ચિદંબરમ્ અર્થાત આકાશતત્ત્વ સાથે સંબંધિત શિવક્ષેત્ર !
આ તીર્થક્ષેત્ર આકાશતત્ત્વ સાથે સંબંધિત શિવક્ષેત્ર છે. આ મંદિર એટલે શિવનું એક ગૂઢ રહસ્ય જ છે. આને જ ચિદંબરમ્ રહસ્ય એમ કહે છે. આ ખાસ કરીને શિવના નિર્ગુણ તત્ત્વ સાથે સંબંધિત ક્ષેત્ર છે.
મંદિરનું સ્થાનમાહાત્મ્ય
અ. વ્યાઘ્રપાદ મહર્ષિ અને પતંજલિ મહર્ષિનું તપોસ્થાન
અહીં પહેલાં જંગલ જ હતું. આ જ જંગલમાં વ્યાઘ્રપાદ મહર્ષિ અને પતંજલિ મહર્ષિ તપ કરતા હતા. એકવાર બન્નેએ શિવને પ્રાર્થના કરીને કહ્યું, હે ભગવાન, અમને આપનું તાંડવનૃત્ય જોવાની ઇચ્છા છે.
આ. પ્રત્યક્ષ કૈલાસથી ભૂતલ પર ઉતરીને શિવ-પાર્વતીએ આ બન્ને મહર્ષિઓ માટે તાંડવનૃત્યના દર્શન કરાવવા
ત્યારે કૈલાસમાંથી શિવ-પાર્વતી પ્રત્યક્ષ ભૂતલ પર ઉતર્યા અને તેમણે આ બન્ને મહર્ષિઓને આ જ ઠેકાણે એકત્ર આવીને આનંદતાંડવ બતાવ્યું. આ જ ઠેકાણે તેમણે રુદ્રતાંડવના પણ બન્નેને દર્શન કરાવ્યા.
ઇ. શિવે પોતાના સગુણ ચિહ્ન તરીકે પ્રત્યક્ષ નટરાજ મૂર્તિના રૂપમાં પ્રગટ થવું અને આ નટરાજ મૂર્તિ ચિદંબરમ્ ક્ષેત્રમાં હોવી
તાંડવનૃત્ય જોઈને દેહભાન ગુમાવી બેઠેલા મહર્ષિઓએ શિવને પ્રાર્થના કરી, હે ભગવાન, આપના આ નૃત્યના અસ્તિત્વના ચિહ્ન તરીકે અમને કાંઈક સગુણ રૂપમાં પ્રદાન કરો ! તે સમયે સ્વયં શિવજી તેમના નટરાજ રૂપમાં મૂર્તિમાંથી અહીં પ્રગટ થયા. આ જ સ્વયંભૂ મૂર્તિના આપણને અહીં દર્શન થાય છે.
ઈ. ચિદંબરમ્ મંદિરમાં શિવે પ્રત્યક્ષ આપેલા ચંદ્રમૌલેશ્વર સ્ફટિક લિંગની પૂજા થવી
આ જ ઠેકાણે પ્રત્યક્ષ શિવે પોતાના ચંદ્રમૌલેશ્વર સ્ફટિક લિંગ પણ અભિષેક માટે વ્યાઘ્રપાદ ઋષિને આપ્યું. શિવજીના માથા પર રહેલા ચંદ્રમાથી ઉત્પન્ન થયેલું આ સ્ફટિક લિંગ હોવાથી આને ચંદ્રમૌલેશ્વર એવું નામ છે.
ઉ. બ્રહ્મલોકમાંથી આવેલી માણેક રત્નની શિવમૂર્તિ પણ ચિદંબરમ્ ક્ષેત્રમાં હોવી
આ જ સમયે બ્રહ્મલોકમાંથી પણ બ્રહ્મદેવે માણેકની શિવમૂર્તિ પણ મહર્ષિને આપી. આને જ રત્નાધિરાજ કહે છે. આ શિવમૂર્તિ પણ અહીં નટરાજ મૂર્તિનાં ચરણો પાસે એક બંધ પેટીમાં મૂકેલી જોવા મળે છે.
ઊ. મંદિરમાંના ચિદંબરમ્ રહસ્ય અર્થાત્ શિવયંત્ર અને શ્રી યંત્રનું મિલન થઈને તૈયાર થયેલું સંમેલન યંત્ર અને આ ક્ષેત્રમાં કેવળ એક પોલાણ છે, એવું પુરાણકાળથી કહેવામાં આવવું
જ્યાં પ્રત્યક્ષ શિવ અને પાર્વતીનું આનંદતાંડવ થયું, તે જગ્યાનું ગૂઢ રહસ્ય હજી કોઈનાથી પણ ઉકેલાયું નથી. અહીં શિવયંત્ર અને શ્રી યંત્રનું મિલન થઈને તૈયાર થયેલું સંમેલન યંત્ર પણ પુરાણકાળથી છે. આ ઠેકાણે કેવળ એક પોલાણ છે, એવું કહેવાય છે. આ ચિદંબરમ્ રહસ્યનું દર્શન તમને મંદિરમાં લગાડેલી પિત્તળની જાળીમાંથી થાય છે. તે સમયે તમને ત્યાં ચડાવેલાં સોનાનાં બીલીપત્રો દેખાય છે; પરંતુ અંદર શું છે, તે સમજાતું નથી. સહુકોઈના મતમાં આ જ નિર્ગુણ ઈશ્વર છે.
એ. રુદ્રતાંડવમાં શિવજી સાથે નૃત્ય કરતી વેળાએ પાર્વતીએ મહાકાળીનું રૂપ ધારણ કરવું, નૃત્ય કરતી વેળાએ શિવજી જેવી એક મુદ્રા કરતા ન આવડવાથી હારી જવાથી ત્યાંથી મહાકાળીએ બહાર જતા રહેવું અને આજે પણ મહાકાળીનું સ્થાન ચિદંબરમ્ ક્ષેત્રની બહાર જ હોવું
જે ઠેકાણે શિવજી અને પાર્વતીએ રુદ્રતાંડવ કર્યું, ત્યાં તે સમયે શિવ અને પાર્વતી વચ્ચે નૃત્યના સંબંધમાં સ્પર્ધા થઈ. તે સ્પર્ધામાંની ચડસાચડસી એટલી તો જામી કે, દેવીએ સાક્ષાત મહાકાળી રૂપ ધારણ કરીને રુદ્ર નર્તન કરવાનો પ્રારંભ કર્યો. આ સમયે નૃત્ય કરતી વેળાએ શિવજીના કાનની રીંગ નીચે પડવાથી નૃત્ય કરતાં કરતાં જ શિવજીએ એક પગેથી તે રીંગ ઉપાડીને તે પગ ઉપર કરીને તેટલો જ તાણીને રીંગ કાનમાં પહેરી લીધી. ભર સભામાં શિવજીએ એક પગ ઊર્ધ્વ દિશામાં લઈ જવાથી આવી મુદ્રા પાર્વતી માટે કરવાની અસંભવ થઈ અને અહીં તેઓ હારી ગયાં અને તેમજ કાળીના રૂપમાં તેઓ ત્યાંથી જતાં રહ્યાં; તેથીજ અહીં પણ કાળીમાતાનું મંદિર ગામની બહાર જ છે. તેથી આ ક્ષેત્ર શિવ-પાર્વતીના નૃત્ય સાથે સંબંધિત માનવામાં આવ્યું છે. શિવ-પાર્વતીનું નૃત્ય એટલે સંપૂર્ણ બ્રહ્માંડને પ્રાપ્ત થનારી ગતિ હોવાથી આને વિશેષ મહત્ત્વ છે.
ઐ. દેવાલયનું શિખર, તેની કરેલી રચના એ પ્રત્યક્ષ માનવીના દેહ સાથે સંબંધિત હોવી અને તેનું વિવરણ
આ દેવાલયનું શિખર સોનાનું છે. આ શિખર પર આપણા દેહમાંના નવદ્વારનાં પ્રતીક તરીકે નવ કળશની સ્થાપના કરી છે. આપણા શરીરમાં ૭૨ સહસ્ર નાડીઓ હોવાથી તેટલા ખીલા પણ આમાં બેસાડ્યા છે. આ સિવાય આપણો શ્વાસોચ્છવાસ દિવસમાં ૨૨ સહસ્ર વાર થતો હોવાથી તેટલી સોનાની પટ્ટીઓ પણ આ શિખરમાં ગૂંથેલી જોવા મળે છે. તેથી આ મંદિર એટલે આપણા સંપૂર્ણ દેહનું જ પ્રતીક છે, એવું ધ્યાનમાં આવે છે.
ઓ. ચિદંબરમ્ ક્ષેત્ર એટલે શિવનું પ્રત્યક્ષ હૃદયસ્થાન !
આ મંદિર એટલે શિવનું પ્રત્યક્ષ હૃદયસ્થાન છે, એવું માનવામાં આવે છે. તિરુવણ્ણામલઈ એ અગ્નિક્ષેત્ર, અર્થાત શિવનું નેત્રસ્થાન છે, જ્યારે તિરુવાનૈકોઈલ ખાતે રહેલું જંબુકેશ્વર મંદિર એટલે શિવનું કપાળ છે, એમ કહેવાય છે.
ઔ. વ્યાઘ્રપાદ, પતંજલિ અને જૈમિની ઋષિઓ પ્રત્યે કૃતજ્ઞતા !
અહીં જ વ્યાઘ્રપાદ, પતંજલિ અને જૈમિની ઋષિઓના તપોસ્થાનના પણ આપણને દર્શન થાય છે. જેમને કારણે સાક્ષાત્ શિવ-પાર્વતીના આ તાંડવમાંની સાત્ત્વિકતા નટરાજ મૂર્તિના રૂપમાં ચિદંબરમ્ ક્ષેત્રમાં જતન કરી શકાઈ, તે મહર્ષિઓનાં ચરણોમાં કૃતજ્ઞતા.
જય શિવ શંભો ! જય શિવ શંભો !