અનુક્રમણિકા
- ૧. પહેલાં સમાજજીવનનો અવિભાજ્ય ઘટક રહેલા યોગશાસ્ત્રના પાઠ વર્તમાનમાં ભારતીઓને ઘૂંટવા પડવા
- ૨. યોગ એ ઘરડા થયા પછી શીખવાનું નહીં, જ્યારે બાળપણથી જ અંગીકાર કરવાનું શાસ્ત્ર !
- ૩. ભગવદ્ગીતામાં યોગશાસ્ત્રનો ઉપદેશ કરવામાં આવવો
- ૪. એકવીસમા શતકમાંના માનવીની સર્વ સમસ્યાઓ પર ‘યોગ’ એ જ ઉપાય !
- ૫. પતંજલિ મુનિએ વિશદ કરેલો યોગ !
- अ. योगाङ्गानुष्ठानादशुद्धिक्षये ज्ञानदीप्तिराविवेकख्यातेः ॥
- आ. यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि ॥
- इ. अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहाः यमाः ॥
- ई. अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः ॥
- उ. सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् ॥
- ऊ. अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम् ॥
- ए. ब्रह्मचर्यप्रतिष्ठायां वीर्यलाभः ॥
- ऐ. अपरिग्रहस्थैर्ये जन्मकथन्तासम्बोधः ॥
- ઓ. શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વરપ્રણિધાન (ઈશ્વરનું અનુસંધાન) આ ૫ નિયમો છે.
- औ. शौचात्स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः ॥
- अं. सत्त्वशुद्धिसौमनस्यैकाग्येन्द़्रियजयात्मदर्शनयोग्यत्वानि च ॥
- क. सन्तोषादनुत्तमसुखलाभः ॥
- ख. कायेन्द़्रियसिद्धिरशुद्धिक्षयात्तपसः ॥
- ग. स्वाध्यायादिष्टदेवतासम्प्रयोगः ॥
- घ. समाधिसिद्धिरीश्वरप्रणिधानात् ॥
- च. ततो द्वन्द्वानभिघातः ॥
- छ. ततः क्षीयते प्रकाशावरणम् ॥ धारणासु च योग्यता मनसः ॥
- ज. प्रत्याहार – ततः परमावश्यतेन्द़्रियाणाम् ॥
‘યોગશાસ્ત્ર’ આ પુષ્કળ વિસ્તૃત અને ગહન વિષય છે. એક લેખમાં તેને પ્રસ્તુત કરવો કેવળ અસંભવ છે. માનવીએ પોતાનું ચિરંતન હિત જો સાધ્ય કરવું હોય, તો યોગશાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના છૂટકો નથી, એ નિશ્ચિત ! તેની મહતી સમજાય, આ દૃષ્ટિએ આ લખી રહ્યા છીએ. ‘આ લેખ વાંચીને વાચકોને યોગશાસ્ત્ર ભણી વળવાની પ્રેરણા મળે’, એ પ્રાર્થના !
૧. પહેલાં સમાજજીવનનો અવિભાજ્ય ઘટક રહેલા યોગશાસ્ત્રના પાઠ વર્તમાનમાં ભારતીઓને ઘૂંટવા પડવા
ભારત એ યોગશાસ્ત્રની જન્મભૂમિ છે. આંતરજાળ પર (ઇંટરનેટ પર) થોડું ફરી આવીએ, કે યોગના નામ હેઠળ કલ્પનાની કેટલી ઉડાનો ભરવામાં આવી રહી છે અને શાસ્ત્ર બાજુએ મૂકીને તેમાં વેપાર ઘૂસાડવાના કેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, એ આપણને જાણવા મળશે. ‘પાવર યોગા’ (હૃદયના વેગમાં વૃદ્ધિ કરનારો યોગાભ્યાસ), ‘યિન યોગા’ (મંદ ગતિથી કરી શકાય તેવો યોગાભ્યાસ), ‘રિસ્ટોરૅટિવ યોગા’ (ઓશીકું અથવા બ્લૅંકેટના આધાર પર કરવામાં આવતો યોગાભ્યાસ), ‘નેકેડ યોગા (નગ્ન થઈને કરવામાં આવતો યોગા)’, ‘બીયર યોગા’ (યોગાસનો સમયે અથવા પછી દારૂ પીવો), ‘એંટી-ગ્રેવિટી યોગા’ (હિંચકાની સહાયતાથી નૃત્ય કરતી વેળાએ કરેલા યોગાસનો), આવા વિવિધ પ્રકાર વિશ્વમાં ક્યાંકતોયે ચાલુ થઈને યોગશાસ્ત્રની આ જન્મભૂમિમાં પહોંચે છે અને આપણે ત્યાં તેના વખાણ કરવાનું ચાલુ થાય છે. આ વાત આપણે ચલાવી લઈએ છીએ; કારણકે કસરતો, આસનો, નાક દાબીને કરેલા પ્રાણાયામ, ઘડિયાળના કાંટા પર કરેલું ધ્યાન અને નિદ્રાધીન થઈએ ત્યાં સુધી કરેલી યોગનિદ્રાની પેલેપાર આપણું પોતાનું યોગશાસ્ત્ર વિશેનું જ્ઞાન પહોંચતું જ નથી.
ભારતની પરંપરા અત્યંત ઉજ્જ્વળ છે. આપણા પુરાણકાલીન પૂર્વજો યોગયુક્ત જીવનશૈલી જીવતા હતા. યુદ્ધમાં મૃત્યુ ન આવ્યું હોય, તો મોટાભાગના લોકોનું પ્રાણોત્ક્રમણ યોગમાર્ગથી અને પ્રાણોનું નિયમન કરીને થતું. રાજાથી માંડીને સામાન્ય લોકો સુધી મોટાભાગે સહુને કુંડલિની જાગૃત કરતા આવડતું હતું. રાક્ષસો પણ દૈનંદિન યોગસાધના કરતા હતા. આટલું પ્રચલિત રહેલું આ યોગશાસ્ત્ર હવે આપણે ‘ક, ખ, ગ, ઘ’થી શીખવું પડી રહ્યું છે.
૨. યોગ એ ઘરડા થયા પછી શીખવાનું નહીં, જ્યારે બાળપણથી જ અંગીકાર કરવાનું શાસ્ત્ર !
પ્રતિદિન અડધો કલાક કરવામાં આવતા આસનો અને પ્રાણાયામ એ યોગ અંતર્ગત અષ્ટાંગમાંના કેવળ બે અંગો છે. જેવી રીતે ભૂમિમાં બી વાવતા પહેલાં ભૂમિને ખેડીને તેને ઉપજાઉ બનાવવી પડે છે, તેવી રીતે આસનો અને પ્રાણાયામ સાધ્ય કરવા માટે ૨૪ કલાક યમ-નિયમોનું આચરણ કરવું પડે છે. આસનો અને પ્રાણાયામ આ યોગનો અંતિમ ઉદ્દેશ નથી. તેના દ્વારા ધારણાથી માંડીને કૈવલ્યપ્રાપ્તિ સુધીનો પ્રવાસ સરળ બનાવવાનો હોય છે.
સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે, ‘પ્રત્યેક જીવે આ પ્રવાસ ખેડવાનો જ છે.’ જેટલો શીઘ્ર આ માર્ગ સમજાય, તેટલું સારું, એવો આપણા પૂર્વજોનો આગ્રહ હતો. તેથી જ સ્તો ત્યારે ‘યોગ’ એ ઘરડેઘડપણ શીખવાનું શાસ્ત્ર નહોતું. ભક્ત ધ્રુવ, ભક્ત પ્રહ્લાદ, નારદમુનિ એવા ઘણાંજણ સાવ બાળવયમાં જ યોગાભ્યાસ કરતા હતા.
૩. ભગવદ્ગીતામાં યોગશાસ્ત્રનો ઉપદેશ કરવામાં આવવો
ભગવદ્ગીતા આ હિંદુઓનો ધર્મગ્રંથ પણ યોગશાસ્ત્રનો ઉપદેશ કરનારો ગ્રંથ છે. તેમાંના પ્રત્યેક અધ્યાયના અંતમાં ‘श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे….’ અર્થાત્ ‘શ્રીમદ્ભગવદ્ગીતા રૂપી ઉપનિષદ તેમજ બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર વિષયમાં…’ એવું સ્પષ્ટ વિશદ કર્યું છે. કળિયુગમાં મહત્ત્વાકાંક્ષી, ‘કરિયર ઓરિએંટેડ’ (લક્ષ્ય ભણી માર્ગક્રમણ) અને બહિર્મુખ વૃત્તિના માનવીને તેની દોડધામની જીંદગીમાં યોગશાસ્ત્રની આવશ્યકતા જણાવવા લાગી છે. માનવીના સર્વ કર્મોનાં તન અને મન પર થનારાં પરિણામો ટાળવા માટે તેને યોગશાસ્ત્ર વિના છૂટકો દેખાતો નથી.
ભગવદ્ગીતામાં ભગવાન કહે છે કે, ‘योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनंजय ।’ (શ્રીમદ્ભગવદ્ગીતા, અધ્યાય ૨, શ્લોક ૪૮), અર્થાત્ ‘હે ધનંજય અર્જુન, તું આસક્તિ છોડીને યોગમાં સ્થિર થઈને કર્તવ્ય કર્મો કર.’ તે માટે પ્રથમ યોગસ્થ બનો. શરીર અને મનથી સ્થિર થાવ. પોતાના શરીરમાંના અસ્તિત્વને અનુભવો. કૈવલ્યની અનુભૂતિ લો, કૈવલ્ય માટે બાહ્ય સાધનાની આવશ્યકતા નથી, આ જ્ઞાન સંપાદન કરી લો અને પછી સંગવિનાના થઈને કર્મપ્રવૃત્ત બનો ! આપણો પ્રવાસ આનાથી બરાબર ઊલટો ચાલી રહ્યો છે. આપણે પ્રથમ કર્મપ્રવૃત્ત બનીએ છીએ અને પછી સ્થિરતા માટે યોગશાસ્ત્રને સંભવ બનાવવાના પ્રયત્નો કરીએ છીએ.
૪. એકવીસમા શતકમાંના માનવીની સર્વ સમસ્યાઓ પર ‘યોગ’ એ જ ઉપાય !
ભૌતિક પ્રગતિનો ચઢતો આલેખ, તેમાંથી શરીરને આવેલી સુખાસીનતા, ઇંદ્રિયોને નિરંતર પ્રાપ્ત થનારા વિષયો, વધેલી સ્વાર્થી વૃત્તિ, નાસ્તિકતા, દૂરદૃષ્ટિનો અભાવ, હિત જાળવતી વસ્તુઓ કરતાં સુખ પ્રદાન કરનારી વસ્તુઓનો અંગીકાર કરવાનું વધેલું વલણ આવા અનેક કારણોસર આજે વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક સ્તર પર અનેક સમસ્યાઓ નિર્માણ થઈ છે. વ્યક્તિગત આયુષ્યમાં નિરાશા અને મનોવિકારોનું પ્રમાણ વધી રહ્યું છે. કુટુંબ વધારે ને વધારે નાના બનતા જઈ રહ્યા છે. સામાજિક સ્તર પર વેરઝેર, ભય, પર્યાવરણના અસમતોલે થનથનાટ આદરેલો છે. કાયદાઓ કરીને પણ પ્રશ્નો ઉકેલાતા નથી.
આવી સ્થિતિમાં ‘યોગશાસ્ત્ર’ આ માનવી માટે મોટો આધાર છે. પ્રત્યેક વ્યક્તિ વ્યક્તિગત આયખામાં જો યોગશાસ્ત્રના માર્ગનું આચરણ કરે, તો તેની અન્યોને પજવણી ઓછી થશે અને અન્યોની પજવણીથી છૂટકારો કરી લઈને જીવવાની કળા તેને આત્મસાત થશે; પરંતુ તે માટે ‘અષ્ટાંગ યોગા’નો અભ્યાસ આવશ્યક છે. તેમાંની સમાધિ સિવાયના અન્ય ૭ અંગોનો (યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન અને ધારણા) નિયમિત મહાવરો હોવો જોઈએ !
૫. પતંજલિ મુનિએ વિશદ કરેલો યોગ !
પતંજલિ મુનિએ અષ્ટાંગ યોગમાંના પ્રત્યેક પાસાં દ્વારા માનવીને થનારા લાભ સ્પષ્ટ કર્યા છે. તે જોઈએ, તો પણ ૨૧મા શતકમાંના માનવીની સર્વ સમસ્યાઓ પર ‘યોગ’ એ કેટલો બંધબેસતો ઉત્તર છે, એ આપણને સમજાશે.
अ. योगाङ्गानुष्ठानादशुद्धिक्षये ज्ञानदीप्तिराविवेकख्यातेः ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૨૮
અર્થ : યોગ અનુષ્ઠાન કરવાથી તન-મનમાંની અશુદ્ધિ નષ્ટ થાય છે, અવિવેક નષ્ટ થાય છે અને જ્ઞાનજ્યોતિ પ્રદિપ્ત થાય છે.
आ. यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૨૯
અર્થ : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ યોગશાસ્ત્રનાં ૮ પાસાં છે.
इ. अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहाः यमाः ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૩૦
અર્થ : અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મચર્ય (ઇંદ્રિયનિગ્રહ), અપરિગ્રહ (આવશ્યકતા કરતાં વધુ સંચય ન કરવો) આ ૫ યમ છે.
ई. अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૩૫
અર્થ : વ્યક્તિગત સ્તર પર કાયિક, વાચિક અને માનસિક અહિંસાનું પાલન કરનારી વ્યક્તિના સાન્નિધ્યમાં આવનારા સર્વ પ્રાણીઓ વેરભાવનો ત્યાગ કરે છે.
પહેલાં ઋષિમુનિઓના આશ્રમમાં સર્વ પ્રાણીઓ પ્રેમથી એકત્રિત રહેતા હોવાનાં ઉદાહરણો સાંભળવા મળે છે. આજે પણ ડૉ. પ્રકાશ આમટેના ‘હેમલકસા’ પ્રકલ્પમાં આ વેરત્યાગ જોવા મળે છે; પરંતુ વ્યક્તિગત સ્તર પર અહિંસા જેટલી ઉપયોગી છે, તેટલી જ રાષ્ટ્રીય સ્તર પર તે સદ્ગુણી વિકૃતિ પુરવાર થાય છે. આ અનુભવ આપણે સહસ્રો વર્ષોથી લઈ રહ્યા છીએ.
उ. सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૩૬
અર્થ : આયુષ્યમાં સત્ય પ્રસ્થાપિત કરવાથી સર્વ ક્રિયાઓ યશસ્વી થાય છે. સત્ય પર આધારિત કર્મોનું ઉપયુક્ત ફળ નિશ્ચિત મળે છે.
ऊ. अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम् ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૩૭
અર્થ : અન્ય કોઈ જીવના અધિકારનું ધન, અન્ન, પદ ઇત્યાદિ હરણ ન કરવું, એટલે અસ્તેય ! અસ્તેયના પાલનથી વિશ્વમાં ઉત્તમોત્તમ રત્નો ઉપલબ્ધ થાય છે.
પ્રત્યેક જીવને તેનો ભાગ મળે, આ મોટો અવસર જ છે.
ए. ब्रह्मचर्यप्रतिष्ठायां वीर्यलाभः ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૩૮
અર્થ : ઇંદ્રિયનિગ્રહ કરવાથી વીર્ય, અર્થાત્ શક્તિનો લાભ થાય છે. ઇંદ્રિયોના લાડ (નખરાં) લડાવવામાં માનવીના આયખાનો મોટો સમય વેડફાય છે. ઇંદ્રિયોના વિષયો પ્રાપ્ત કરવા માટે પુષ્કળ કષ્ટ કરવા પડે છે. તેમાં શ્રમ અને શક્તિ વેડફાય છે. આટલું કરીને પણ કમનસીબે તે વિષય જો પ્રાપ્ત ન થાય, તો શેષ શક્તિ શોક કરવામાં નષ્ટ થાય છે. તેને કારણે ઇંદ્રિયનિગ્રહ આ ક્રાંતિસૂત્ર છે.
ऐ. अपरिग्रहस्थैर्ये जन्मकथन्तासम्बोधः ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૩૯
અર્થ : અપરિગ્રહ સિદ્ધ થયા પછી માનવીને તેના અન્ય જન્મોનું જ્ઞાન થવા લાગે છે.
ઇંદ્રિયનિગ્રહ કરવાથી આવશ્યકતાઓ ઓછી થાય કે, સંચય (ભેગું) કરવાની વૃત્તિ ઓછી થાય છે. સંચય કરવો, અર્થાત્ અન્યોના હકો પર અતિક્રમણ કરવું. માનવી વિના અન્ય કોઈપણ પ્રાણી આવો સંચય કરતો નથી. સંચય કરવાથી ભય નિર્માણ થાય છે. સંચય કરવાનું બંધ કરીએ કે, માનવીને અન્ય જન્મોનું જ્ઞાન થવા લાગે છે. પોતે જ કરેલાં પાપ-પુણ્યનું ભાન થઈને વિવેક જાગૃત થાય છે.
ઓ. શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વરપ્રણિધાન (ઈશ્વરનું અનુસંધાન) આ ૫ નિયમો છે.
औ. शौचात्स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૪૦
અર્થ : બાહ્ય અને અભ્યંતર શુચિતા પાળવાથી યોગીનું હૃદય શુદ્ધ બને છે. મળમૂત્રાદી ધરાવતા સ્વશરીરની અને અન્ય શરીરની આસક્તિ નષ્ટ થાય છે. સંસર્ગનો અભાવ થાય છે. નિરોગી રહેવા માટે શારીરિક શૌચ, આનંદી રહેવા માટે માનસિક અને વાણીની શુદ્ધિનું મહત્ત્વ આપણે જાણીએ છીએ. પ્રત્યેક વ્યક્તિ જો અર્થશૌચનું પાલન કરે, તો સમાજમાંનો ભ્રષ્ટાચાર ચોક્કસ જ ઓછો થઈ શકે છે.
अं. सत्त्वशुद्धिसौमनस्यैकाग्येन्द़्रियजयात्मदर्शनयोग्यत्वानि च ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૪૧
અર્થ : મનનું શૌચ પાળવાથી સૌમનસ્ય (મનની પ્રસન્નતા) નિર્માણ થાય છે, ચિત્તની એકાગ્રતા સાધ્ય થાય છે, ઇંદ્રિયો પોતાને સ્વાધીન રહેવા લાગે છે અને સર્વ અનુકૂળતાને કારણે આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થવાની યોગ્યતા સાધકોના પંડમાં આવે છે.
જો સર્વ પ્રકારના શૌચનું પાલન કરીએ, તો મન પ્રસન્ન થાય છે, એકાગ્રતા વધે છે, ઇંદ્રિયસંયમ પ્રાપ્ત થાય છે અને માનવી આત્મદર્શન માટે યોગ્ય બને છે.
क. सन्तोषादनुत्तमसुखलाभः ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૪૨
અર્થ : સમાધાન ને કારણે સર્વોત્તમ સુખની પ્રાપ્તિ થાય છે.
કારણવિના, કોઈપણ ભૌતિક આધાર વિના સંતોષી રહી શકાય, એ પરમોચ્ચ સુખ છે. ભગવાન આને ‘आत्मनि एव आत्मनः तुष्टः ।’ (શ્રીમદ્ભગવદ્ગીતા, અધ્યાય ૨, શ્લોક ૫૫) અર્થાત્ ‘પોતે (આત્મા) પોતાનામાંજ સંતોષ પામીને રહે છે’, એવું કહેવાય છે. આ સ્થિતપ્રજ્ઞ સ્થિતિ છે.
ख. कायेन्द़्रियसिद्धिरशुद्धिक्षयात्तपसः ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૪૩
અર્થ : તપ દ્વારા મનમાંની અશુદ્ધિ નષ્ટ થાય છે, અર્થાત્ મન શુદ્ધ થાય છે. તેને કારણે શરીર, ઇંદ્રિયો અને મનને સિદ્ધિઓ ઉપલબ્ધ થાય છે.
તપ કરવાથી શરીર અને ઇંદ્રિયોની શુદ્ધિ થઈને તેઓ સિદ્ધ થાય છે. કઠોર તપ પછી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેનાં અનેક ઉદાહરણો આપણને પ્રાચીન ઇતિહાસમાં મળે છે.
ग. स्वाध्यायादिष्टदेवतासम्प्रयोगः ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૪૪
અર્થ : સ્વાધ્યાયને કારણે ઇષ્ટ દેવતા પ્રસન્ન થાય છે. સ્વાધ્યાય અર્થાત્ લોકકલ્યાણ કરનારા શાસ્ત્રોનો અભ્યાસ અને પ્રચાર ! અત્રે લોકકલ્યાણ એ ક્રાંતિસૂત્ર છે. પ્રાણીમાત્રોના હિતના આડે આવનારા શાસ્ત્રોને અત્રે સ્થાન નથી. સ્વાધ્યાયને કારણે ઇષ્ટ દેવતા સંતોષ પામે છે.
घ. समाधिसिद्धिरीश्वरप्रणिधानात् ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૪૫
અર્થ : ઈશ્વરના અનુસંધાનને કારણે સમાધિ માટે માનવી સિદ્ધ થાય છે.
च. ततो द्वन्द्वानभिघातः ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૪૮
અર્થ : આસનોના અભ્યાસથી શારીરિક (ઉદા. શીત અને ઉષ્ણ) અને માનસિક દ્વંદ્વ (ઉદા. સુખ અને દુઃખ) સહન કરવાની ક્ષમતા વધે છે.
छ. ततः क्षीयते प्रकाशावरणम् ॥ धारणासु च योग्यता मनसः ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૫૨ અને ૫૩
અર્થ : પ્રાણાયામના મહાવરાથી આપણા પ્રકાશરૂપી અસ્તિત્વ પર રહેલું અજ્ઞાનરૂપી આવરણ ક્ષીણ થાય છે. ચંચળ મન પર નિયંત્રણ મેળવીને તે ધારણા માટે યોગ્ય બને છે.
ज. प्रत्याहार – ततः परमावश्यतेन्द़्रियाणाम् ॥
– પાતંજલયોગદર્શન, સાધનાપાદ, સૂત્ર ૫૫
અર્થ : પ્રત્યાહારનો નિયમિત અભ્યાસ કરવાથી ઇંદ્રિયો અત્યંત વશ થાય છે. આ અત્યંત કઠિન અને શ્રેષ્ઠ ફળ છે.
– વૈદ્યા સુચિત્રા કુલકર્ણી (એમ.ડી. આયુર્વેદ, બી.એ. યોગશાસ્ત્ર (સોનેરી પદક)