ પર પ્રતિવર્ષ મહા માસમાં મેળો ભરાય છે. તેને  ‘મહામેળો’ કહે છે. મહા માસની અમાસના દિવસે સંન્યાસી લોકોનો વિશાળ સમુદાય સ્નાન કરવા માટે એકઠો થાય છે. પદ્મપુરાણ અનુસાર મહામાસમાં પ્રયાગ ખાતે ગંગાસ્નાનનું સૌભાગ્ય મળવું અતિ દુર્લભ છે.

અગ્નિપુરાણ પ્રમાણે પ્રયાગ ખાતે મહામાસમાં પ્રતિદિન ગંગાસ્નાન કરવાથી કરોડો ગાયો દાન કરવાનું, બ્રહ્મપુરાણ અનુસાર અશ્વમેધ યજ્ઞ કરવાનું અને મત્સ્યપુરાણ અનુસાર દસ કરોડ કરતાં વધારે તીર્થયાત્રા કરવાનું ફળ મળે છે. મહાગ્રંથ મહાભારતમાં લખ્યું છે કે પ્રયાગમાં મકરસંક્રાંતિ પર્વ પર કરવામાં આવેલું સ્નાન અને આપવામાં આવેલા દાનનું ફળ એટલું વધારે છે કે તે કહેવામાં સ્વયં બ્રહ્માજી પણ અસમર્થ છે !

કલ્પવાસ – કુંભપર્વની એક સાધના !

પ્રયાગના સંગમ સ્થાન પર પોષ સુદ પક્ષ અગિયારસથી મહાપૂર્ણિમા સુધી અનેક સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ સંયમથી નિવાસ કરે છે. આ નિવાસને ‘કલ્પવાસ’ કહે છે. આ કલ્પવાસ કરનારા વ્રતસ્થ કલ્પવાસીઓ માસની સમાપ્તિ થાય ત્યારે ઘરે પાછા ફરતી વેળાએ કુટીર દાન કરે છે. પુરાણોમાં  ‘કલ્પવાસ’ કરવાને વિશેષ પુણ્યદાયી માનવામાં આવે છે. તેમાં કલ્પવાસને ‘પિતરોને  સંતોષ પ્રદાન કરનારો, પાપોનો વિનાશ કરનારો તેમજ ભવસાગર પાર કરાવનારો’ કહેવામાં આવે છે.

ધર્મશાસ્ત્રોમાં ‘પ્રયાગ ખાતે શ્રદ્ધા અને ભક્તિથી તેમજ સવિધિ કલ્પાવાસને અતિશય મહત્વપૂર્ણ કહીને તેનું ફળ અક્ષય માનવામાં આવ્યું છે.’ કલ્પાવાસ કરનારે એક માસ ભૂમિ પર શયન, ઉપવાસ, ત્રિકાળ સ્નાન, જિતેંદ્રિય રહીને સમસ્ત ભોગોનો ત્યાગ તેમજ વિષ્ણુપૂજન કરવું જોઈએ, એવું ધર્મશાસ્ત્રમાં કહ્યું છે.

એવી શ્રદ્ધા છે કે કલ્પાવાસથી સર્વ પાપો ધોવાઈ જાય છે. કુંભપર્વમાં કલ્પવાસી મન-બુદ્ધિથી પ્રભુને સમર્પિત કરવાના ભાવથી ‘મુંડનસંસ્કાર’ (કેશવપન) કરે છે.

 

પ્રયાગવાલ – કુંભપર્વ અંતર્ગત વિધિઓ માટેના પુરોહિત !

તેમને ત્રિવેણી કિનારે અને જળમાં દાન-દક્ષિણા ગ્રહણ કરવી, પૂજાવિધિ કરવા તેમજ કુંભમેળાનું આયોજન કરવા જેવા અધિકાર હોય છે. કુંભમેળામાં કલ્પવાસીઓની પણ તેઓ વ્યવસ્થા કરે છે. આ પરંપરા પ્રાચીન છે તેમજ ‘મત્સ્યપુરાણ’માં તે વર્ણિત છે. અસ્થિ પધરાવવાનો પૂજાવિધિ પણ આ જ પ્રયાગવાલ દ્વારા સંપાદિત કરવામાં આવે છે.

સંદર્ભ

સનાતન સંસ્થાનો ગ્રંથ (હિંદી અને અંગ્રેજી ભાષામાં) ‘ કુંભપર્વની  મહિમા’ (કુંભપર્વક્ષેત્ર અને કુંભમેળાની વિશેષતાઓ સહિત)

Leave a Comment