ગુરુકૃપાયોગ

૧. ‘સાધના’ શબ્‍દનો અર્થ

ઈશ્‍વરપ્રાપ્‍તિ હેતુ દર દિવસે ઓછામાં ઓછા બે-ત્રણ કલાક શરીર, મન અને/અથવા બુદ્ધિ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે, તેને ‘સાધના’ કહેવાય છે.

 

૨. ગુરુ

૨ અ. વ્‍યાખ્‍યા અને અર્થ

૧. શિષ્‍યનું અજ્ઞાન દૂર કરીને, તેની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થાય, તે માટે તેને સાધના વિશે માર્ગદર્શન કરીને તેની પાસેથી સાધના કરાવી લે છે તથા તેને અનુભૂતિ પણ આપે છે, તેમને ‘ગુરુ’ કહેવાય છે. ગુરુદેવનું ધ્‍યાન શિષ્‍યના ઐહિક સુખ ભણી હોતું નથી (કારણકે તે પ્રારબ્‍ધ અનુસાર હોય છે), તે કેવળ તેની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ ભણી જ હોય છે.

૨. પરમેશ્‍વરની અનુગ્રહ કરવાની શક્તિ એટલે ગુરુ.

૨ આ . ગુરુતત્ત્વ એકજ

ગુરુ એટલે સ્‍થૂળદેહ નથી. ગુરુને સૂક્ષ્મદેહ (મન) અને કારણદેહ (બુદ્ધિ) ન હોવાથી તે વિશ્‍વમન અને વિશ્‍વબુદ્ધિ સાથે એકરૂપ થયેલા હોય છે; એટલે જ સર્વ ગુરુઓનું મન અને બુદ્ધિ એ વિશ્‍વમન અને વિશ્‍વબુદ્ધિ હોવાથી તે એકજ હોય છે. તેથી સર્વ ગુરુ ભલે બાહ્યત: સ્‍થૂળ દેહથી જુદા દેખાતા હોય, તો પણ અંદરથી તેઓ એકજ હોય છે. જે રીતે ગાયના કોઈ પણ આંચળમાંથી એકસરખું જ શુદ્ધ અને નિર્મળ દૂધ ઝરે છે, તે જ રીતે પ્રત્‍યેક ગુરુમાં રહેલું ગુરુતત્ત્વ એકજ હોવાથી તેઓ દ્વારા પ્રક્ષેપિત થનારી આનંદની લહેરો એકસરખી જ હોય છે. સમુદ્રના મોજાં જેમ કિનારા ભણી આવે છે, તે જ રીતે બ્રહ્મ/ઈશ્‍વરના મોજાં, એટલે ગુરુ સમાજ ભણી આવે છે. જે રીતે સર્વ મોજાંમાં રહેલા પાણીનો સ્‍વાદ એકજ હોય છે, તે જ રીતે સર્વ ગુરુમાં રહેલું ગુરુતત્ત્વ પણ એકજ એટલે કે બ્રહ્મ જ હોય છે. પાણીની ટાંકીને નાની-મોટી એમ ઘણી ટોટીઓ લગાડેલી હોય, છતાં પ્રત્‍યેક ટોટીમાંથી તો ટાંકીમાં રહેલું પાણી જ વહેતું હોય છે. વીજળીની બત્તીના ગોળા ગમે તેટલા જુદા જુદા આકારના ભલે હોય, તો પણ વહેનારી વીજળીને કારણે નિર્માણ થનારો પ્રકાશ જ તે ગોળામાંથી બહાર પડે છે. તેવી જ રીતે ગુરુ બાહ્યત: ભલે જુદા જુદા દેખાતા હોય, છતાં તેમાં રહેલું ગુરુતત્ત્વ (ઈશ્‍વરી તત્ત્વ) એકજ હોય છે.

 

૩. ગુરુકૃપાયોગ

૩ અ. અર્થ

કૃપા શબ્‍દ ‘કૃપ્’ ધાતુમાંથી સિદ્ધ થાય છે. ‘કૃપ્’ એટલે દયા કરવી અને કૃપા એટલે દયા, કરુણા, અનુગ્રહ અથવા પ્રસાદ. ગુરુકૃપાના માધ્‍યમ દ્વારા જીવનું શિવ સાથે સંધાન થવું, એને ‘ગુરુકૃપાયોગ’ કહેવાય છે.

૩ આ. ગુરુકૃપાયોગનું મહત્ત્વ

જુદા જુદા યોગમાર્ગોથી સાધના કરવામાં કેટલાય વર્ષો વ્‍યર્થ જવા દેવાને બદલે, એટલે કે સર્વ માર્ગોને એક કોરે મૂકીને, ગુરુકૃપા સત્ત્વરે કેવી રીતે પ્રાપ્‍ત કરી શકાય, તે ગુરુકૃપાયોગ શીખવે છે. તેથી સ્‍વાભાવિક જ આ માર્ગ દ્વારા ઝડપથી ઉન્‍નતિ થાય છે.

૩ ઇ. ગુરુકૃપા કાર્ય કેવી રીતે કરે છે ?

કોઈ એક કાર્ય જ્‍યારે થતું હોય છે, ત્‍યારે તેમાં કાર્યરત રહેલા વિવિધ ઘટકો પરથી તે કાર્ય કેટલા પ્રમાણમાં સફળ થઈ શકશે, તે નિશ્‍ચિત થાય છે. સ્‍થૂળ કરતાં સૂક્ષ્મ અધિક સામર્થ્‍યવાન હોય છે, જેમ અણુબૉંબ કરતાં પરમાણુબૉંબ અધિક પ્રભાવશાળી હોય છે. આ સૂત્ર નીચે પેલા શત્રુને મારવાના ઉદાહરણ પરથી સ્‍પષ્‍ટ થશે. શત્રુને નીચે જણાવેલા વિવિધ પ્રકારે મારી શકાશે. ચડતા ક્રમમાં રહેલા આગળના તબક્કા વધુ પરિણામકારી હોય છે.

૩ ઇ ૧. પંચભૌતિક (સ્‍થૂળ)

શત્રુ કયાં છુપાયો છે તે પંચજ્ઞાનેંદ્રિયો દ્વારા જાણવા મળે, ઉદા. તે નજરે પડે અથવા તેની હિલચાલ થતી જણાય, તો તેને બંદુકની ગોળીથી મારી શકાશે. પરંતુ જો તે કોઈ હિલચાલ કર્યા વિના કશાક આડશની પાછળ છુપાઈ જાય તો બંદુકધારી તેને મારી શકશે નહીં. અહીં મારવા માટે કેવળ સ્‍થૂળ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. જુદા જુદા કાર્યો માટે જુદી જુદી સ્‍થૂળ વસ્‍તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, ઉદા. રોગ ફેલાવનારા જંતુઓને મારવા માટે દવાની ગોળીઓ. કેવળ સ્‍થૂળથી કાર્ય ન થઈ શકે તો તેને આગળના તબક્કામાં જણાવ્‍યા અનુસાર સૂક્ષ્મની પણ સાથ આપવી પડે છે.

૩ ઇ ૨. પંચભૌતિક (સ્‍થૂળ) અને મંત્ર (સૂક્ષ્મ) એકત્રિત

અગાઉના કાળમાં મંત્રનો ઉચ્‍ચાર કર્યા પછી ધનુષ્‍ય પર ચડાવેલો બાણ છોડવામાં આવતો. મંત્રને કારણે તે બાણ પર શત્રુના નામની નોંધ થતી અને પછી તે આડશની પાછળ શું, પણ ત્રિભુવનમાં ગમે ત્‍યાં સંતાઈ ગયો હોય તો પણ તે બાણ તેને શોધીને તેનો વધ કરી શકતુ. અહીં સ્‍થૂળ આયુધને (બાણને) સૂક્ષ્મની (મંત્રની) સાથ આપવામાં આવી છે. આયુર્વેદમાં મંત્રોચ્‍ચાર કરતા રહીને ઔષધિઓ બનાવવા પાછળ આ જ ઉદ્દેશ છે. કયારેક સ્‍થૂળ અને સૂક્ષ્મ બન્‍ને એકત્રિત હોવા છતાં કાર્ય થતું નથી. એવા સમયે આગળના તબક્કામાં જણાવ્‍યા પ્રમાણે સૂક્ષ્મતર એટલે અધિક શક્તિશાળી, એવા મંત્રનો ઉપયોગ કરવો પડે છે.

૩ ઇ ૩. મંત્ર (સૂક્ષ્મતર)

આગળના તબક્કામાં બંદુક, ધનુષ્‍યબાણ જેવાં સ્‍થૂળ આયુધો સિવાય કેવળ વિશિષ્‍ટ મંત્ર દ્વારા શત્રુને હણી શકાય છે. જુદી જુદી બાબતો સાધ્‍ય કરવા માટે, ઉદા. લગ્ન થવા, સંપત્તિ મળવી ઇત્‍યાદિ માટે જુદા જુદા મંત્રો છે. કયારેક તો મંત્રથી પણ કાર્ય થતું નથી. ત્‍યારે આગળના તબક્કાનો ઉપયોગ કરવો પડે છે.

૩ ઇ ૪. વ્‍યક્ત સંકલ્‍પ (સૂક્ષ્મતમ)

‘એકાદ બાબત બનવા પામે’ એટલો જ એક વિચાર એકાદ ઉન્‍નતના મનમાં ઉદ્‍ભવે, તો તે ઘટના બનીને રહે છે. એ સિવાય તેમને બીજું કશું જ કરવું પડતું નથી. ૭૦ ટકાથી અધિક સ્‍તર ધરાવનારા ઉન્‍નતોની બાબતમાં એ શકય થાય છે. ‘શિષ્‍યની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થઈ રહે’ એવો સંકલ્‍પ ગુરુના મનમાં ઉદ્‍ભવે પછી જ શિષ્‍યની સાચી ઉન્‍નતિ થાય છે. એને જ ‘ગુરુકૃપા’ કહેવાય છે. તે સિવાય શિષ્‍યની ઉન્‍નતિ થતી નથી.

૩ ઇ ૪ અ. સંકલ્‍પ કેવી રીતે કાર્ય કરે છે ?

સંકલ્‍પથી કાર્ય સફળ થવા માટે આધ્‍યાત્‍મિક સ્‍તર ઓછામાં ઓછો ૭૦ ટકા તો હોવો આવશ્‍યક છે. (સર્વસામાન્‍ય માણસનો સ્‍તર ૨૦ ટકા અને મોક્ષ એટલે ૧૦૦ ટકા.) સંકલ્‍પ કેવી રીતે કાર્ય કરે છે, એ આગળ આપેલા ઉદાહરણ પરથી ધ્‍યાનમાં આવશે. હવે ધારો કે મનુષ્‍યના મનની શક્તિ ૧૦૦ એકમ (યુનિટ) છે. પ્રત્‍યેકના મનમાં દિવસ દરમ્‍યાન કોઈકને કોઈક વિચાર આવતા જ હોય છે. કેટલાક વિચાર કાર્યાલય વિશે, કેટલાક ઘર વિશે, તો કેટલાક સંસાર સંબંધી હોય છે.

પ્રત્‍યેક વિચારને કારણે અને તેના અમલીકરણ માટે (ઉદા. મારે કચેરીમાં જવાનું છે, અમુક એક કાર્ય કરવાનું છે, કોઈકને મળવાનું છે.) થોડી ઘણી શક્તિનો વ્‍યય થતો હોય છે. કોઈ એકાદ વ્‍યક્તિના મનમાં દિવસ દરમ્‍યાન ૧૦૦ વિચાર આવે, તો તે દિવસની તેની ઘણીખરી શક્તિ તેમાં વપરાઈ જશે; પરંતુ તેના મનમાં કોઈ વિચાર જ આવ્‍યો ન હોય, મન નિર્વિચાર બન્‍યું હોય અને તે વેળાએ કોઈ ‘એકાદ બાબત બનવા પામે’, એવા પ્રકારનો એકાદ વિચાર આવે, તો તેવા એક વિચારની પાછળ સંપૂર્ણ ૧૦૦ એકમ શક્તિ રહેલી હોય છે; તેથી જ તે વિચાર (સંકલ્‍પ) સિદ્ધ થાય છે. જો તે વિચાર સત્‌ના સંબંધી હશે, તો તેમાં પોતાની સાધના વ્‍યય થતી નથી. સ્‍વયં ઈશ્‍વર જ તે કાર્ય પૂર્ણ કરે છે; કારણકે તે સત્‌નું, એટલે કે ઈશ્‍વરનું જ કાર્ય હોય છે. અર્થાત્ તે સાધ્‍ય થવા માટે નામ, સત્‍સંગ, સત્‍સેવા, સત્ માટે ત્‍યાગ આ માર્ગથી સાધના કરીને, અસત્‌ના વિચાર જ મનમાં નિર્માણ થાય નહીં, એવી સ્‍થિતિ સાધકે પ્રાપ્‍ત કરી લેવી જોઈએ.

૩ ઇ ૫. અવ્‍યકત સંકલ્‍પ (સૂક્ષ્માતિસૂક્ષ્મ)

આમાં ‘શિષ્‍યની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થઈ રહે’, એવો સંકલ્‍પ ગુરુના મનમાં આવ્‍યા વિના પણ શિષ્‍યની આપમેળે ઉન્‍નતિ થાય છે. એનું કારણ એ છે કે આની પાછળ ગુરુનો અવ્‍યકત સંકલ્‍પ હોય છે. ૮૦ ટકા કરતાં અધિક આધ્‍યાત્‍મિક સ્‍તર ધરાવતા ઉન્‍નત વ્‍યક્તિના બાબતમાં એ શકય બને છે.

૩ ઇ ૬. અસ્‍તિત્‍વ (અતિ સૂક્ષ્માતિસૂક્ષ્મ)

આ અંતિમ તબક્કામાં ગુરુના કેવળ અસ્‍તિત્‍વથી, સાન્‍નિધ્‍યથી અથવા સત્‍સંગથી શિષ્‍યની સાધના તથા ઉન્‍નતિ આપમેળે થાય છે.

૯૦ ટકાથી અધિક સ્‍તર ધરાવતા પરાત્‍પર ગુરુ એ ઈશ્‍વર સાથે સંપૂર્ણ રીતે એકરૂપ થઈ ગયેલા હોવાથી તેમની સર્વવ્‍યાપકતા તેમજ શિષ્‍યના ઉત્‍કટ ભાવબળથી તેની સાધના અને ઉન્‍નતિ થતી હોય છે.

ઉપર જણાવેલા વિવિધ તબક્કા અનુસાર ગુરુકૃપા કાર્ય કરે છે.

૩ ઈ. ગુરુપ્રાપ્‍તિ અને ગુરુકૃપા માટે શું કરવું જોઈએ ?

તીવ્ર મુમુક્ષુત્‍વ અથવા ગુરુપ્રાપ્‍તિ માટેની તીવ્ર તાલાવેલી હોવી આ એકજ ગુણને કારણે ગુરુપ્રાપ્‍તિ સત્‍વરે થાય છે અને ગુરુકૃપા સાતત્‍યથી થતી રહે છે. યુવાનીમાં એકાદ છોકરી પોતાને ચાહે તે હેતુથી એકાદ યુવક જેમ રાત-દિવસ તેનું જ રટણ કરતો રહીને ‘હું શું કરું તો તે ખુશ થશે’, એ દૃષ્‍ટિએ પ્રયત્ન કરે છે, તેવી જ રીતે એકાદ ગુરુએ પોતાને ‘તું મારો છે’ એવું કહેવું, તેમની કૃપા થઈ રહે, તે માટે રાત-દિવસ એ બાબતનું રટણ કરીને ‘હું શું કરું તો તેઓ મારા પર પ્રસન્‍ન થશે’, એવી લગની સાથે પ્રયત્ન કરવા આવશ્‍યક હોય છે. કળિયુગમાં ગુરુપ્રાપ્‍તિ અને ગુરુકૃપા સંપાદિત કરવાનું અગાઉના ત્રણ યુગો જેટલું કઠિન નથી. અહીં ધ્‍યાનમાં લેવા જેવું સૂત્ર એ છે કે ગુરુકૃપા વિના ગુરુપ્રાપ્‍તિ થતી નથી. ભવિષ્‍યમાં પોતાનો શિષ્‍ય કોણ હશે, એ ગુરુને અગાઉથી જ જ્ઞાત હોય છે. ગરુકૃપા સંપાદિત કરવા માટે નીચેના સૂત્રોમાં જણાવવામાં આવેલી સાધના કરવી, તેમજ સનાતનના ‘શિષ્‍ય’ નામક ગ્રંથમાંના શિષ્‍યના ગુણ પોતાનામાં કેળવવા જોઈએ.

(સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘ગુરુકૃપાયોગ અનુસાર સાધના’)

2 thoughts on “ગુરુકૃપાયોગ”

Leave a Comment