શ્રીક્ષેત્ર નીરા-નૃસિંહપુરનો મહિમા

Article also available in :

સાક્ષાત ભકત પ્રહ્‌લાદે પૂજન કરેલી શ્રી નૃસિંહની રેતીની મૂર્તિ

 

૧. પદ્મપુરાણમાં શ્રી ક્ષેત્ર નીરા-નૃસિંહપુર સ્‍થાનનો ઉલ્‍લેખ હોવો

પુણે જીલ્‍લાની અગ્‍નિ (દક્ષિણ-પૂર્વ) દિશામાં નીરા અને ભીમા આ નદીઓના સંગમતટ પર શ્રી ક્ષેત્ર નીરા-નૃસિંહપુર વસેલું છે. જેમનું કુળદૈવત નૃસિંહ છે, તેમણે આ તીર્થક્ષેત્રે જઈને શ્રી નૃસિંહના દર્શન કરવા જોઈએ. પદ્મપુરાણમાં કહ્યું છે, હિરણ્‍યકશિપુનાં પત્ની કયાધૂનું ઇન્‍દ્રદેવે અપહરણ કર્યું. તે સમયે કયાધૂ ગર્ભવતી હતા. આ નૃસિંહપુર ક્ષેત્ર પાસે નીરા નદીના કાંઠે તે સમયે નારદમુનિનો આશ્રમ હતો. નારદજીએ આ ઠેકાણે ઇન્‍દ્રને રોકીને તેને કયાધૂની કૂખે ભગવદ્‌ભક્ત જન્‍મ લેનારા છે, એમ કહ્યું. ત્‍યારે ઇંદ્રએ કયાધૂને નારદજીના આશ્રમમાં મૂક્યાં. આગળ જતાં આજ આશ્રમમાં કયાધૂની કૂખે ભક્ત પ્રહ્‌લાદનો જન્‍મ થયો. નારદમુનિના સહવાસમાં પ્રહ્‌લાદની ભક્તિ દૃઢ થઈ.

 

૨. પ્રહ્‌લાદે શ્રીક્ષેત્ર નીરા-નૃસિંહપુર ખાતે શ્રી નૃસિંહમૂર્તિ સિદ્ધ કરીને તેનું પૂજન કરવું અને શ્રી નૃસિંહએ પ્રહ્‌લાદની ભક્તિ પર પ્રસન્‍ન થઈને તેને દર્શન આપવા

આગળ જતાં નીરા-ભીમા સંગમમાંથી રેતી લઈને પ્રહ્‌લાદે શ્રી નૃસિંહમૂર્તિ સિદ્ધ કરી. આ મૂર્તિપૂજાથી સંતુષ્‍ટ થઈને શ્રી નૃસિંહએ ભક્ત પ્રહ્‌લાદને દર્શન આપ્‍યા. તે સમયે શ્રી નૃસિંહએ તેને વર આપ્‍યો, તારી જેમ જે કોઈ આ રેતીની મૂર્તિની પૂજા-અર્ચના કરશે, એની બધી મનોકામના પણ પૂર્ણ થશે.  કહેવામાં આવે છે કે, વર્તમાનમાં મંદિરમાં પશ્‍ચિમાભિમુખ વિરાજમાન થયેલી આજ તે મૂર્તિ છે.  વર્તમાનમાં જે મંદિર ઊભું છે, તેનું બાંધકામ વર્ષ ૧૬૭૮ માં પ્રારંભ થયું, એવો ઉલ્‍લેખ અહીંના શિલાલેખ પરથી જણાય છે.

 

૩. શ્રી નૃસિંહમૂર્તિની વિશેષતા

અહીંની શ્રી નૃસિંહમૂર્તિ પશ્‍ચિમાભિમુખ છે અને તે રેતીમાંથી બનેલી છે. ભક્ત પ્રહ્‌લાદની પ્રત્‍યક્ષ  ઉપાસનાની આ મૂર્તિ વીરાસનસ્‍થ, જાનુદ્વયાહિતકર એટલે બન્‍ને જાંધ પર હાથ મૂકેલી સ્‍થિતિમાં સામેના મંદિરમાં ભક્ત પ્રહ્‌લાદની મૂર્તિ સામે અને ભક્તો સામે અત્‍યંત કૃપાળુ દૃષ્‍ટિથી જોઈ રહેલી જણાય છે. આ મૂર્તિની ડાબી બાજુનાં ગર્ભગૃહમાં સાક્ષાત્ બ્રહ્મદેવની ઉપાસનાની અતિ પ્રાચીન શ્રી નૃસિંહ શામરાજાની ઉત્તરાભિમુખ મૂર્તિ છે. આ દેવસ્‍થાન અત્‍યંત જાગૃત છે.

 

૪. ક્ષેત્રમાહાત્‍મ્‍ય

આ ક્ષેત્રમાં નૃસિંહનું કાયમ રહેઠાણ હોય છે. કેવળ મંદિરનાં દર્શન માત્રથી ચારે પુરુષાર્થની પ્રાપ્‍તિ થાય છે અને અંતે ભક્તને વૈકુંઠ પ્રાપ્‍ત થાય છે. આ સ્‍થાન પૃથ્‍વીનું નાભિસ્‍થાન છે. પદ્મપુરાણમાં નીચે આપેલા શ્‍લોકમાં નીરા-નૃસિંહપુર ક્ષેત્રની વિશેષતાનું વર્ણન કરવામાં આવ્યું છે –

सुदर्शनमित्‍यभिहितं क्षेत्रं यत् वेदविद्वरैः ।

तन्‍नाभिरेव भूगर्भे क्षेत्रराजो विराजते ॥   

અર્થ : વેદ જાણનારા જેનું નયનરમ્‍ય અને સુદર્શનીય, એવું વર્ણન કરે છે, તે આ (નીરા-નૃસિંહપુર ક્ષેત્ર) ક્ષેત્રરાજ છે અને પૃથ્‍વીના નાભિસ્‍થાને શોભે છે.

(સંદર્ભ : શ્રી નૃસિંહ પુરાણ અને શ્રી લક્ષ્મી-નૃસિંહ દેવસ્‍થાનનું પ્રકાશન શ્રી ક્ષેત્રરાજ નીરા-નૃસિંહપુર)

Leave a Comment