અનુક્રમણિકા
શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ દ્વારા કરવામાં આવેલા દેવભૂમિ હિમાચલ પ્રદેશના દૈવી પ્રવાસનો વૃત્તાંત (વર્ણન)
‘૧૯.૬.૨૦૨૧ના દિવસે શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે સપ્તર્ષિ જીવનાડીપટ્ટીમાં કહ્યા પ્રમાણે દેવભૂમિ હિમાચલ પ્રદેશના પ્રવાસનો આરંભ કર્યો. આ પ્રવાસમાં તેમણે હિમાચલ પ્રદેશ રાજ્યના કુલુ જિલ્લામાંના વિવિધ દૈવી સ્થળોએ પ્રત્યક્ષ જઈને ‘આપત્કાળમાં સાધકોનું રક્ષણ થાય અને ‘હિંદુ રાષ્ટ્ર’ની સ્થાપના થાય’, તે માટે પ્રાર્થના કરી. એવા આ દૈવી ક્ષેત્રમાં આવેલા કુલુ પ્રદેશમાં અનેક ઋષિઓનાં તપસ્થાનો છે. ત્યાં આવેલા ‘શૃંગીઋષિ’ના તપસ્થાન વિશે જાણી લઈએ.
૧. શૃંગીઋષિ મંદિર
હિમાચલ પ્રદેશમાંના કુલુ જિલ્લાના બાગી નામના ગામમાં ‘શૃંગીઋષિનું મંદિર’ છે. કુલુ શહેરથી ૨ કલાકના અંતરે બંજાર ખીણમાં આ ગામ ઊંચા પર્વત પર આવેલું છે. ગામની પાછળ હિમાલયના કેટલાંક શિખરો દેખાય છે. આ શિખરો પર શૃંગીઋષિનો વસવાટ હતો. આ શિખરો અત્યંત દુર્ગમ છે. ‘ભકતો શૃંગીઋષિની નિત્ય પૂજા કરી શકે’ તે માટે બાગી ગામમાં શૃંગીઋષિનું મંદિર બાંધવામાં આવ્યું છે.
૨. શૃંગીઋષિનો પરિચય
શૃંગીઋષિ એ વિભાંડક ઋષિના પુત્ર અને કશ્યપઋષિના પૌત્ર હતા. શૃંગીઋષિએ આત્મજ્ઞાન થકી જાણ્યું હતું કે, ‘દશરથ રાજા ‘પુત્રકામેષ્ટિ’ યાગ કરે, તો તેમનાં પત્ની કૌસલ્યાની કૂખે શ્રીવિષ્ણુ શ્રીરામ સ્વરૂપે જન્મ લેવાના છે.’ શૃંગીઋષિએ કરેલા ‘પુત્રકામેષ્ટિ યાગ’ને કારણે શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો.
શૃંગીઋષિ (જો) ન હોત, તો આપણે શ્રીરામ જન્મની કલ્પના કરી શકીએ નહીં. એવા મહાન ઋષિનાં ચરણોમાં ગમે તેટલી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ, તો પણ તે અલ્પ છે.
૩. ક્ષણચિત્રો
૧. શૃંગીઋષિના મંદિરના પૂજારીએ ‘સનાતન સંસ્થા’ના કાર્ય માટે આશીર્વાદ સ્વરૂપે શૃંગીઋષિની પાલખી પરનું વસ્ત્ર આપવું
‘શૃંગઋષિના મંદિરમાં ગયા પછી ત્યાંના પૂજારી શ્રી. જીતેન્દ્રએ અમને શૃંગીઋષિ વિશે સર્વ માહિતી કહી. તેમણે અમને ‘સનાતન સંસ્થા’ના કાર્ય માટે શૃંગીઋષિના આશીર્વાદ તરીકે તેમની પાલખી પરનું વસ્ત્ર આપ્યું.
૨. કુલુ ખાતે શૃંગીઋષિનું વિશિષ્ટતાપૂર્ણ સ્થાન
સ્થાનિક લોકો શૃંગીઋષિને ‘શૃંગા ઋષિ’, એમ કહે છે. હિમાચલી ભાષામાં તેમને ‘સ્કિર્ણી દેવ’, એમ કહે છે. ભારતમાં શૃંગીઋષિના જૂજ સ્થાનોમાંથી કુલુ ખાતેનું સ્થાન વિશિષ્ટતાપૂર્ણ છે.
૩. શૃંગીઋષિનું મુખ્ય તપ કરવાનું સ્થળ ‘રક્તીસર’ શિખર પર છે અને ત્યાં ૧૨ મહિના હિમ હોય છે તો પણ સહસ્રો ભક્તો ‘રક્તીસર યાત્રા’ કરતા હોવા
સમુદ્ર સપાટીથી ૭ સહસ્ર ફૂટની ઊંચાઈએ આવેલું શૃંગીઋષિનું મંદિર ધરાવતું બાગી ગામ છે. અહીંથી શ્રૃંગીઋષિનું મુખ્ય તપ કરવાનું સ્થળ ૧૪ સહસ્ર ફૂટની ઊંચાઈએ આવેલા હિમાલય પર્વત પરના ‘રક્તીસર’ શિખર પર છે. વર્ષમાં એકવાર સહસ્રો ભક્તગણ ‘રક્તીસર યાત્રા’ કરે છે. ભક્તગણ શૃંગીઋષિની પાલખી લઈને રક્તીસર જાય છે. રક્તીસર પર ૧૨ મહિના હિમ હોય છે. તેથી યાત્રા કરવાનું કઠિન હોય છે. આજ સુધી આ પરંપરા ચાલુ રાખનારા ભક્તોનાં ચરણોમાં સાધકો કોટી કોટી કૃતજ્ઞ છે.’
૪. વાલ્મીકિ રામાયણમાંના ‘બાલકાંડ’માં ‘શૃંગીઋષિ’ અને ‘પુત્રકામેષ્ટિ યાગ’ વિશેનો ઉલ્લેખ હોવો
‘વાલ્મીકિ રામાયણમાં ‘બાલકાંડ’માં ‘શૃંગીઋષિ’ અને ‘પુત્રકામેષ્ટિ યાગ’નો ઉલ્લેખ છે. આ યાગ સૌથી કઠિન છે. યાગ તેના અંતિમ તબક્કામાં હતો ત્યારે સર્વ દેવતા વૈકુંઠમાં શ્રીવિષ્ણુ પાસે જઈને કહે છે, ‘હે ભગવાન, હવે આપને માટે રાવણાસુરના વધ હેતુ અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે.’ ત્યારે શ્રીવિષ્ણુ દશરથના ગૃહે અવતાર ધારણ કરવા માટે સિદ્ધ થયા. પૃથ્વી પર અયોધ્યામાં ‘પુત્રકામેષ્ટિ’ યાગ પૂર્ણ થાય છે અને યજ્ઞપુરુષનું અગ્નિમાં આગમન થાય છે. દશરથ રાજાને સોનાના પાત્રમાં ‘પાયસ’ (ચોખાની ખીર) પ્રાપ્ત થાય છે અને તે વેળાએ દેવતાઓ શૃંગીઋષિ પર પુષ્પવૃષ્ટિ કરે છે. શ્રીવિષ્ણુ પૃથ્વી પર આવે છે. આ સર્વ દૈવી ઘટનાઓનું અતિશય સુંદર વર્ણન કરનારાં આદિ કવિ વાલ્મીકિઋષિનાં ચરણોમાં કોટી કોટી કૃતજ્ઞતા ! ’
સંગ્રાહક : શ્રી.વિનાયક શાનભાગ, કુલુ, હિમાચલ પ્રદેશ. (૨૬.૬.૨૦૨૧)