રામભક્તશિરોમણિ ભરતની આધ્‍યાત્‍મિક ગુણવિશેષતાઓ !

Article also available in :

અનુક્રમણિકા

‘માર્ચ ૨૦૨૦માં કોરોના મહામારીના કાળમાં ભારતમાં અવર-જવર પ્રતિબંધ હતો, ત્‍યારે દૂરદર્શન પર રામાયણ અને મહાભારત આ માલિકાઓ પુનઃ પ્રસારિત થઈ હતી. આ ભીષણ આપત્‍કાળમાં પણ પ્રભુ શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્‍ણના તેમજ તેમના ભક્તોના ચરિત્રમાંના પ્રસંગો અને લીલા જોઈને અનેક જણને મનઃશાંતિ મળી તેમજ કોરોનાનો સામનો કરવાનું આધ્‍યાત્‍મિક બળ પણ પ્રાપ્‍ત થયું. તેથી હિંદુ ધર્મમાંના ગ્રંથોમાં અધ્‍યાત્‍મશાસ્‍ત્ર હોવાથી તે કદીપણ કાળબાહ્ય થતું નથી. તેથી તેનું પુનઃપુનઃ પારાયણ કરવાથી આત્‍માનંદ અને આત્‍મશાંતિની આજે પણ અનુભૂતિ થાય છે. પ્રભુ શ્રીરામ ભગવાન શ્રીવિષ્‍ણુના સાતમા અવતાર હતા. કૌસલ્‍યાના પ્રભુ શ્રીરામ, કૈકયીના ભરત અને સુમિત્રાના લક્ષ્મણ તેમજ શત્રુઘ્‍ન આ રીતે આ ચાર ભાઈઓ દશરથ રાજાના સુપુત્રો હતા. ‘ભરત’ પ્રભુ શ્રીરામનો અનુજ હતો. પ્રભુ શ્રીરામના અનેક ભક્તો થઈ ગયા. આ લેખમાં આપણે રામભક્ત ભરતની ગુણવિશેષતાઓ જોઈશું અને ‘ભરત જેવી અસીમ રામભક્તિ અમારા હૃદયમાં નિર્માણ થવા દો’, એવી ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના કરીએ.

 

૧. અમર્યાદ વૈરાગ્‍ય

કૈકયીએ દશરથ રાજા પાસે બે વચનો માગ્‍યા હતા. પહેલું વચન એટલે શ્રીરામને બદલે ભરતનો રાજ્‍યાભિષેક કરવો અને બીજું વચન એટલે શ્રીરામને ૧૪ વર્ષ વનવાસ માટે મોકલવા. વર્તમાનના રાજકારણીઓ રાજ્‍યપદ મેળવવા માટે કોઈપણ સીમા લાંઘી જાય છે. અહીં તો ભરતને માગ્‍યા વિના અયોધ્‍યાનું રાજ્‍યપદ પ્રાપ્‍ત થયું હતું. તે અયોધ્‍યાનો એકછત્ર સમ્રાટ બની શક્યો હોત; પરંતુ તેણે રાજ્‍યપદનો સ્‍વીકાર કર્યો નહીં. ‘રાજ્‍યપદ સંભાળવા માટે સર્વદૃષ્‍ટિએ સક્ષમ હોવા છતાં તેનો મોહ ન હોવો’, આ અસીમ વૈરાગ્‍યનું લક્ષણ છે. આવું વૈરાગ્‍યતો દેવતાઓ પાસે પણ હોતું નથી. ‘ઇંદ્રદેવના મનમાં ઇંદ્રપદનો કેટલો લોભ અને લાલસા હોય છે’, એ આપણે બધા જાણીએ છીએ. તેથી ‘રાજ્‍યપદ નકારનારા ભરતનો આધ્‍યાત્‍મિક અધિકાર કેટલો મોટો હતો !’, તેનું અનુમાન આપણે આના પરથી લગાડી શકીએ છીએ.

 

૨. પોતાને પ્રભુ શ્રીરામના દાસ કહેવડાવી લેવું

કુ. મધુરા ભોસલે

‘ભરત’ ભલે રઘુવંશનો રાજપુત્ર અને પ્રભુ શ્રીરામનો અનુજ હોય, તો પણ તે પોતાને ‘હું પ્રભુ શ્રીરામનો તુચ્‍છ દાસ છું’, એવું સંબોધતો હતો; કારણકે તે પ્રભુ શ્રીરામને પોતાના મોટાભાઈ કરતાં ભગવાન માનતો હતો. ‘ભગવાન મારા સ્‍વામી છે અને હું તેમની ચરણસેવા કરનારો સામાન્‍ય દાસ છું’, આ ભાવ ભરતના મનમાં પ્રભુ શ્રીરામ પ્રત્‍યે હતો. આના પરથી ભરતની અમર્યાદ દાસ્‍યભક્તિની સાક્ષ આપણને મળે છે. આ દાસ્‍યભક્તિને કારણે જ તેણે ચિત્રકૂટ પર જઈને પ્રભુ શ્રીરામને ફરીવાર અયોધ્‍યા આવીને રાજ્‍યકારભાર સંભાળવા માટે વિનવણી કરી હતી. જ્‍યારે પ્રભુ શ્રીરામે તેને ‘હું ૧૪ વર્ષોનો વનવાસ પૂર્ણ કર્યા પછી અયોધ્‍યા આવીને રાજ્‍યપદ સ્‍વીકારીશ’, એવું વચન આપ્‍યું, ત્‍યારે પ્રભુની અનુપસ્‍થિતિમાં તે પ્રભુના બદલે તેમની ચરણપાદુકાઓ સિંહાસન પર સ્‍થાપન કરીને તેમના દાસ તરીકે રાજ્‍યકારભાર ચલાવનારા હોવાનું તેણે કહ્યું. તેની દાસ્‍યભક્તિ સામે અને પ્રેમાળ હઠ સામે પ્રભુ શ્રીરામને પણ હાર માની લઈને પોતાની પાદુકા ભરતને આપવી પડી. ત્‍યાર પછી ભરતે શ્રીરામની પાવડીઓ અત્‍યંત કૃતજ્ઞતાભાવથી ઉપાડી લઈને પોતાના માથા ઉપર ધારણ કરી અને ચિત્રકૂટથી પગરખાં પહેર્યા વિના અયોધ્‍યા ખાતે લઈ આવીને તેણે રાજસિંહાસન પર પ્રભુ શ્રીરામના ચરણપાદુકાઓની વિધિવત સ્‍થાપના કરી. ભરતના આ નિર્ણય દ્વારા તેના અંતઃકરણમાં પ્રભુ શ્રીરામ પ્રત્‍યે ઓતપ્રોત રહેલા અસીમ આદરભાવ અને સ્‍વામીભાવના દર્શન થાય છે. આપણે ‘દાસ્‍યભક્તિ’ વિશે સાંભળીએ છીએ; પણ ભરતે તેની કૃતિ, વિચાર અને વૃત્તિ દ્વારા દાસ્‍યભક્તિનું મૂર્તિમંત (જીવતું ને જાગતું) ઉદાહરણ જ બધા સામે પ્રસ્‍તુત કર્યું છે.

 

૩. હિંદુ ધર્મશાસ્‍ત્રનું કઠોર પાલન કરવું

ચિત્રકૂટ પહોંચ્‍યા પછી પ્રભુ શ્રીરામ, લક્ષ્મણ અને સીતામાતાએ રાજા દશરથના દેહત્‍યાગના સમાચાર સાંભળ્યા. ત્‍યારે તેમને શોક થયો. કુલગુરુ વસિષ્‍ઠ ઋષિના કહેવા પ્રમાણે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્‍નએ મંદાકિની નદીમાં દશરથ રાજાના આત્‍માને શાંતિ મળે, એ માટે તર્પણવિધિ કર્યા. તેજ રીતે પ્રભુ શ્રીરામ વતી અયોધ્‍યાનું રાજ્‍ય સંભાળતી વેળાએ ભરતે કડક બ્રહ્મચર્યનું પાલન થાય, એ માટે તપસ્‍વી વેશ ધારણ કરીને રાજમહેલ અને રાજસી સુખોનો ત્‍યાગ કર્યો અને ‘નંદીગ્રામ’ આ સ્‍થાને જઈને એક કુટિ (ઝૂંપડી) બાંધીને તપસ્‍વી જીવન જીવવા લાગ્‍યો. તેણે ૧૪ વર્ષ તપસ્‍વી જીવન વ્‍યતીત કરીને એક આદર્શ રાજાના સર્વ કર્તવ્‍યો પાર પાડ્યા. તેણે સાચા અર્થમાં ‘ધર્મ, અર્થ, કામ અને મોક્ષ’ આ ધર્મના ચારેય પુરુષાર્થો અનુસાર શુદ્ધ આચરણ અને કઠોર ધર્માચરણ કર્યું. તેથી ભરત પણ જનક રાજાની જેમ રાજર્ષિ જ હતા.

 

૪. પ્રભુ શ્રીરામની આજ્ઞાનું તંતોતંત પાલન કરીને આદર્શ રાજ્‍ય કરવું

જ્‍યારે પ્રભુ શ્રીરામે કહ્યું કે, તેણે ૧૪ વર્ષ રાજ્‍ય કરવું, ત્‍યારે ભરતે પ્રભુ શ્રીરામને કહ્યું, ‘‘હું ઉમરથી, જ્ઞાનથી અને અનુભવથી નાનો છું. મારાથી આટલા મોટા રાજ્‍યનું ઉત્તરદાયિત્‍વ કેવી રીતે ઉંચકાશે ?’’ ત્‍યારે પ્રભુ શ્રીરામે કહ્યું, ‘‘તું રાજગુરુ અને કુલગુરુ વસિષ્‍ઠ ઋષિ, સુમંત જેવા મંત્રી અને પિતૃતુલ્‍ય રાજર્ષિ જનકરાજાનું માર્ગદર્શન લઈને રાજ્‍યકારભાર ચલાવ.’’ તે પ્રમાણે ભરતે સંબંધિતોનું માર્ગદર્શન લઈને અને ધર્મશાસ્‍ત્ર અનુસાર કઠોર આચરણ કરીને આદર્શ રાજ્‍ય ચલાવ્‍યું. ભરતે તેના હૃદયસિંહાસન પર પ્રભુ શ્રીરામની પાદુકાઓ સ્‍થાપન કરવાથી તેનું સર્વાંગ અને તેનું અસ્‍તિત્‍વ રામમય બની ગયું હતું. આવા રામમય બનેલા ભરતે કરેલું રાજ્‍ય સાક્ષાત્ રામરાજ્‍ય જ હતું. તેના રાજ્‍યમાં કોઈ દુઃખી, પીડિત નહોતું. તેણે પિતૃવત વાત્‍સલ્‍યથી પ્રજાનો પુત્રની જેમ પ્રતિપાળ કર્યો હતો.

 

૫. વસિષ્‍ઠ ઋષિએ ભરતના કરેલા ગુણગાન

ભરતે રાજ્‍યપદ, રાજવૈભવ અને રાજસી સુખનો ત્‍યાગ કરીને મોટું કાર્ય કર્યું. તેને કારણે તે સામાન્‍ય માણસ રહેવાને બદલે ‘મહાત્‍મા ભરત’ બની ગયા છે. તેને કારણે પ્રભુ શ્રીરામ પહેલાં ભરતનું નામ ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાઈ જશે. ભરતનું અંતઃકરણ નિષ્‍કપટ, નિઃસ્‍વાર્થી અને નિર્મળ હતું. રામભક્તિનો આદર્શ કહેતી વેળાએ ભરતનો અગત્‍યતાપૂર્વક ઉલ્‍લેખ કરવામાં આવશે અને ભરતને કરેલા નમન પ્રભુ શ્રીરામ સુધી નિશ્‍ચિતરૂપથી પહોંચી જશે’, એવા ગૌરવોદ્ગાર વસિષ્‍ઠ ઋષિએ ભરત વિશે કાઢ્યા.

 

૬. જ્‍યારે ભરતે પ્રભુ શ્રીરામની ચરણપાદુકા મસ્‍તક પર ધારણ કરી, ત્‍યારે બ્રહ્માંડમાંના ઋષિમુનિ અને દેવતાઓએ આશીર્વાદ આપીને ભરત પર પુષ્‍પવૃષ્‍ટિ કરવી

ભરત પ્રભુ શ્રીરામથી શરીરથી ભલે દૂર હોય, તો પણ તે મનથી નિરંતર પ્રભુની પાસે જ હતો. તે આઠે પ્રહર પ્રભુ શ્રીરામનું ભાવસ્‍મરણ કરતો હતો અને તેના અનુસંધાનમાં રહીને જ રાજ્‍ય ચલાવતો હતો. ભરતના મનમાં પ્રભુની પાવડીઓ અને મુખમાં ‘શ્રીરામ જય રામ જય જય રામ ।’ આ તેમનો પવિત્ર જપ અખંડ ચાલુ હતો. તે તેના હૃદયમાંની પ્રભુ શ્રીરામની ચરણપાદુકાઓનું ભાવપૂર્ણ રીતે માનસ પૂજન કરતો હતો. તેને કારણે પ્રભુ શ્રીરામનું સૂક્ષ્મમાંથી તેની પાસે અખંડ અસ્‍તિત્‍વ કાર્યરત હતું. આવા રામમય બનેલા ભક્તશિરોમણિ મહાત્‍મા અને રાજર્ષિ ભરતનાં ચરણોમાં કોટી કોટી વંદન. રામભક્ત ભરતની આ પરમોચ્‍ચ ભક્તિ સામે સંપૂર્ણ બ્રહ્માંડનું ઐશ્‍વર્ય અને સમસ્‍ત પુણ્‍યાત્‍માઓનું પુણ્‍ય પણ ઝાંખું પડી ગયું. તેથી ભરતે જ્‍યારે ચિત્રકૂટ ખાતે પ્રભુ શ્રીરામની ચરણપાદુકાઓ પોતાના મસ્‍તક પર ધારણ કરી, ત્‍યારે બ્રહ્માંડમાંના વિવિધ લોકોમાં વાસ કરનારા પુણ્‍યાત્‍માઓ, દિવ્‍યાત્‍માઓ, સિદ્ધ, યક્ષ, ગંધર્વ અને સમસ્‍ત દેવદેવતાઓએ આનંદથી આશીર્વાદ આપીને ભરત પર પુષ્‍પવૃષ્‍ટિ કરીને તેનું સન્‍માન કર્યું.

 

૭. પ્રભુ શ્રીરામને આપેલા વચનનું તંતોતંત પાલન કરવું

પ્રભુ શ્રીરામે કરેલો રાજ્‍ય સંભાળવાનો આદેશ સ્‍વીકાર કરતી વેળાએ ભરતે કહ્યું, ‘‘એક શરત પર હું આ રાજ્‍યનો કાર્યભાર વહન કરીશ. જો ૧૪ વર્ષનો સમયગાળો પૂર્ણ થતાં જ તમે અયોધ્‍યા પાછા ફરો, તો ઠીક છે. જો તમને અયોધ્‍યા પાછા ફરવામાં મોડું થશે, તો હું અગ્‍નિપ્રવેશ કરીશ.’’ ભરતે કરેલી આ પ્રતિજ્ઞા સાંભળીને બધા આશ્‍ચર્યચકિત અને ચિંતાગ્રસ્‍ત બની ગયા. પ્રભુ શ્રીરામે તેને ૧૪ વર્ષ પછી અયોધ્‍યામાં તરત જ પાછા આવવાનું વચન આપ્યું. રાવણ વધ પછી ૧૪ વર્ષનો સમયગાળો પૂરો થતાં જ પ્રભુ શ્રીરામ સીતા, હનુમાન અને વાનરવીરો સાથે વિમાનમાં બેસીને લંકાથી ભારતમાં પાછા આવી રહ્યા હતા. ‘અયોધ્‍યા આવવામાં સમય લાગી શકે છે; તેથી ભરત અગ્‍નિપ્રવેશ ન કરે’, તે માટે પ્રભુ શ્રીરામે તેમના આગમનના સમાચાર કહેવા માટે હનુમાનજીને અયોધ્‍યા જવા માટે આગળ મોકલ્‍યા.

નિશ્‍ચિત કરેલો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો હતો અને પ્રભુ શ્રીરામ પાછા ફરવાનો કોઈ જ સંકેત ન મળવાથી ભરત અગ્‍નિપ્રવેશ કરવાનો જ હતો, એટલામાં પ્રભુ શ્રીરામનો સંદેશ લઈને હનુમાનજી ત્‍યાં પહોંચ્‍યા. તેથી ભરતને અત્‍યંત આનંદ થઈને તેણે અગ્‍નિપ્રવેશ કરવાનો નિર્ણય નિરસ્‍ત કરીને પ્રભુ શ્રીરામના સ્‍વાગત માટે સંપૂર્ણ અયોધ્‍યાનગરી શણગારી. ભરતમાં પ્રભુ શ્રીરામ પ્રત્‍યે એટલી તો ભક્તિ હતી કે, તેણે પોતાનું સર્વસ્‍વ તેમના ચરણોમાં અર્પણ કર્યું હતું. તે સાથે જ તેને પ્રભુનો વિરહ સહન ન થવાથી તે પ્રાણત્‍યાગ પણ કરવાનો હતો. આના પરથી ‘રઘુકુલ રીતી સદા ચલી આઈ, પ્રાણ જાઈ પર વચન ન જાઈ ।’ આ ઉક્તિની પ્રચીતિ થઈ. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાનું સર્વસ્‍વ ભગવાનનાં ચરણોમાં હસતા મોઢે અર્પણ કરનારા રામભક્ત ભરતની મહાનતા વિશદ કરીએ એટલી ઓછી જ છે. ત્‍યાપછી જ્‍યારે પ્રભુ શ્રીરામ સીતા સાથે પુષ્‍પક વિમાનમાં અયોધ્‍યા પહોંચ્‍યા, ત્‍યારે શ્રીરામ અને ભરતનો મિલાપ થયો. ૧૪ વર્ષોનો વિરહ પૂરો થઈને ભક્ત અને ભગવાનના મેળાપની આ અમૂલ્‍ય ક્ષણ જોવા માટે કેવળ અયોધ્‍યાવાસીઓ જ નહીં, જ્‍યારે સંપૂર્ણ સૃષ્‍ટિ આતુર બની ગઈ હતી.

 

૮. ભરતે માનસિક સ્‍તર પર રહેવાને બદલે અત્‍યુચ્‍ચ આધ્‍યાત્‍મિક સ્‍તર પરનું આદર્શ જીવન જીવવું

‘માતા કૈકયીએ પ્રભુ શ્રીરામનો રાજ્‍યાભિષેક કરવા ન દીધો અને તેમને વનવાસમાં મોકલ્‍યા’, આનું ભરતને પુષ્‍કળ દુઃખ થયું; કારણકે ભરત અને પ્રભુ શ્રીરામ વચ્‍ચે ભાઈ-ભાઈનો સંબંધ હોવાને બદલે તેમની વચ્‍ચે ભક્ત અને ભગવાનનો અતૂટ સંબંધ હતો. તે કૈકઈ માતા પર ગુસ્‍સે થઈ ગયો અને તેણે તેણીનું મોઢું ન જોવાની પ્રતિજ્ઞા કરી. જ્‍યારે પ્રભુ શ્રીરામ ૧૪ વર્ષો પછી પાછા અયોધ્‍યામાં આવ્‍યા, ત્‍યારે પ્રભુ શ્રીરામે ભરતને સમજાવ્‍યો. ત્‍યારપછી તેણે કૈકયી માતાને ક્ષમા કરીને તેમની સાથે બોલવા લાગ્‍યો. ભરત અને પ્રભુ શ્રીરામ વ્‍યવહારિક સંબંધ અનુસાર સાવકા ભાઈઓ હતા; પરંતુ ભરત આધ્‍યાત્‍મિક સ્‍તર પર હોવાથી તે પ્રભુ શ્રીરામને સાક્ષાત્ ભગવાન માનતો હોવાથી પ્રભુ તેને પોતાના પ્રાણોથી પણ પ્રિય હતા. આના પરથી ભરત કદીપણ માનસિક સ્‍તર પર રહેવાને બદલે આધ્‍યાત્‍મિક સ્‍તર પર રહીને અત્‍યુચ્‍ચ સ્‍તર પરનું આદર્શ જીવન જીવતો હતો, એ ધ્‍યાનમાં આવે છે.

 

૯. ભરતે આદર્શ રાજ્‍ય કરીને રામરાજ્‍ય કરવું

ભરતને રાજકારણ અને નીતિશાસ્‍ત્રનું પણ જ્ઞાન હતું. તેણે પ્રભુ શ્રીરામની અનુપસ્‍થિતિમાં સ્‍થૂળમાંથી રાજ્‍યકારભાર ઉત્તમ રીતે સંભાળ્યો. તેનું આચરણ એટલું તો શુદ્ધ હતું કે, પ્રજા તેનામાં પ્રભુ શ્રીરામનું પ્રતિરૂપ જોઈને શ્રદ્ધા અને ભક્તિભાવથી ધર્માચરણ અને સાધના કરતી હતી. ભરતનો ઉત્‍કૃષ્‍ટ રાજ્‍યકારભાર જોઈને શત્રુએ કદીપણ અયોધ્‍યા પર ચડાઈ ન કરી. તેવી જ રીતે અયોધ્‍યામાંની પ્રજા પણ ધર્માચરણ કરીને આદર્શ જીવન જીવતી હોવાથી કોઈના પણ જીવનમાં દુઃખ નહોતું અને રાજ્‍ય પર પણ કોઈ નૈસર્ગિક અથવા માનવી સંકટો ન આવ્‍યા. આ પ્રકારે ભરતે આદર્શ રાજ્‍ય કરીને રામરાજ્‍ય જ કર્યું.

 

૧૦. ભરતને રાજ્‍યનો જરાપણ મોહ ન હોવો

જ્‍યારે પ્રભુ શ્રીરામ ૧૪ વર્ષ ઉપરાંત અયોધ્‍યા પાછા ફર્યા, ત્‍યારે ભરતે અયોધ્‍યાનું રાજ્‍ય તેમને સોંપ્‍યું. ૧૪ વર્ષ રાજ્‍યકારભાર સંભાળવા છતાં પણ ભરતને રાજ્‍યનો જરા સરખો પણ મોહ થયો નહીં. તેણે નિરપેક્ષ અને અળગાં રહીને કેવળ પોતાનું કર્તવ્‍ય પૂર્ણ કરવા માટે પ્રભુ શ્રીરામની આજ્ઞાથી અયોધ્‍યાનું રાજ્‍ય સંભાળ્યું હતું. ભરત નિર્મોહી હોવાથી તે ભલે રાજ્‍યકારભાર કરતો હોય, તો પણ તે રાજવૈભવ કે રાજસત્તામાં જરાપણ ગૂંથાયો નહીં.

 

૧૧. ભરતે કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને ધ્‍યાનયોગ આ ચારેય યોગમાર્ગો અનુસાર સાધના કરવી

રામભક્ત ભરતમાં અનેક દૈવી ગુણોનો સમુચ્‍ચય હતો. વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ આ બન્‍ને સ્‍તર પર ભરતે સર્વ કર્તવ્‍યો પૂર્ણ કરીને આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ રાજા અને આદર્શ ભક્ત આ બધાના કર્તવ્‍યો પૂર્ણ કરીને ભરતે બધાની સામે કર્મયોગનો આદર્શ પ્રસ્‍તુત કર્યો. ભરતમાં પ્રભુ શ્રીરામ પ્રત્‍યે અસીમ દાસ્‍યભક્તિ હતી. તેને કારણે જ તેની આંતર સાધના ભક્તિયોગ અનુસાર ચાલુ હતી. તે જ પ્રમાણે ભરતને હિંદુ ધર્મશાસ્‍ત્ર અને અધ્‍યાત્‍મનું સંપૂર્ણ જ્ઞાન હતું. તેને કારણે તેનું આચરણ ધર્મશાસ્‍ત્રને અનુસરીને હતું. રાજ્‍યકારભારમાંથી સમય મળે કે તરત જ ભરત પ્રભુ શ્રીરામનું સ્‍મરણ કરીને ધ્‍યાનધારણા કરતો હતો. આ રીતે ભરતે કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને ધ્‍યાનયોગ આ ચારેય યોગમાર્ગો અનુસાર સાધના કરીને ‘આદર્શ કર્મયોગી, પરમજ્ઞાની, ભક્તશિરોમણિ અને સ્‍થિતપ્રજ્ઞ હોવું’, આ ઉચ્‍ચતમ આધ્‍યાત્‍મિક અવસ્‍થાઓ પ્રાપ્‍ત કરી હતી.

 

૧૨. ભરત અને પ્રભુ શ્રીરામમાંની એકરૂપતાને કારણે તેમનામાં સામ્‍ય હોવું

રામભક્ત ભરત પ્રભુ શ્રીરામ સાથે એટલો તો એકરૂપ થયો હતો કે, તેની કાંતિ પ્રભુ શ્રીરામ જેવી વાદળી રંગની દેખાતી હતી. તેના નયન કમળની જેમ સુંદર હતા અને તેના દેહમાંથી ચંદનની દૈવી સુગંધ મહેકતી હતી. રામભક્ત ભરતની સુંદરતા દૈવી અને અલૌકિક હતી. પ્રભુ શ્રીરામ અને ભરતમાં એટલું સામ્‍ય નિર્માણ થયું હતું કે, પ્રજાને ભરતને જોયા પછી પ્રભુ શ્રીરામના દર્શન લીધાનું સમાધાન મળતું હતું; કારણકે ભરત કેવળ દેખાવમાં જ પ્રભુ શ્રીરામ જેવો નહીં, જ્‍યારે તેના પંડમાં પ્રભુ શ્રીરામ જેવા દૈવી ગુણ પણ હતા. આ રીતે ‘કેવળ પ્રભુ શ્રીરામ જ નહીં, જ્‍યારે તેમના ભરત જેવા સમસ્‍ત ભક્તો પણ આદર્શ હતા’, આ ઉપરોક્ત સૂત્રો પરથી આપણા ધ્‍યાનમાં આવે છે.

 

૧૩. કૃતજ્ઞતા !

‘ભગવાનની અસીમ કૃપાથી મહાત્‍મા ભરત વિશેનું લખાણ ઉત્‍સ્‍ફૂર્તતાથી સૂઝ્‍યું. ભગવાને મારા મનમાંના વિચાર શબ્‍દોમાં ગૂંથી લીધા. તે માટે પ્રભુ શ્રીરામનાં ચરણોમાં કોટી કોટી કૃતજ્ઞતા વ્‍યક્ત કરું છું.’

 કુ. મધુરા ભોસલે (સૂક્ષ્મમાંથી મળેલું જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment