દુષ્‍ટોનું નિર્દાલન કરવા માટે બ્રાહ્મ અને ક્ષાત્ર તેજયુક્ત યોદ્ધાવતાર ભગવાન પરશુરામ !

Article also available in :

અનુક્રમણિકા

ભગવાન પરશુરામની ગુણવિશિષ્‍ટતાઓ વિશદ કરનારો આ લેખ તેમનાં ચરણોમાં સવિનય અર્પણ !

 

૧. સપ્‍તચિરંજીવીઓમાંથી એક

अश्‍वत्‍थामा बलिर्व्‍यासो हनुमांश्‍च बिभीषणः ।

कृप परशुरामश्‍च सप्‍तैते चिरंजीविनः ॥

અર્થ : અશ્‍વત્‍થામા, બલિ, મહર્ષિ વ્‍યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ આ સાત ચિરંજીવ છે.

પરશુરામે કાળ પર વિજય પ્રાપ્‍ત કર્યો છે. તેને કારણે તેઓ સપ્‍તચિરંજીવીઓમાંથી એક છે. પ્રાતઃસમયે તેમનું સ્‍મરણ કરવાથી પુણ્‍ય પ્રાપ્‍ત થાય છે.

 

૨. શ્રીવિષ્‍ણુનો છઠ્ઠો અવતાર

સત્‍યયુગમાં મત્‍સ્‍ય, કૂર્મ, વરાહ, નૃસિંહ અને વામન આ રીતે શ્રીવિષ્‍ણુના પાંચ અવતાર થયા. ત્રેતાયુગના પ્રારંભમાં મહર્ષિ ભૃગુના ગોત્રમાં જામદગ્‍નેય કુળમાં મહર્ષિ જમદગ્‍નિ અને રેણુકામાતાના કૂખે શ્રીવિષ્‍ણુએ છઠ્ઠો અવતાર ધારણ કર્યો. ‘મહર્ષિ જમદગ્‍નિનાં ધર્મપત્ની રેણુકા ચાર સંતાનોને જન્‍મ આપીને ફરીવાર ગર્ભવતી રહ્યાં. ભગવાન શ્રીવિષ્‍ણુએ પોતાના સર્વ અંશથી રેણુકાના ઉદરમાં પ્રવેશ કર્યો. તેને કારણે રેણુકામાતા અત્‍યંત તેજસ્‍વી દેખાતા હતાં. પૂર્ણ નવ માસ પછી ત્રેતાયુગના સંધિકાળમાં વૈશાખ સુદ ત્રીજ અર્થાત્ અક્ષય્‍ય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે, પુનર્વસુ નક્ષત્રમાં રેણુકાની કૂખે દીકરો જન્‍મ્‍યો. સર્વત્ર આનંદોત્‍સવ થયો. તેનું નામ ‘રામ’ પાડવામાં આવ્‍યું. જમદગ્‍નિનો સૌથી નાનો દીકરો રામ ! રામના પંડમાં સૂર્યતેજ હતું. ભાર્ગવગોત્રી હોવાથી તેને ભાર્ગવરામ આ રીતે પણ સંબોધવામાં આવતો.

જમદગ્‍નિએ મોટા ઠાઠમાઠથી રામના બધા જ દ્વિજસંસ્‍કાર પાર પાડ્યા. રામ જનોઈ માટે યોગ્‍ય થયા પછી જમદગ્‍નિએ તેનું ઉપનયન કરવાનું નિશ્‍ચિત કર્યું. અનેક ઋષિશ્રેષ્‍ઠ, રાજા-મહારાજાઓને નિમંત્રણ આપવામાં આવ્‍યા. મોટા ઠાઠમાઠથી રામનો ઉપનયન સંસ્‍કાર થયો. ઉપનયન પછી રામ પિતાની અનુજ્ઞાથી અધ્‍યયન કરવા માટે કશ્‍યપમુનિના આશ્રમમાં ગુરુગૃહે ગયા. અમિત તેજસ્‍વી રામ ભણી જોઈને કશ્‍યપઋષિને આનંદ થયો. તેમણે રામનો શિષ્‍ય તરીકે સ્‍વીકાર કર્યો. રામ તો શ્રીવિષ્‍ણુના જ અવતાર ! તેમની જીભ પર સાક્ષાત દેવી સરસ્‍વતી જ બિરાજમાન હતાં. વહેલાં જ રામ સર્વ વિદ્યાઓમાં પારંગત બની ગયા. વેદ અને સર્વ શાસ્‍ત્રોનું તેમનું અધ્‍યયન પૂર્ણ થયું.

 

૩. રામનું નામ ‘પરશુરામ’ થવું

ત્‍યાર પછી તેઓ કૈલાસ પર તપશ્‍ચર્યા માટે ગયા. ગણપતિની આરાધના કરીને તેમણે ગણપતિને પ્રસન્‍ન કરી લીધા. શ્રીગણેશ પાસેથી રામે ‘પરશુવિદ્યા’ શીખી લીધી.  રામને દિવ્‍ય ‘પરશુ’ પ્રાપ્‍ત થયો. તે દિવ્‍ય પરશુનું તેજ અગ્‍નિશિખા જેવું હતું. તેની ધાર અખંડિત હતી. ગતિ અકુંઠિત હતી. દિવ્‍ય પરશુ પ્રાપ્‍ત થવાને કારણે ભાર્ગવરામને ‘પરશુરામ’ કહેવા લાગ્‍યા. અમિત શક્તિશાળી પરશુરામ ઘરે આવવા નીકળ્યા. માર્ગમાં ઘનઘોર જંગલ આવ્‍યું. બિહામણા જંગલમાંથી હિંસ્‍ત્ર શ્‍વાપદોની ગર્જનાઓ સંભળાઈ રહી હતી. અકસ્‍માત્ પરશુરામને દીનવાણીથી આક્રોશ કરનારા એક માણસનો અવાજ આવ્‍યો. તે આક્રોશની દિશા ભણી તેઓ એકીટસે જોવા લાગ્‍યા. તે સમયે એક વાઘે એક યુવકને પકડ્યો હોવાનું તેમના ધ્‍યાનમાં આવ્‍યું. તરત જ પરશુરામે પોતાનું ધનુષ્‍ય સિદ્ધ કર્યું અને બાણથી તે વાઘનું નિશાન તાક્યું. પરશુરામના બાણથી ક્ષણમાત્રમાં તે વાઘ મરી ગયો અને તે યુવક છૂટી ગયો. તેનો પુનર્જન્‍મ થયો. તે યુવકનું નામ ‘અકૃતવ્રણ’. તે શાંતાઋષાનો પુત્ર. અકૃતવ્રણ પરશુરામનો એકનિષ્‍ઠ અને અનન્‍ય શિષ્‍ય થયો.’

(સંદર્ભ – શ્રીવિષ્‍ણુના છઠ્ઠા અવતાર પરશુરામ, પૃ. ૨૦. – ૨૧. ગુરુદેવ ડૉ. કાટેસ્‍વામીજી (નારાયણાનંદનાથ))

 

૪. કાળ અને કામ પર વિજય પ્રાપ્‍ત કરેલા દેવ !

રત્નાગિરી જિલ્‍લાના ચિપળૂણ નજીક લોટે ગામમાં મહેંદ્ર પર્વત પર ભગવાન પરશુરામનું પુરાતન મંદિર છે. ત્‍યાં પરશુરામનાં પદચિહ્‌નો ઉમટેલી શિલાનું નિત્‍યપૂજન થાય છે. આ શિલાની પાછળ ત્રણ મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવી છે. વચમાં ભગવાન પરશુરામની આકારમાં મોટી અને સુડોળ મૂર્તિ છે. તેમની જમણી બાજુએ કાળદેવતા અને ડાબીબાજુએ કામદેવતાની નાના આકારની મૂર્તિઓ છે. ભાર્ગવરામે કાળ અને કામ પર વિજય પ્રાપ્‍ત કર્યો હોવાનું તે દ્યોતક છે.

 

૫. અખંડ બ્રહ્મચારી અને પરમ વૈરાગી હોવા

પરશુરામે કામવાસના પર વિજય મેળવ્‍યો હતો. તેથી તેઓ અખંડ બ્રહ્મચારી હતા. પરશુરામમાં ઘણી વિરક્તિ હતી. તેથી જ તેમણે સંપૂર્ણ પૃથ્‍વી જીતી લઈને પણ કશ્‍યપઋષિને સઢળ હાથે દાન કરીને મહેંદ્ર પર્વત પર એકાંતમાં રહીને સંન્‍યસ્‍ત જીવન વ્‍યતીત કર્યું.

 

૬. અપરાજિત યોદ્ધા રહેલા કાર્તવીર્ય સહસ્રાર્જુનનો વિનાશ કરવા માટે પરશુરામે કરેલો અદ્વિતીય પરાક્રમ !

૬ અ. પરશુરામે તપશ્‍ચર્યા કરીને સહસ્રાર્જુન કાર્તવીર્ય કરતાં અધિક તપોબળ અર્જિત કરવાથી સૂક્ષ્મ સ્‍તર પર કાર્તવીર્ય સહસ્રાર્જુનના પરાભવનો આરંભ થવો

હૈહય વંશમાંના અધર્મી રાજા મહિષ્‍મતિ નરેશ કાર્તવીર્ય સહસ્રાર્જુને સહસ્રો વર્ષો સુધી કઠોર તપશ્‍ચર્યા કરીને ભગવાન દત્તાત્રેયને પ્રસન્‍ન કરી લીધા અને અસીમ બળશાળી બનીને સહસ્રો ભુજા ધારણ કરવાનું વરદાન પ્રાપ્‍ત કર્યું હતું. આવા કાર્તવીર્ય સહસ્રાર્જુનનો નાશ કરી શકાય, તે માટે તેના તપોબળ કરતાં અધિક તપોબળ અર્જિત કરવા માટે પરશુરામે શિવજીને પ્રસન્‍ન કરવા માટે કઠોર તપશ્‍ચર્યા કરી. કાર્તવીર્યનું તપોબળ પરાસ્‍ત કરવા માટે પરશુરામે તેનાથી કઠોર તપશ્‍ચર્યા કરીને બ્રાહ્મતેજના શસ્‍ત્રથી કાર્તવીર્યના પુણ્‍યબળ પર એક રીતે પ્રહાર કરીને તેને ક્ષીણ કર્યું. તેથી  કાર્તવીર્યના સહસ્રો ભુજાઓ દ્વારા કાર્યરત સૂક્ષ્મ કર્મેંદ્રિયોની દિવ્‍ય શક્તિ નિષ્‍પ્રભ થવા લાગી અને અધર્મના પ્રતીક એવા કાર્તવીર્યના પરાભવનો સૂક્ષ્મમાંથી આરંભ થયો. કાર્તવીર્યને પરાજિત કરવા માટે ભગવાન પરશુરામે આપેલી આ આધ્‍યાત્‍મિક સ્‍તર પરની લડત અદ્વિતીય છે.

૬ આ. ગોધન ચોરી કરનારાનો વિનાશ થાય, એવો સંકલ્‍પ કરીને તે પૂર્ણ કરવો

કાર્તવીર્ય સહસ્રાર્જુને ઋષિ દંપતિના વિરોધની અવગણના કરીને જમદગ્‍નિ આશ્રમમાંથી કામધેનુને બળપૂર્વક પોતાની સાથે લઈ જઈને ગોમાતાનું અપહરણ કર્યું. આ ઘટના બની, ત્‍યારે પરશુરામ આશ્રમમાં નહોતા. તેઓ ઘનઘોર જંગલમાં કઠોર તપશ્‍ચર્યા કરવામાં મગ્‍ન હતા. જ્‍યારે તેઓ જમદગ્‍નિના આશ્રમમાં પહોંચ્‍યા, ત્‍યારે તેમને બનેલી વિગત જ્ઞાત થઈ. કાર્તવીર્ય સહસ્રાર્જુનના નિયંત્રણમાં રહેલી કામધેનુની મુક્તિ કરીને ગોમાતા અને ગોધનનું રક્ષણ કરવા માટે તેમણે ગોધનની ચોરી કરનારાનો વિનાશ થાય, એવો સંકલ્‍પ કર્યો. તેમની શ્રાપવાણી સાચી પુરવાર થઈ; કારણકે ગોધન ચોરવાનો અપરાધ કરવાથી કાર્તવીર્યનો પુણ્‍યક્ષય થયો. જમદગ્‍નિ ઋષિ પર પ્રાણઘાતક આક્રમણ કરવાથી કાર્તવીર્યના પુત્રોને પણ પાપ લાગ્‍યું. પરશુરામે કાર્તવીર્યના કુળનો વિનાશ કરવાનો કરેલો સંકલ્‍પ પૂર્ણ કરીને ગોમાતાને છોડાવીને તેને ફરીથી જમદગ્‍નિના આશ્રમમાં આદરથી લઈ આવ્‍યા.

૬ ઇ. કાર્તવીર્ય સહસ્રાર્જુનનો અંતઃકાળ સમીપ આવતાં જ તેના પર પરશુ દ્વારા સ્‍થૂળમાંથી વાર કરવો અને પરશુનો શસ્‍ત્ર તરીકે ઉપયોગ કરવાનો આરંભ કરવો

કાર્તવીર્ય સહસ્રાર્જુનનો પુણ્‍યક્ષય થવાથી તેનો આધ્‍યાત્‍મિક સ્‍તર પર પૂર્ણરીતે પરાજય થવાથી સ્‍થૂળમાંથી તેનો વિનાશ કાળ સમીપ આવ્‍યો. તેનો અંતઃકાળ સમીપ આવતાં જ ભગવાન પરશુરામે સહસ્રાર્જુન પર સ્‍થૂળમાંથી પરશુથી વાર કરીને તેની સહસ્રો ભુજાઓ કાપી નાખી અને અંતે તેનો શિરચ્‍છેદ કર્યો. આવી રીતે ભગવાન પરશુરામે ક્ષત્રિયોનું નિર્દાલન કરવા માટે પરશુનો શસ્‍ત્ર તરીકે ઉપયોગ કરવાનો આરંભ કર્યો.

 

૭. ભગવાન પરશુરામે કરેલા અપૂર્વ અવતારી કાર્ય અને પરાક્રમનાં સજ્‍જડ ઉદાહરણો

૭ અ. ૨૧ વાર પૃથ્‍વીની પ્રદક્ષિણા કરીને સંપૂર્ણ પૃથ્‍વી નિઃક્ષત્રિય કરવી

ભગવાન પરશુરામે એકલાએ સંપૂર્ણ પૃથ્‍વીને ૨૧ વાર પ્રદક્ષિણા કરીને પૃથ્‍વી પર ઉન્‍મત્ત થયેલા અહંકારી અને અધર્મી ક્ષત્રિયોનો નિઃપાત કર્યો. આવી રીતે પૃથ્‍વી પ્રદક્ષિણા ફરીને તેમણે પૃથ્‍વીનો ભાર હલકો કર્યો અને તેની સાથે જ પૃથ્‍વીની પ્રદક્ષિણા કરવાનું પુણ્‍ય પણ પ્રાપ્‍ત કર્યું.

૭ આ. સહસ્રો ક્ષત્રિય અને લાખો સેના સામે એકલપંડે લડવાનું અપૂર્વ સામર્થ્‍ય હોવું

પ્રજાને કનડીને સંપૂર્ણ પૃથ્‍વી પર ઉપદ્રવ મચાવનારા ક્ષત્રિયોની સંખ્‍યા સહસ્રો હતી. તેમની પાસે લાખો અક્ષૌહિણી સૈન્‍યબળ હતું. ભગવાન પરશુરામ નરદેહ ધારણ કરેલા સાક્ષાત્ શ્રીમન્‍નારાયણ જ હતા. તેને કારણે તેમનામાં સહસ્રો ક્ષત્રિય અને લાખો સેના સામે એકલાહાથે લડવાનું અપૂર્વ સામર્થ્‍ય હતું.

૭ ઇ. દાનશુર

એકછત્ર સમ્રાટની જેમ અખિલ ભૂમિના અધિપતિ હોવા છતાં અશ્‍વમેધ યજ્ઞ સમયે પરશુરામે યજ્ઞના અધ્‍વર્યૂ મહર્ષિ કશ્‍યપને સંપૂર્ણ પૃથ્‍વીનું દાન આપ્‍યું. આના પરથી પરશુરામ કેટલા દાનવીર હતા, તે દેખાઈ આવે છે.

૭ ઈ. નવી સૃષ્‍ટિનું નિર્માણ કરવું

ભગવાન પરશુરામે કેવળ ત્રણ પગલામાં સમુદ્ર પાછળ ધકેલીને ક્ષણમાત્રમાં પરશુરામ ભૂમિનું નિર્માણ કર્યું તેમજ ચિતામાંથી ચિત્તપાવન બ્રાહ્મણોની નિર્મિતિ કરીને પરશુરામ ક્ષેત્રમાં નવી સૃષ્‍ટિ જ સાકાર કરી.

 

૮. શત્રુનું નિર્દાલન કરવા માટે બ્રાહ્મ અને ક્ષાત્ર તેજનો ઉત્‍કૃષ્‍ટ ઉપયોગ કરનારા શ્રેષ્‍ઠતમ યોદ્ધાનું ઉત્તમ ઉદાહરણ એટલે ભગવાન પરશુરામ !

अग्रतः चतुरो वेदाः पृष्‍ठतः सशरं धनुः ।

इदं ब्राह्मम् इदं क्षात्रं शापादपि शरादपि ॥

અર્થ : મુખમાં ચાર વેદ છે, પીઠ પર બાણ સહિત ધનુષ્‍ય છે, એવા પરશુરામ શ્રાપ દઈને અથવા બાણથી શત્રુનો નાશ કરે છે.

પરશુરામે શાસ્‍ત્રબળ અર્થાત્ જ્ઞાનબળ અને શસ્‍ત્રબળ એટલે બાહુબળ આ બન્‍નેના સંયોગથી રિપુદમન કર્યું. આધ્‍યાત્‍મિક પરિભાષામાં જ્ઞાનબળ અર્થાત બ્રાહ્મતેજ અને બાહુબળ અર્થાત્ ક્ષાત્રતેજ છે. પરશુરામે બ્રાહ્મતેજના બળ પર શાપ દઈને, અર્થાત્ સંકલ્‍પથી અને ક્ષાત્રતેજના બળ પર પરશુથી વાર કરીને, અર્થાત્ પ્રત્‍યક્ષ પ્રહાર કરીને શત્રુનો સંહાર કર્યો. આ રીતે ભગવાન પરશુરામ શત્રુઓનું નિર્દાલન કરવા માટે બ્રાહ્મ અને ક્ષાત્ર આ બન્‍ને તેજનો ઉત્‍કૃષ્‍ટ ઉપયોગ કરનારા શ્રેષ્‍ઠતમ યોદ્ધાનું ઉત્તમ ઉદાહરણ છે.

 

૯. જન્‍મથી બ્રાહ્મણ હોવા છતાં કાળ અનુસાર આવશ્‍યક એવું ક્ષત્રિયોનું કર્તવ્‍ય પૂર્ણ કરવું

મહર્ષિ જમદગ્‍નિનો વર્ણ બ્રાહ્મણ અને રેણુકામાતાનો વર્ણ ક્ષત્રિય હતો. પરશુરામ જન્‍મથી બ્રાહ્મણ; પરંતુ ગુણ અને કર્મથી ક્ષત્રિય હતા. તેને કારણે તેમણે ક્ષત્રિય વર્ણને અનુસરીને આચરણ કર્યું તેમજ ક્ષાત્રધર્મનું પાલન કરીને દુર્જનોનો નાશ કર્યો. ભગવાન પરશુરામ કાળ અનુસાર સમષ્‍ટિ સાધનાનું અને વર્ણ અનુસાર ક્ષાત્રધર્મ સાધનાનું ઉત્તમ ઉદાહરણ છે.

પિતાની જેમ બ્રાહ્મતેજ અને માતાની જેમ ક્ષાત્રતેજ ધરાવનારા ભગવાન પરશુરામ યોદ્ધાવતાર છે. બ્રહ્મવૃંદોને નામશેષ કરવા માટે, તેમના આશ્રમ અને ગુરુકુળની ઉજ્‍જ્‍વળ પરંપરા ઉદ્‌ધ્‍વસ્‍ત કરનારી અન્‍યાયી રાજસત્તાને બન્‍ને તેજથી સંપન્‍ન એવા પરશુરામે લલકારી. વૈદિક જ્ઞાનનું બ્રાહ્મતેજ અને શસ્‍ત્રરૂપી ક્ષાત્રતેજ દ્વારા પરશુરામે અધર્મનું ઉચ્‍ચાટન કર્યું. દુષ્‍ટોને શ્રાપ આપીને અથવા શસ્‍ત્રથી વાર કરીને કઠોર દંડ આપ્‍યો. આ રીતે પરશુરામે કાળ અનુસાર આવશ્‍યક રહેલું ક્ષત્રિયોનું કર્તવ્‍ય પૂર્ણ કર્યું.

 

૧૦. કર્ણાટક ખાતે તુંગભદ્રા નદીના તટ પર વસેલા તીર્થહળ્‍ળી નામના તીર્થક્ષેત્રનું મહાત્‍મ્‍ય

પિતા જમદગ્‍નિઋષિની આજ્ઞાથી પરશુરામે માતાનો શિરચ્‍છેદ કર્યો. પરશુરામની પ્રાર્થના પછી જમદગ્‍નિઋષિએ રેણુકામાતાને પુનર્જીવિત કર્યાં; પરંતુ પરશુરામના પરશુને લાગેલું રેણુકામાતાનું રક્ત કોઈપણ પ્રકારે કોઈપણ નદી કે સરોવરના જળથી ધોવાતું નહોતું. પરશુરામ ભ્રમણ કરતા કરતાં કર્ણાટકના તુંગભદ્રા નદીનાં કાંઠે વસેલા ક્ષેત્રમાં આવી પહોંચ્‍યા. ત્‍યાં તુંગભદ્રા નદીના જળમાં પરશુ ધોવાથી તેને લાગેલું રક્ત ધોવાઈ ગયું. તેને કારણે આ સ્‍થાન તીર્થહળ્‍ળી નામથી વિખ્‍યાત થયું. આ તીર્થક્ષેત્રની તુંગભદ્રાના પાણીમાં સમસ્‍ત પાપોનું શમન કરવાની તાકાત છે. આ પાણીનો સ્‍વાદ પણ મીઠો-મધુરો છે.

 

૧૧. શિવજી અને ભગવાન દત્તાત્રેયને ગુરુસ્‍થાને માનીને તેમની કૃપા સંપાદન કરવી

પરશુરામે શિવ અને ભગવાન દત્તાત્રેયને ગુરુસ્‍થાને માનીને તેમનું શિષ્‍યત્‍વ સ્‍વીકાર કર્યું હતું. તેમણે કૈલાસ પર ૧૨ વર્ષ વાસ કરીને ગુરુસ્‍થાને રહેલા શિવ પાસેથી ગાયત્રી ઉપાસના દ્વારા એકાગ્રતા, યુદ્ધકૌશલ્‍ય, શસ્‍ત્રકળા, અસ્‍ત્રવિદ્યા અને તંત્રવિદ્યા સાથે જ વેદોનું જ્ઞાન અને આત્‍મજ્ઞાન પ્રાપ્‍ત કર્યું. દુષ્‍ટોનો સંહાર કરવા માટે શિવજીએ પોતાનું પાશુપતાસ્‍ત્ર પણ આપ્‍યું. તેવી જ રીતે ભગવાન દત્તાત્રેયને ગુરુસ્‍થાને માનીને તેમને પ્રસન્‍ન કરી લીધા અને તેમની કૃપાથી હઠયોગ, શક્તિપાતયોગ અને ધ્‍યાનયોગના ગૂઢ રહસ્‍યો જાણી લીધા.

 

૧૨. સંપૂર્ણ અવતાર કાળમાં સર્વાધિક ક્ષાત્રોપાસના કરી હોવાનું એકમાત્ર ઉદાહરણ

ગુરુકુલપરંપરા, આશ્રમ વ્‍યવસ્‍થા અને ઋષિ જીવનને ક્ષત્રિયોની ઉદ્દંડતાએ ગ્રસિત કર્યા હતા. ક્ષત્રિયોના સંકજામાંથી પરંપરા, સંસ્‍કૃતિ અને ધર્મનું રક્ષણ કરવાની ઘણી આવશ્‍યકતા હતી. તેને કારણે ભગવાન પરશુરામે શિષ્‍યાવસ્‍થા પૂર્ણ થતાં જ શિવજીએ આશીર્વાદસ્‍વરૂપ આપેલા પરશુ, ધનુષ્‍યબાણ અને શાપમય વાણીનો શત્રુ પર વાર કરવા માટે શસ્‍ત્ર પ્રમાણે ઉપયોગ કરીને કાર્તવીર્ય સહસ્રાર્જુન સાથે જ સર્વ ઉન્‍મત્ત ક્ષત્રિયોનું નિર્દાલન કર્યું. સંપૂર્ણ અવતાર કાળમાં સર્વાધિક ક્ષાત્રોપાસના કરી હોવાનું એકમાત્ર ઉદાહરણ એટલે ભગવાન પરશુરામ છે.

ભગવાન પરશુરામનાં ચરણોમાં સાષ્‍ટાંગ દંડવત !

– કુ. મધુરા ભોસલે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨.૫.૨૦૧૫)

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

 

૧૩. ભગવાન પરશુરામે અપરાન્‍ત ભૂમિનું આ રીતે કર્યું નિર્માણ !

સમગ્ર વિશ્‍વ પાદાક્રાંત કરીને ભાર્ગવરામ (ભગવાન પરશુરામ) પૃથ્‍વીના અજેય ચક્રવર્તી સમ્રાટ બની ગયા. તેમણે રાજ-ઐશ્‍વર્યને શોભે એવો વૈભવસંપન્‍ન વિશ્‍વજીત મહાયજ્ઞ કર્યો. આ યજ્ઞનું યજમાનપદ તેમણે આનંદભેર ભૂષિત કર્યું અને આ નિમિત્તે સર્વ સંપત્તિનું દાન કર્યું. પોતાની પાસે કેવળ શસ્‍ત્રવિદ્યા અને શરીર બાકી રાખ્‍યું અને જીતેલી પૃથ્‍વી પણ કશ્‍યપ ઋષિને દાનમાં આપી દીધી.

ત્‍યાર પછી કશ્‍યપ ઋષિએ તેમને તેમના પર આવી પડેલા હજી એક નૈતિક દાયિત્‍વની જાણ કરી આપી. ધર્મશાસ્‍ત્ર અનુસાર દાતાએ દાન કરેલી વસ્‍તુઓનો ઉપભોગ કરવાનો ન હોય. કશ્‍યપ ઋષિએ તેમને કહ્યું, ‘હે રામ, તમે સમસ્‍ત પૃથ્‍વીનું દાન દઈને તેના પરનું સ્‍વામીત્‍વ ત્‍યજી દીધું છે. તેથી હવે આ ભૂમિ પર નિવાસ કરવાનો આપનો અધિકાર નથી.’

ભગવાન પરશુરામે તેમનું કહેવું તરત જ સ્‍વીકાર્યું અને નિવાસ માટે નવી ભૂમિનું નિર્માણ કરવું, આ વિચારથી સમુદ્રને થોડો પાછળ જવાની વિનંતિ કરી.

સમુદ્ર પાછળ જતો નથી, એ જોઈને તેમણે ધનુષ્‍ય પર બાણ ચડાવીને તે સમુદ્ર પર છોડ્યો અને તેને કહ્યું, ‘આ બાણ પશ્‍ચિમ દિશામાં જે ઠેકાણે પડશે, તેટલી પહોળાઈ ધરાવતો અને સહ્યાદ્રી પર્વતની લંબાઈ જેટલો પ્રદેશ મને આપ !, આ રીતે સમુદ્રનો જે પૃષ્‍ઠભાગ ઉપર આવ્‍યો, તે ભૂમિને અપરાન્‍ત કહેવાય છે. કન્‍યાકુમારીથી ઉત્તર ભણી ભૃગુકચ્‍છ સુધીનો આ પ્રદેશ છે.

સંદર્ભ ગ્રંથ : વૈશ્‍વાનર અવતાર, ગ્રંથકર્તા : ડૉ. શ્રીકાંતજી રાજીમવાલે
સાભાર : વેદાવતી પારખે ઉરણકર

Leave a Comment