આ એક વૈદિક દેવતા છે. તેમનું એક નામ ત્વષ્ટા છે. ઋગ્વેદોના એક સુક્તમાં (૧૦.૧૨૧) તેમને પૃથ્વી, જળ અને પ્રાણીના નિર્માતા માનવામાં આવ્યા છે. બધા જ દેવતાઓનું નામકરણ પણ તેમણે જ કર્યું છે. તેમના અસંખ્ય મુખ, નેત્ર, બાહુ, પગ, પાંખ ઇત્યાદિ અવયવો છે. તેમને સર્વષ્ટા પ્રજાપતિ પણ કહેવામાં આવે છે. સૃષ્ટિના પ્રારંભમાં કેવળ તેમનું જ અસ્તિત્વ હતું.
પુરાણ તેમજ મહાભારતમાં વિશ્વકર્માને દેવોના મહાન શિલ્પ-શાસ્ત્રજ્ઞ માનવામાં આવ્યા છે. વિશ્વકર્માએ દેવતાઓ માટે શસ્ત્રાસ્ત્ર, આભૂષણો, વિમાન ઇત્યાદિ અસંખ્ય વસ્તુઓ નિર્માણ કરી. શ્રીવિષ્ણુનું સુદર્શન ચક્ર, શિવજીનું ત્રિશૂળ તેમજ ઇંદ્રનું વજ્ર અને વિજય નામક ધનુષ્ય પણ વિશ્વકર્માએ જ નિર્માણ કર્યું. ત્રિપુરા દહન સમયે શિવજી માટે રથનું નિર્માણ પણ તેમણે જ કર્યું.
વિશ્વકર્માએ ઇંદ્ર માટે ઇંદ્રલોકનું નિર્માણ કર્યું. સુતલ નામક પાતાળલોક પણ તેમણે જ નિર્માણ કર્યું. શ્રીકૃષ્ણજી માટે દ્વારકા નગરી, વૃંદાવન અને રાક્ષસો માટે સોનાની લંકા, તે સાથે જ હસ્તિનાપુર અને ઇંદ્રપ્રસ્થ નગરી, ગુરુ ભવનના નિર્માતા પણ તેઓ જ હતા. ભગવાન શ્રીરામ માટે સેતુ-નિર્માણ કરનારા વાનરરાજ નલ તેમના જ અંશમાંથી જન્મ્યા હતા.