સંત કબીર ગુરુદેવની પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેમણે વૈષ્ણવ સંત સ્વામી રામાનંદને ગુરુ માન્યા હતા; પરંતુ સ્વામી રામાનંદે કબીરને શિષ્ય તરીકે સ્વીકાર કરવાની ના પાડી. ત્યારે સંત કબીરે મનમાં જ નક્કી કર્યું કે, સ્વામી રામાનંદ પરોઢિયે જે સમયે ગંગાસ્નાન કરવા જશે, ત્યારે હું તેમના માર્ગમાં પગથિયા પર સૂતો રહીશ. તે પ્રમાણે એકવાર પરોઢિયે તેઓ સ્વામી રામાનંદના માર્ગમાં પંચગંગા ઘાટના પગથિયે સૂઈ રહ્યા. સ્વામી રામાનંદ સ્નાન કરવા જતી વેળાએ રાત્રિના અંધારાને કારણે તેમને પગથિયા પર સૂઈ રહેલા કબીર દેખાયા નહીં. તેમનો પગ કબીરને લાગ્યો. તે જ સમયે સ્વામીજીના મુખમાંથી રામ-રામ, એવા શબ્દો બહાર નીકળ્યા. તેને જ કબીરે ગુરુમંત્ર માન્યો. ત્યાર પછી તે રામભક્તિમાંથી તેમના દ્વારા અદ્વિતીય અને ભક્તિરસપૂર્ણ દોહાઓનું નિર્માણ થયું.