અનુક્રમણિકા
૧. મહર્ષિ વ્યાસનાં વિવિધ નામ
વ્યાસ શબ્દની વ્યુત્પત્તિ છે – विशदं करोति इति व्यासः । એટલે કે વિષયને વિશદ કરે છે તે વ્યાસ. મહર્ષિ વ્યાસના અનેક નામ પ્રચલિત છે. વર્ણથી તે કાળા તેથી તેમને કૃષ્ણ કહે છે; જ્યારે દ્વિપમાં (ટાપુ પર) જન્મ થયો તેથી તેમને દ્વૈપાયન કહે છે. કૃષ્ણદ્વૈપાયન એવું જોડકણું નામ પણ પ્રચલિત છે. તેમણે वेदान् विव्यास (વેદાન્ વિવ્યાસ) એટલે વેદોના વિભાગ કર્યા, તેથી તેઓ વ્યાસ તરીકે સંબોધિત છે. પરાશર પુત્ર તરીકે તેમને પારાશર્ય પણ કહે છે. મહર્ષિ વ્યાસનો ઉલ્લેખ કરતી વેળા ભગવાન વ્યાસ એમ પણ સંબોધવાનો વિદ્વજ્જનોમાં પરિપાટ (ધારો) છે. શ્રી શંકરાચાર્ય તેમનો તેવી ઉપાધિથી જ ઉલ્લેખ કરતા હતા. તેમને મહર્ષિ પણ કહેવામાં આવે છે.
૨. અલૌકિક ગ્રંથકાર
व्यासोच्छिष्टं जगत्सर्वम् । એટલે જગતનું સર્વ જ્ઞાન મહર્ષિ વ્યાસે એઠું કરી મૂક્યું છે, એવી કહેવત પ્રચલિત થઈ છે. ભૂમિતિમાં વ્યાસ એટલે વર્તુળમાં સૌથી મોટી અંદરની રેખા. મહર્ષિ વ્યાસનું વાઙ્મય (સાહિત્ય) પણ સહુથી ઉચ્ચ અને વિશાળ છે. (જેમ વ્યાસ દ્વારા પરિઘના સર્વ બિંદુઓનો સ્પર્શ થાય છે, તેવી જ રીતે મહર્ષિ વ્યાસે સર્વ વિષયોને સ્પર્શ કર્યો છે. કેવળ સ્પર્શ જ કર્યો નથી, તો તેમનું ઊંડાણપૂર્વક વિવેચન પણ કર્યું છે.) તેમને શ્રી વિષ્ણુના ‘જ્ઞાનાવતાર’ માનવામાં આવે છે.
વર્તુળના મધ્યબિંદુમાંથી બન્ને બાજુઓના પરિઘને જોડનારી રેખા એટલે વ્યાસ. તેવી જ રીતે આ સૃષ્ટિ (વર્તુળ) ચક્રનું વિભાજન કરનારા વ્યાસ, જે બન્ને બાજુઓને સ્પર્શ કરે છે. આ બન્ને ભાગ એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ. એમ હોવા છતાં તેઓ પેલા બન્નેથી અલિપ્ત હોય છે; તેથી તેમને ‘વ્યાસ’ કહેવામાં આવે છે.
– જગદ્ગુરુ શ્રી શંકરાચાર્ય, કરવીરપીઠ, કોલ્હાપુર.
યુગોયુગોમાં જવ્વલેજ આવી મહાન વ્યક્તિ જન્મ લે છે. મહર્ષિ વ્યાસનો જન્મ ભારતમાં થયો, આ બાબત ભારતીય જનતા માટે અનંત સમયગાળા સુધી ગૌરવશાળી બની રહેશે. આજ સુધી વિશ્વમાં આવા દેદીપ્યમાન, વિદ્વાન અને સાહિત્યકાર થયા નથી અને થશે નહીં, એમ કહીએ તો તેમાં અતિશયોક્તિ છે એમ લાગવાનું કારણ નથી. વેદોત્તર કાળથી માંડીને આજ સુધી મહર્ષિ વ્યાસ એ ભારતીય સંસ્કૃતિના મહાપ્રાણ સિદ્ધ થયા છે. આપણી સંસ્કૃતિ એ મહર્ષિ વ્યાસ દ્વારા રચિત મહાભારત અને પુરાણો પર આધારિત છે. ભારતીય સંસ્કૃતિનું સર્વાંગી યથાવત જ્ઞાન મેળવવું હોય, તો મહર્ષિ વ્યાસ દ્વારા રચિત ગ્રંથોનું અધ્યયન કરવું અપરિહાર્ય છે. વ્યાસ સાહિત્ય એ ભારતીય સંસ્કૃતિનો મેરુદંડ (કરોડરજ્જુ) છે.
૩. વ્યાસચર્યા
મહર્ષિ વ્યાસ દ્વારા રચિત અને મહર્ષિ વ્યાસ દ્વારા સંપાદિત નીચે જણાવેલા સર્વ ગ્રંથો મળીને વ્યાસચર્યા કહે છે.
અ. વેદવિભાજન
વેદોનું વિષય અનુસાર વિભાજન મહર્ષિ વ્યાસે કર્યું.
આ. બ્રહ્મસૂત્રો
મહર્ષિ વ્યાસે લખેલા બ્રહ્મસૂત્રોમાં ઉપનિષદોનો અર્થનિર્ણય કર્યો છે.
ઇ. પુરાણો
મહર્ષિ વ્યાસ પુરાણોના આદ્યકર્તા છે. એમાંનું ભાગવતપુરાણ સૌથી મહત્ત્વનું છે.
ઈ. મહાભારત
મહર્ષિ વ્યાસની સર્વ ગ્રંથસંપદામાં અને વાડ્મયકાર્યમાં મહાભારતનો મહિમા અલૌકિક છે. તે ગ્રંથમાં અર્થશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને મોક્ષશાસ્ત્ર આ ત્રણેય જીવનદર્શનો મહર્ષિ વ્યાસે સુંદર કથાઓથી સજાવીને તથા સુશોભિત કરીને પ્રસ્તુત કર્યા છે. આર્યોનું વિસ્તૃત જ્ઞાન અને વિશાળ લોકજીવનનો સ્પષ્ટ સાક્ષાત્કાર તેમાંથી થાય છે.
૪. મહર્ષિ વ્યાસનું કાર્ય
૪ અ. વ્યાસ અને રાષ્ટ્રીય અભ્યુત્થાન
જ્ઞાત અતીત (ભૂતકાળ)થી માંડીને વર્તમાન સુધી અને હિમાલયથી માંડીને કન્યાકુમારી સુધી એક પ્રચંડ દેશકાળ મહર્ષિ વ્યાસની વિશાળ દૃષ્ટિ સમક્ષ ઊભો હતો. આ રાષ્ટ્રનો ઉત્કર્ષ થાય જેથી તે બદ્ધપરિકર (સંગઠિત વૃંદ) બન્યું હતું. રાષ્ટ્ર સુખી, સંપન્ન અને તે સર્વાંગી વિકસિત થવું હોય, તો સૌ પ્રથમ રાજ્યમાંની રાજનીતિ સુરક્ષિત રહેવી જોઈએ. રાજા નીતિમાન, ચારિત્ર્યશીલ, સમર્થ અને સર્વ રીતે સાવચેત હોવો જોઈએ. રાજા જો સમર્થ ન હોય, તો દુષ્ટ-દુર્જનો સજ્જનોને ભરખી જશે અને ધર્મની નાવ ડૂબી જશે. રાષ્ટ્રનો પણ એક સામાન્ય ધર્મ હોય છે અને તે રાજ્ય વહીવટની સાવધાની અને સુવ્યવસ્થા પર આધારિત હોય છે; તેથી જ મહર્ષિ વ્યાસે રાજસત્તાને વિસ્તૃત અને સુયોગ્ય માર્ગદર્શન કર્યું છે.
૪ આ. વ્યાસ અને ધર્મ
દેશકાળ પરિસ્થિતિમાં જે વ્યક્તિ, રાષ્ટ્ર, સમગ્ર જીવન, લોક અને પરલોક આ બધાને આધાર આપે છે અને પોષણ કરે છે તેને ધર્મ કહેવાય, એવી મહર્ષિ વ્યાસની ધર્મવ્યાખ્યા છે. લોકસ્થિતિનું સનાતન બીજ એટલે ધર્મ છે. ધર્મ એટલે કેવળ સ્વર્ગ-મોક્ષનો વિચાર નથી, જ્યારે આ વ્યવહારિક જગત્માં પ્રજામતનું ધ્યાન રાખે છે, લોકોને સુખી, સમૃદ્ધ, એકબીજાને પૂરક, નીતિપ્રવણ અને પુરુષાર્થી બનાવે છે, તે ધર્મ છે. જો ધર્મ એ જીવનને ધારણ કરવાની શ્રેષ્ઠ વસ્તુ હશે, તો જીવન પણ તેટલું જ મૂલ્યવાન હોવું જોઈએ. મહર્ષિ વ્યાસના મત અનુસાર જીવન એ રોદણાં રડવાનું-ઝૂરવાનું નથી પણ તે આનંદદાયી છે. માયા સમજીને તેનો ત્યાગ કરવો નહીં. મહર્ષિ વ્યાસ ઇહલોકમાં કર્મવાદને માને છે, તેની સાથે જ દૈવવાદમાં પણ માને છે અને અધ્યાત્મ અથવા આત્મતત્ત્વ પર પણ વિશ્વાસ રાખે છે. માનવીના ઐહિક જીવનના આધારસ્તંભ બે છે – એક વાર્તા અથવા અર્થશાસ્ત્ર અને બીજો રાજશાસ્ત્ર અથવા દંડનીતિ. અર્થ સિવાય જગતમાં પાંદડું પણ ફરકતું નથી અને આ માનવીઅર્થ રાજધર્મનો આશ્રિત છે; તેથી રાજાએ યોગ્ય રીતે નીતિને અનુસરીને શાસન ચલાવવું અને માણસે ઉદ્યમી રહેવું જોઈએ. જે અર્થલાભ કરી લેવાનો હોય તે સ્વાભિમાન જાગૃત રાખીને સાધ્ય કરવો. અપ્રતિષ્ઠાના માર્ગ દ્વારા માણસે કોઈ પણ વસ્તુની આકાંક્ષા રાખવી નહીં. ભીખ માગનારાનો માર્ગ અથવા લૂંટારું વૃત્તિનો માર્ગ નિંદનીય છે. પછી તેમાં ભલે ગમે તેટલો ધનલાભ થતો હોય. પરિશ્રમ દ્વારા પ્રાપ્ત લાભ, એ જ તત્ત્વ માણસે હંમેશાં આંખો સમક્ષ રાખવું જોઈએ.
૪ ઇ. સંપ્રદાયોનું એકીકરણ
હિંદુસ્થાનના વાઙ્મયમાં જ તો શું, પણ વિશ્વના વાઙ્મય (સાહિત્ય)માં અત્યંત મહાન એવી વ્યક્તિ એટલે કૃષ્ણદ્વૈપાયન મહર્ષિ વ્યાસ જ છે. એમના કરતાં મહાન વ્યક્તિ મળી આવવી શક્ય નથી. મહર્ષિ વાલ્મીકિ કદાચ તેમની તોલે આવી શકે; પણ તેમનામાં અને મહર્ષિ વ્યાસમાં મોટું અંતર છે. વાલ્મીકિએ એક સુંદર કાવ્યની રચના કરીને રાજવી પરિવારમાંના એક પુરુષને દેવતુલ્ય બનાવ્યા. તે કાર્ય નાનુંસૂનું નથી. તો પણ વાલ્મીકિનું આ કાર્ય કૃષ્ણદ્વૈપાયનના કાર્યની તુલનામાં તે નાનું છે. સાહિત્ય દ્વારા વિશ્વના એકીકરણની રચના કરવી, એવી કલ્પના મનમાં લાવીને તેનો ઉત્કર્ષ કરનારો પુરુષ વિશ્વમાં મહર્ષિ વ્યાસ વ્યતિરિક્ત અન્ય થયોજ નથી.
ઋગ્વેદ એ પંજાબના સોમયાજીઓનો (સોમયાગ કરનારાઓનો) સંપ્રદાય હતો. યજુર્વેદ એ દક્ષિણ ભણીના પશુયાગ કરનારાઓનો સંપ્રદાય હતો. સામવેદ એ અત્યંત પ્રાચીન સત્રસંસ્થા (૧૩ થી માંડીને ૧૦૦ દિવસો સુધી યજ્ઞયાગ જ્યાં થાય છે એવી સંસ્થાઓ) ચલાવનારાઓનો સંપ્રદાય હતો, જ્યારે અથર્વવેદ એ મગધના પ્રાચીન મંગોની પરંપરાનો વિકાસ છે, એવુ શોધખોળને અંતે જણાશે. આ ભિન્ન લોકોના યજન-સંપ્રદાયો એક કરીને સર્વ સામાન્ય ધર્મ નિર્માણ કરવો, એ ક્રિયા મહર્ષિ વેદવ્યાસે કરી અને તે ક્રિયાનું ફળ એટલે આજની વેદચતુષ્ટયીની રચના છે. આ રચનાને કારણે પ્રત્યેક વેદ એ અલગ ધર્મ રહેવાને બદલે એક જ મોટા સમવાય (સમન્વય કરનારાં) ધર્મનો અંગ બન્યો. આ કાર્ય કરવા માટે મહર્ષિ વ્યાસે જે મોટી સંસ્થાની સ્થાપના કરી, તેના કારણે જ તેમને કુલપતિની પદવી પ્રાપ્ત થઈ. સર્વ ઠેકાણેના લોકોનો સંગ્રહ એ તેમની વિદ્યાનો સંગ્રહ કરવાથી થાય છે અને સાંપ્રદાયિક ભિન્નતાને કારણે થનારો વિરોધ પણ આ સંગ્રહ કરવાની ક્રિયાથી દૂર કરી શકાય છે. આ સમાજશાસ્ત્રીય તત્ત્વ મહર્ષિ વ્યાસે જાણ્યું અને પોતાના મહાન કાર્યનું ઘડતર કર્યું.
મહર્ષિ વ્યાસે એકીકરણ (સંકલિત) કરેલી વિદ્યાનો ફેલાવો ફરી અલગ પ્રકારે કર્યો. મહર્ષિ વેદવ્યાસને એવું પણ જણાઈ આવ્યું કે, સામાન્ય લોકોમાં યજ્ઞધર્મની જાણકારી વિશે પ્રચાર નથી, સામાન્ય લોકોનો ધર્મ અલગ જ છે. સામાન્ય જનતાને માન્ય હોય એવા વિવિધ સ્થાનિક દેવી-દેવતાઓ છે; તીર્થસ્થાનો છે; પવિત્ર થયેલા પ્રદેશો છે; વીરકથાઓ અને રાક્ષસોના મર્દનની કથાઓ ઠેકઠેકાણે પ્રચલિત છે; શિવ, શ્રીવિષ્ણુ, દેવી એમ આ ત્રણ દેવતાઓની આરાધના ચારે બાજુએ થાય છે અને આ સર્વ બાબતોને સહાયતારૂપ થશે, એવું પ્રાચીન વાઙ્મય (સાહિત્ય) સૂતવર્ગ દ્વારા સારું એવું સંરક્ષિત કરી રાખવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં કેવળ હવિ (હોમવા યોગ્ય દ્રવ્ય-વસ્તુ) અર્પણ કરનારા લોકોના ધર્મકર્મના એકીકરણ થકી જનતાની એકતાનું ઘડતર કરવાનું કાર્ય પૂર્ણ થશે નહીં, પણ સામાન્ય લોકોની આરાધના તથા સંપ્રદાયો પણ એક કરવા જોઈએ અને તેમના સાહિત્યનું પણ એકીકરણ થવું જોઈએ. આ દૃષ્ટિકોણને કારણે મહર્ષિ વેદ વ્યાસે ચારે બાજુના સાહિત્યનું એકીકરણ કરવાનો આરંભ કર્યો. તેમણે જે કાર્યનો આરંભ કર્યો, તે કાર્ય અનેક અનુયાયીઓ દ્વારા આગળ જતા વૃદ્ધિંગત થયું અને તેને કારણે સર્વ પુરાણોના આદ્યકર્તા તરીકે તેમની ખ્યાતિ થઈ.
૫. મહર્ષિ વ્યાસનું મહત્ત્વ
૫ અ. શ્રી વ્યાસપૂજન
મહર્ષિ વ્યાસની મહાન ગ્રંથ રચનાને કારણે તેમને આદિગુરુ કહેવામાં આવે છે. (શૈવ સંપ્રદાય અનુસાર શિવજીને, તો દત્ત સંપ્રદાય અનુસાર દત્ત ભગવાનને આદિગુરુ કહેવામાં આવે છે.) અષાઢ માસની પૂનમને દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્યગણ ગુરુપૂર્ણિમા ઊજવે છે. આ પ્રસંગે મહર્ષિ વ્યાસના પુણ્ય સ્મરણ તરીકે ગુરુપૂજન અગાઉ વ્યાસપૂજન કરાય છે.
૫ આ. વ્યાસપીઠ
સભામાં બોલનારો વક્તા જેના પર ઊભો હોય છે, તેને વ્યાસપીઠ કહે છે. વ્યાસપીઠ પર બેસનારી વ્યક્તિએ કેટલીક પદ્ધતિઓનું પાલન કરવાનું હોય છે. સૌથી પ્રથમ વાત એ છે કે, વ્યાસપીઠ પરથી મહર્ષિ વ્યાસને અમાન્ય એવો એક પણ વિચાર વદવો નહીં; તેથી વ્યાસપીઠ પર બેસનારી વ્યક્તિએ સાહિત્યનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. વ્યાસપીઠ પરથી કોઈની કારણ વિના નિંદા અથવા સ્તુતિ કરવી નહીં. વ્યાસપીઠ પર બેસનારી વ્યક્તિ એ દેવી શ્રી સરસ્વતીનો સાચો ઉપાસક હોવો જોઈએ. તેની વાણી કેવળ સાહિત્યિક શબ્દોના વિલાસયુક્ત પ્રવાહ તરીકે નહીં, પણ ઈશ્વરભક્તિના સ્વરૂપમાં તેનું વહન થવું જોઈએ. તેની વાણી મહર્ષિ વ્યાસ પ્રમાણે સરળ, સ્પષ્ટ, ઊંડાઈ ધરાવતી અને સમાજની ઉન્નતિ સાધ્ય કરે તેવી હોવી જોઈએ.
સંદર્ભ : સનાતનનો ગ્રંથ ધર્મગ્રંથ
શ્રીકૃષ્ણ ભગવાને કરેલી પ્રશંસા
मुनीनामप्यहं व्यासः । – શ્રીમદ્ભગવદ્ગીતા, અધ્યાય ૧૦, શ્લોક ૩૭.
અર્થ : મુનિઓમાં હું વ્યાસ છું, એમ કહીને શ્રીકૃષ્ણ ભગવાને મહર્ષિ વ્યાસનું મહત્ત્વ જ દર્શાવ્યું છે.
મહર્ષિ વ્યાસની વાણીમાં શબ્દો સાગર જેવા અત્યંત ઊંડા, ગહન અને ગંભીર થયા.
તમામ ભાષાઓમાંના એ શબ્દો દ્વારા તેનું જે આવૃત્ત (ઢાંકેલું) સૌંદર્ય, માધુર્ય, સૌગંધ્ય હતું તે સંપૂર્ણ રીતે પ્રગટ કર્યું. તે શબ્દો મહર્ષિ વ્યાસ પાસે રહેલું સર્વોચ્ચ સૌંદર્ય પૂર્ણ રીતે અભિવ્યક્ત કરે છે. મહર્ષિ વ્યાસના વાણીમાંના તે શબ્દો સ્વર્ગીય ભૂમિમાં વાસ કરે છે.
– ગુરુદેવ ડૉ. કાટેસ્વામીજી (સાપ્તાહિક સનાતન ચિંતન, ૨૨.૫.૨૦૦૮)