ચોમાસામાં શરદી, ઉધરસ, તાવમાં ઉપયુક્ત ઘરગથ્‍થુ ઔષધિઓ

Article also available in :

ઔષધિઓ પોતાના મન પ્રમાણે લેવાને બદલે વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ; પણ ઘણીવાર વૈદ્ય પાસે તરત જ જઈ શકાય, તેવી પરિસ્‍થિતિ હોતી નથી. કેટલીક વાર થોડી ઘણી ઔષધી લેવાથી વૈદ્ય પાસે જવાનો વારો જ આવતો નથી. તેથી ‘પ્રાથમિક ઉપચાર’ તરીકે અહીં કેટલીક આયુર્વેદિક ઔષધિઓ આપી છે. જો ઔષધિઓ લઈને પણ સારું ન લાગે તો રોગ સહન કર્યા કરવાને બદલે સ્‍થાનિક વૈદ્યને મળવું.

આરોગ્‍યમ્ ધનસંપદા

 

૧. કારણોને અનુરૂપ ઉપચાર

ચોમાસામાં નિરંતરના વરસાદને કારણે વાતાવરણમાં ફેલાયેલી ઠંડી સામે બને તે રીતે રક્ષણ કરવાથી આ દિવસોમાં થનારી શરદી, ઉધરસ અને તાવ વહેલા સાજા થવામાં સહાયતા થાય છે.

૧ અ. તાવ આવે તો સ્‍વેટર જેવા હૂંફાળા કપડાં પહેરવાં. કાનટોપી પહેરવી. આને કારણે પરસેવો વળે છે અને તાવ ઉતરે છે. ‘ત્રિભુવનકીર્તિ રસ’ ૧ ગોળી ભૂકો કરીને થોડા મધમાં ભેળવીને ચાટવી. તાવ જો વધારે હોય તો પ્રત્‍યેક ૨ કલાક પછી ૧ ગોળી લેવી. દિવસમાં ૫ – ૬ ગોળીઓ લઈએ, તો પણ ચાલે. એક દિવસમાં તાવની તીવ્રતા ઓછી ન થાય, તો તાવ શરીર પર કાઢવાને બદલે વૈદ્યને મળવું.

૧ આ. પીવાનું પાણી ઉકાળીને નવશેકું કરીને પીવું. આ દિવસોમાં નિરોગી વ્‍યક્તિએ પણ ગરમ અથવા નવશેકું પાણી પીવાથી અન્‍નપચન સારું થઈને આરોગ્‍ય સારું રહે છે.

૧ ઇ. ગળું લાલ થવું, ગળું વળવળવું અથવા દુઃખવું – આમાં નવશેકા પાણીમાં થોડું ત્રિફળા ચૂર્ણ અથવા હળદર અને મીઠું નાખીને કોગળા કરવા. ‘ચંદ્રામૃત રસ’ ૧ – ૨ ગોળીઓ ચગળવી. તરત જ સારું લાગવા માંડે છે. ઉધરસ હોય તો પણ ચંદ્રામૃત રસનો ઉપયોગ થાય છે. સમગ્ર દિવસમાં ૫ – ૬ ગોળીઓ લઈએ, તો પણ ચાલે.

૧ ઈ. માથું ભારે થવું, શરદીને કારણે નાક બંધ થવું, જડબાના મૂળ પાસે દબાવવાથી દુઃખવું આ લક્ષણો હોય તો બહારથી ગરમ કપડાથી શેક આપવો. ગરમ પાણી પીધા પછી પ્‍યાલો ગરમ થાય છે. તેનાથી શેક કરવો. બહારથી શેકવું આ વરાળ લેવા કરતાં વધારે લાભદાયક છે. દિવસમાં ૪ – ૫ વાર શેક લેવો.

૧ ઉ. રાત્રે પંખો લગાડીને સૂવાથી ઠંડી હવા નાક અને મોંમાં જાય છે. ગળું અંદરથી કોરું પડી જાય છે અને ઠંડીને કારણે ગળાની રક્તવાહિનીઓમાં લોહી જમા થવા લાગે છે. તેને કારણે ગળું લાલ થાય છે. આ ટાળવા માટે ફરતા ટેબલ ફૅનનો (પંખાનો) ઉપયોગ કરવો અથવા પંખો લગાડ્યા વિના સૂઈ જવું. આજકાલ ‘ટાયમર’ના પંખા પણ મળે છે. તેમાં આપણે સૂઈ ગયા પછી ચોક્કસ સમય પછી પંખો બંધ થવાની સગવડ હોય છે. તેનો ઉપયોગ કરવો. સૂઈ ગયા પછી ઠંડી હવા નાક અને મોંમાં ન જાય, એ માટે કાનટોપી પહેરીને સરખું ઓઢીને સૂવું.

કોઈપણ ઉપચાર પદ્ધતિ અનુસાર ઔષધિઓ લઈએ, તો પણ ઉપરોક્ત કારણોને અનુરૂપ ઉપચાર કરવાથી વહેલાં સાજા થવામાં સહાયતા થાય છે.

 

૨. કફયુક્ત ઉધરસ

અ. ઉધરસમાં કફ પડતો હોય, તો અરડૂસીનો રસ મધમાં લેવો. અરડૂસીના ૨ થી ૪ પાન ધોઈને તવા પર સહેજ ગરમ કરવા. પછી તે ખાંડણી-દસ્‍તાથી કૂટીને અથવા મિક્સરમાં વાટીને આવશ્‍યક હોય, તો થોડું પાણી નાખીને તેનો રસ કાઢવો. અરડૂસીના પાન ગરમ કર્યા વિના કુટવાથી તેમાંથી રસ આવતો નથી. એક સમયે પા વાટકી રસ ૧ ચમચી મધ નાખીને પીવો. અરડૂસીને કારણે કફ સહેજે છૂટો થવામાં સહાયતા થાય છે. અરડૂસીનો મુખ્‍ય ગુણ લોહીમાં વધેલું પિત્ત ન્‍યૂન કરવા માટે થાય છે. તેથી નાક, ગુદા અથવા યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ થવો, શરીરમાં ઉષ્‍ણતા લાગવી, ફોલ્‍લીઓ થવી  આ લક્ષણો માટે પણ અરડૂસી ઉપયુક્ત છે.

આ. ૧ ચમચી ‘સિતોપલાદી ચૂર્ણ’ અને ૧ ચમચી મધ આ રીતે મિશ્રણ કરી રાખવું. દિવસમાં વચ્‍ચે વચ્‍ચે આ મિશ્રણ વારંવાર ચાટવું. સિતોપલાદી ચૂર્ણ સમગ્ર દિવસમાં ૩ ચમચી સુધી વાપરીએ તો ચાલે. આ ચૂર્ણને કારણે શ્‍વસનમાર્ગમાંનો વિકૃત કફ બહાર પડવામાં સહાયતા થાય છે, તેમજ આવશ્‍યક એવો સારો કફ બનવા લાગે છે. તેને કારણે શ્‍વસનમાર્ગની શક્તિ વધે છે.

વૈદ્ય મેઘરાજ પરાડકર

 

૩. સૂકી ઉધરસ

કેટલીકવાર ઉધરસમાંથી કફ પડવાને બદલે કેવળ સૂકો ઠાંસો લાગે છે. આગળ આપેલા સહેલા ઉપાયથી સૂકી ઉધરસ તરત જ રોકાય છે. ૧ વાટકી ભરીને ખાવાના તેલમાં થોડી રાઈ, જીરૂં, લવિંગ, મરી જેવા ઉપલબ્‍ધ મસાલાના પદાર્થો નાખીને તેલ ગરમ કરી લેવું. એમ કરવાથી મસાલાનો અંશ તેલમાં ઉતરશે અને તેલની કચાશ નીકળી જશે. ત્‍યાર પછી આ તેલ ગાળીને ઠંડુ થયા પછી બાટલીમાં ભરી રાખવું. સૂકી ઉધરસ આવે ત્‍યારે, અડધી વાટકી ગરમ પાણી લઈને તેમાં તેમાંની ૨ ચમચી તેલ નાખીને તે નવશેકું હોય ત્‍યારે જ પીવું. ઉપરથી થોડું ગરમ પાણી પીવું. આ ઉપાય કર્યા પછી ગળામાં અંદરથી શેક મળીને તુરંત આરામ મળે છે અને શ્‍વસનમાર્ગમાંના વાત (વાયુ)નું શમન થઈને કોરો ઠાંસો રોકાય છે.

 

૪. ગળામાં કફ આવવો

જમ્‍યા પછી નાગરવેલનું પાન (બીડું) ખાવું.

 

૫. શરદી, ઉધરસ અને તાવ આવે નહીં; તે માટે અથવા થાય તો વહેલા સાજા થવા માટે

તુલસી, લીલી ચા, ગળો અને પુનર્નવાનો ઉકાળો પીવો. તેમાંના બધા જ ઘટકો ન મળે, તો જે મળે તે ઘટકો નાખીને ઉકાળો બનાવવો. ૨ થી ૪ તુલસીનાં પાન, એકાદ લીલી ચાનું પાન, વેંત લંબાઈનું ગળાનું થડ (ખાંડીને), વેંત લંબાઈનું પુનર્નવાનું થડ (પાન સહિત) ૨ પવાલા પાણીમાં ઉકાળીને ૧ પવાલું ઉકાળો કરવો. અડધો પ્‍યાલો ઉકાળો સવારે અને અડધો પ્‍યાલો ઉકાળો સાંજે ગરમ ગરમ પીવો. ઉકાળામાં આવશ્‍યકતા અનુસાર ખાંડ કે ગોળ નાખીએ, તો પણ ચાલે.

 

૬. બદ્ધકોષ્‍ઠતા (કબજિયાત)

અ. તાવ હોય અને બદ્ધકોષ્‍ઠતા હોય, તો જમવા પહેલાં અડધી ચમચી મેથીના દાણા મોઢામાં મૂકીને નવશેકા પાણી સાથે ગળી જવા. કેટલાક લોકોને મેથીદાણા ખાવાથી ગુદાદ્વાર પાસે બળતરા અથવા વેદના થવી એવા ત્રાસ થાય છે. આવા લોકોએ મેથીદાણાને બદલે  તકમરિયાં (સબ્‍જાના બી) અથવા અશેળિયા ગળવા.

આ. ‘ગંધર્વ હરીતકી વટી’ની ૨ ગોળીઓ નવશેકા પાણી સાથે બન્‍ને ભોજન પહેલાં લેવી.

 

૭. કોરોના હોવાનું પરીક્ષણમાં નિદાન થવું

‘સુવર્ણમાલિની વસંત’ અથવા ‘મહાલક્ષ્મીવિલાસ રસ’ આમાંથી કોઈપણ એક ગોળી ઝીણી ભૂકી કરીને સવારે નયણાકોઠે ૨ થી ૪ ટીપાં મધમાં ભેળવીને ચાટણ કરીને ખાવું. સામાન્‍ય રીતે ૭ થી ૧૫ દિવસ આ ઔષધ લેવાથી રોગ વહેલા સાજો થવામાં સહાયતા થાય છે. આ બન્‍ને ઔષધિઓ સુવર્ણયુક્ત (સોનાનું ભસ્‍મ ધરાવતી) છે. તેને કારણે તેમનું મૂલ્‍ય વધારે હોય છે. આયુર્વેદ અનુસાર સુવર્ણ એ ઉત્તમ વિષહર (ઝેરનું હરણ કરનારું) ઔષધી છે અને ઉત્‍કૃષ્‍ટ રસાયણ છે. વિવિધ જીવાણુ અથવા વિષાણુનો ચેપ લાગ્‍યા પછી તેનું ઝેર શરીરમાં ફેલાય છે. સુવર્ણયુક્ત ઔષધીના સેવનથી આ ઝેરનો પ્રતિકાર કરવાની શક્તિ આવે છે. ‘રસાયણ’ એટલે ઉત્તમ શરીરઘટક નિર્માણ કરવા માટે સહાયતા કરનારું ઔષધ.

 

૮. બીમારીમાંથી સાજા થયા પછી આવેલો થાક

સવાર-સાંજ ગળાનો ઉકાળો ઘી નાખીને લેવો. વેંત જેટલો ગળો વાટીને ૨ પવાલા પાણીમાં ઉકાળીને તેનો ૧ પવાલો ઉકાળો કરવો. અડધો ગ્‍લાસ સવારે અને અડધો ગ્‍લાસ સાંજે પીવો. ઉકાળો બને ત્‍યાં સુધી ગરમ અથવા નવશેકો લેવો. પ્રત્‍યેક સમયે ઉકાળામાં ૧ ચમચી ઘી નાખવું. (આ લેખમાં આપેલી ઔષધી વનસ્‍પતિઓ ઘેર-ઘેર રોપવા માટે કહેલી ૨૭ ઔષધી વનસ્‍પતિઓમાંની છે. આ વનસ્‍પતિઓ જો ઓળખી ન શકાય તો જાણકાર વ્‍યક્તિ દ્વારા ખાતરી કરી લઈને પછી જ ઉપયોગ કરવો. ગેરસમજથી ભૂલભરેલી વનસ્‍પતિ વાપરવાથી હાનિ થઈ શકે છે.)

અહીં ‘પ્રાથમિક ઉપચાર’ તરીકે કેટલીક ઘરગથ્‍થુ આયુર્વેદિક ઔષધિઓ આપી છે. એકાદ લક્ષણ માટે બન્‍નેમાંથી કોઈપણ એક પ્રકારનું ઔષધ લઈએ તો ચાલે. બન્‍ને પ્રકારની ઔષધી લેવાની આવશ્‍યકતા નથી. ઔષધિઓ લઈને પણ જો ફેર ન પડે તો રોગ સહન કરવાને બદલે સ્‍થાનિક વૈદ્યને મળવું.

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૪.૭.૨૦૨૨)

Leave a Comment