દેવ-શિલ્‍પકાર વિશ્‍વકર્માએ દોઢ લાખ વર્ષો પહેલાં નિર્માણ કરેલું ઔરંગાબાદ (બિહાર) ખાતેનું દેવ સૂર્ય મંદિર !

દેવ સૂર્ય મંદિર

ઉત્તર ભારતમાં મોટા ઉત્‍સાહથી ઊજવવામાં આવનારી છઠ પૂજા અથવા છઠ પર્વની કારતક સુદ છઠની તિથિએ મુખ્‍ય પૂજા હોય છે. આ પર્વમાં લાખોની સંખ્‍યામાં હિંદુઓ સૂર્ય દેવની અત્‍યંત મનોભાવથી પૂજા કરે છે.

બિહાર રાજ્‍યમાં ઔરંગાબાદ ખાતે આવેલું દેવ સૂર્ય મંદિર વિશિષ્‍ટતા ધરાવતું મંદિર છે. સાક્ષાત વિશ્‍વકર્માએ એક રાત્રિમાં આ મંદિરનું નિર્માણ કર્યું હોવાનું માનવામાં આવે છે. આ મંદિરનું પ્રવેશદ્વાર પશ્‍ચિમ દિશામાં છે. પશ્‍ચિમ દિશામાં પ્રવેશદ્વાર ધરાવતું એવું ભારતનું આ એકમાત્ર સૂર્ય મંદિર છે. મંદિર નિર્માણના સમયગાળા વિશેનો સ્‍પષ્‍ટ ઉલ્‍લેખ ક્યાંય મળી આવતો નથી; પરંતુ મંદિરનું નિર્માણ દોઢ લાખ વર્ષો પહેલાં થયું, એવું માનવામાં આવે છે. છઠ પર્વના નિમિત્તે લાખોની સંખ્‍યામાં ભક્તગણ અહીં સૂર્ય દેવની પૂજા કરવા માટે આવે છે.

 

૧. મંદિરની અજોડ વિશિષ્‍ટતાઓ

ત્રેતાયુગમાંનું ઐતિહાસિક પશ્‍ચિમાભિમુખ રહેલું એવું આ મંદિર તેની કલાત્‍મક ભવ્‍યતા સાથે જ ઇતિહાસને કારણે પણ પ્રખ્‍યાત છે. ઔરંગાબાદથી ૧૮ કિલોમીટર દૂર દેવ આ સ્‍થાન પર ૧૦૦ ફૂટ ઊંચાઈ ધરાવતું આ મંદિર છે. કાળા અને લાલ રંગના પથ્‍થરોથી આ મંદિરનું બાંધકામ કરવામાં આવ્‍યું છે અને ઓડિશા ખાતેના જગન્‍નાથ મંદિરની જેમ આ મંદિરની રચના છે. મંદિરની બહાર મંદિરના નિર્માણ કાળ વિશે સંબંધિત એક શિલાલેખ છે. તેમાં બ્રાહ્મી લિપિમાં લખાયેલા અને સંસ્‍કૃત ભાષામાં અનુવાદ કરવામાં આવેલા શ્‍લોક અનુસાર ત્રેતાયુગની સમાપ્‍તિ પછી ઇલાપુત્ર પુરુરવા ઐલએ મંદિરના ઉત્‍થાન માટે આરંભ કર્યો. શિલાલેખ પરથી ધ્‍યાનમાં આવે છે કે આ પ્રાચીન મંદિરનું નિર્માણ થયું હોવાને ૧ લાખ ૫૦ સહસ્‍ત્ર ૧૭ વર્ષો થયા છે.

 

૨. મંદિરનો ઇતિહાસ

મંદિરની સ્‍થાપના પાછળ રહેલી વાત એમ છે કે, ઐલ નામનો રાજા એક વાર જંગલમાં શિકાર કરવા માટે ગયો હતો. તે વેળાએ તેને તરસ લાગી. તેણે સેવકને લોટો ભરીને પાણી લાવવા કહ્યું. સેવકે એક ખાડામાંનું પાણી લાવીને રાજાને આપ્‍યું. રાજાના હાથ પર જે જે ઠેકાણે તે પાણીનો સ્‍પર્શ થયો, તે તે ઠેકાણે તેને થયેલો કુષ્‍ઠ રોગ સાજો થઈ ગયો. રાજાના ધ્‍યાનમાં આ બાબત આવ્‍યા પછી રાજાએ તે ખાડામાંના પાણીથી સ્‍નાન કર્યું, ત્‍યારે તેના શરીર પરનો સર્વ કુષ્‍ઠ રોગ મટી ગયો. તે રાત્રે રાજાને ઊંઘમાં એક સ્‍વપ્નું આવ્‍યું. તેમાં જે ખાડાના પાણીથી રાજાએ સ્‍નાન કર્યું હતું, તે પાણીમાં ૩ મૂર્તિઓ હોવાનું રાજાને દેખાયું. બીજે દિવસે રાજાએ તે ત્રણ મૂર્તિઓ બહાર કાઢી લઈને તેમની મંદિરમાં સ્‍થાપના કરી.

 

૩. ભારતનો અદ્વિતીય વારસો ધરાવતું દેવ સૂર્ય મંદિર !

દેવ મંદિરમાં સાત રથોમાં ભગવાન સૂર્યદેવની ઉદયાચલ (ઉગતો સુર્ય), મધ્‍યાચલ (મધ્‍યાહ્‌નના સમયનો સૂર્ય) અને અસ્‍તાચલ (આથમતો સૂર્ય) એવાં ૩ સ્‍વરૂપ ધરાવતી પથ્‍થરની મૂર્તિઓ છે. ૧૦૦ ફૂટ ઊંચાઈ ધરાવતું આ મંદિર સ્‍થાપત્‍ય અને વાસ્‍તુકલાનું અદ્‌ભુત ઉદાહરણ છે. મંદિરના બાંધકામમાં બે પથ્‍થર જોડવા માટે કોઈપણ પ્રકારનો ચુનો અથવા અન્‍ય રસાયણનો ઉપયોગ થયેલો નથી. તો પણ લંબચોરસ, ચોરસ, ષટકોણ, ગોળ, ત્રિકોણાકાર એવા અનેક પ્રકારના પથ્‍થર એકબીજા સાથે જોડાયેલાં છે. તેથી આ મંદિર આકર્ષક અને વિસ્‍મય પમાડનારું છે. આ મંદિર ભારતનો અજોડ વારસો છે.

 

૪. સૂર્યદેવની મૂર્તિનું પ્રતિવર્ષે લાખો ભક્તગણ દર્શન કરે છે !

પ્રતિવર્ષે છઠ પર્વ પ્રસંગે ઝારખંડ, મધ્‍યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને અન્‍ય રાજ્‍યોમાંથી લાખોની સંખ્‍યામાં શ્રદ્ધાળુ ભક્તો છઠ પૂજા કરવા માટે અહીં આવે છે. જે ભક્ત મંદિરમાં ભગવાન સૂર્ય દેવની પૂજા કરે છે, તેની ઇચ્‍છા પૂર્ણ થાય છે, એવી હિંદુઓની શ્રદ્ધા છે. મનની ઇચ્‍છાઓ પૂર્ણ થવા માટે સૂર્યદેવને અર્ઘ્‍ય આપવામાં આવે છે.

 

૫. મંદિરમાંની પરંપરા

મંદિર પાસે આવેલા સૂર્યકુંડ તળાવને વિશેષ મહત્ત્વ છે. આ સૂર્યકુંડમાં સ્‍નાન કર્યા પછી વ્રતધારી ભક્તો સૂર્યની પૂજા કરે છે. મંદિરના મુખ્‍ય પૂજારી સચ્‍ચિદાનંદ પાઠકે જણાવ્‍યું કે, પ્રતિદિન પરોઢિયે ૪ કલાકે સૂર્યદેવને ઘંટડી વગાડીને જગાડવામાં આવે છે. ત્‍યાર પછી મૂર્તિઓને સ્‍નાન કરાવીને તેમના કપાળ પર ચંદનનો લેપ લગાડવામાં આવે છે,

તેમ જ નવાં વસ્‍ત્રો પહેરાવવામાં આવે છે. સૂર્યદેવને આદિત્‍યહૃદય સ્‍તોત્રનો પાઠ સંભળાવવામાં આવે છે. આ પરંપરા અનેક વર્ષોથી ચાલતી આવી રહી છે.

‘આયએએન્એસ્’ સંકેતસ્‍થળ

Leave a Comment