ચિકનગુનિયા : લક્ષણો અને ઉપચાર !

Article also available in :

૧. ‘ચિકનગુનિયા’ રોગનું સ્‍વરૂપ ત્રાસદાયક; પણ તેમાંથી સાજા થવાની નિશ્‍ચિતિ !

‘કેટલાંક વર્ષો પહેલાં ‘ચિકનગુનિયા’ નામની વ્‍યાધિએ મહારાષ્‍ટ્રમાં હાહાકાર મચાવ્‍યો હતો. ‘ચિકનગુનિયા’ સાધારણ રીતે ઘરમાં સહુને એકજ સમયે થાય છે. ઘરમાં સઘળાં રોગગ્રસ્‍ત થવાથી કોઈ જ કોઈના માટે કશું કરી શકતા નથી. તેમાં થનારો સંધિવાનો દુખાવો એ તીવ્ર અને લાંબા સમય સુધી હેરાન કરનારો હોવાથી તે રોગમાંથી તરત છૂટકારો થતો નથી. એકંદરે આ રોગનું સ્‍વરૂપ એટલું ત્રાસદાયક છે કે, એના એક રોગીને કેવળ જોયા પછી આપણને તેનો ધ્રાસકો લાગે છે.

‘ચિકનગુનિયા’ આ શબ્‍દ મૂળ સાહિલી ભાષામાંનો છે. અગાઉ આ રોગ વાંદરાઓને થતો હતો. ‘એડીસ ઇજિપ્‍ટી’ નામના મચ્‍છરની માદા આ રોગનો ફેલાવો કરે છે. તેના કરડવાથી ‘અરબો વાઇરસ’ નામના વિષાણુ (વાઇરસ) માનવી શરીરમાં પ્રવેશ કરે છે. એકવાર જો તેઓ શરીરમાં પ્રવેશી જાય, તો તેમની સંખ્‍યા વધી જઈને બીમારી પ્રકટ થવાનો સમયગાળો ૫ થી ૮ દિવસ જેટલો હોય છે.

ચિકનગુનિયા ફેલાવનારા મચ્‍છર

 

૨. ‘ચિકનગુનિયા’નાં લક્ષણો

૨ અ. તાવ

ક્યારેક લો ગ્રેડ (૯૯ થી ૧૦૧ ‘ફેરનહાઈટ’), તો ક્યારેક હાઇ ગ્રેડ (૧૦૧ થી ૧૦૩ ‘ફેરનહાઈટ’)ના પ્રમાણમાં તાવ આવે છે. તાવ વધુમાં વધુ ૨-૩ દિવસ રહે છે; પરંતુ થોડા થોડા દિવસો પછી તે ફરીથી આવી શકે છે.

૨ આ. ઠંડી (ટાઢ)

રોગીને તીવ્ર ઠંડી ચડીને પછી તાવ આવે છે. અધિક રજાઈઓ ઓઢ્યા પછી પણ તાવ ઓછો થતો નથી.

૨ ઇ. માથાનો દુખાવો

માથું ભારે થઈને દુખવા માંડે છે.

૨ ઈ. ઉલટીની ભાવના અથવા ઉલટી (થવી)

આ લક્ષણો અમુક જણામાં જ જોવા મળે છે.

૨ ઉ. સંધિવા

આ લક્ષણ ઘણું તીવ્ર હોય છે. એકજ સમયે ઘણા સાંધા સૂજી જાય છે અને દુખે છે. ‘ સાંધામાં જાણે વીંછીએ ડંખ માર્યો હોય એવો દુખાવો થાય છે’, એવું કેટલાક રોગીઓ કહે છે. રોગીને પડખું ફેરવવાનું પણ અશક્ય થાય છે. તે પોતાનું કોઈ જ કામ કરી શકતો નથી. છેક આંગળીઓના સાંધા પણ સહકાર કરતા નથી. આ પીડા ધીમે ધીમે અલ્‍પ થાય છે. આ પીડામાંથી મુક્ત થવા માટે ૪ મહિનાથી માંડીને ૨ વર્ષ જેટલો સમય લાગે છે. કેટલાક રોગીઓમાં ઠંડી, વરસાદ અને ખોરાકમાં થતા ફેરફારને કારણે આ પીડા ફરી ફરીથી થવા  લાગે છે. કેટલાક રોગીઓનો સંધિવા જાણે (તેમનો) શત્રુ હોય તેવી રીતે અડિંગો જમાવીને બેસે છે.

૨ ઊ. ઝીણી ફોલ્‍લીઓ

સંપૂર્ણ ત્‍વચા પર ક્યાંય પણ ઝીણી ફોલ્‍લીઓ થાય છે. તેમાં ખંજવાળ અથવા બળતરાં  થવી જેવાં લક્ષણો હોય છે. ૩ થી ૪ દિવસ પછી ફોલ્‍લીઓ મટી જઈને ત્‍યાંની ત્‍વચા ખરવા માંડે છે.

૨ એ. નબળાઈ

રોગીઓમાં નબળાઈ એક અઠવાડિયા સુધી તો રહે છે. જીવલેણ નબળાઈ, એ આ રોગનું વધુ એક લક્ષણ છે.

કેટલાક રોગીઓમાં આ સર્વ લક્ષણો તીવ્ર સ્‍વરૂપમાં જોવા મળે છે, તો કેટલાક રોગીઓમાં અમુક જ લક્ષણો જોવા મળે છે. કેટલાક રોગીઓમાં લક્ષણોનું સ્‍વરૂપ સરખામણીએ સૌમ્‍ય હોય છે. તાવ અને સંધિવા માત્ર સર્વ રોગીઓમાં હોય છે.      ચિકનગુનિયાના પુસ્‍તકમાં આ પ્રમાણે વર્ણન કરેલું છે. તેનાં લક્ષણો એટલા તો સ્‍પષ્‍ટ અને તીવ્ર હોય છે કે, છેક આરંભમાં જ આ બીમારીનું નિદાન કરવું સહજ શક્ય હોય છે.

‘આર.ટી.પી.સી.આર.’માં લોહીના પરીક્ષણમાં ચિકનગુનિયાના વિષાણુનું ‘આર.એન.એ.(રાયબોન્‍યૂક્લિઇક ઍસિડ – માનવી શરીરમાંની પ્રત્‍યેક પેશીમાં રહેલું એક પ્રકારનું ઍસિડ) ચકાસી શકાય છે; પરંતુ તે વિષાણુ ૭ મા દિવસે લોહીમાં મળી આવી શકે છે.

 

૩. ઉપચાર

તાવ દૂર કરનારી અને વેદનાનાશક દવાઓ લીધી હોય, તો પણ તે કેટલા સમય સુધી લેવી પડશે, તેનો ભરોસો હોતો નથી. કેટલીક વાર અઠવાડિયા પછી અથવા મહિના પછી ફરીવાર તાવ આવે છે. સાંધાનો દુખાવો અને જડતા તો ક્યારેક ક્યારેક ૨ મહિના સુધી કેડો મૂકતી નથી. આયુર્વેદની દૃષ્‍ટિએ વિચાર કરીએ, તો આ તાવના પ્રકારમાં અગ્‍નિમાંદ્ય (ભૂખ અને પાચનશક્તિનું ઘટવું), વાતદોષના કાર્યમાં બગાડ, રસવહસ્રોતના કાર્યમાં બગાડ (ખોરાકમાંથી સિદ્ધ (તૈયાર) થયેલો પહેલો શરીર ઘટક એટલે રસધાતુ છે. તેનો સંપૂર્ણ શરીરમાં વહન કરનારો સ્રોત – ‘ચેનલ’ એટલે રસ વહન કરનારો પ્રવાહ), લોહીમાં બગાડ, અસ્‍થિ (હાડકાં) અને સાંધામાં બગાડ થયેલો હોય છે. શાસ્‍ત્રમાંના ‘આમવાત’ (આમને લીધે થતો સંધિવા)ના રોગમાં વર્ણન કર્યા જેવી; પરંતુ તેનાથી પણ તીવ્ર ગતિથી સર્જાયેલી આ પરિસ્‍થિતિ છે. જો તેનો પ્રતિકાર કરવો હોય, તો બે રીતે વિચાર કરવો જોઈએ.

૩ અ. પ્રતિબંધ

પહેલું સૂત્ર પ્રતિબંધનું ! ચિકનગુનિયા રોગ મચ્‍છરો દ્વારા થતો હોવાથી આપણા પરિસરમાં મચ્‍છરોની વૃદ્ધિ માટે અનુકૂળ એવું વાતાવરણ ચીવટતાથી ટાળવું જોઈએ. આ સંબંધે મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામપંચાયત વખતોવખત સૂચનાઓ આપે છે અને (જંતુનાશક દવાઓનો) છંટકાવ પણ કરે છે. તેમ હોવા છતાં પણ મચ્‍છરો થકી રોગચાળો ફેલાતો હોય, તો ઘરની બારીઓને જાળીઓ લગાડવી અને રાત્રે મચ્‍છરદાનીનો ઉપયોગ કરવો, આ ઉપાય સાવધાનીભર્યા ઠરે છે. જો બીમારી થાય જ તો, આરંભમાં તાકીદે કરવાની સારવાર એટલે નજીકના વૈદ્ય પાસેથી તાવ અને સંધિવા માટે દવા લાવવી. વૈદ્ય પાસે જઈ ન શકાય અને જનારું અન્‍ય કોઈ ન હોય, તો પ્રાથમિક ઉપચાર તરીકે ‘મહાસુદર્શન કાઢા’ (ઉકાળો) અને ‘દશમુલારિષ્‍ટ’ ૪-૪ ચમચી દવા લેવી. તેમાં થોડું પાણી ઉમેરવું. વૈદ્ય પાસે જવાની ક્ષમતા પ્રાપ્‍ત થાય ત્‍યાં સુધી આ ઉપચાર કરવો.

૩ આ. ભૂખ લાગે તેટલો જ હળવો ખોરાક લેવો. ભૂખ ન હોય તો કાંઈ પણ ખાવું નહીં અથવા શેકેલા ચોખાની કાંજી અથવા મગનું સૂપ અથવા ઉકાળો ઇત્‍યાદિ જેવો હળવો ખોરાક લેવો.

દિવસમાં ૩ વાર ગરમ પાણીની થેલીનો અથવા લોઢાના તવા પર કપડામાં રેતી ભરેલી પોટલી મૂકીને તેનો શેક લેવો.

૩ ઇ. નાગરમોથ, સૂંઠ, ચંદન, વિરણવાળો, સારિવા અને પિત્તપાપડો જેવી દવાઓમાંથી સિદ્ધ કરેલું (આ દવાઓ ભેળવીને ઉકાળેલું) પાણી પીવું.

૩ ઈ. ધાણી, ઓસામણ, શેકેલા ચોખાની ખીચડી અને જુવારનો તાજો રોટલો જેવો હળવો ખોરાક લેવો. તેમાં સ્‍વાદ માટે મરીની ભૂકીનો ઉપયોગ કરવો.

૩ ઉ. ગરમ કપડાંનો ઉપયોગ કરવો.

૩ ઊ. સાંધાઓ પર બને ત્‍યાં સુધી કોઈ દવા લગાડવી નહીં; કારણકે તેનાથી ફોલ્‍લીઓ વધી જવાની સંભાવના હોય છે.

૩ એ. સ્‍નાન, દિવસે ઊંઘ, કામ અને પંખાનો ઉપયોગ કરવાનું ટાળીને પૂર્ણ વિશ્રાંતિ લેવી.  (અર્થાત્ આ રોગ ફરજિયાત વિશ્રાંતિ લેવડાવનારો છે.)

૩ ઐ. રાત્રે જાગરણ કરવું નહીં.

 

૪. આયુર્વેદને કારણે ચિકનગુનિયાનો પ્રભાવ નષ્‍ટ થઈ જઈને વેદનારહિત જીવન જીવવાની તક મળવી

તાવ અને ફોલ્‍લીઓ મટી ગયા પછી રોગની દીર્ઘ સમયગાળાની ચિકિત્‍સા ચાલુ થાય છે. તેમાં ખાસ કરીને સાંધાના દુખાવા પર સારવાર કરવી પડે છે. એવા સમયે અહીં પણ આપણી સહાયતા કરવા આયુર્વેદશાસ્‍ત્ર આવે છે. ચિકનગુનિયાના કેટલાક રોગીઓને આરંભમાં વિરેચન અથવા બસ્‍તી જેવી પંચકર્મમાંની કેટલીક સારવાર કરીને તેની પરિણામકારિતા ચકાસવી પડે છે. અર્થાત્ એ સર્વ વૈદ્યની દેખરેખ હેઠળ કરવાનું હોય છે. તે કરાવતી વેળા વૈદ્યની સલાહોનું ચુસ્‍ત પાલન કરવું મહત્ત્વનું છે. તાવ મટી ગયા પછી પણ દીર્ઘ સમય સુધી દવાઓ લેવી પડે છે. દરેક રોગી અનુસાર આ દવાઓમાં ફેરફાર થાય છે; તેથી પોતાના મનથી દવાઓ લેવી નહી. ઘરની એક વ્‍યક્તિને આપેલી અથવા લખી આપેલી દવાઓનો અન્‍ય કોઈએ ઉપયોગ કરવો નહીં. ખોરાકનું પથ્‍ય (પરેજી)-અપથ્‍યનું ધ્‍યાન રાખવું પડે છે. તે માટે વૈદ્યકીય સલાહ આવશ્‍યક ઠરે છે. રોગ દ્વારા સાંધાઓમાં થયેલો બગાડ આ જ ઉપક્રમોથી મટી જઈ શકે છે. તેથી રોગીને વેદનારહિત આયુષ્‍ય જીવવાની તક મળે છે.

‘ચિકનગુનિયા’ રોગનું સ્‍વરૂપ ભયંકર હોય, તો પણ તે જીવલેણ રોગ નથી. તે સાજો થઈ શકે છે, તેમજ સાંધાનો દુખાવો પણ મટી જઈ શકે છે. કેવળ યોગ્‍ય સમયે વૈદ્યને પ્રત્‍યક્ષ મળવાની અને તેમની પાસે પર્યાપ્‍ત સમય સુધી સારવાર કરાવી લેવાની આવશ્‍યકતા છે.’

 વૈદ્યા સુચિત્રા કુલકર્ણી (સાભાર : ‘સાપ્‍તાહિક વિવેક’)

Leave a Comment