૧. ભોજનની વેળા કઈ હોવી જોઈએ ?
૧ અ. બધા જ પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં પ્રાતરાશ (સવારનું ભોજન) અને સાયમાશ (સાંજનું ભોજન) એવા શબ્દો જોવા મળે છે. ક્યાંય પણ માધ્યાહ્નાશ (બપોરનું ભોજન) અને રાત્ર્યાશ (રાત્રિનું ભોજન) એવા શબ્દો જોવા મળતા નથી.
૧ આ. રાત્રે મોડેથી જમવાનું મૂળ કારણ આજે ઘરોઘરમાં વીજળી પહોંચી હોવાથી રાત્રિનું ભોજન જમવાની રીત ચાલુ થઈ. દૂરચિત્રવાહિની પરના કાર્યક્રમ જોવા માટે રાત્રે મોડે સુધી જાગવું અને તે માટે મોડેથી જમવાનું ચાલુ થયું અને ધીમે ધીમે પાચન સાથે સંબંધિત સમસ્યા વધવા લાગી.
૧ ઇ. આયુર્વેદ અનુસાર ભોજનની આદર્શ વેળાઓ
આયુર્વેદ અનુસાર ભોજનની આદર્શ વેળાઓ એટલે સવારે ૯ થી ૧૦ અને સાંજે ૫ થી ૬ (અર્થાત્ સૂર્યાસ્ત પહેલાં). આ સમયે જમતા હોવાથી પહેલાંના સમયના લોકો નિરોગી હતા. જેમને આ સમય પાળવાનું કઠિન છે, તેમના માટે પર્યાયી સમય આગળ આપ્યા છે.
૧ ઈ. આદર્શ વેળાઓના પર્યાય
મુખ્ય ભોજનની વેળા સવારે ૧૧.૩૦ અને સાંજે ૭ કલાકે રાખવી. આ સમય આજની પલટાયેલી જીવનશૈલી માટે વધારે પૂરક અને સર્વસમાવેશક છે.
૨. ભોજનની વેળાઓ નક્કી કરવા બાબતે મૂળભૂત સિદ્ધાંત
૨ અ. પાચનશક્તિ સૂર્યની સ્થિતિ પર આધારિત હોવી
આપણે જે અન્ન ગ્રહણ કરીએ છીએ તેનું સરખું પાચન થાય, તેનું દાયિત્વ શરીરમાં રહેલા જઠરાગ્નિ પર હોય છે. આ જઠરાગ્નિ, એટલે જ આપણા શરીરમાંની પાચનશક્તિ જે સૂર્યની સ્થિતિ પર આધારિત હોય છે. આકાશમાં સૂર્ય હોય, તે સમયે આપણે જે જમીએ, તેનું સારી રીતે પાચન થાય છે. ચોમાસામાં ઋતુચર્યા વિશદ કરતી વેળાએ આયુર્વેદ કહે છે કે જે દિવસે વરસાદનાં વાદળાંને કારણે સૂર્ય ઘણા સમય માટે દૃષ્ટિગોચર થતો નથી, તે દિવસે ઓછું જમવું અથવા ઉપવાસ કરવો. આના પરથી જ સૂર્ય અને પાચનશક્તિમાંનો ગાઢ સંબંધ ધ્યાનમાં આવે છે.
૨ આ. સૂર્યાસ્ત પછી દોઢ થી બે કલાક સુધી પાચનશક્તિ સારી હોવી
સવારનું ભોજન સૂર્યોદય પછી ૩ થી ૩.૩૦ કલાકમાં કરવું, તેમજ સાંજનું ભોજન સૂર્યાસ્ત થવાના અર્ધા કલાક પહેલાં કરવું, આદર્શ છે. ઉપર જણાવેલી આદર્શ વેળાઓ પાછળનું તત્ત્વ પણ એ જ છે. જો સંભવ ન હોય, તો પર્યાય તરીકે આ વેળાઓ પ્રત્યેક હજી બે-અઢી કલાકથી વધારી શકાય છે; કારણકે તેટલા સમય સુધી પાચનશક્તિ સારી હોય છે.
૨ ઇ. રાત્રિનું ભોજન પચવામાં સરખામણીમાં વધારે સમય લાગતો હોવાથી અને નિદ્રા સમયે શરીર વિશ્રાંતિ લેતું હોવાથી પાચનની સાથે જ શરીરમાંની સર્વ ક્રિયાઓ થોડા પ્રમાણમાં ધીમી પડે છે. તેને કારણે રાત્રિનું ભોજન સંપૂર્ણ પચવા માટે ૧૨ થી ૧૪ કલાક લાગે છે. સવારનું ભોજન તે સમયે આકાશમાં સૂર્ય હોવાથી ૮ કલાકમાં સંપૂર્ણ પચે છે. તે માટે સવારના ભોજન પછી સામાન્ય રીતે ૮ કલાક પછી, જ્યારે સાંજના ભોજન પછી સામાન્ય રીતે ૧૨ થી ૧૪ કલાક પછી સવારનું ભોજન કરવું.
૨ ઈ. સૂઈ જતા પહેલાં પાચનનો વધારેમાં વધારે ભાગ પૂર્ણ થવો આવશ્યક
રાત્રે સૂઈ જતા પહેલાં પાચનનો વધારેમાં વધારે ભાગ પૂર્ણ થયેલો હોવો જોઈએ. તે માટે પણ સૂર્યાસ્ત પછી દોઢ થી બે કલાકમાં ભોજન પૂર્ણ થયું હોવું જોઈએ.
૩. અલ્પાહાર (નાશ્તા)ની વેળાઓ
ધર્મશાસ્ત્રમાં, તેમજ આયુર્વેદમાં દિવસમાં બે જ વાર ભરપેટ જમવું, તેમજ વચ્ચે વચ્ચે કાંઈ ખાવું નહીં, એમ કહ્યું છે; પણ આજે પ્રત્યેકને જ આ સંભવ થશે, એમ નથી. તેથી બન્ને સમયના ભોજનના ત્રણ થી સાડાત્રણ કલાક પહેલાં અલ્પાહાર લેવો. સવારે જો ૯ કલાકે જમવું હોય તો જુદો અલ્પાહાર લેવો નહીં. અલ્પાહાર ઓછો જ હોવો જોઈએ. ત્યાર પછી ૩ કલાક રહીને જ્યારે પણે જમીશું, તે સમયે બરાબર ભૂખ લાગે, એટલા ઓછા પ્રમાણમાં અલ્પાહાર હોવો જોઈએ. પ્રત્યેકે પોતાની પાચનશક્તિ પારખી લઈને થોડી ભૂખ રહે, એ રીતે જ અલ્પાહાર કરવો. અલ્પાહાર વધારે કરવાથી મુખ્ય ભોજન સમયે ભૂખ લાગતી નથી. તે સમયે કેવળ સમય થયો છે, માટે ભૂખ ન હોવા છતાં પણ ખવાઈ જાય છે. ભૂખ ન લાગી હોય અને જો ભોજન કરીએ તો અન્ન પચતું નથી. અન્નનું સરખું પચન ન થાય, તો તે ભોજન શરીર માટે ઉપકારી થવાને બદલે મારક જ પુરવાર થાય છે અને વિવિધ રોગ ઉત્પન્ન થાય છે.
૪. ભોજનનું વેળાપત્રક
ઉપર જણાવેલા નિયમોનો વિચાર કરીને સમજવા માટે સરળ પડે, તે માટે ભોજનના બન્ને વેળાપત્રકો અત્રે આપ્યા છે.
આદર્શ સમય | પર્યાયી સમય | |
અલ્પાહાર (સવારે) | ૮ | ૮.૩૦ |
ભોજન (સવારે) | ૯ | ૧૧.૩૦ |
અલ્પાહાર (બપોરે) | ૨ | ૪ |
ભોજન (સાંજે) | ૫ | ૭ |
– વૈદ્ય મેઘરાજ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ફોંડા, ગોવા.