અનુક્રમણિકા
- ૧. વિશ્વસનીય બિયારણ મળવા માટે પોતે જ તેનો સંગ્રહ કરવો આવશ્યક
- ૨. શ્રમ અને પૈસો બચાવવા માટે સ્થાનિક પાકનું વાવેતર કરવું લાભદાયક
- ૩. પોતે સંગ્રહિત કરેલા બિયારણમાંથી નિર્માણ થનારી આગળની પેઢીઓ સ્થાનિક વાતવરણમાંના પરિવર્તનોનો સામનો કરવા માટે સક્ષમ થતી જવી
- ૪. યોગ્ય પદ્ધતિ જાણી લેવાથી બિયારણનો સંગ્રહ કરવાનું સહેલું હોવું
- ૫. બીજના સંગ્રહ માટે મહત્ત્વનાં સૂત્રો
- ૬. કેટલાક વિશિષ્ટ શાકભાજીના બિયારણ સંગહિત કરવાની પદ્ધતિઓ
આપણે ઘરે શાકભાજી, ફળભાજી, લીલા શાકભાજીનું વાવેતર કરતા હોઈએ છીએ. આ વાવેતર કરતી વેળાએ બીજ મહત્ત્વનાં હોય છે. આ બીનો સંગ્રહ કેવી રીતે કરવો ? સર્વસામાન્ય અને કેટલાક વિશિષ્ટ શાકના બીજ સંગ્રહ કરવાની યોગ્ય પદ્ધતિ કઈ છે ? આ વિશે કેટલાંક મહત્ત્વપૂર્ણ સૂત્રો આ લેખમાં આપી રહ્યા છીએ.
૧. વિશ્વસનીય બિયારણ મળવા માટે પોતે જ તેનો સંગ્રહ કરવો આવશ્યક
‘આપણે આપણાં બાગમાં શાકભાજીનો પાક ઉગાડીએ છીએ. (‘શાકભાજી ઉગાડીએ છીએ’, આના કરતાં ‘પાક લઈએ છીએ’ એમ કહેવાથી નૈતિક ઉત્તરદાયિત્વ વધે છે અને કામમાં વધુ ગંભીરતા પણ નિર્માણ થાય છે.) આ પાકનું આયુષ્ય ૩ – ૪ માસનું હોય છે. રીંગણાં, મરચાં ઇત્યાદિ કેટલાક પાક છોડતાં અન્ય ફળભાજી અને લીલા શાકનું આગળનું વાવેતર કરવા માટે બિયારણની આવશ્યકતા હોય છે. (રીંગણાં, મરચાં ઇત્યાદિ પાકને પણ બીજની આવશ્યકતા હોય છે. કેવળ પ્રત્યેક ઋતુ પછી (‘સીઝન’ પછી) નક્કર છાંટણ કરવાથી નવાં રોપો પર પણ આગળની ઋતુએ શાક મળે છે. કેવળ પહેલી ખેપ કરતાં સંખ્યા અને કદાચ આકાર ઓછો હોય છે. આવું સામાન્ય રીતે ૩ – ૪ ઋતુ સુધી ચાલે છે.) રોપવાટિકા અથવા બિયારણ દુકાનમાંથી મળનારા બીજ જો ‘હાયબ્રિડ’ હોય, તો પ્રત્યેક વેળાના વાવેતર માટે આપણે બિયારણ વેચાતું લાવવું પડે છે; પણ જો આપણે દેશી બિયારણ વાપરતા હોઈએ, તો આગળ વાવેતર માટે જોઈતું બિયારણ આપણે જ સિદ્ધ કરીને તેનો સંગ્રહ કરી શકાય છે. એમ કરવાથી સમય અને પૈસો, તો બચે જ છે; પણ આપણને વિશ્વસનીય (ખાતરીલાયક) બિયારણ મળે છે.
૨. શ્રમ અને પૈસો બચાવવા માટે સ્થાનિક પાકનું વાવેતર કરવું લાભદાયક
સામાન્ય રીતે પોતપોતાના વિભાગની માટી, વાતાવરણ, વરસાદનો વિચાર કેવળ શાકભાજી જ નહીં, જ્યારે કોઈપણ પાક લેતી વેળાએ કરવામાં આવે છે. આ સાવ પહેલેથી ચાલતું આવ્યું છે અને તેની પાછળ અભ્યાસ અને અનુભવ છે. નિસર્ગતઃ કોઈપણ બીજ તેને આવશ્યક તેવી ભીનાશ, તાપમાન અને ઊર્જા મળ્યા પછી અંકુર ધરે છે; પરંતુ તેની આગળની વૃદ્ધિ, તે બીજ દ્વારા આવેલું રોપ ફૂલવું-ફાલવું એ માટે માટી, વાતાવરણ, સૂર્યપ્રકાશ અને તેમનાંમાંની તીવ્રતા આ બાબતો ઘણી મહત્ત્વની હોય છે અને તે આપણે પૂરી પાડી શકતા નથી. નહીંતર બરફવાળા પ્રદેશમાં પણ નારિયેળના વૃક્ષો દેખાઈ શક્યા હોત. શ્રમ અને પૈસો બચાવવા માટે સ્થાનિક જાતિના અને પાક પ્રકારની પસંદગી કરવામાં આવે છે.
૩. પોતે સંગ્રહિત કરેલા બિયારણમાંથી નિર્માણ થનારી આગળની પેઢીઓ સ્થાનિક વાતવરણમાંના પરિવર્તનોનો સામનો કરવા માટે સક્ષમ થતી જવી
આપણે જ્યારે પહેલી જ વાર કોઈક બીજ વાપરવાના હોઈએ, તો તે માટે દેશી અથવા પારંપારિક (હેઅરલૂમ) પ્રકારના બીજ ચૂંટીએ અને પ્રત્યેક ઋતુ પછી તેનો સંગ્રહ કરતા રહીને આગળના વાવેતર માટે વાપરીએ, તો આપણે ત્યાંના વાતાવરણનો સામનો કરવા માટે આવા બીજ પ્રત્યેક પેઢી પછી અધિક સક્ષમ બનતા જાય છે. બીજના સંગ્રહ પાછળનું આ સૂત્ર પણ મહત્ત્વનું હોય છે.
૪. યોગ્ય પદ્ધતિ જાણી લેવાથી બિયારણનો સંગ્રહ કરવાનું સહેલું હોવું
સંગ્રહ માટે અને આગળના વાવેતર માટે બીજને અંકુર ધરવા માટે યોગ્ય રોપોની પસંદગી, રોપ પરનાં ફળો કાઢવાનો યોગ્ય સમયગાળો અને બીજ પર પ્રક્રિયા કરીને તેમનો યોગ્ય પદ્ધતિથી સંગ્રહ આ પ્રમુખ બાબતો ભણી ધ્યાન દેવાની આવશ્યકતા હોય છે. આ કામ અતિશય સહેલું છે. કેવળ તેની યોગ્ય પદ્ધતિ જાણી લેવી આવશ્યક હોય છે.
૫. બીજના સંગ્રહ માટે મહત્ત્વનાં સૂત્રો
૫ અ. જો તમે ‘હાયબ્રિડ’ બીજ વાવ્યા હોય, તો આવા ઝાડથી મળનારા બીજ પુનર્વાવેતર માટે ઉપયોગી થતા નથી.
૫ આ. જે રોપોમાં અથવા શાકભાજીના પ્રકારોમાં ‘સ્વપરાગીકરણ (સેલ્ફ પોલીનેશન)’ અને ‘મુક્ત પરાગીકરણ (ઓપન પોલીનેશન)’ થતું હોય છે, એવા જ રોપો બીજના સંગ્રહ માટે ચૂંટવા.
૫ ઇ. બાગમાં જો ‘હાયબ્રિડ’ અને દેશી અથવા મુક્ત પરાગીકરણ (ઓપન પોલીનેશન) થનારા આ બન્ને પ્રકારના બીજ વાવ્યા હોય, તો બીજોના આગળના સંગ્રહ માટે દેશી પ્રકારના સુદૃઢ અને નિરોગી વૃક્ષોની પસંદગી કરીને તે અલગ મૂકવા. પવનને કારણે અથવા એકબીજાની બાજુમાં મૂકવાથી ‘પરપરાગીકરણ (ક્રોસ પોલીનેશન)’ થવાની સંભાવના હોય છે અને આગામી પેઢી કેવી નિપજશે, તે કાંઈ કહેવાય નહીં; તેથી આ સાવધાની રાખવી અત્યંત આવશ્યક હોય છે.
૫ ઈ. બીજના સંગ્રહ માટે પસંદ કરેલા રોપો પર કેટલાંક ફળો (બને તો પ્રથમ આવેલાં ફળોમાંથી કેટલાંક ફળો) રોપ પર તેમજ રહેવા દઈને પૂર્ણ રીતે પાકવા દેવા. પાકતા હોય, ત્યારે તેમનામાં થઈ રહેલાં પરિવર્તનો ભણી ધ્યાન આપવું. ફળો અથવા શિંગો પૂર્ણ સિદ્ધ થતા હોય, ત્યારે તેમનો આકાર એક સીમા સુધી વધીને પછી વૃદ્ધિ થોભે છે અને રંગ પલટાતો રહે છે. કેટલાંક ફળોના સંદર્ભમાં ત્વચા પર કરચલીઓ પડવા માંડે છે. આવા પરિવર્તનો જો નજરે ચડે તો ફળો પડી જાય તે પહેલાં જ કાઢી લઈને છાંયે મૂકવાં.
૬. કેટલાક વિશિષ્ટ શાકભાજીના બિયારણ સંગહિત કરવાની પદ્ધતિઓ
સર્વસામાન્ય રીતે બધા પ્રકારના બિયારણ સંગ્રહિત કરવાની પદ્ધતિ ભલે એકજ હોય, તો પણ કેટલાંક ફળોના સંદર્ભમાં વિશેષ કાળજી લેવી પડે છે.
૬ અ. ટમેટા
જો તમે એક કરતાં વધુ પ્રકારના દેશી ટમેટાનો ફાલ લેતા હોવ, તો આવા રોપો અલગ અલગ મૂકીને તેમની વ્યવસ્થિત નોંધ કરવી. જો બને તો, પ્રત્યેક પ્રકારના ૨ – ૩ રોપ અલગ રાખવા ઉત્તમ થશે. પ્રત્યેક પ્રકારમાંના ૩ – ૪ ટમેટા ઝાડ પર પૂર્ણ પાકવા દેવા. પૂર્ણ પાકેલા ટમેટા અડધા કાપીને તેમાંનો ગર સ્વચ્છ ધોયેલી ચમચીથી એકાદ વાસણમાં કાઢી લેવો. વાસણ પારદર્શક હોય તો સારું. આ કરવા પહેલાં હાથ અને વાસણ બન્ને સ્વચ્છ ધોયેલા હોવા જોઈએ. કાઢેલો ગર એમજ ૩ – ૪ દિવસ છાંયે મૂકવો. વાસણ પર ઢાંકણ મૂકવું. તેને કીડીઓ ન વળગે, તેની કાળજી લેવી. ટમેટાના બીજ પર એક પાતળો થર હોય છે. તે આપણે કાઢવાનો છે; પણ તે બીજ ધોઈને હાથથી કાઢતી વેળાએ બીજને હાનિ પહોંચવાની શક્યતા હોવાથી આપણે પુષ્કળ કાળજી લેવાની આવશ્યકતા હોય છે.
આ ૩ – ૪ દિવસોમાં ગર પ્રતિદિન સ્વચ્છ ચમચીથી હલાવતા રહેવું. આ સમયે ઉપરની બાજુએ ધોળો થર જમા થશે. તે ભેગો થવા દેવો નહીં. આ માટે ચમચીથી હલાવવું આવશ્યક હોય છે. આવો ધોળો થર જો ઘણો વધારે હોય અને અલગ તારવી શકાતો હોય, તો તે ચમચીથી કાઢી નાખવો. ૩ – ૪ દિવસો પછી વાસણમાં બીજ નીચે ઠરેલા દેખાશે. પછી ચમચીથી હળવેથી ઉપરનો ગર કાઢી નાખવો. હવે વાસણમાં કેવળ બીજ રહ્યા હોય છે. તેના પર પાણી નાખી રાખવું. કેટલાક બીજ ઉપર તરતા દેખાય, તો તે કાઢી નાખવા. પછી ૨ – ૩ વાર બીજ પાણીથી વ્યવસ્થિત ધોઈને તે કાગળ પર અથવા એકાદ થાળીમાં સૂકવવા માટે રાખવા. બીજ પૂર્ણ રીતે સૂકાઈ જાય કે ઝિપ લૉકની થેલીમાં, કાગળના પરબીડિયામાં અથવા એકાદ હવાબંધ ડબ્બામાં રાખીને ઉપર પટ્ટી (લેબલ) કરીને તેના પર ‘બીજ’નો પ્રકાર, સંગ્રહિત કરેલી દિનાંક આ બધું લખવું, એટલે આગામી ઋતુમાં આ બધું ઉપયોગી થશે. ડબ્બો અથવા થેલી જે કાંઈ બીજ રાખવા માટે વાપર્યું હોય, તે સાધારણ તાપમાનમાં અને કોરી જગ્યાએ મૂકવું.
૬ આ. રીંગણાં
રીંગણાંના જેટલા પ્રકાર વાવ્યા છે, તેમાંથી પ્રત્યેકમાંથી ઓછોમાં ઓછું એક તોયે રોપ અલગ તારવીને અન્ય રોપોથી દૂર રાખવું. તેના પર રીંગણાં પૂરી રીતે તૈયાર થવા દેવા. રીંગણાં પહેલા પીળાં થઈને પછી તપખીરિયા રંગના થશે. તેની છાલ પરની કાંતિ જતી રહેશે. કઠણપણું જઈને નરમ થશે. પૂર્ણ પાકી ગયા પછી રીંગણાં એક તો છોડ પરથી ખરી જશે અથવા તો હાથ લગાડતાં વેંત સહેજે હાથમાં આવશે. આવા રીંગણાં કાઢીને ૪ – ૫ દિવસ ઘરમાં જ ખુલ્લા મૂકવા. પછી ચાકુથી હળવા હાથે કાપી લેવા. અંદરનો ગર કોરો પડી ગયો હશે. તેમાં જ તપખીરિયા રંગના બી દેખાશે. અણિયાળા ચાકુથી બીજને દુભાવ્યા વિના તે અલગ તારવવા. એકાદ વાસણમાં લઈને તે ૨ – ૩ વાર ધોઈને બધો ગર જતો રહ્યો હોવાની નિશ્ચિતિ કરવી. પછી ગાળી લઈને એકાદ કાગળ પર અથવા થાળીમાં ફેલાવીને મૂકવા. સૂકાઈ જાય એટલે કાગળના પરબીડિયામાં મૂકીને ઉપર જણાવ્યા પ્રમાણે દિનાંક ઇત્યાદિ વિવરણ લખી રાખવું.’
૬ ઇ. મરચાં વર્ગીય ફળો
‘મરચાંના જે પ્રકાર તમે વાવ્યા હોય, તેમાંથી પણ પ્રત્યેકના ૧ – ૨ રોપ અલગ અલગ મૂકીને તેના પરના ઓછામાં ઓછા ૫ – ૬ ફળ બીજ માટે રાખી મૂકવા. જો તમારે અધિક બિયારણ જોઈતું હોય, તો વધુ ફળો મૂકવા. લીલાં મરચાં ઝાડ પર જ પાકી જઈને લાલ થશે. તેમની વૃદ્ધિ પૂર્ણ થવા આવે કે, તેના પર કરચલીઓ પડશે. પૂર્ણ કરચલી ધરાવતાં મરચાંની છાલ જાડી બનશે. મરચાં ઝાડ પર જ સુકાય, તો પણ ચાલશે. આવા સુકાઈ ગયેલાં મરચાં ઝાડ પરથી કાઢી લઈને કાગળ પર મૂકવા, તેમાંથી બીજ કાઢી લેવા. આ કરતી વેળાએ બને ત્યાં સુધી ચમચી અથવા છરીનો ઉપયોગ કરવો. જો ઉપલબ્ધ હોય, તો હાથમોજાં વાપરવા; કારણકે મરચાંની તીખાશ હાથને લાગે છે અને તેનો ત્રાસ થાય છે. બીજ કાગળ પર અથવા પ્લેટમાં કાઢીને તે ૩ – ૪ દિવસ પૂર્ણ સુકાવા દેવા. આવી રીતે સુકવેલા બીજ થેલીમાં અથવા ડબ્બામાં ભરીને તેના પર લેબલ લગાડીને ઉપર જણાવ્યા અનુસાર સર્વ વિવરણ લખીને ઠંડી અને કોરી જગ્યાએ મૂકવા.
૬ ઈ. શિંગ વર્ગીય ફળો
વાલોળ, ચોળા, મગ, વટાણા ઇત્યાદિ જે શિંગ વર્ગીય શાક છે, તેની શિંગો જો તમે કૂણી હોય, ત્યારે શાક માટે ઉતારી લેતા હોવ, તો કેટલીક શિંગો વેલ પર અથવા તેના છોડ પર જ પૂર્ણ પાકીને સૂકાવા દેવી. શિંગો પૂર્ણ રીતે તૈયાર થતી હોય, ત્યારે તમને તે આછી ફૂલેલી દેખાશે, અર્થાત્ અંદરના દાણા તૈયાર થતા હોય છે. શિંગો સૂકાવા લાગે કે શિંગોનો ઉપરનો ભાગ તપખીરિયો થશે. હાથને આવી શિંગો કડક જણાયા પછી જ કાઢી લેવી. જો તેમજ રહેશે, તો તે ફૂટશે અને દાણા વિખેરાઈ જશે. કાઢેલી શિંગો કોઈપણ ઊંડાણ ધરાવતા વાસણમાં અથવા ડબ્બામાં સૂકવવા માટે રાખવી. ઉપરના ભાગમાં કપડું બાંધવું અથવા એકાદ ઢાંકણું હળવેથી મૂકવું કે જેથી અંદર હવા તો જશે; પણ સૂકાતી વેળાએ, જો શિંગો ફૂટે જ તો બીજ બહાર નહીં ઉડે. શિંગો પૂર્ણ સૂકાઈ ગયા પછી તે ફોડીને અંદરનું સશક્ત બિયારણ કેવળ એકાદ હવાબંધ ડબ્બામાં અથવા થેલીમાં રાખીને તેના પર લેબલ લગાડીને બધું વિવરણ લખવું. કેટલાક બીજ પોચા અથવા અશક્ત (નબળા) દેખાય, તો તે ફોડીને કંપોસ્ટમાં નાખવા. શિંગો ફોડ્યા વિના રાખવી, તે ઉત્તમ. તેને કારણે હવાનો સંપર્ક થયા વિના બીજ સુરક્ષિત રહે છે.
૬ ઉ. લીલા શાકભાજી
પાલક, મેથી, સુવાદાણાની ભાજી, કોથમીર, માઠ, ‘લેટ્યુસ (એક વિદેશી શાક)’ ઇત્યાદિના પણ સશક્ત અને નિરોગી રોપ તેમજ મૂકવા. સમય પૂર્ણ થતો હોય, ત્યારે જ તેના પર કલગીઓ આવશે, ફૂલશે અને પછી તેમાં જ બીજ સિદ્ધ (તૈયાર) થશે. ફૂલો આવીને તે વધવા લાગે કે આવા રોપો પરનાં પાન જૂના થવા લાગશે. શાક માટે કાઢેલા કૂણા પાન કરતાં આનો સ્વાદ થોડો કડવો હોય છે; તેથી પાન ન કાઢવાં. નાહિંતર પણ બીજનું પોષણ થવા માટે રોપો પર પાન હોવા આવશ્યક હોય છે. ફૂલોમાં જ બીજ હશે. ફૂલોનો રંગ પલટાશે. તે સૂકાવા લાગશે. રોપો પણ ઝૂકવા લાગશે. બીજોનું વજન જ્યારે તેના ડાળખા ન સાંખી શકે કે ત્યારે તે એક બાજુએ ઝૂકવા લાગશે.
જે રોપો પર, ઉદા. પાલક ઇત્યાદિ પર અનેક ફૂલોની કલગી આવે છે, તે કલગીના નીચેના ભાગમાંના બીજ વહેલા પાકી જઈને સુકાવા લાગે છે. તેને કારણે નીચેના ભાગમાંના બીજ અથવા ફૂલો તપખીરિયા રંગના થવા માંડે કે તરત જ તે કાઢી લઈને ઘરમાં કાગળ પર છાંયામાં; પણ પ્રકાશ પડે, એવા સ્થાને મૂકવા. અન્ય શાકના સંદર્ભમાં ફૂલો પુષ્કળ સૂકાઈ જાય પછી તે હળવા હાથે કાઢીને ઘરમાં લાવીને એકાદ કાગળના પરબીડિયામાં મૂકી દેવા. ૫ – ૬ દિવસોમાં તે પૂર્ણ સૂકાઈ જશે. પછી તે ફૂલો હળવા હાથે ચોળીને તેમાંના બીજ કાઢી લેવા. અન્ય કચરો, બીજ પરના સૂકાયેલી છાલ અને પાંખડીના ટુકડા દૂર કરવા. અલગ તારવેલા બીજ કાઢીને ડબ્બામાં અથવા કાગળના પરબીડિયામાં મૂકીને ઉપર લેબલ લગાડીને બીજોની જાણકારી લખવી.
૬ ઊ. વેલવર્ગીય શાક
દુધી, લાલ કોળું, કાકડી, ગલકાં, તૂરિયાં, કારેલા, પંડોળા ઇત્યાદિના સંદર્ભમાં ઓછા-વત્તા પ્રમાણમાં ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે જ હોય છે. વેલ પર કેટલાક ફળો રાખીને તે સંપૂર્ણ સિદ્ધ થવા દેવા. જે ફળોમાં પાણીનો અંશ વધુ હોય છે, ઉદા. કાકડી, કારેલા, પંડોળા તે ફળો જૂના થાય કે તેમને બહારથી હળવા હાથે છેદ દેવો અને અંદરનો ગર કાઢી લઈને તે એકાદ વાસણમાં લઈને અંદરના બીજથી ગર અલગ તારવી લેવો. વાસણમાં રહેલા બીજ ૧ – ૨ વાર ધોઈને ઉપર તરનારા બીજ કાઢી નાખવા. નીચે રહેલા બીજ કાગળ પર સૂકવવા માટે મૂકવા. સૂકાઈ જાય એટલે કાગળના પરબીડિયામાં મૂકીને ઉપર નોંધ કરી રાખવી.
દુધી, ગલકા, તૂરિયાં ઇત્યાદિનાં જૂના ફળ વેલ પરથી તોડી લઈને તે સૂકવવા. થોડા દિવસોમાં તેમાંનો ગર પણ સૂકાઈ જાય છે અને અંદર વૃદ્ધિ થતી હોય, ત્યારે સિદ્ધ થયેલા રેસા શેષ રહે છે. આવા સૂકાયેલા ફળો હલાવીને જોવાથી અંદરના બીજ ખખડે છે. આવા સૂકાયેલા ફળો તેમજ રાખી મૂકવાથી બીજ ખરાબ થતા નથી. આગળનું વાવેતર કરતી વેળાએ આ સૂકાયેલા ફળો ફોડીને અંદરના બીજ લેવા. જો તેમ ન કરવું હોય, તો બીજ કાઢીને તે કાગળના પરબીડિયામાં પણ મૂકી શકાય છે.
૬ એ. અન્ય શાક અને કંદમૂળ
આ પ્રકારના શાકના બીજ લેવા માટે તે અલગ મૂકીને પૂર્ણ તૈયાર થવા દેવા. આવા રોપોના પાન અથવા મૂળિયા ખાવાના ઉપયોગમાં લેવા નહીં. સમય થતા તેના પર ફૂલો આવીને પરાગીકરણ થઈને શિંગો અથવા ફૂલોના ગુચ્છ સિદ્ધ થાય છે. તે સૂકાવા લાગે કે તે કાઢી લઈને પૂર્ણ સૂકાવા દઈને હળવેથી બીજ કાઢી લેવા. આપણે સંગ્રહિત કરેલા અલગ અલગ પ્રકારના બીજ ભેગા ન કરવા. મોટા ફળોના બીજ ભલે થોડા જ હોય, તો પણ તે માટે અલગ થેલી અથવા ડબ્બો વાપરવો.
૬ ઐ. ભીંડો, ગુવાર જેવા શાક
આવા શાકના કેટલાક ફળો રોપો પર તેમજ જૂના થવા દઈને સૂકાવા દેવા. ભીંડાના ટોચની બાજુ અલગ પડવા લાગે કે તરત જ આવા ભીંડા કાઢી લઈને દોરો અથવા રબરબૅંડ લગાડીને સૂકાવા રાખવા. ગુવારની શિંગો પણ કાઢીને સૂકવવા મૂકવી. સૂકાઈ ગયા પછી જ્યારે જોઈએ, ત્યારે અંદરના બીજ કાઢીને વાવણી કરવી.
કોબી, ફ્લાવર, ‘બ્રોકોલી (એક વિદેશી શાક)’ના બીજ સાચવવા ઘણું કઠિન કામ હોય છે અને તે એક ઋતુમાં થતું નથી; એટલા માટે જ તેના વિશે લખ્યું નથી. આશા છે કે, ઉપર જણાવેલી માહિતી તમને ઉપયોગી થશે.
– શ્રી. રાજન લોહગાંવકર, ટિટવાળા, જિલ્લો થાણા