વ્‍યક્તિગત અને સામાજિક સ્‍તર પર જ્‍યોતિષશાસ્‍ત્રનો ઉપયોગ

Article also available in :

અનુક્રમણિકા

‘જ્‍યોતિષશાસ્‍ત્ર એ કાળજ્ઞાનનું (કાળ અનુસાર બનતી ઘટનાઓનું) શાસ્‍ત્ર છે. ‘કાળગણના’ અને ‘કાળવર્ણન’ એ તેના બે અંગો છે. કાળગણતરી અંતર્ગત કાળ ગણવા માટે આવશ્‍યક ઘટકો અને ગણિતની માહિતી હોય છે. કાળવર્ણન અંતર્ગત કાળનું સ્‍વરૂપ જાણવા માટે આવશ્‍યક એવા ઘટકોની માહિતી હોય છે. કાળવર્ણનના દૃષ્‍ટિકોણમાંથી જ્‍યોતિષશાસ્‍ત્રની વ્‍યક્તિગત અને સામાજિક સ્‍તર પરની ઉપયુક્તતા આ લેખ દ્વારા સમજી લઈએ.

શ્રી. રાજ કર્વે

 

૧. વ્‍યક્તિગત સ્‍તર

૧ અ. વ્‍યક્તિને જન્‍મથી જ પ્રાપ્‍ત થયેલી અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્‍થિતિની જાણ થવી

પ્રત્યેક વ્‍યક્તિ તેનું પ્રારબ્‍ધ સાથે લઈને જન્‍મે છે. વિશ્‍વની દરેક વ્‍યક્તિ અન્‍ય વ્‍યક્તિઓ કરતા અલગ છે, તે તેના પ્રારબ્‍ધને કારણે જ. કેટલીક વ્‍યક્તિઓનું જીવન બાળપણથી સુખમાં વીતે છે; તેમને સર્વ સાધન-સગવડોનો લાભ થાય છે, જ્‍યારે કેટલાકનું જીવન કષ્‍ટમય અને દુઃખી હોય છે. સુખી વ્‍યક્તિ પાસે સઘળાં સુખ હોય છે, એવું પણ નથી. કેટલાક લોકોને વિવાહ સુખ લાભપ્રદ રહે છે; પરંતુ સંતાનસુખ નથી હોતું. કેટલાકને સંતાન સુખ મળે છે; પણ તેમની આર્થિક પરિસ્‍થિતિ સાધારણ હોય છે. કેટલાકની આર્થિક પરિસ્‍થિતિ સારી હોય છે; પણ આરોગ્‍ય સારું રહેતું નથી, ઇત્‍યાદિ. જન્‍માક્ષર દ્વારા ‘વ્‍યક્તિના જીવનમાં કઈ બાબતો અનુકૂળ અને કઈ બાબતો પ્રતિકૂળ રહેશે’ એ જ્ઞાત થાય છે. તેથી જીવનમાં જે બાબતોની અનુકૂળતા નથી, તે માટે રંજ કરવાને બદલે જે બાબતોની અનુકૂળતા છે, તે ભણી ધ્‍યાન આપીને તેનો સારો ઉપયોગ કરી લેવાની હકારાત્‍મક દૃષ્‍ટિ જ્‍યોતિષશાસ્‍ત્રને કારણે મળે છે.

૧ આ. વ્‍યક્તિની પ્રકૃતિને અનુકૂળ એવા કાર્યક્ષેત્રના સંદર્ભમાં યોગ્‍ય માર્ગદર્શન કરી શકવું દરેક વ્‍યક્તિની પ્રકૃતિ અલગ છે. સ્‍થૂળ સ્‍વરૂપે વ્‍યક્તિત્‍વના ૩ પ્રકાર છે.

૧ આ ૧. ચર સ્‍વભાવ

કેટલીક વ્‍યક્તિઓ જન્‍મથી જ ગતિશીલ, કાર્યતત્‍પર, મહત્ત્વાકાંક્ષી  સાહસિક, આગેવાની લેનારી અને શારીરિક બળ ધરાવનારી હોય છે. આને જ્‍યોતિષશાસ્‍ત્રમાં ‘ચર સ્‍વભાવ’ કહે છે.

૧ આ ૨. સ્‍થિર સ્‍વભાવ

કેટલીક વ્‍યક્તિઓ એક સ્‍થાન પર સ્‍થિર રહેનારી, ઉચ્‍ચપદ પ્રાપ્‍ત કરવા માટે સંઘર્ષ કરનારી, અધિકારવૃત્તિ ધરાવનારી, વ્‍યવહારબુદ્ધિ પ્રાપ્‍ત કરેલી અને સુખી હોય છે. આને ‘સ્‍થિર સ્‍વભાવ’ કહે છે.

૧ આ ૩. દ્વિસ્‍વભાવ

કેટલીક વ્‍યક્તિઓ ક્યારેક ગતિશીલ તો ક્યારેક સ્‍થિર, તર્ક શક્તિ ધરાવતી, વિષયના ઊંડાણમાં ઉતરનારી, જ્ઞાન સંપાદન કરવા માટે સંઘર્ષ કરનારી, બૌદ્ધિક શક્તિ ધરાવનારી અને વિરક્ત હોય છે. આને ‘દ્વિસ્‍વભાવ’ કહે છે.

વ્‍યક્તિના જન્‍માક્ષર પરથી તેની પ્રકૃતિની કલ્‍પના સારી રીતે થઈ શકે. વ્‍યક્તિના પ્રકૃતિનો તેના શિક્ષણક્ષેત્ર સાથે અને કાર્યક્ષેત્ર સાથે સંબંધ હોય છે. ચર સ્‍વભાવની વ્‍યક્તિઓ વૈદ્યક, ઇજનેરી ક્ષેત્ર, સુરક્ષાતંત્ર, ઉત્‍પાદન, રાજકારણ, પ્રસારમાધ્‍યમો, રમત-ગમત ઇત્‍યાદિ ક્ષેત્રોમાં અગ્રેસર હોય છે. સ્‍થિર સ્‍વભાવની વ્‍યક્તિઓ પ્રશાસન, વ્‍યવસ્‍થાતંત્ર, વેપાર, અર્થ, લેખાપાલ, વાણિજ્‍ય, કલા, ઇત્‍યાદિ ક્ષેત્રોમાં આગળ પડતી હોય છે. દ્વિસ્‍વભાવની વ્‍યક્તિઓ સંશોધન, તત્ત્વજ્ઞાન, વિદ્યા, શિક્ષણસંસ્‍થા, ન્‍યાયપ્રણાલી, પરામર્શ, સમન્‍વય જેવા ક્ષેત્રોમાં કુશળ હોય છે. જન્‍માક્ષર દ્વારા વ્‍યક્તિને તેની પ્રકૃતિને અનુકૂળ હોય એવું શિક્ષણ અને કાર્યક્ષેત્રના સંદર્ભમાં માર્ગદર્શન કરી શકાય છે.

૧ ઇ. વ્યક્તિના જીવનમાંનો અનુકૂળ અને પ્રતિકૂળ કાળ સમજાવો

સમય પરિવર્તનશીલ છે; તેથી પરિસ્‍થિતિ પણ પરિવર્તનશીલ છે. કોઈપણ સારી અથવા ખરાબ પરિસ્‍થિતિ સ્‍થાયી રહેતી નથી. તેવી જ રીતે જન્‍માક્ષરમાં લખાયેલા શુભ અથવા અશુભ ગ્રહયોગોનું ફળ સમગ્ર જીવન દરમિયાન એક સરખું મળતું નથી. તે ફળ વિશિષ્‍ટ સમયગાળામાં ઉત્તમપણે મળે છે. જ્‍યોતિષશાસ્‍ત્રમાં કાળનિર્ણયની વિવિધ પદ્ધતિઓ છે. આ પદ્ધતિઓ દ્વારા આપણા જીવનનો વિશિષ્‍ટ સમયગાળો કઈ બાબતો માટે અનુકૂળ અથવા પ્રતિકૂળ રહેશે, એની જાણ થાય છે.

૧ ઈ. જન્‍માક્ષર દ્વારા વ્‍યક્તિની સમસ્‍યા પાછળનું આધ્‍યાત્‍મિક કારણ જ્ઞાત થવું

જીવનમાંની કોઈપણ સમસ્‍યા પાછળ શારીરિક, માનસિક અથવા આધ્‍યાત્‍મિક કારણો હોય છે. સમસ્‍યાઓ પાછળનાં શારીરિક અને માનસિક કારણો બુદ્ધિને સમજાય છે અને તેના પર કરવાના ઉપાય વ્‍યવહારમાં ઉપલબ્‍ધ હોય છે. સમસ્‍યાઓ પાછળનાં આધ્‍યાત્‍મિક કારણોનું માત્ર બુદ્ધિને આકલન થતું નથી, ઉદા. અસંતુષ્‍ટ પૂર્વજોનો ત્રાસ, સૂક્ષ્મમાં વિચરતી અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ, પ્રારબ્‍ધ ઇત્‍યાદિથી નિર્માણ થયેલી વિવિધ સમસ્‍યાઓ. એવી સમસ્‍યાઓ પર શારીરિક અને માનસિક સ્‍તર પર ઉપાય કરવામાં મર્યાદા આવે છે. એવી સમસ્‍યાઓ પર દેવતાઓના નામજપ કરવા, ધાર્મિક વિધિઓ કરવી, તીર્થક્ષેત્રે જવું, સંતસેવા કરવી, પ્રાયશ્‍ચિત્ત લેવું ઇત્‍યાદી આધ્‍યાત્‍મિક સ્‍તર પરના ઉપાય લાગુ પડે છે. જન્‍માક્ષર દ્વારા વ્‍યક્તિની સમસ્‍યા પાછળનું આધ્‍યાત્‍મિક કારણ ધ્‍યાનમાં આવે છે અને તે અનુસાર આધ્‍યાત્‍મિક ઉપાયો કરવા વિશે માર્ગદર્શન કરી શકાય છે.

૧ ઉ. સમસ્‍યાઓના નિવારણ માટે નવગ્રહોની ઉપાસના કરવા કહેવું

‘દૈવી ઉપાસના’ એ હિંદુ ધર્મની વિશિષ્‍ટતા છે. ઉપાસનાના માધ્‍યમ દ્વારા વ્‍યક્તિને આવશ્‍યક એવી સૂક્ષ્મ-ઊર્જા પ્રાપ્‍ત થાય છે. જ્‍યોતિષશાસ્‍ત્રમાં ગ્રહદેવતાઓની ઉપાસના કરવાને મહત્ત્વ છે. જે ગ્રહ સાથેની સંબંધિત સૂક્ષ્મ-ઊર્જા વ્‍યક્તિમાં અલ્‍પ છે, તે ગ્રહ સાથેની સંબંધિત ઉપાસના કરવા માટે કહેવામાં આવે છે. ગ્રહ સાથે સંબંધિત હોય એવું રત્ન ધારણ કરવું, મંત્રજપ કરવો, યજ્ઞ કરવો, નામજપ કરવો ઇત્‍યાદી ગ્રહ-ઉપાસના કરવાના પ્રકાર છે. જીવનની મોટાભાગની સમસ્‍યાઓની પાછળ આધ્‍યાત્‍મિક કારણો હોય છે; તેથી વ્‍યવહારિક પ્રયત્નોની સાથે દૈવી ઉપાસના કરવી આવશ્‍યક બને છે.

 

૨. સામાજિક સ્‍તર

૨ અ. શુભ-અશુભ દિવસો વિશેનું જ્ઞાન થવું

‘કાળનો પ્રભાવ ઓળખવો’ એ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે જ્‍યોતિષશાસ્‍ત્રનું નિર્માણ થયું. જ્‍યોતિષશાસ્‍ત્રને કારણે શુભ-અશુભ દિવસોનું જ્ઞાન થાય છે. ભારતમાં વૈદિક કાળથી મહત્ત્વનાં કાર્યો અને ધાર્મિક સંસ્‍કારો શુભ મુહૂર્ત પર કરવાની પરંપરા છે. કાળ અનુસાર કરવામાં આવેલા કાર્યમાં સફળતા મળે છે’, એ તેની પાછળ રહેલો દૃષ્‍ટિકોણ છે.

૨ આ. કાળના સ્‍વરૂપનું જ્ઞાન થવું

સૃષ્‍ટિની સર્વ ક્રિયાઓ કાળના આશ્રય થકી સર્જાય છે. કાળ સ્‍વયં કાર્ય કરતો નથી; પરંતુ તે સૃષ્‍ટિનો આશ્રય હોવાથી તેને સત્ત્વ, રજ અને તમ એવા ગુણોની પદવી લગાડવામાં આવે છે. કાળ સાત્ત્વિક હોય ત્‍યારે ઉત્‍પત્તિ, નવનિર્માણ, રચનાત્‍મક કાર્ય, જ્ઞાનવૃદ્ધિ અને ધર્મસંસ્‍થાપના થઈને સમાજનો લૌકિક અને આધ્‍યાત્‍મિક ઉત્‍કર્ષ થાય છે. કાળ તામસિક હોય ત્‍યારે વિનાશ, અજ્ઞાન, ષડ્‌રિપુ, ભોગવાદ અને આસુરીવૃત્તિ શક્તિશાળી થાય છે. ભારતીય જ્‍યોતિષશાસ્‍ત્રની યુગપદ્ધતિ પરથી કાળના સ્‍વરૂપનું જ્ઞાન સારી રીતે થાય છે.

૨ ઇ. સમાજનું પ્રારબ્‍ધ જ્ઞાત થવું

એક શરીરમાં એક આત્‍મા રહે છે, જ્‍યારે એક રાષ્‍ટ્રમાં અનેક વ્‍યક્તિઓ એટલે કે અનેક આત્‍માઓ રહેતા હોય છે. એક વ્‍યક્તિએ કરેલા સારા-ખરાબ કર્મોનાં ફળો તે વ્‍યક્તિને ભોગવવા પડે છે; આને આપણે ‘વ્‍યષ્‍ટિ પ્રારબ્‍ધ’ કહીએ છીએ. તે પ્રમાણે એક રાષ્‍ટ્રના લોકોના એકત્રિત કર્મોનાં ફળો તે રાષ્‍ટ્રને ભોગવવા પડે છે. એને ‘સમષ્‍ટિ પ્રારબ્‍ધ’ કહે છે. વ્‍યક્તિની જેમ રાષ્‍ટ્રના પણ જન્‍માક્ષર હોય છે. જ્‍યોતિષશાસ્‍ત્રના ‘મેદિનીય’ નામક  શાખામાં ગ્રહોની સ્‍થિતિનો રાષ્‍ટ્ર પર પડનારા પ્રભાવનો અભ્‍યાસ કરવામાં આવે છે. ગુરુ, શનિ, હર્ષલ ઇત્‍યાદિ મોટા ગ્રહોમાં મહત્ત્વના યોગ નિર્માણ થયા પછી મોટા સંક્રમણો જોવા મળે છે. મેદિનીય જ્‍યોતિષશાસ્‍ત્ર દ્વારા રાષ્‍ટ્ર અને વિશ્‍વના સંદર્ભમાં આગામી કાળનું સ્‍વરૂપ કેવું હશે એનો કયાસ મેળવી શકાય છે.’

– શ્રી.રાજ કર્વે, જ્‍યોતિષ વિશારદ, ગોવા.(૧૩.૨.૨૦૨૩)

Leave a Comment