૧. શિવની વિવિધ ઉપાસના પદ્ધતિઓ
સનાતન હિંદુ ધર્મમાં ઉપાસનાની વિવિધ પદ્ધતિઓ કહેવામાં આવી છે. તેનું કારણ એકજ છે કે જીવ પોતાની પ્રકૃતિ અનુસાર, તાલાવેલી અનુસાર કોઈપણ પદ્ધતિનું આચરણ કરીને ઉપાસના કરી શકે અને ઈશ્વરપ્રાપ્તિ માટે પ્રયત્ન કરી શકે છે. શિવની ઉપાસના પણ વિવિધ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે. શિવની ઉપાસનામાં ખાસ કરીને વિવિધ વ્રતોનું વિધાન છે. જેમ કે, પ્રદોષ વ્રત, હરિતાલિકા ઇત્યાદિ. કોઈ શિવ સાથે સંબંધિત વાર એટલે સોમવાર અથવા તિથિ અર્થાત્ શિવરાત્રિએ ઉપવાસ કરે છે. તો કોઈક શિવાલાયમાં જઈને રુદ્રાભિષેક, મંત્રપઠન, નામજપ ઇત્યાદિ કરે છે. શિવના ઉપાસકો માટે શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ છે. શિવની ઉપાસનામાં આપણે ભસ્મ ધારણ કરીએ છીએ, શિવને બીલીપત્ર અને અક્ષત ચઢાવીએ છીએ. શિવપિંડીને અડધી પ્રદક્ષિણા પણ કરીએ છીએ. શિવમંદિરમાં દર્શન માટે ગયા પછી આપણને ત્યાં પ્રથમ નંદીના દર્શન લેવાનું કહેવામાં આવે છે. પરંતુ આપણને આ કૃતિઓ પાછળના અધ્યાત્મશાસ્ત્રની જાણ હોતી નથી. આપણી ધર્મ પર શ્રદ્ધા હોવાને કારણે આપણે આ કૃતિઓ વર્ષોથી કરી રહ્યા છીએ. પરંતુ તેનાથી થનારા લાભ જ્ઞાત ન હોવાથી આપણા દ્વારા આ કૃતિઓ મનઃપૂર્વક થઈ શકતી નથી. આ કારણે આપણને આ કૃતિઓથી અનુભૂતિ પણ નથી થતી.
અ. પ્રદોષ વ્રત
તિથિ
પ્રત્યેક મહિનાની સુદ અને વદ તેરસે સૂર્યાસ્ત પછીના ત્રણ ઘટકોના કાળને પ્રદોષ કહે છે. प्रदोषो रजनीमुखम् ।
વ્રત કરવાની પદ્ધતિ
આ તિથિએ સંપૂર્ણ દિવસ ઉપવાસ અને ઉપાસના કરીને, રાત્રે શિવપૂજા કરીને ભોજન કરવું. પ્રદોષના બીજા દિવસે શ્રીવિષ્ણુનું પૂજન અવશ્ય કરવું. બને ત્યાં સુધી આ વ્રતનો આરંભ ઉત્તરાયણમાં કરવો. આ વ્રત ત્રણથી બાર વર્ષોની અવધિ હોય છે. વદ પક્ષની પ્રદોષ જો શનિવારે હોય, તો તેને વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
નિષેધ
કહેવામાં આવે છે કે પ્રદોષકાળમાં વેદાધ્યયન ન કરવું; કારણકે આ રાત્રિકાળનું વ્રત છે અને વેદાધ્યયન સૂર્ય આકાશમાં હોય, ત્યારે કરવામાં આવે છે.
પ્રકાર
પ્રદોષ વ્રતના ચાર પ્રકાર છે – સોમપ્રદોષ, ભૌમપ્રદોષ, શનિપ્રદોષ અને પક્ષપ્રદોષ.
આ. હરિતાલિકા
તિથિ
ભાદરવો સુદ પક્ષ ત્રીજ
ઇતિહાસ અને ઉદ્દેશ
માતા પાર્વતીએ આ વ્રત કરીને શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા; તેથી મનપસંદ વર મળે એ માટે, તેમજ અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ માટે આ સાથે જ સ્ત્રીઓ આ વ્રત કરે છે.
વ્રત કરવાની પદ્ધતિ
પરોઢિયે મંગળસ્નાન કરીને પાર્વતી અને તેમનાં સખીની મૂર્તિ લાવીને શિવલિંગ સહિત તેમની પૂજા કરવામાં આવે છે. રાત્રે જાગરણ કરવામાં આવે છે. બીજા દિવસે સવારે ઉત્તરપૂજા કરીને લિંગ અને મૂર્તિ વિસર્જિત કરવામાં આવે છે.
ઇ. શ્રાવણ સોમવાર અને કારતક સોમવાર
અન્ય દેવતાઓને બદલે શ્રીવિષ્ણુ અને શિવનું વિશેષ મહત્ત્વ હોવાથી શ્રીવિષ્ણુ પ્રમાણે શિવના પણ હજી બે તહેવારો છે – શ્રાવણ સોમવાર અને કારતક સોમવાર. આમાંથી શ્રાવણ સોમવાર દયાસ્વરૂપ, જ્યારે કારતક સોમવાર ન્યાયસ્વરૂપ હોય છે. શ્રાવણ મહિનાથી કારતક મહિના સુધી ઘરમાં રહીને દાનધર્મ કરવામાં આવે છે, જ્યારે કારતક માસથી શ્રાવણ મહિના સુધી દાનધર્મ બહાર કરવાનો હોય છે. તીર્થયાત્રા ઇત્યાદિ પણ કારતક માસ અને શ્રાવણ માસની વચ્ચે કરવાની હોય છે.
ઈ. શ્રાવણી સોમવાર અને શિવામૂઠ વ્રત
શ્રાવણી સોમવાર
શ્રાવણ મહિનામાં પ્રત્યેક સોમવારે શિવના મંદિરમાં જઈને તેમની પૂજા કરવી અને બને તો, નિરાહાર ઉપવાસ કરવો અથવા નક્ત વ્રત કરવું. કહેવાય છે કે આનાથી શિવજી પ્રસન્ન થાય છે અને શિવસાયુજ્ય મુક્તિ મળે છે.
શિવામૂઠ વ્રત
મહારાષ્ટ્રમાં વિવાહ પછીના પહેલા પાંચ વર્ષ ક્રમથી આ વ્રત કરવામાં આવે છે. આમાં શ્રાવણના પ્રત્યેક સોમવારે એકભુક્ત રહીને શિવલિંગની પૂજા કરીને તેમને ચોખા, તલ, મગ, અળસી અને સત્તુ (જો પાંચમો સોમવાર આવે તો) આ અનાજની પાંચ મુઠ્ઠી દેવતા પર ચઢાવવાની વિધિ છે.
ઉ. શિવપ્રદક્ષિણા વ્રત
આ એક કામ્ય વ્રત છે.
તિથિ
વૈશાખ, શ્રાવણ, કારતક અથવા મહા માસમાંથી કોઈપણ એક માસમાં આ વ્રત કરવામાં આવે છે.
વ્રતની પદ્ધતિ
વ્રતની દીક્ષા લઈને શિવપૂજા કરીને શિવલિંગની એક લાખ પ્રદક્ષિણા કરવી, આ વ્રતની મુખ્ય વિધિ છે. પ્રદક્ષિણા પૂર્ણ થયા પછી વ્રતનું ઉદ્યાપન કરવામાં આવે છે. ઉદ્યાપન સમયે ઉમા-મહેશ્વરની સોનાની પ્રતિમાની પૂજા તેમજ હોમ કરવામાં આવે છે. ત્યાર પછી બ્રાહ્મણભોજન કરાવીને પૂજાની બધી સાધનસામગ્રી બ્રાહ્મણને દાન કરવામાં આવે છે.
નિષેધ
દાન લેવું, પરાન્ન ભક્ષણ કરવું, અસત્ય બોલવું, શિવ અને શ્રીવિષ્ણુ જેવા દેવતાઓના નિંદાખોરો સાથે સંબંધ રાખવો ઇત્યાદિ વ્રતકાળમાં વર્જિત છે.