દિવાળી (દીપાવલી)
દીપાવલી શબ્દ દીપ+આવલી (હરોળ) આ રીતે બન્યો છે. તેનો અર્થ છે, દીવડાઓની હારમાળા. આસો વદ તેરસ (ધનતેરસ), આસો વદ ચૌદસ (કાળી ચૌદસ), અમાસ (લક્ષ્મીપૂજન) અને કારતક સુદ એકમ (બલિપ્રતિપદા, બેસતુ વર્ષ), આ ચાર દિવસો દરમ્યાન દિવાળી ઊજવવામાં આવે છે.આ દિવસોનું શાસ્ત્રીય મહત્ત્વ સમજી લઈએ.
વસુબારસ (ગોવત્સ બારસ)
આસો વદ બારસને વસુબારસ પણ કહે છે. એવી કથા છે કે, સમુદ્રમંથનથી પાંચ કામધેનુ ઉત્પન્ન થઈ. તેમાંથી નંદા નામની ગાયને ઉદ્દેશીને આ વ્રત રાખે છે. આ દિવસે સુવાસિની સ્ત્રીઓ એકટાણું કરીને, સવારે અથવા સાંજે સવત્સ (વાછરડા સાથે) ગાયની પૂજા કરે.
ગુરુબારસ
આ દિવસે શિષ્ય ગુરુદેવનું પૂજન કરે છે તેથી આ તિથિને ગુરુબારસ પણ કહેવામાં આવે છે.
ધનતેરસ
આ દિવસે વેપારી વર્ગ તિજોરીનું પૂજન કરે છે. વેપારી વર્ષ, દિવાળીથી દિવાળી સુધીનું હોય છે. નવા વર્ષના હિસાબની વહીઓ (ચોપડા) આ દિવસે લાવે છે.
ધન્વંતરિ જયંતી
આયુર્વેદની દષ્ટિએ આ દિવસ ધન્વંતરિ જયંતીનો છે. વૈદ્ય લોકો આ દિવસે ધન્વંતરિનું (દેવતાઓના વૈદ્યરાજનું) પૂજન કરે છે. અન્ય કોઈપણ પદાર્થ કરતાં કડવા લીમડામાં પ્રજાપતિની લહેરોને ગ્રહણ કરવાની ક્ષમતા વધારે હોવાથી આ દિવસે લોકોને કડવા લીમડાનાં પાંદડા સાકર સાથે ભેળવીને ધન્વંતરિ દેવતાના પ્રસાદ તરીકે વહેંચે છે. કડવા લીમડાની ઉત્પત્તિ અમૃતમાંથી થઈ છે. તેથી એવું જણાય છે કે, ધન્વંતરિ અમૃત તત્ત્વના દાતા છે.
કાળી ચૌદસ (નરકચતુર્દશી)
શ્રીમદ્દભાગવતપુરાણમાં એવી એક કથા છે કે, પહેલાંના સમયે પ્રાગ્જ્યોતિષપુરમાં નરકાસુર નામનો એક બળશાળી અસુર રાજ્ય કરતો હતો. દેવતાઓ અને માનવોને તે ઘણો ત્રાસ આપવા લાગ્યો. જીતીને લાવેલી સોળ હજાર વિવાહ યોગ્ય રાજક્ન્યાઓને તેણે બંદીગૃહમાં કેદ કરી અને તેમની સાથે વિવાહ કરવાનો નિશ્ચય કર્યો. આ સમાચાર મળતાં જ શ્રીકૃષ્ણએ સત્યભામા સહિત તેના પર આક્રમણ કર્યું. નરકાસુરને મારી નાખીને સર્વ રાજકુમારીઓને મુક્ત કરી. મરતી વેળાએ નરકાસુરે શ્રીકૃષ્ણ ભગવાન પાસે વર માગ્યો, કે આજે જે કોઈ મંગળસ્નાન કરે, તે નરકની પીડાથી બચી જાય. ભગવાન શ્રીકૃષ્ણએ તે અનુસાર તેને વર આપ્યો. આને કારણે આસો વદ ચૌદસને નરકચતુર્દશીના નામે ઊજવવા લાગ્યા અને આ દિવસે લોકો સૂર્યોદય પહેલાં અભ્યગ સ્નાન કરવા લાગ્યા. ચૌદસને દિવસે સવારે નરકાસુરનો વધ કરીને તેના લોહીનું તિલક કપાળ પર લગાડીને શ્રીકૃષ્ણજી ઘરે પધાર્યા, તે સાથે જ નંદજીએ તેમને મંગળ સ્નાન કરાવ્યું.
યમદીપદાન
યમરાજનું કાર્ય છે પ્રાણોનું હરણ કરવું. કાળમૃત્યુથી કોઈ બચી શકતું નથી અને તે ટાળી પણ શકાતું નથી; પણ કોઈને પણ અકાળે મૃત્યુ ન આવે, એ હેતુથી ધનતેરસના દિવસે યમધર્મનો ઉદ્દેશ રાખીને ઘઉંના લોટમાંથી બનાવેલા તેલયુક્ત તેર દીવા સાંજના સમયે ઘરની બહાર દક્ષિણ દિશાભિમુખ મૂકવા. સામાન્ય રીતે દીવડાઓ કદીપણ દક્ષિણ દિશા ભણી મોઢું કરીને રાખવામાં આવતા નથી, કેવળ આ દિવસે જ એમ રાખે છે.
લક્ષ્મીપૂજન
લક્ષ્મીપૂજન કરતી વેળાએ એક બાજઠ પર અક્ષતથી અષ્ટદળ કમળ અથવા સ્વસ્તિક દોરવું અને તેના પર લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવી. લક્ષ્મીજીની પાસે જ કલશ પર કુબેરજીની પ્રતિમા મૂકવી. ત્યાર પછી લક્ષ્મીજી ઇત્યાદિ દેવતાઓને લવીંગ, એલચી અને સાકર નાખેલા ગાયના દૂધથી બનાવેલા માવાનો નૈવેદ્ય ચઢાવવો. ધાણા, ગોળ, ચોખાની ધાણી, પતાસાં ઇત્યાદિ પદાર્થ લક્ષ્મીજીને ધરીને પછી સગાંસંબંધીઓને વહેંચવા. ત્યાર પછી હાથમાં મશાલ ઝાલીને પિતૃમાર્ગદર્શન કરવું. (દક્ષિણ દિશા ભણી દીવો દેખાડીને પિતૃમાર્ગદર્શન કરાય છે.) પુરાણોમાં કહેવામાં આવ્યું છે, કે આસો અમાસની રાત્રે લક્ષ્મીજી સર્વત્ર સંચાર કરે છે અને પોતાના નિવાસ માટે યોગ્ય સ્થાન શોધવા લાગે છે. જ્યાં ચોખ્ખાઈ, સુશોભન અને રસિકતા જોવા મળે છે, ત્યાં તેઓ આકર્ષિત થાય છે; આ ઉપરાંત જે ઘરમાં ચારિત્ર્યશીલ, કર્તવ્યદક્ષ, સંયમી, ધર્મનિષ્ઠ, દેવભક્ત અને ક્ષમાશીલ પુરુષ અને ગુણવંતી તેમજ પતિવ્રતા સ્ત્રીઓ નિવાસ કરતી હોય છે, એવા ઘરમાં લક્ષ્મીજીને રહેવું ગમે છે.’
આ પૂજામાં લક્ષ્મીજી અને કુબેર દેવતાઓનું પૂજન કરાય છે. આ પૂજામાં ધાણા અને ધાણી ચઢાવે છે; કારણ કે, ધાણા ‘ધનવાચક’ શબ્દ છે. ‘ધાણી’ સમૃદ્ધિનું પ્રતીક છે. થોડું અનાજ ભઠ્ઠીમાં શેકવાથી તેમાંથી ખોબો ભરીને ધાણી થાય છે. લક્ષ્મીની સમૃદ્ધિ થવી જોઈએ, તેથી સમૃદ્ધિના પ્રતીક તરીકે ધાણી ચઢાવાય છે.
બલિપ્રતિપદા
બલિપ્રતિપદા સાડા ત્રણ મુહૂર્તોમાંથી અડધો મુહૂર્ત છે. બલિપ્રતિપદાની કથા આ પ્રમાણે છે – બલિરાજા દાનશૂર હતા. બારણે આવેલા અતિથિને જે માગે તે મળતું. અયોગ્ય લોકોને સંપત્તિ મળવાથી તેઓ મદોન્મત્ત થઈને મનમાની કરવા લાગ્યા. ત્યારે વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને બલિરાજા પાસે ભિક્ષા માગી. બલિરાજાએ વામનને પૂછ્યું, શું જોઈએ છે ? ત્યારે વામને ત્રિપાદ ભૂમિની યાચના કરી. બલિરાજાએ ત્રિપાદ ભૂમિ વામનને દાન દેતાં વેંત જ વામને વિરાટ રૂપ ધારણ કરીને એક પગલામાં સમસ્ત ભૂમિ માપી લીધી, બીજો પગ અંતરિક્ષમાં મૂકીને પછી બલિરાજાને પૂછ્યું ત્રીજો પગ ક્યાં મૂકું ? તેણે ઉત્તર આપ્યો ત્રીજો પગ મારા માથા પર મૂકો . ત્યારે ત્રીજો પગ તેના માથા પર મૂકીને તેને પાતાળમાં મોકલાવાનો નિશ્ચય કરીને વામને બલિરાજાને કહ્યું, તમારે કોઈ વર માગવો હોય, તો માગો બલિરાજાએ વર માગ્યો કે, ત્રણ પગલાંના આ પ્રસંગના પ્રતીકસ્વરૂપે પૃથ્વી પર ઓછામાં ઓછા ત્રણ દિવસો મારી રાજવટ પ્રમાણે ઊજવવામાં આવે.
ભાઈબીજ (યમદ્વિતીયા)
કારતક સુદ બીજ ને યમદ્વિતીયા કહેવામાં આવે છે. આ દિવસ ભાઈબીજના નામથી પ્રચલિત છે. આ દિવસે યમરાજ પોતાની બહેનના ઘરે ભોજન કરવા ગયા હતા, તેથી આ દિવસને યમદ્વિતીયા કહે છે.આ દિવસે કોઈપણ પુરુષે પોતાના ઘરે અથવા પોતાની પત્નીનાં હાથનું અન્ન ગ્રહણ કરવું ન જોઈએ. આ દિવસે તેણે પોતાની બહેનને ત્યાં વસ્ત્ર, અલંકાર ઇત્યાદિ લઈને જવું અને તેના ઘરે ભોજન કરવું જોઈએ. જો સગી બહેન ન હોય તો કોઈપણ બહેનના ઘરે અથવા તો અન્ય કોઈ સ્ત્રીને બહેન માનીને તેને ત્યાં જમવું જોઈએ. જો કોઈ સ્ત્રીને ભાઈ ન હોય, તો તેણે કોઈપણ પુરુષને ભાઈ માનીને તેની આરતી ઉતારવી જોઈએ. જો તેમ બનતું ન હોય, તો ચંદ્રને પોતાનો ભાઈ માનીને આરતી ઉતારે છે.
તુલસી વિવાહ
આ વિધિ કારતક સુદ બારસથી પૂર્ણિમા સુધી એકાદ દિવસે કરવામાં આવે છે.
પૂજન
શ્રીવિષ્ણુ ભગવાન (બાલકૃષ્ણની મૂર્તિ) ના તુલસી સાથે વિવાહ કરવા, આ તુલસી વિવાહનો વિધિ છે. પહેલાંના સમયમાં બાલવિવાહ કરવાની પદ્ધતિ હતી. વિવાહ પહેલા એક દિવસ તુલસીવૃદાંવનનું રંગરોગાન કરીને તેને સુશોભિત કરે છે. વૃદાંવનમાં શેરડીનો સાંઠો, ગલગોટાના ફૂલ મૂકે છે અને તેના મૂળિયે આંબલી અને આમળા મૂકવામાં આવે છે. આ વિવાહ સમારંભ સાંજે કરવામાં આવે છે. (તુલસી વિશેની જાણકારી માટે વાંચો : સનાતનનો ગ્રંથ – વિષ્ણુ અને વિષ્ણુનાં રૂપો )
વિશિષ્ટતાઓ
તુલસી વિવાહ થયા પછી ચાતુર્માસ દરમિયાન જે વ્રતો લીધા હોય, તે સર્વેની સમાપ્તિ કરવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન જે પદાર્થો વર્જ્ય કરેલા હોય, તે પદાર્થો બ્રાહ્મણને દાનમાં આપીને પછી પોતે સેવન કરે છે.
તુલસીના શ્રીકૃષ્ણ સાથે વિવાહ થવા, તેનો ભાવાર્થ
તુલસી પાવિત્ર્ય અને સાત્ત્વિકતાનું પ્રતીક છે. તુલસીના શ્રીકૃષ્ણ સાથે વિવાહ થવા, તેનો અર્થ ઈશ્વરને જીવનો પાવિત્ર્ય આ ગુણ અતિશય પ્રિય હોવો. તેના જ પ્રતીક તરીકે શ્રીકૃષ્ણ ભગવાને ગળામાં વૈજયંતી માળા ધારણ કરી છે.
મહત્ત્વ
આ દિવસથી શુભ દિવસ, અર્થાત્ મુહૂર્તોના દિવસોનો આરંભ થાય છે. સદર વિવાહ ભારતીય સંસ્કૃતિમાંના આદર્શત્વ દર્શાવનારા વિવાહ છે , એવું માનવામાં આવે છે.
પદ્ધતિ
ઘરનું આંગણું છાણ-પાણીથી લીંપવું. તુલસી જો કુંડામાં હોય તો તેને ધોળો રંગ આપવો. ધોળા રંગના માધ્યમ દ્વારા ઈશ્વર પાસેથી આવનારી શક્તિ આકર્ષિત કરી લેવામાં આવે છે. તુલસી ફરતે સાત્ત્વિક રંગોળી પૂરવી. ત્યાર પછી તેની ભાવપૂર્ણ પૂજા કરવી. પૂજા કરતી સમયે પશ્ચિમ દિશા ભણી મોઢું કરીને બેસવું.
પ્રાર્થના
હે શ્રીકૃષ્ણ અને હે તુલસીદેવી, આજે સમગ્ર દિવસ દરમિયાન તમારા દ્વારા જે શક્તિ મને પ્રાપ્ત થશે, તેનો રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે ઉપયોગ થવા દેજો. સંકટકાળમાં નિરાશ થવાને બદલે ઈશ્વર પર મારી અખંડ શ્રદ્ધા અને ભક્તિ રહેવા દેજો.
નામજપ
આ દિવસે પૃથ્વી પર કૃષ્ણતત્ત્વ વધારે પ્રમાણમાં કાર્યરત હોય છે. આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનનો નામજપ કરવો. પૂજા સંપન્ન થયા પછી વાતાવરણ ઘણું સાત્ત્વિક બની જાય છે. તે સમયે પણ શ્રીકૃષ્ણજીનો જ નામજપ કરવો.
તુલસીના લાભ
તુલસી વધારે સાત્ત્વિક હોવાથી તેનામાં ઈશ્વરી શક્તિ મોટા પ્રમાણમાં આકર્ષિત થાય છે. તુલસીના પાન પીવાના પાણીમાં નાખવાથી પાણી શુદ્ધ અને સાત્ત્વિક બને છે તેમજ તેમાં શક્તિ આવે છે. તે પાણી દ્વારા જીવની પ્રત્યેક પેશીમાં ઈશ્વરની શક્તિ કાર્યરત થાય છે.
દેવદિવાળી
કુલસ્વામી, કુલસ્વામિની, ઇષ્ટ દેવદેવતા તે ઉપરાંત અન્ય દેવદેવતાઓનું પણ વર્ષમાં એકવાર એકાદ દિવસે પૂજન થઈને તેમને નૈવેદ્ય અર્પણ કરવો આવશ્યક હોય છે. માગશર સુદ પક્ષ એકમના દિવસે આપણા કુલદેવતા અને ઇષ્ટદેવતા તે સાથે જ સ્થાનદેવતા, વાસ્તુદેવતા, ગ્રામદેવતા અને ગામના અન્ય મુખ્ય તેમજ ઉપદેવતાઓને, તેમજ મહાપુરુષ, વેતોબા ઇત્યાદિ નિમ્ન સ્તર પરના દેવદેવતાઓને તેમના માનનો ભાગ પહોંચાડવાનું કર્તવ્ય પાર પાડવામાં આવે છે. આ દિવસે પકવાનનો મહાનૈવેદ્ય ધરાવાય છે.
કાર્તિક સ્નાન
પુરાણો અનુસાર મહા, વૈશાખ અને કારતક માસમાં બ્રહ્મ મૂહુર્ત પર (પરોઢિયે) નિત્ય સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. એવી માન્યતા છે કે કારતક માસમાં બ્રહ્મ મૂહુર્ત પર સ્નાન કરવાનું અને એકવાર ભોજન કરવાથી બધાં જ પાપો નષ્ટ થાય છે. આસો પૂર્ણિમાથી કારતક પૂર્ણિમા સુધી આ વ્રત કરવામાં આવે છે. સંપૂર્ણ રાષ્ટ્રમાં પ્રત્યેક ગામમાં સ્ત્રીઓ વહેલી સવારે ઊઠીને કારતક સ્નાન કરે છે.
દિવાળીમાં તેલના દીવડા શા માટે પ્રગટાવે છે ?
દિવાળીમાં પ્રતિદિન સાંજે ભગવાનને, તુલસી સામે, બારણામાં અને આંગણે એવી રીતે વિવિધ સ્થાનો પર તેલનાં દીવડા પ્રગટાવે છે. આજકાલ તેલને બદલે મીણનાં દીવા અથવા તો વીજળીના દીવા લગાડે છે; પણ શાસ્ત્ર પ્રમાણે તેલના દીવા પ્રગટાવવા એ જ યોગ્ય અને લાભદાયક છે. તેલનો દીવો ૧ મિટર સુધીની સાત્ત્વિક લહેરો ખેંચી શકે છે. આનાથી ઊલટું મીણનો દીવો કેવળ રજ–તમકણોનું જ પ્રક્ષેપણ કરે છે તેમજ વીજળીનો દીવો પણ વૃત્તિને બહિર્મુખ બનાવે છે. તેથી તેલના દીવાની જ આવલિ (હરોળ) કરવી.
દિવાળીમાં લક્ષ્મી અને કુબેરનું પૂજન શા માટે કરાય છે ?
ફટાકડા શા માટે ન ફોડવા ?
દિવાળીમાં નાના-મોટા, બધાજ લોકો ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરતા જોવા મળે છે; પણ વાસ્તવમાં શું ફટાકડા ફોડવા યોગ્ય છે ખરું ? ફટાકડા ફોડવાનો અર્થ છે, આતશબાજીના માધ્યમ દ્વારા ઉત્સવની શોભા વધારવી ! આની તુલનામાં, તેનાથી થતી હાનિ કાંઈક ગણી વધારે છે. ફટાકડા ફોડવાથી પ્રદુષણને કારણે આરોગ્યની હાનિ થવાની સાથે જ આર્થિક હાનિ પણ થાય છે. આજકાલ ફટાકડાઓ પર દેવતા અને રાષ્ટ્રપુરુષોના ચિત્રો હોય છે, ઉદા. લક્ષ્મી છાપ બૉંબ, કૃષ્ણછાપ ફૂલઝર, નેતાજી છાપ ફટાકડા ઇત્યાદિ. આવા ફટાકડાઓ ફોડીને દેવતાઓનાં ચીંથરાં કરીને, આપણે આપણી જ શ્રદ્ધાને પગ નીચે રગદોળીએ છીએ. આને કારણે આપણી આધ્યાત્મિક હાનિ પણ થાય છે.
હિંદુ જનજાગૃતિ સમિતિ, સનાતન સંસ્થા જેવી અન્ય સમવિચારી સંગઠનાઓ સાથે મળીને સન ૨૦૦૦થી ફટાકડાઓને કારણે થતી હાનિ રોકવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. તમે પણ તેમાં સહભાગી બનીને પોતાનું ધર્મકર્તવ્ય નિભાવો.
આર્થિક દૃષ્ટિએ
રાષ્ટ્ર પર અબજો રૂપિયાનું દેવું હોવા છતાં અને ૨૦ ટકા જનતાને બે સમયનું પૂરતું અન્ન પણ મળતું ન હોવાથી ફટાકડા ફોડવા એ અનુચિત છે.ઝગમગ થતાં અથવા વિચિત્ર આકારના વિદ્યુત ઝગમગાટ કરવાથી પ્રકાશના સ્વરૂપમાં તમોગુણી શક્તિનું પ્રક્ષેપણ થાય છે. જેથી અનિષ્ટ શક્તિઓ વાતાવરણમાં કાળી શક્તિ છોડી શકે છે. આ ઝગમગાટ જોનારા પર પણ કાળી શક્તિનું આવરણ આવે છે.
આધ્યાત્મિક દૃષ્ટિએ
ધાર્મિક વિધિ / તહેવારના સમય દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડા તે વખતે ભૂતલ પર આગમન કરનારી દેવતાઓના માર્ગમાં બાધા ઉત્પન્ન કરીને આસુરી શક્તિઓને આકર્ષિત કરે છે.
વિજળીની રોષણાઈ શા માટે
ટાળવી જોઈએ ? પ્રદૂષણમુક્ત દિવાળી ઊજવો !
ફટાકડાને કારણે થનારું પ્રદૂષણ
૧. વાયુપ્રદૂષણ
‘ફટાકડા મોટા પ્રમાણમાં ઝેરીલા ઘટકો ધરાવે છે. તેમાં તાંબું, કૅડનિયમ, સીસું, મૅગ્નેશિયમ, જસત, સોડિયમ ઇત્યાદિ ઘટકોને કારણે ફટાકડા ફોડ્યા પછી તેમાંથી ઝેરીલા વાયુઓ ઉત્સર્જિત થાય છે.
૨. ધ્વનિપ્રદૂષણ
દિવસે ૫૫ ડેસિબલ અને રાત્રે ૪૫ ડેસિબલ સુધી ધ્વનિનો સ્તર હોવો, એવો નિયમ છે. માનવી ૭૦ ડેસિબલ સુધી ધ્વનિ સહન કરી શકે છે. રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધીના સમયગાળામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.
પ્રદૂષણને કારણે થનારી
હાનિ આરોગ્ય પર થનારું દુષ્પરિણામ
ફટાકડા પરની ધાતુ અને રસાયણિક સંયોજનથી નિર્માણ થનારા વાયુનું પ્રદૂષણ માનવી આરોગ્ય માટે ઘાતક હોય છે. તેમજ ફટાકડા ફોડતી વેળાએ થનારી જખમ અથવા અપઘાત નાના બાળકો માટે ચિંતાજનક છે.
૧. કાર્બન મોનૉક્સાઈડ અને નાયટ્રોજન ડાયૉક્સાઈડ જેવા ઝેરીલા વાયુઓ શોભાના ફટાકડામાંથી નિર્માણ થાય છે, જે માનવી જીવન માટે અતિશય ઘાતક હોય છે.
૨. માથાનો દુખાવો, બહેરાશ અને માનસિક અશાંતિ જેવી વ્યાધિ ઉદ્વે છે.
૩. હૃદયરોગ, રક્તદાબ, અસ્થમા, ક્રૉનિક બ્રાઁકાયટિસ ઇત્યાદિ ધરાવતા રોગીઓ માટે આ બાબત અધિક ઘાતક નીવડે છે. ગર્ભવતી સ્ત્રીઓ, વયોવૃદ્ધ અને નાના બાળકો માટે પણ અધિક ધોખાની સંભાવના છે.
૪. ફટાકડા ફોડતી વેળાએ સર્વસામાન્ય નિરોગી વ્યક્તિઓને પણ અપચો, સળેખમ-ઉધરસ, માનસિક અશાંતિ, માથાનો દુખાવો, છાતીમાં ધડધડવા જેવી વ્યાધિ થાય છે.
૫. માનવીને જેટલો પ્રદૂષણનો ત્રાસ થાય છે, તેનાં કરતાં સો ગણો વધારે ત્રાસ કૂતરાં, બિલાડા, પશુ-પક્ષી, સૂક્ષ્મ જીવ-જીવાતને થાય છે.
ઉપાય
મોટા અવાજે ફૂટનારા તેમજ જીવની અને પૈસાની હાનિ થઈને વિવિધ પ્રકારે થનારું પ્રદૂષણ રોકવા માટે નિયમોની કાર્યવાહી કરવી પડશે. મોટા અવાજે ફૂટનારા ફટાકડાઓ પર પ્રતિબંધ મૂકાવો જ જોઈએ.’
દિવાળીનું નિમિત્ત કરીને થનારી ધર્મહાનિ ટાળજો !
દિવાળીમાં ભેટસ્વરૂપ આપવામાં આવતા મીઠાઈના ડબ્બાઓ પર દેવતાઓના ચિત્રો અથવા નામ હોય છે. ઘણીવાર આ ડબ્બાઓ ખાલી થયા પછી કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે. દેવી-દેવતાઓના ચિત્રો અથવા નામવાળી લૉટરીના ટિકીટનો ઉપયોગ થઈ ગયા પછી તેમને ફેકી દેવામાં આવે છે.
દેવી-દેવતાઓના ચિત્રોને વ્યવસાયિક હેતુની પૂર્તિ માટે પ્રયોગ કરનારા આવા ઉત્પાદકોનાં ઉત્પાદનો/યોજનાઓનો બહિષ્કાર કરવો !