શરદીનું મૂળ કારણ ‘વ્હાયરસ’ જાતિના જંતુ ! ભલે શરદી જંતુને કારણે થતી હોય, તેમ છતાં સરવાળે જોતાં સર્વ શરીરની (નાકની અંતસ્થ ત્વચાની) રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી શરદી થાય છે. અતિશ્રમ, માંસધાતુ અને સ્નાયુની દુર્બળતા, અર્જીણ-અપચો, વારંવાર વરસાદમાં ભીંજાવું, હંમેશાં ઠંડા પાણીમાં ભીંજાવું, તરવું, વાતાનુકૂલિત ઓરડામાં સૂવું, ઠંડાપીણાં, આઈસ્ક્રીમનું વધારે સેવન કરવું, હવામાનમાં અચાનક થતો પાલટ, ભેજવાળા, ધૂળ ધરાવતા વાતાવરણમાં કામ કરવું ઇત્યાદિ બાબતોને કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે.
શરદીનાં લક્ષણો
શરદીની બે અવસ્થા હોય છે.
૧. દ્રવ જેવી, પાણી જેવી શરદી (છીંકો, નાક ભરાઈ જવું, સ્વાદ ન રહેવો, ભૂખ ઓછી થવી, નાકમાંથી પાણી આવવું ઇત્યાદિ.)
૨. પાકેલી શરદી (ઘટ્ટ કફ નાકમાંથી બહાર આવે છે, પછી તેનું પ્રમાણ ઓછું થવું, માથું દુ:ખવાનું ઓછું થવું, શરીર હલકું થાય છે)
સર્વસામાન્ય ઉપચાર
- કેસર અને વેખંડ પાણીમાં લસોટીને તેનો લેપ નાકની આજુબાજુ અને કપાળ પર લગાડવો.
- સૂતી સમયે કાન, માથું ઢાંકવું, દિવસે પગમાં ચંપલ પહેરવા.
- રાઈ, અજમો અથવા વેખંડનું ચૂરણ લોઢી પર ગરમ કરીને રૂમાલમાં તેની પડીકી બાંધીને નાકની આજુબાજુ તેનો શેક કરવો.
- ગરમ પાણીની કિટલીની નળીમાંથી બહાર નીકળનારી વરાળ સૂંઘવી, નીલગિરિ તેલ અથવા લસણ વચ્ચે-વચ્ચે સૂંઘવું.
- હળદરનું ચૂરણ ૧ થી ૨ ચમચી તુલસીના રસમાં ચાટવું.
- સૂંઠ, મરી, પીપર, તુલસી, તજ અને લીલી ચાનો કાવો (ઉકાળો) પીવો.
- વધારે તાવ અથવા શરીરમાં કળતર હોય, તો ત્રિભુવનકીર્તિ રસ અથવા આનંદભૈરવ રસ લેવો.
- હળવો આહાર લેવો, લંઘન કરવું. સૂંઠ, મરી, પીપર નાખીને કરેલી ચોખાની કાંજી અથવા મગ કે કળથીનું ઉકાળેલું પાણી અથવા મૂળાનો રસ લેવો.
બીજી અવસ્થા ધરાવતી શરદી પર ઉપચાર
- સૂંઠ દૂધમાં ઉકાળીને પીવું
- ચણા (દાળિયા), જવ જેવા લૂખા પદાર્થ રોગવા.
- કપૂરકાચરી, આમળાનું ચૂરણ, પીપર, પીપરમૂળ, સૂંઠ અને મરીનું મિશ્રણ ઘી અને મધ સાથે ચાટવું.
- ચિત્રક હરિતકી અવલેહ ૧-૧ ચમચી ૨ વખત ૧ મહિના સુધી લેવું.
આયુર્વેદ અનુસાર શરદીના સર્વસામાન્ય રીતે ૪ પ્રકાર જોવા મળે છે. વાતજ શરદી, પિત્તજ શરદી, કફજ શરદી અને સન્નિપાતિક શરદી. તે અનુસાર પ્રત્યેકના ભિન્ન લક્ષણો તેમજ પ્રથમ અને બીજી અવસ્થા ધરાવતી શરદીના ઉપચાર આયુર્વેદમાં વિશદ કર્યા છે.
ઍલર્જી અથવા સાયનસને કારણે થનારી શરદી પર તે અનુસાર ઉપાય કરવા પડે છે; પણ ઍંટિબાયોટિક ઔષધિઓનું તેના પર પરિણામ થતું નથી. શરદી આગળના તબક્કામાં પહોંચી હોય અને નિરંતર તાવ રહેતો હોય, તો વૈદ્યની સલાહ લેવી.