દત્ત ભગવાનના ૨૪ ગુણ-ગુરુ

Article also available in :

ગુરુ

શ્રીમદ્‌ભાગવતના અગિયારમાં સ્‍કંધમાં યદુ અને અવધૂત વચ્‍ચે થયેલો સંવાદ છે. ‘મેં કયા ગુરુ કર્યા અને તેમાંથી શું બોધ લીધો’, એ વિશે અહીં અવધૂત કહે છે. (અહીં, ‘ગુરુ’ શબ્‍દનો ઉપયોગ કર્યો છે, તો પણ તે  અહીં ‘શિક્ષક’ એવા અર્થમાં લીધો છે.) અવધૂત કહે છે, વિશ્‍વની પ્રત્‍યેક બાબત ગુરુ છે; કારણકે પ્રત્‍યેક બાબત પાસેથી કાંઈક ને કાંઈક શીખી શકાય છે. અનિષ્‍ટ બાબતોથી કયા દુર્ગુણ ત્‍યજી દેવા અને સારી બાબતોથી કયા સદ્‌ગુણ ગ્રહણ કરવા, એ શીખવા મળે છે. ઉદા. આગળ જણાવેલા ચોવીસ ગુરુ પાસેથી થોડું થોડું જ્ઞાન લઈને મેં તેનો સમુદ્ર બનાવ્‍યો અને તેમાં સ્‍વયં સ્‍નાન કરીને સર્વ પાપોનું ક્ષાલન કર્યું.

૧. પૃથ્‍વી

પૃથ્‍વી પ્રમાણે સહનશીલ અને દ્વંદ્વસહિષ્‍ણુ હોવું.

૨. વાયુ

सुमन गंध वेचणें । दशदिशास वाटणें ।

अनिल-नीती मधुरतरा । मानवे न तुज कशी ॥

ભાવાર્થ : પવન સુગંધી ફૂલ પરથી વહેતી વેળાએ સુગંધથી આસક્ત થઈને તે ત્‍યાં થોભી જતો નથી, તેવી જ રીતે દ્રવ્‍ય જેવી વસ્‍તુ માટે મોહિત થઈને આપણે આપણાં વ્‍યવહાર  રોકવા નહીં.

૩. આકાશ

આત્‍મા એ આકાશ પ્રમાણે સર્વ ચરાચર વસ્‍તુઓને વ્‍યાપીને રહ્યો છે, તો પણ તે નિર્વિકાર, એક, સહુની સાથે સમતા જાળવનારો, નિ:સંગ, અભેદ, નિર્મળ, નિર્વૈર, અલિપ્‍ત અને અચલ છે.

૪. પાણી

માનવીએ પાણીની જેમ સહુની સાથે સ્‍નેહભાવથી વર્તવું. કોઈનો પણ પક્ષપાત કરવો નહીં. (પાણી મધુર હોય છે, તે માનવીની તરસ છીપાવે છે. તેવી રીતે જ્ઞાનની તૃષ્‍ણા પૂર્ણ કરવી જોઈએ.)

૫. અગ્‍નિ

માનવીએ અગ્‍નિ પ્રમાણે તપ કરીને પ્રકાશિત થવું અને જે મળે તે ભક્ષણ કરીને કોઈપણ દોષોનું આચરણ કર્યા વિના પોતાના ગુણોનો કાર્યકારણ પ્રસંગે જ યોગ્‍ય ઠેકાણે ઉપયોગ કરવો.

૬. ચંદ્ર

અમાસની સુક્ષ્મ કળા અને પખવાડિયાની પંદર કળાઓ મળીને ચંદ્રની સોળ કળાઓ ગણવામાં આવે છે. જે રીતે ચંદ્રની કળામાં વધ- ઘટ થતી હોવા છતાં આ વિકાર ચંદ્ર માટે અવરોધક થતો નથી,  તેવી જ રીતે આત્‍માને દેહ સંબંધોના વિકાર અવરોધક થતા નથી. (આપણો આત્‍મા વૃદ્ધિ પામતો નથી અને મરતો પણ નથી, જ્યારે વૃદ્ધિ પામે છે અને મરે છે તે આપણો દેહ છે.)

૭. સૂર્ય

સૂર્ય ભવિષ્‍યકાળનો વિચાર કરીને જળનો સંચય કરે છે અને યોગ્‍ય સમયે પરોપકાર કરવા માટે તેનો ભૂમિ પર વર્ષાવ કરે છે. તે પ્રમાણે માનવીએ ઉપયુક્ત વસ્‍તુઓનો સંચય કરીને, દેશ, કાળ, વર્તમાન સ્‍થિતિ ધ્‍યાનમાં રાખીને નિષ્‍પક્ષપાતી વૃત્તિથી સર્વ પ્રાણીમાત્રોને તેમનો લાભ આપવો; પણ તેનો ગર્વ કરવો નહીં.

૮. કપોત (કબૂતર)

જેવી રીતે બાજપક્ષી કપોતનું (કબૂતરનું) પરિવાર સમેત ભક્ષણ કરે છે, તેવું જે માનવી સ્‍ત્રી-સંતાનોમાં આસક્ત રહીને સંસાર સુખમય માનીને વર્તે છે, તેનું કાળ ભક્ષણ કરે છે. આથી મુમુક્ષુએ આ સર્વ બાબતોથી મન:પૂર્વક અલિપ્‍ત રહેવું.

૯. અજગર

જેવી રીતે અજગર મનમાં ભય રાખ્‍યા વિના પ્રારબ્‍ધ પર વિશ્‍વાસ મૂકીને એક જગ્‍યાએ પડી રહે છે અને જે જે સમયે જે કાંઈ મળે તે ભક્ષણ કરીને સંતોષ પામે છે, તેમાં ઓછું-વત્તું અથવા કડવું-મીઠું એવો વિચાર કરતો નથી, કેટલોક સમય તેને ભક્ષણ માટે કાંઈ જ મળ્‍યું ન હોય, તો પણ તે ગભરાતો નથી અને શરીરમાં શક્તિ હોવા છતાં પણ તેનો ઉપયોગ કરતો નથી, તેવી જ રીતે મુમુક્ષુએ પ્રારબ્‍ધ પર વિશ્‍વાસ રાખીને થોડુંક પણ જે કાંઈ મળે, તે ભક્ષણ કરીને, કોઈ પ્રસંગે કાંઈ પણ મળ્‍યું ન હોય, તો પણ સ્‍વસ્‍વરૂપે લીન થઈને બેસવું (શાંતિથી રહેવું).

૧૦. સમુદ્ર

જેમ સમુદ્ર ચોમાસામાં અનેક નદીઓ દ્વારા અપરિમિત જળ લાવવાથી સુખી થતો નથી અથવા ન લાવવાથી દુઃખી થતો નથી અને તેથી વર્ધમાન અથવા ક્ષીણ (કૃશ) થતો નથી, તેવી રીતે પ્રત્‍યેક માણસે સ્‍વધર્મના અધીન રહીને સુખનો લાભ થવાથી સુખી થવું નહીં અથવા દુઃખોની શૃંખલા આવી પડવાથી દુઃખી થવું નહીં, હંમેશાં આનંદમાં રહેવું.

૧૧. પતંગિયું

પ્રગટાવવામાં આવેલાં દીપનું વિસ્‍તીર્ણ મોહક તેજ જોઈને પતંગિયું મોહિત થાય છે અને તેના પર તરાપ મારીને બળીને મરી જાય છે. તેવી જ રીતે જે માનવી સ્‍ત્રી-વિલાસ માટે, સ્‍ત્રીનું લાવણ્‍ય અને યુવાવસ્‍થા જોઈને મોહિત થાય છે, તે પતંગિયા પ્રમાણે પોતાનો નાશ કરી લે છે.

૧૨. મધમાખી અને મધ ઉતારનારાં

અ. મધમાખી

મધમાખી પુષ્‍કળ મહેનત કરીને મુશ્‍કેલ એવી જગાએ, ઊંચા વૃક્ષ પર પુડો બનાવીને તેમાં મધ એકઠું કરે છે. તે મધ તે પોતે પણ ખાતી નથી અને બીજા કોઈને ખાવા દેતી નથી. છેવટે મધ એકઠું કરનારાં માણસો અચાનક આવીને મધમાખીના પ્રાણ હરી લઈને પુડા સમેત મધ લઈ જાય છે. તે રીતે જે કૃપણ (કંજૂસ) પુષ્‍કળ મહેનત કરીને દ્રવ્‍યાર્જન કરીને તેનો સંગ્રહ કરે છે, તે સમગ્ર દ્રવ્‍ય અગ્‍નિ, ચોર અથવા રાજા દ્વારા અચાનક છીનવી લેવાથી તે કૃપણ છેવટે દુઃખી થાય છે અથવા તેને અનીતિથી વર્તનારા સંતાન પ્રાપ્‍ત થઈને તેઓ તે દ્રવ્‍યનો અપવ્‍યય કરે છે અથવા તે નિ:સંતાન મૃત્‍યુ પામે છે. આવી રીતે તે મૃત્‍યુ પામ્‍યા પછી તેનું દ્રવ્‍ય જ્‍યાં હોય છે ત્‍યાં પડી રહે છે અથવા કોઈ અજાણ્‍યાને પ્રાપ્‍ત થાય છે. મૃત્‍યુ સમયે તેની તે દ્રવ્‍ય માટે ઇચ્‍છા રહી ગઈ હોય તો તે પિશાચ અથવા સાપ બનીને તે દ્રવ્‍ય વાપરનારાને ત્રાસ આપે છે. આ રીતે ધનસંચય કરવાથી અચાનક મૃત્‍યુ પ્રાપ્‍ત થાય છે, આ ઉપદેશ મધમાખી દ્વારા લઈને દ્રવ્‍ય સંચય કરવાનું છોડી દેવું જોઈએ.

આ. મધુહા (મધ ઉતારનારો)

જે રીતે મધ ઉતારનારો કાંઈ પણ ઉદ્યોગ કર્યા વિના મધ પ્રાપ્‍ત કરી લે છે, તેવી જ રીતે સાધક પુરુષે ચૂલો, વાસણ-કૂસણ, અગ્‍નિ, લાકડાં ઇત્‍યાદિ વસ્‍તુઓ ભેગી કરવાની કડાકૂટ કર્યા વિના ગૃહસ્‍થાશ્રમના ઘરનું સારી રીતે રાંધેલું અન્‍ન મેળવીને ભક્ષણ કરવું અને ઈશ્‍વર પ્રાપ્‍તિની પ્રવૃત્તિ ભણી તે સમયનો ઉપયોગ કરવો. એવા મુમુક્ષુઓ ગૃહસ્‍થાશ્રમી લોકોનું અન્‍ન ખાઈને તેમનું કલ્‍યાણ જ કરે છે.

૧૩.  ગજેન્‍દ્ર (હાથી)

હાથી ભલેને બળશાળી હોય, છતાં પણ તેને વશ કરવા માટે માણસો ભૂમિમાં ખાડો ખોદીને તેના પર ઘાસ પાથરે છે. તેના પર લાકડાની એક હાથણી બનાવીને તેને ગજચર્મ ઓઢાડવામાં આવે છે અને તેને તે ખાડા પર ઊભી કરે છે. તે હાથણીને જોઈને હાથી વિષયસુખની લાલસાથી મોહિત થઈને તે કાષ્‍ટની હાથણીની સમીપ આવે છે અને તે ખાડામાં પડે છે. તેથી તે સહજતાથી માનવીના હાથમાં સપડાય છે. તેવી જ રીતે જે પુરુષ સ્‍ત્રીસુખ માટે મોહિત થાય છે, તે ત્‍વરાથી બંધનમાં જકડાય છે.

૧૪. ભ્રમર

સૂર્યની સાથે ખીલનારાં કમળો સૂર્ય આથમતાવેંત બિડાઈ જાય છે. એવા સમયે જો ભમરો કમળ પર આરૂઢ થયો હોય તો તે કમળના પેટમાં કેદ થઈ જાય છે. આમાંથી ‘વિષય-આસક્તિથી બંધન પ્રાપ્‍ત થાય છે’, એ જાણીને વિષયોમાં આસક્તિ રાખવી નહીં.

૧૫. મૃગ

પવનની જેમ ગતિ હોવાથી જે કોઈના હાથમાં આવતો નથી, એવો કસ્‍તુરી મૃગ મધુર ગાયન માટે મોહિત થઈને પોતાના પ્રાણ પરસ્‍વાધીન કરે છે. એ ધ્‍યાનમાં રાખીને કોઈ પણ મોહમાં અટવાવું નહીં.

૧૬. મત્‍સ્‍ય

લોખંડના આંકડા પર માંસ બાંધીને તેને પાણીમાં છોડ્યા પછી તે માંસ જોઈને મોહિત થવાથી મત્‍સ્‍ય (માછલી) તે આંકડો ગળી જાય છે અને આંકડો ગળામાં ભરાઈ જવાથી તેને પ્રાણ ગુમાવવા પડે છે. તેવી રીતે માનવી જીભના સ્‍વાદમાં બદ્ધ (કેદ) થવાથી જન્‍મ-મરણ સ્‍વરૂપ એવાં વમળમાં ગોથાં ખાતો રહે છે.

૧૭. પિંગળા વેશ્‍યા

એક રાત્રે ઘણો સમય પ્રતીક્ષા કર્યા પછી પણ એક પણ પુરુષ પિંગળા વેશ્‍યા પાસે આવ્‍યો નહીં. પ્રતીક્ષા કરીને અને આશા સાથે સતત અંદર-બહાર અવરજવર કરવાથી તે કંટાળી ગઈ અને તેને અચાનક વિરક્તિ થઈ. જ્‍યાં સુધી માનવીના ઠામે આશા પ્રબળ હોય છે, ત્‍યાં સુધી તેને સુખકારી નિદ્રા આવતી નથી. જે પુરુષે આશાનો ત્‍યાગ કર્યો, તેને આ સંસારમાં એક પણ દુઃખ નડતું નથી.

૧૮. ટિટોડી

એકવાર એક ટિટોડી તેના ચાંચમાં માછલી પકડીને જઈ રહી છે એ જોઈને સેંકડો કાગડાઓ અને સમડીઓ તેની પાછળ પડ્યા અને તેને ચાંચો મારીને, વિવશ કરીને તે માછલી ઝૂંટવી  લેવાનો પ્રયત્ન કરવા લાગ્‍યા. ટિટોડી જ્‍યાં જ્‍યાં જાય, ત્‍યાં ત્‍યાં આ સેના તેનો પીછો કરે. છેવટે ‘હે માડી, મને ધરતી પર જગા આપો,’ એમ હતાશ થઈને તેણે તે માછલી નાખી દીધી. તે જ વેળાએ એક સમડીએ તે માછલીને પકડી. તે જોતાંવેંત ટિટોડીને છોડીને સર્વ કાગડા અને સમડીઓ તે માછલી પકડનારી સમડીનો પીછો કરવા લાગ્‍યા. તેથી તે ટિટોડી નિશ્‍ચિંત થઈને ઝાડની એક ડાળખી પર જઈને શાંતિથી બેસી ગઈ. આ સંસારમાં ઉપાધિ ફગાવી દેવામાં જ શાંતિ છે, નહીંતર ઘોર વિપત્તિ છે.

૧૯. બાળક

માન-અપમાનનો વિચાર કર્યા વિના જગતને તે પ્રારબ્‍ધ અધીન છે એમ સમજીને, સર્વ ચિંતાઓને ત્‍યજી દઈને બાળકની જેમ રહેવું અને આનંદ માણવો.

૨૦. કંકણ

બે કંકણ (બંગડીઓ) એકબીજા પર અથડાવાથી તેનો અવાજ થાય છે. અનેક બંગડીઓ હોય, તો અવાજ વધારે આવે છે. તેવી રીતે બે માણસો એકત્ર રહ્યા હોય તો વાતચીત થાય છે અને જે ઠેકાણે પુષ્‍કળ માણસો એકત્ર રહેતા હોય તો ત્‍યાં કલહ થાય છે. આ બન્‍નેના કારણે મનોવૃત્તિ શાંત થતી નથી. આ માટે ધ્‍યાનયોગ ઇત્યાદિ કરનારાએ નિર્જન પ્રદેશ શોધીને તે ઠેકાણે એકલા રહેવું.

૨૧. શરકર્તા (બાણ બનાવનારો, કારીગર)

એક દિવસ એક કસબી કલાકાર એકચિત્તે શરનું (બાણનું) પાનું સિદ્ધ કરી રહ્યો હતો. તેની નજીકથી રાજાની સવારી વાજતે-ગાજતે ઠાઠથી પસાર થઈ. પાછળથી એક માણસ આવ્‍યો અને તેણે તે કારીગરને પૂછ્‍યું, ‘આ રસ્‍તા પરથી રાજાની સવારી ગઈ, શું તમે તેનું અવલોકન કર્યું ?’ ઉત્તરમાં તે કારીગર બોલી ઊઠ્યો, ‘હું મારા કામમાં તલ્‍લીન હોવાથી મને તે જ્ઞાત થયું નહીં.’ આ કારીગરની જેમ મુમુક્ષુએ સર્વ ઇન્‍દ્રિયો ઈશ્‍વરના ઠામે લીન કરીને ધ્‍યાન ધરવું.

૨૨. સર્પ

બે સર્પ (સાપ) ક્યારેય પણ સાથે રહેતા નથી અથવા સંગાથે ફરતા નથી. તેઓ અવાજ કર્યા વિના સાવચેતીથી ફરે છે. પોતાને રહેવા માટે ઘર બનાવવાને બદલે ગમે તેના ઘરમાં જઈને રહે છે. તેઓ મુક્ત રીતે ફરતાં નથી, પ્રમાદ (દોષ) ન હોય તો (કોઈની) નિંદા પણ કરતા નથી અને અપકાર કર્યા વિના કોઈના પર કોપ કરતા નથી. તેવી રીતે બે બુદ્ધિજીવીઓએ ક્યારે પણ સાથે ફરવું નહીં. પરિમિત (અલ્‍પ) ભાષણ કરવું, કોઈની સાથે લડવું ઝઘડવું નહીં, વિચારપૂર્વક વર્તન કરવું, સભા બોલાવીને ભાષણ કરવું નહીં અને પોતાના રહેવા માટે મઠ બાંધ્‍યા વિના ગમે ત્‍યાં રહીને જીવન વ્‍યતીત કરવું. રહેવા માટે ઘર બાંધવામાં આવે તો અભિમાન નિર્માણ થાય છે અને તેથી લોભ નીપજે છે.

૨૩. કરોળિયો (કોળી)

પોતાની નાભિમાંથી તંતુ કાઢીને તેમનું ઘર બનાવે છે અને તેમાં અહોરાત્ર ક્રીડા કરે છે. આગળ જતાં મનમાં થાય ત્‍યારે તે ઘરને ગળી જઈને કરોળિયો સ્‍વતંત્ર થાય છે. તેવી જ રીતે ઈશ્‍વર પોતાની ઈચ્‍છા માત્રથી વિશ્‍વ નિર્માણ કરીને તેની સાથે વિવિધ રમતો રમે છે અને મન થાય, ત્‍યારે તેની ઈચ્‍છામાત્રથી તેનો નાશ કરીને પોતે એકલો રહે છે. જેવી રીતે કરોળિયો ફરીથી તાંતણાં કાઢીને ઘર બનાવી શકે છે, તેવી રીતે ઈશ્‍વર કેવળ ઈચ્‍છા માત્રથી ચરાચર વિશ્‍વ નિર્માણ કરીને તેનું પોતાના ઠામે જ લય કરીને, ફરી જ્‍યારે મન થાય, ત્‍યારે પહેલાંની જેમ તે નિર્માણ કરે છે. એમ હોવાથી વિશ્‍વમાંની ઘટનાઓને મહત્ત્વ આપવું નહીં.

૨૪. પેશકાર (ભ્રમરકીટ, કુંભારણ માખી)

सति सक्तो नरो याति सद्भावं ह्येकनिष्ठया |

कीटको भ्रमरं ध्यायन् भ्रमरत्वाय कल्पते || – વિવેકચૂડામણિ, શ્લોક ૩૫૮

અર્થ : ભમરાનું ધ્‍યાન ધરનારો કીડો જેમ પોતે ભમરાના સ્‍વરૂપને પામે છે તેવી રીતે એકનિષ્‍ઠ રહીને પરમાત્‍વતત્ત્વનું ચિંતન કરનારો યોગી પરમાત્‍મસ્‍વરૂપને પામે છે.

વિશ્‍લેષણ : જે પ્રાણી નિરંતર જેનું ધ્‍યાન ધરે છે, તે તેવા ધ્‍યાનના ફળ સ્‍વરૂપ તદાકાર (તેનાં જ આકારનું) થઈ જાય છે. કુંભારણ માખી માટીનું ઘર બનાવીને તેમાં એક કીડો લાવીને મૂકે છે અને વારંવાર આવીને તેના પર ફૂંક મારતી રહે છે. તેથી તે કીડો માખીનું રટણ કરતો રહેવાથી છેવટે તે કુંભારણ માખી બને છે. તેવી રીતે મુમુક્ષુએ ગુરુપદિષ્‍ટ (ગુરુ ચીંધ્‍યા) માર્ગ પ્રમાણે ધ્‍યાન ધરવું, જેથી તે ઈશ્‍વરસ્‍વરૂપ બને છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘દત્ત’

Leave a Comment