પ્રાચીન ભારતીય જ્ઞાનપીઠો

Article also available in :

અખંડ ભારતના ખૂણેખાંચરે શિક્ષણના અસંખ્‍ય કેંદ્રો વસેલા હતાં. સાવ નાના-નાના વિદ્યાકેંદ્રો તો કેટલા હતા, તેની ગણના જ નથી. તેમાંનાં મોટાભાગનાં વિદ્યાકેંદ્રો આસુરી વૃત્તિના તાત્‍કાલીન મુસલમાન આક્રમકોએ ધ્‍વસ્‍ત કરી નાખ્‍યા. જ્ઞાનકેંદ્રોની આ અપરિમિત હાનિનાં દુષ્‍પરિણામ આપણે આજે પણ ડગલે-ને-પગલે ભોગવી રહ્યા છીએ. પ્રાચીન ભારત શિક્ષણ ક્ષેત્રમાં અગ્રેસર હતો. ભારતીય શિક્ષણપદ્ધતિ વિશ્‍વમાન્‍ય હતી. આજની જેમ યુવાપેઢી ત્‍યારે ઉચ્‍ચ શિક્ષણ માટે વિદેશમાં જતી નહોતી, જ્‍યારે વિદેશમાંથી અસંખ્‍ય જિજ્ઞાસુઓ જ્ઞાનાર્જન કરવા માટે ભારતીય વિદ્યાપીઠોમાં આવતા હતા. આ બધા વિશેની ગૌરવશાળી ઇતિહાસની સોનેરી ક્ષણો સદર લેખ દ્વારા જાણી લઈએ.

 

૧. તક્ષશિલા વિદ્યાપીઠ : ભારતની બૌદ્ધિક રાજધાની !

વિશ્‍વની સૌથી પ્રાચીન અને વિશ્‍વવિખ્‍યાત તક્ષશિલા વિદ્યાપીઠના અવશેષ ! આ વિદ્યાપીઠે બરાબર ૧૨૦૦ વર્ષ સુધી જ્ઞાનદાનનું પ્રચંડ મોટું કાર્ય કર્યું.

‘તક્ષશિલા’ આ વિશ્‍વનું પ્રથમ વિશ્‍વવિદ્યાલય (વિદ્યાપીઠ) માનવામાં આવતું હતું. આજના પાકિસ્‍તાનમાં (રાવળપિંડીથી ૧૮ માઈલ ઉત્તર દિશા ભણી) રહેલું આ વિદ્યાપીઠ ઇસવી સનના ૭૦૦ વર્ષ પહેલાં સ્‍થાપન કરવામાં આવ્‍યું હતું. આગળ વર્ષ ૪૫૫માં પૂર્વ યુરોપના આક્રમકોએ અર્થાત્ હુણોએ તે નષ્‍ટ કર્યું. વૈશ્‍વિક સ્‍તર પર ખ્‍યાતિ પામેલા આ વિદ્યાપીઠે આશરે ૧૨૦૦ વર્ષ જ્ઞાનદાનનું પ્રચંડ મોટું કાર્ય કર્યું. શ્રેષ્‍ઠ આચાર્યોની પરંપરા નિર્માણ કરી. અનેક વિશ્‍વપ્રસિદ્ધ વિદ્યાર્થીઓ આપ્‍યા. તક્ષશિલા વિદ્યાપીઠ બંધ પડ્યા પછી કેટલાક વર્ષોમાં જ મગધ રાજ્‍યમાં (આજના બિહારમાં) નાલંદા વિદ્યાપીઠની સ્‍થાપના થઈ. આ બન્‍ને નામાંકિત વિદ્યાપીઠો એકજ સમયે ક્યારે પણ કાર્યરત નહોતાં.

એવું કહેવાય છે કે, તક્ષશિલા નગરીની સ્‍થાપના ભરતે તેના દીકરાના અર્થાત્ તક્ષના નામે કરી. આગળ અહીં જ વિદ્યાપીઠ સ્‍થાપન થયું. જાતક કથાઓમાં તક્ષશિલા વિદ્યાપીઠ વિશે ઘણી માહિતી મળે છે. આ કથાઓમાં ૧૦૫ ઠેકાણે તક્ષશિલા વિદ્યાપીઠના સંદર્ભો મળે છે. તે કાળમાં આશરે ૧ સહસ્ર વર્ષ તક્ષશિલા આ સંપૂર્ણ ભરતખંડની બૌદ્ધિક રાજધાની હતી. તેની ખ્‍યાતિ સાંભળીને જ આર્ય ચાણક્ય જેવી વ્‍યક્તિ મગધથી (બિહારથી) આટલે દૂર તક્ષશિલામાં આવી. બૌદ્ધ ગ્રંથ ‘સુસીમજાતક’ અને ‘તેલપત્ત’માં તક્ષશિલાનું અંતર કાશીથી ૨ સહસ્ર કોસ જેટલું કહ્યું છે.

૧ અ. તક્ષશિલા વિદ્યાપીઠમાં ચિકિત્‍સા શાસ્‍ત્રનું પ્રગત કેંદ્ર !

ઇસવી સન ના ૫૦૦ વર્ષ પૂર્વે, જ્‍યારે ચિકિત્‍સા શાસ્‍ત્રનું નામ પણ વિશ્‍વમાં ક્યાંયે નહોતું, ત્‍યારે તક્ષશિલા વિદ્યાપીઠ ચિકિત્‍સા શાસ્‍ત્રનું ઘણું મોટું કેંદ્ર માનવામાં આવતું હતું. અહીં ૬૦ થી વધુ વિષયો શીખવવામાં આવતા હતા. એકજ સમયે ૧૦ સહસ્ર ૫૦૦ વિદ્યાર્થીઓને શીખવાની સગવડ હતી.

૧ આ. તક્ષશિલા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની ઉજ્‍જ્‍વળ પરંપરા

૧ આ ૧. આ વિદ્યાપીઠની સ્‍થાપના પછી અર્થાત્ ઇસવી સન પૂર્વે ૭૦૦ વર્ષ, અહીંથી ભણી ગયેલા પ્રથમ વિશ્‍વવિખ્‍યાત વિદ્યાર્થી એટલે પાણિની ! તેમણે આગળ સંસ્‍કૃત ભાષાનું વ્‍યાકરણ સિદ્ધ કર્યું !

૧ આ ૨. ઇસવી સન પૂર્વે ૬ઠી સદીમાં ચિકિત્‍સા શાસ્‍ત્ર શીખેલા જીવક (અથવા જિબીકા), આગળ જઈને મગધ રાજવંશના રાજવૈદ્ય થયા. તેમણે અનેક ગ્રંથ લખ્‍યા.

૧ આ ૩. ઇસવી સન પૂર્વે ૪થી સદીમાં અર્થશાસ્‍ત્રના વિદ્યાર્થી આર્ય ચાણક્ય, જે આગળ ‘કૌટિલ્‍ય’ નામથી વિખ્‍યાત થયા.

૧ ઇ. વધતા જતા આક્રમણોને કારણે આચાર્યોએ વિદ્યાપીઠ ભણી પૂંઠ ફેરવી !

ચીની યાત્રી અને વિદ્યાર્થી ‘ફાહ્યાન’ વર્ષ ૪૦૫માં તક્ષશિલા વિદ્યાપીઠમાં આવ્‍યો. આ કાળ વિદ્યાપીઠનો પડતીનો કાળ હતો. પશ્‍ચિમમાંથી થનારા આક્રમણોની સંખ્‍યામાં વૃદ્ધિ થઈ. અનેક આચાર્યો વિદ્યાપીઠ છોડી ગયા. અર્થાત્ ફાહ્યાનને ત્‍યાં કાંઈ બહુ જ્ઞાનનો લાભ થયો નહીં. એવું એણે લખી રાખ્‍યું છે. આગળ ૭મી સદીમાં તક્ષશિલા વિદ્યાપીઠની મહતી સાંભળીને હજી એક ચીની યાત્રી યુવાન ચ્‍વાંડ ત્‍યાં ગયો. તે સમયે તેને વિદ્યાભ્‍યાસની કોઈપણ નિશાની ત્‍યાં મળી નહીં.

 

૨. અનેક દુર્લભ અને વિરલ ગ્રંથોનો પ્રચંડ મોટો સંગ્રહ રહેલું નાલંદા વિદ્યાપીઠ !

આશરે ૭૦૦ વર્ષ વિશ્‍વના સર્વોત્‍કૃષ્‍ટ વિદ્યાપીઠ તરીકે ખ્‍યાતિ પામેલા નાલંદા વિદ્યાપીઠના અવશેષ ! અહીં અનેક દુર્લભ અને વિરલ ગ્રંથોનો પ્રચંડ મોટો સંગ્રહ હતો.

હૂણ આક્રમકોએ જે કાળમાં તક્ષશિલા વિદ્યાપીઠ ઉદ્‌ધ્‍વસ્‍ત કર્યું, લગભગ તે જ કાળમાં મગધ સામ્રાજ્‍યમાં નાલંદા વિદ્યાપીઠની મુહૂર્તમેઢ (પાયાભરણી) થઈ રહી હતી. મગધના મહારાજ શકાદિત્‍ય (એટલે ગુપ્‍ત વંશીય સમ્રાટ કુમાર ગુપ્‍ત : વર્ષ ૪૧૫ થી ૪૫૫)એ તેમના ઓછા કાળમાં નાલંદા ખાતેની જગ્‍યા વિદ્યાપીઠના સ્‍વરૂપમાં વિકસિત કરી. આ વિદ્યાપીઠનું આરંભમાં નામ હતું ‘નલવિહાર’ ! નાલંદા વિદ્યાપીઠ આ અનેક મકાનોનું એક બહુ મોટું સંકુલ હતું. તેમાંના પ્રમુખ ભવનો હતાં – રત્નસાગર, રત્નોદધિ અને રત્નરંજક ! ‘માન મંદિર’ આ સૌથી ઊંચું પ્રશાસકીય ભવન હતું. આગળ વર્ષ ૧૧૯૭માં બખ્તિયાર ખિલજીએ આ વિદ્યાપીઠ બાળી નાખ્‍યું. ત્‍યાં સુધી આશરે ૭૦૦ વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠ વિશ્‍વનું સર્વોત્‍કૃષ્‍ટ વિદ્યાપીઠ હતું.

આ વિદ્યાપીઠમાં પ્રવેશ માટે કઠોર પરીક્ષા આપવી પડતી હતી. અહીં અનેક દુર્લભ અને વિરલ ગ્રંથોનો પ્રચંડ મોટો સંગ્રહ હતો. ચીની યાત્રી હ્યુએન ત્‍સાંગ અહીં ૧૦ વર્ષ સુધી અધ્‍યયન કરતો હતો. તેના ગુરુ શીલભદ્ર, આસામના હતા. હ્યુએન ત્‍સાંગે આ વિદ્યાપીઠ વિશે ઘણું અને બહુ સરસ લખી રાખ્‍યું છે.

 

૩. વિક્રમશીલ વિદ્યાપીઠ, બિહાર

બૌદ્ધ ધર્મના ‘વજ્રયાન’ સંપ્રદાયના અભ્‍યાસનું અધિકૃત કેંદ્ર રહેલા વિક્રમશીલ વિદ્યાપીઠના અવશેષ !

૮મા શતકના બંગાળના પાલ વંશીય રાજા ધર્મપાલે આ વિદ્યાપીઠની સ્‍થાપના આજના બિહારમાં કરી હતી. આ વિદ્યાપીઠ અંતર્ગત ૬ વિદ્યાલયો હતા. પ્રત્‍યેક વિદ્યાલયમાં ૧૦૮ શિક્ષકો હતા. ૧૦મા શતકમાં પ્રસિદ્ધ તિબેટી લેખક તારાનાથે આ વિદ્યાપીઠનું વિસ્‍તૃત વર્ણન કર્યું છે. આ વિદ્યાપીઠના પ્રત્‍યેક બારણા માટે એક-એક પ્રમુખ આચાર્ય નિયુક્ત હતા. નવેથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની આચાર્ય પરીક્ષા લેતા. તેમની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને જ વિદ્યાપીઠમાં પ્રવેશ આપવામાં આવતો હતો. આ આચાર્ય હતા – પૂર્વ દ્વાર – પં. રત્નાકર શાસ્‍ત્રી, પશ્‍ચિમ દ્વારા – વર્ગાશ્‍વર કીર્તિ, ઉત્તર દ્વાર – નારોપંત અને દક્ષિણ દ્વાર – પ્રજ્ઞાકર મિત્રા. આમાંથી નારોપંત મહારાષ્‍ટ્રમાંથી હતા. આચાર્ય દીપક વિક્રમશીલ વિદ્યાપીઠના સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય થઈ ગયા છે.

૧૨મા શતકમાં અહીં ૩ સહસ્ર વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા. આ કાળ વિદ્યાપીઠની પડતીનો કાળ હતો. પૂર્વ અને દક્ષિણમાં મુસલમાન આક્રમકો પહોંચતા અને જે દેખાય તે જ્ઞાનના સાધનો અને સ્‍થાનો ઉદ્‌ધ્‍વસ્‍ત કરતા હતા. તેથી જ ઉત્‍ખનનમાં જે અવશેષો મળ્યા છે, તેના પરથી એવું ધ્‍યાનમાં આવે છે કે, આ વિદ્યાપીઠના મોટા સભાગૃહમાં બરાબર ૮ સહસ્ર લોકોની બેસવાની સગવડ હતી ! આ વિદ્યાપીઠમાં વિદેશી વિદ્યાર્થીઓમાં તિબેટી વિદ્યાર્થીઓની સંખ્‍યા સૌથી વધારે હતી. તેનું એક કારણ એટલે બૌદ્ધ ધર્મના ‘વજ્રયાન’ સંપ્રદાયના અભ્‍યાસનું આ મહત્ત્વનું અને અધિકૃત કેંદ્ર હતું.

નાલંદા વિદ્યાપીઠ ઉદ્‌ધ્‍વસ્‍ત થયા પછી આશરે ૬ વર્ષો પછી એટલે જ વર્ષ ૧૨૦૩માં નાલંદા બાળી નાખનારા બખ્તિયાર ખિલજીએ આ વિદ્યાપીઠ પણ બાળી નાખ્‍યું !

 

૪. ઉડ્ડયંતપુર વિદ્યાપીઠ, બિહાર

સોમપુર મહાવિહાર વિદ્યાપીઠમાં ચીન, તિબેટ, મલેશિયા, જાવા અને સુમાત્રાના વિદ્યાર્થીઓ શીખવા માટે આવતા હતા.

પાલ વંશની સ્‍થાપના કરનારા રાજા ગોપાળે ઉડ્ડયંતપુર વિદ્યાપીઠની સ્‍થાપના બૌદ્ધ વિહારના રૂપમાં કરી હતી. તેના વિશાળ ભવનોને જોઈને બખ્તિયાર ખિલજીને થયું કે, આ એકાદ કિલ્‍લો જ છે. તેથી તેણે તેના પર આક્રમણ કર્યું. સમયસર સૈનિકોની સહાયતા મળી શકી નહીં. કેવળ વિદ્યાર્થીઓ અને આચાર્યોએ જ જીવલેણ સંઘર્ષ કર્યો; પરંતુ બધા માર્યા ગયા.

 

૫. સુલોટગી વિદ્યાપીઠ, કર્ણાટક

કર્ણાટકના વિજાપુર જિલ્‍લાના આ મહત્ત્વપૂર્ણ વિદ્યાપીઠનો આરંભ ૧૧મા શતકના અંતમાં થયો. રાષ્‍ટ્રકુટોનું શાસન હતું ત્‍યારે કૃષ્‍ણ (તૃતીય) રાજાના મંત્રી નારાયણે સુલોટગી વિદ્યાપીઠ બાંધ્‍યું; પરંતુ વિદ્યાપીઠ તરીકે કાંઈ કરી બતાવે તે પહેલાં જ મુસ્‍લિમ આક્રમકોએ આક્રમણ કરીને તે ઉદ્‌ધ્‍વસ્‍ત કર્યું.

અહીંનું પવિટ્ટાગે સંસ્‍કૃત મહાવિદ્યાલય ઓછા સમયગાળામાં જ સંસ્‍કૃત શિક્ષણ માટે ચર્ચામાં આવ્‍યું હતું. સમગ્ર દેશમાંના ચુનંદા વિદ્યાર્થીઓને ભોજન અને નિવાસ સાથે શિક્ષણ પ્રદાન કરનારું આ વિદ્યાપીઠ વિશિષ્‍ટતાપૂર્ણ હતું.

 

૬. સોમપુર મહાવિહાર, બાંગ્‍લાદેશ

બાંગ્‍લાદેશના નવગાંવ જિલ્‍લામાં બાદલગાઝી તાલુકામાંના પહાડપુર ગામમાં મહાવિહાર તરીકે સ્‍થાપન થયેલું સોમપુર મહાવિહાર આ શૈક્ષણિક કેંદ્ર આગળ વિદ્યાપીઠ તરીકે ખ્‍યાતિ પામ્‍યું. પાલ વંશના બીજા રાજા ધર્મપાલ દેવે ૮ મા શતકના અંતમાં આ મહાવિહારની નિર્મિતિ કરી. વિશ્‍વનું સૌથી મોટું બૌદ્ધ વિહાર કહી શકાય, એવી તેની રચના હતી. ચીન, તિબેટ, મલેશિયા, જાવા અને સુમાત્રાના વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવતા હતા. ૧૦મા શતકના પ્રસિદ્ધ વિદ્વાન અતીશ દિપશંકર શ્રીજ્ઞાન એ આ જ વિદ્યાપીઠના આચાર્ય હતા.

 

૭. રત્નાગિરી વિદ્યાપીઠ, ઓરિસા

૬ ઠ્ઠા શતકમાં બૌદ્ધ વિહારના રૂપમાં સ્‍થાપન થયેલું આ સ્‍થાન આગળ જતાં શિક્ષણનું મોટું કેંદ્ર બન્‍યું. તિબેટમાં અનેક વિદ્યાર્થીઓ અહીં શીખી ગયા. તિબેટીયન ઇતિહાસમાં આ વિદ્યાપીઠનો ઉલ્‍લેખ ‘કાલચક્ર તંત્રનો વિકાસ કરનારું વિદ્યાપીઠ’ આ પ્રમાણે કરવામાં આવ્‍યો છે; કારણકે અહીં ખગોળશાસ્‍ત્રનો અભ્‍યાસ થતો હતો.

 

૮. ગોલકી મઠ અર્થાત્ વિદ્યાપીઠ, મધ્‍યપ્રદેશ

જબલપુર (મધ્‍યપ્રદેશ) ખાતે ભેડાઘાટ માં ૬૪ યોગિનીઓનું મંદિર છે. તેને ‘ગોલકી મઠ’ પણ કહેવામાં આવે છે. આ ‘ગોલકી મઠ’નો ઉલ્‍લેખ ‘મલકાપુર પિલર’ તરીકે પ્રસિદ્ધ રહેલા ખોદકામમાં જોવા મળે છે. ‘મટમાયૂર વંશ’ આ કલચુરી વંશોમાંથી એક છે. આ વંશના  યુવરાજદેવે (પ્રથમ) આ મઠની સ્‍થાપના કરી. મૂળમાં આ તાંત્રિક અને અન્‍ય વિષયોનું વિદ્યાપીઠ હતું. આ ગોલકી મઠના અર્થાત્ વિદ્યાપીઠના અધીન અનેક વિદ્યાલયો આંધ્રપ્રદેશમાં હતાં.

 

૯. ભારતમાં અસંખ્‍ય જ્ઞાનમંદિરો !

બંગાળમાં ‘જગદ્દલ’, આંધ્રપ્રદેશમાં ‘નાગાર્જુનકોંડા’, કાશ્‍મીરમાંનું ‘શારદાપીઠ’, તામિલનાડુમાંનું ‘કાંચીપુરમ્’, ઓરિસામાંનું ‘પુષ્‍પગિરી’, ઉત્તરપ્રદેશમાંનું ‘વારાણસી’, આવાં કેટલાં નામો ગણાવવાં …? આ બધાં જ્ઞાનમંદિરો હતાં, જ્ઞાનપીઠો હતાં. છેક વનવાસી અને (આજની ભાષામાં) પછાત ભાગોમાં પણ આવશ્‍યક તે શિક્ષણ સહુકોઈને મળતું હતું.

 – શ્રી. પ્રશાંત પોળ (સંદર્ભ : ‘માસિક એકતા’)

(‘વિદ્યાપીઠ’ આ સંકલ્‍પના ભારતે જ વિશ્‍વને સૌથી પહેલા આપી. આજે તે જ ભારત પશ્‍ચિમી મૅકૉલેની અંગ્રેજી નિરુપયોગી શિક્ષણપદ્ધતિમાં જકડાયેલો જોઈને પ્રત્‍યેક ભારતીય મન અસ્‍વસ્‍થ થયા સિવાય રહેતું નથી. પ્રાચીન ભારતીય શિક્ષણપદ્ધતિને સાચા અર્થમાં ગતવૈભવ પ્રાપ્‍ત કરાવી આપવું હોય, તો હિંદુ રાષ્‍ટ્રને પર્યાય નથી ! – સંકલક)

Leave a Comment