વિજ્ઞાન માટે પડકારરૂપ પુરવાર થયેલું હિમાચલ પ્રદેશનું જાગૃત સિમસામાતા મંદિર
મંડી (હિમાચલ પ્રદેશ) – દેશભરમાં સર્વત્ર નવરાત્રોત્સવ ઊજવવામાં આવે છે. દેવીનાં મંદિરોમાં ભક્તોની ઘણી ભીડ હોય છે. આવું જ એક મંડી જીલ્લાના સિમસ ગામમાં સિમસા માતા દેવીનું મંદિર છે. આ દેવી સંતાનવિહોણી સ્ત્રીઓની મનોકામના પૂર્ણ કરતાં હોવાથી તે સંતાન દાત્રી તરીકે ઓળખાય છે. આ સ્થાન પર નવરાત્રોત્સવમાં સંતાન પ્રાપ્તિ માટે પંજાબ, હરિયાણા, ચંડીગઢ તેમજ દેશભરના અનેક ભાગોમાંથી યુગલો આવે છે. આ મંદિરની ભોંય પર મહિલાઓ સૂતી રહે છે અને તેમને સંતાનપ્રાપ્તિ થાય છે, એવું કહેવામાં આવે છે. આ મંદિરનું કોયડું હજી સુધી વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી.
નવરાત્રિમાં અહીં સલિંદરા ઉત્સવ ઊજવવામાં આવે છે. સલિંદરાનો અર્થ સ્વપ્ન પડવું, એવો થાય છે. એવું કહેવામાં આવે છે કે, સંતાનપ્રાપ્તિ માટે મહિલા તેવી મનોકામના કરીને રાત્રદિવસ મંદિરની ભોંય પર સૂઈ રહે છે. ત્યારપછી તેમને પ્રતિકાત્મક રૂપમાં દેવીના દર્શન થાય અને સંતાન પ્રાપ્તિ માટે આશીર્વાદ મળે છે. એવું કહેવામાં આવે છે કે, જામફળ અથવા તેજ પ્રકારનું કોઈ ફળ સ્વપ્નમાં દેખાય તો છોકરો થાય, ભીંડો દેખાય તો છોકરી થાય અને ધાતુ, લાકડું, પથ્થરની વસ્તુ દેખાય, તો તે મહિલાને સંતાન પ્રાપ્ત નહીં થાય, એવું સમજવામાં આવે છે. તેમ છતાં પણ જો આ મહિલા મંદિરમાં રહે, તો તેમના શરીર પર લાલ ચાઠાં પડી જઈને તેમના શરીરની બળતરા થાય છે, એવું કહેવામાં આવે છે.