અનુક્રમણિકા
- ૧. મહાલક્ષ્મી, મુંબઈ
- ૨. શિવનેરીનાં શિવાઈ, જિલ્લો પુણે
- ૩. પ્રતાપગઢનાં ભવાનીમાતા, જિલ્લો સાતારા
- ૪. શ્રી તુળજાભવાની, જિલ્લો ધારાશિવ
- ૫. કોલ્હાપુરનાં શ્રી મહાલક્ષ્મી
- ૬. વણીનાં સપ્તશ્રૃંગી, જિલ્લો નાસિક
- ૭. શ્રી સાળવણદેવી, શ્રીગોંદા, જિલ્લો અહિલ્યાનગર. (અહમદનગર)
- ૮. શ્રી કાળરાત્રિદેવી, પરળી વૈજનાથ, જિલ્લો બીડ.
- ૯. આણવાની આજૂબાઈ, જિલ્લો સંભાજીનગર
નવરાત્રિમાં જે દેવીઓની પૂજા કરવામાં આવે છે, તે દેવીઓ પણ માનવીને ઉત્કૃષ્ટ લાગનારા ગુણોથી મંડિત અને સુશોભિત હોય છે. દુર્ગાદેવીનું સ્તવન અને પૂજા કરતી વેળાએ અભિષેક પ્રસંગે તેમની નામાવલી બોલવામાં આવે છે. તે નામાવલી પરથી સ્ત્રીના પંડમાં કયા ગુણ હોવા જોઈએ, તેનો નિર્દેંશ થયા વિના રહેતો નથી.
૧. મહાલક્ષ્મી, મુંબઈ
નવરાત્રિમાં મુંબઈ શહેરમાં જો કોઈ દેવીના દર્શનાર્થે સર્વાધિક લોકો જતા હોય, તો તે છે મહાલક્ષ્મીનું મંદિર. મુંબઈમાં મુંબાદેવી, ગાંવદેવી, પ્રભાદેવી, કાળબાદેવી ઇત્યાદિ પ્રાચીન પ્રસિદ્ધ દેવીઓનાં મંદિરો છે. આ મહાલક્ષ્મીનો વરદહસ્ત જાણે કેમ મુંબઈને મળ્યો છે અને મુંબઈની સમૃદ્ધિ તેમજ જાહોજલાલી વૃદ્ધિંગત જ થઈ રહી છે. મુંબઈ શહેરના પશ્ચિમ ભણી વાળકેશ્વરના પહેલા આવતા કેટલાક ભાગને ‘મહાલક્ષ્મી’ કહેવાય છે. આ જ ઠેકાણે સમુદ્ર કિનારે એક નાની ટેકરી પર મહાલક્ષ્મીનું સ્થાન છે. આ મંદિરની ઉભારણી પણ સમુદ્રમાંથી થઈ હોવાની માહિતી મળે છે.
આ મંદિરનો ઇતિહાસ ઘણો મનોરંજક છે. મુંબઈ જ્યારે ૭ સ્વતંત્ર ટેકરીઓની હતી, ત્યારે વરળી બેટ પર વર્ષ ૧૭૨૦ સુધી આ મહાલક્ષ્મીનું નાનું મંદિર હતું; પરંતુ પરકીય મુસલમાનોના ધાર્મિક અત્યાચારોના ભયથી તેમના ભક્તોએ પાસેના સમુદ્રમાં દેવીનું વિસર્જન કર્યું. વચ્ચેના સમયગાળામાં મુંબઈનું હસ્તાંતર પોર્ટુગીઝો પાસેથી અંગ્રેજોને થયું. અંગ્રેજોની દૂરદૃષ્ટિએ મુંબઈનું મહત્ત્વ જાણ્યું હતું; તેથી મુંબઈ એકસંઘ કરવા માટે ધીમે ધીમે આ ૭ બેટો ભેગા કરવાની તેમણે યોજના બનાવી અને વરળીનો બંધ બાંધવાનો આરંભ કર્યો; પણ તે સમયે સમુદ્ર હટાવવાનું કામ કેમ કરતાંયે પૂરું થતું નહોતું. બંધ બાંધવા માટે નાખવામાં આવેલા પત્થર અને માટી સમુદ્રની લહેરો પોતાના પેટમાં સમાવી લેવા લાગ્યાં. તેથી અંગ્રેજો મૂંઝાયા. તેમના મનમાં કામ છોડી દેવાના વિચારો આવવા લાગ્યા. તે સમયના અંગ્રેજોના ઇજનેર રામજી શિવજી પ્રભુને દેવીએ દૃષ્ટાંત આપ્યો અને ‘ક્ષીરસાગરમાંથી મને બહાર કાઢીને મારી સ્થાપના કરો’, એમ કહ્યું. પ્રભુએ આ દૃષ્ટાંત તાત્કાલીન અંગ્રેજ અધિકારીને કહ્યો અને સમુદ્રમાં જાળ ફેંક્યો. તે જાળું સમુદ્રમાં ફેંકતાં જ તેમાંથી ૩ કાળા પાષાણની દેવીની મૂર્તિઓ બહાર નીકળી. આ ૩ મૂર્તિઓ એટલે અત્યારે મંદિરમાં સ્થાપન કરેલાં શ્રી મહાલક્ષ્મી, શ્રી મહાસરસ્વતી અને શ્રી મહાકાળીની છે.
૨. શિવનેરીનાં શિવાઈ, જિલ્લો પુણે
પુણેથી ૯૪ કિ.મી. દૂર આવેલા જુન્નર ગામથી ૪ કિ.મી. પર શિવનેરી ગઢ પર જવાનો માર્ગ છે. કિલ્લો ચઢીને પહેલા દરવાજામાંથી ઉપર જતાં જ શિવાઈદેવીનું નાનકડું મંદિર છે. શિવાઈદેવીની મૂર્તિ અઢી ફૂટ ઊંચી છે અને તે સિંદૂરચર્ચિત તેમજ મહિષાસુરમર્દન સ્વરૂપની છે. આ સ્થાન દેવી તુળજાભવાનીનું માનવામાં આવે છે. રાજમાતા જિજાબાઈએ આ જ દેવીની ઉપાસના કરી અને તેમના કૃપાપ્રસાદથી થયેલા પુત્રનું નામ ‘શિવાજી’ રાખવામાં આવ્યું. અખાત્રીજ અને નવરાત્રિમાં અહીં જાત્રા ભરાય છે.
૩. પ્રતાપગઢનાં ભવાનીમાતા, જિલ્લો સાતારા
છત્રપતિ શિવાજી મહારાજે અફઝલખાનનો વધ કર્યો. ત્યાર પછી કૃતજ્ઞતાપૂર્વક શ્રી ભવાનીમાતાના દર્શન લીધા. જે ભવાનીમાતાએ વિજય મેળવી આપ્યો, તેમની તેમણે પ્રતાપગઢ પર પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું. તે માટે હિમાલયમાંથી ત્રિસૂળ ગંડકી, શ્વેત ગંડક અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન પરથી શિલા લાવવામાં આવી અને નેપાળમાંના શિલ્પ કારીગરો પાસેથી મૂર્તિ ઘડાવી લેવામાં આવી. આ કામ માટે મહારાજે મંબાજી નાઈક-પાનસરેની ખાસ નિમણૂક કરી હતી. વર્ષ ૧૬૬૧માં દેવીની પ્રતાપગઢ પર વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવી. મૂર્તિ કાળા પાષાણની અને અષ્ટભુજા છે. ઘાટમાથા પરથી નીચે ઉતર્યા પછી મુખ્ય મંદિર જોવા મળે છે.
૪. શ્રી તુળજાભવાની, જિલ્લો ધારાશિવ
મહારાષ્ટ્રમાંના ધારાશિવ જિલ્લામાં તુળજાપુર ખાતે એક પીઠ છે. આ દેવી છત્રપતિ શિવાજી મહારાજનાં કુળદેવી છે. કર્દભઋષિનાં પત્ની અનુભૂતિ તપસ્યા કરતાં હતાં ત્યારે કુકુટ નામક દૈત્યના મનમાં તેમના વિશે અભિલાષા ઉત્પન્ન થઈ. તે સમયે અનુભૂતિએ આદિશક્તિ માતા પાર્વતીને આર્તતાથી પોકારવાનું ચાલુ કર્યું, ત્યારે માતા પાર્વતી તે ઠેકાણે પ્રગટ થયાં અને તેમણે કુકુટનો વધ કર્યો. તેઓ તરત જ આવ્યા; તેથી ‘તુળજા-તુળજા’ નામથી ઓળખાવા લાગ્યાં. આ દેવી સિંહાસનારૂઢ અને અષ્ટભુજા છે. તેમનાં હાથમાં ત્રિશૂળ, બાણ, ચક્ર, ધનુષ્ય ઇત્યાદિ આયુધો છે. મુગટ પર મોતી અને લિંગની આકૃતિઓ છે. નવરાત્રિમાં તેમનો ઉત્સવ ચાલુ થાય છે.
૫. કોલ્હાપુરનાં શ્રી મહાલક્ષ્મી
મહારાષ્ટ્રમાંના પ્રમુખ એવા સાડાત્રણ શક્તિપીઠોમાંથી કોલ્હાપુર આ એક પૂર્ણ પીઠ છે. બ્રહ્મદેવના માનસપુત્ર કરવીરનો આ જ ઠેકાણે દેવીએ વધ કર્યો. તે અસુરે ઇચ્છા પ્રદર્શિત કરવાથી આ શહેરને ‘કોલ્હાપુર’ અને ‘કરવીર’ આ નામો પ્રાપ્ત થયાં છે.
ભૃગુકુળમાં જન્મેલા ગરુડાચલ નામના એક બ્રાહ્મણને માધવી નામની એક દીકરી હતી. તે પિતા સાથે વૈકુંઠમાં ગઈ હતી ત્યારે બાળ સ્વભાવ અનુસાર ભગવાન વિષ્ણુની સમીપ પલંગ પર જઈને બેઠી. ત્યારે લક્ષ્મીએ તેને શાપ આપ્યો કે તને ‘અશ્વમુખ પ્રાપ્ત થશે’. આગળ બ્રહ્મદેવના વરથી તે શાપમુક્ત બનીને ‘મહાલક્ષ્મી’ નામથી પ્રસિદ્ધ થયાં.
કોલ્હાપુર ખાતેનું મહાલક્ષ્મીનું મંદિર પ્રેક્ષણીય છે. મંદિરના પ્રાગંણમાં પ્રવેશ કરવા માટે ૪ પ્રવેશદ્વાર છે અને પશ્ચિમ દરવાજાને ‘મહાદ્વાર’ કહે છે. વિસ્તૃત પરિસરમાં મહાલક્ષ્મીની પ્રમુખ મૂર્તિ સાથે મહાકાળી, મહાસરસ્વતી, કાત્યાયની, શાકંભરી ઇત્યાદિ દેવીઓની મૂર્તિઓ છે.
મહાલક્ષ્મી ચતુર્ભુજ છે અને તેમના હાથમાં માતુલિંગ, ગદા, ઢાલ અને પાનપત્ર છે. માથા પર નાગની ફેણ છે. મુગટ પર લિંગ અને યોનિની આકૃતિઓ છે. મૂર્તિની ઊંચાઈ આશરે ૩ ફૂટ છે અને તે કાળા પાષાણમાંથી બનાવવામાં આવી છે. વર્ષમાં નિશ્ચિત ૩ દિવસોએ મૂર્તિ પર સૂર્યકિરણો પડે છે, તે સમયે દેવીને રત્નજડિત અલંકાર પહેરાવેલા હોય છે.
૬. વણીનાં સપ્તશ્રૃંગી, જિલ્લો નાસિક
આદિશક્તિ પીઠમાંનું આ પ્રમુખ પીઠ નાસિકથી ૭૭ કિ. મી. દૂર વણી પાસે છે. દેવી બિરાજમાન છે એ ડુંગરની ઊંચાઈ અનુમાને સવાપાંચ સહસ્ર ફૂટ છે. ઉપર જવા માટે પત્થરનાં પગથિયાં બાંધેલા છે. આ પગથિયાં અઢારમા શતકમાં બાંધવામાં આવ્યા. માર્કંડેય ઋષિની ઘોર તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને દેવીએ તેમને દર્શન દીધાં. દેવીની આજ્ઞાથી માર્કંડેયએ આ ઠેકાણે સ્વયંભૂ દેવીની સ્થાપના કરી. તેમને તેઓ નિત્ય પુરાણ કહેતા હતા. દેવીને ૧૮ હાથ છે. તેમણે હાથમાં બાણ, તલવાર, વજ્રપાશ, શક્તિ, ચક્ર, ગદા ઇત્યાદિ આયુધો ધારણ કર્યા છે. મૂર્તિની ઊંચાઈ ૧૦ ફૂટ છે. મૂર્તિને સિંદૂરનો લેપ કરવામાં આવ્યો છે. ચૈત્ર નવરાત્રિમાં અહીં વાર્ષિક જાત્રા ભરાય છે.
મંદિરના પગથિયાં ચઢતી વેળાએ પ્રથમ ગરુડ, શીતલાતીર્થ, કૂર્મતીર્થ અને ગણેશની ભવ્ય મૂર્તિઓનાં દર્શન થાય છે. શિવતીર્થ પર લીલું પાણી, જ્યારે ભગવતી તીર્થ પર રાતું પાણી જોવા મળે છે. સપ્તશ્રૃંગીદેવીનું ગર્ભગૃહ બાંધ્યું નથી; કારણકે મૂર્તિની ઉપરના ભાગમાં તેટલી જગ્યા જ નથી. આ મૂર્તિ સિંદૂરચર્ચિત રક્તવર્ણી છે.
૭. શ્રી સાળવણદેવી, શ્રીગોંદા, જિલ્લો અહિલ્યાનગર. (અહમદનગર)
શ્રીગોંદા રેલ્વેસ્થાનકથી ૧૮ કિ.મી. અંતર પર સાળવણદેવીનું મંદિર છે. નવરાત્રિમાં અહીં હોમહવન કરવામાં આવે છે, તેમજ સપ્તશતીના પાઠ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં એક ભવ્ય એવો સિંદૂરી પત્થર છે. આ પત્થર એટલે જ શ્રી સાળવણદેવી. આ દેવી અત્યંત જાગૃત છે. એવું પણ માનવામાં આવે છે કે, સાળવણદેવી એ માહૂરનાં રેણુકાદેવીનું સ્થાન છે.
‘શ્રીગોંદાના એકનાથ પાઠક નામના ભક્તને વૃદ્ધત્વને કારણે માહૂર ખાતે જવું અસંભવ લાગવા માંડ્યું. તેવી સ્થિતિમાં પણ તેઓ ત્યાં ગયા જ અને તેમણે ‘હવે હું આગલા વર્ષે માહૂર આવી શકીશ નહીં. આ કઠિન એવા પ્રસંગમાં તમે માર્ગ બતાવો’, એવી દેવીને પ્રાર્થના કરી. તે સમયે દેવીએ ‘હું તારી સાથે જ ગામમાં આવીશ; પણ ઘરે પહોંચે ત્યાં સુધી મને જોઈશ નહીં’, એવી તેને આજ્ઞા કરી. ‘શ્રીગોંદા નજીક આવ્યા પછી શું ખરેખર જ દેવી આપણી પાછળ આવી રહ્યાં છે ને ?’, એમ જોવાની તેમને ઇચ્છા થઈ; તેથી તેમણે પાછળ વળીને જોયું, તો દેવી ત્યાં જ અદૃશ્ય થઈ ગયાં’, એવી આ કથા છે. શ્રી સાળવણદેવી આ ભાગમાંના અનેક કુળનાં કુળદેવી છે.
૮. શ્રી કાળરાત્રિદેવી, પરળી વૈજનાથ, જિલ્લો બીડ.
મહારાષ્ટ્ર ખાતેના જ્યોતિર્લિંગ ક્ષેત્ર પરળી વૈજનાથ ખાતે વૈજનાથ પરિસરમાં શ્રી કાળરાત્રિદેવીનું સ્થાન છે. આ સ્વયંભૂ સ્થાન છે અને પ્રાણીમાત્રોનો મોહ, સંભ્રમ એવી અવસ્થાઓનો નાશ કરનારી આ દેવતા માનવામાં આવે છે. વેદોમાં આમનું એક શક્તિસૂત્ર છે. મહાકોશલ દેશના રાજા વિશ્વપતિના દીકરાને ભ્રમ થયો. તેણે આ ઠેકાણે લક્ષાવધિ અનુષ્ઠાનો કરવાથી તેનો ભ્રમવિકાર દૂર થયો હોવાની કથા છે.
દશેરાને દિવસે શ્રી વૈજનાથ જ્યોતિર્લિંગ પ્રભુની પાલખી સરઘસ કરીને શ્રી કાળરાત્રિદેવીના મંદિરમાં પધારે છે અને ત્યાંથી બન્ને પાલખીઓ ‘સદાનંદીનો ઉદો ઉદો, વૈજનાથ પ્રભુની જય !’ આ જયઘોષમાં સીમોલ્લંઘન માટે જાય છે. પરળીના પરિસરમાં જ નારાયણ પર્વતની અગ્નિદિશામાં ૪ કિલોમીટર દૂર ગોધુધામ પર્વત પર અંબાઆરોગ્ય ભવાનીદેવીનું સ્થાન છે. વિશ્વના વૈદ્યોના નાથ આ જ ક્ષેત્રમાં હોવાથી તેમના ઔષધી અને વનસ્પતિનો સંગ્રહ અહીં આરોગ્ય ભવાનીએ કર્યો છે. દુર્લભ વનસ્પતિઓની પ્રાપ્તિ માટે દૂરદૂરના વૈદ્યો અહીં આવે છે.
શ્રીધનમાંના (ઢોમણા) દેવી ક્ષેત્ર અને દક્ષિણ ભણીના માર્ગ પર પર્વતની ઉત્તર દિશામાં ઢોમણાદેવીનું સ્થાન છે. તેમની નીચે અગણિત દ્રવ્યો છે, એવી આખ્યાયિકા છે. એક રાજાને દ્રવ્યની ઇચ્છા થઈ. તેને એમ સમજાયું કે, જનોઈ દીધેલા (બટુક) પહેલા દીકરાનો જે કોઈ બલિ ચડાવશે, તેને દ્રવ્ય પ્રાપ્ત થશે. રાજાએ એક બ્રાહ્મણ દંપતિને તે માટે તૈયાર કર્યું. બલિદાનને દિવસે બટુકને આ પ્રકાર ધ્યાનમાં આવ્યો, ત્યારે તેણે દેવીની જ કરુણાની યાચના કરી. દેવીએ બટુકના માતા-પિતા અને રાજાનો વધ કર્યો અને બટુકનું રક્ષણ કર્યું. દેવીને મૂળ સ્થાનથી ઉપાડીને નવા ઘાટની તળેટીમાં લાવી રાખ્યાં છે. આ સ્થાનાંતરને પણ દ્રવ્યની આખ્યાયિકાની જ પ્રેરણા કારણીભૂત હોવાનું સમજાય છે.
૯. આણવાની આજૂબાઈ, જિલ્લો સંભાજીનગર
મરાઠવાડામાં સંભાજીનગર જિલ્લામાં વિશ્વવિખ્યાત અજિંઠા ગુફાઓમાં જતી વેળાએ સંભાજીનગર-અજિંઠા માર્ગ પર ગોળેગાવ બસસ્થાનકથી આશરે ૧૨ કિલોમીટર અંતર પર આણવા ગામ આવે છે.
આ જ ગામમાં ભવાની આજૂબાઈનું સ્વયંભૂ જાગૃત દેવસ્થાન છે. આજૂબાઈનું એક મંદિર ગામમાં, તો બીજું ગામની બહાર, આ રીતે ૨ મંદિરો છે. ગામમાંનું આજૂબાઈનું મંદિર એટલે દેવીનું નિવાસસ્થાન છે. આ જ ઠેકાણે દેવીનો જન્મ થયો હતો. આજે આ ઠેકાણે ભવ્ય સિંદૂરી પત્થર છે. ગામ બહાર આશરે એક કિલોમીટર અંતર પર આજૂબાઈની સ્વયંભૂ મૂર્તિ છે. આજે આ જ આજૂબાઈની સ્વયંભૂ મૂર્તિ મોટું તીર્થક્ષેત્ર બની ગયું છે. દેવીના મંદિર સામે ભવ્ય કુંડ છે અને તેને ‘કલ્લોળી તીર્થ’ કહે છે. આ ઠેકાણે સ્નાન કરવાથી ખરજવાં અને ત્વચાના રોગ મટી જાય છે; તેથી અસંખ્ય ભક્તો સ્નાન કરવા માટે અહીં આવે છે.
મરાઠવાડા ખાતે કેટલોક કાળ નિજામની રાજવટ હતી. તે સમયે રઝાકારોની કાર્યવાહીઓને કારણે હિંદુઓને ત્રાસ અને મંદિરોને નષ્ટ કરવામાં આવી રહ્યાં હતાં. આવા જ એક પ્રસંગમાં કેટલાક ઉપદ્રવી લોકોએ આજૂબાઈની મૂર્તિ નષ્ટ કરવાનો વિચાર કર્યો. આક્રમણકારીઓ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચતાં જ તેઓ આંધળા બની ગયા.
પ્રતિવર્ષ અહીં નવરાત્રિમાં ચૈત્ર અને આસો માસમાં દેવીનો મોટો ઉત્સવ થાય છે. નવરાત્રિમાં હોમહવન ઇત્યાદિ કાર્યક્રમો થાય છે અને ૯ દિવસ મોટી જાત્રા ભરાય છે. ચૈત્ર માસની નવરાત્રિમાં દેવીના જન્માક્ષરોનું વાંચન થાય છે. આઠમની રાત્રે દેવીની પાલખી નીકળે છે. તે સમયે માનતા માનનારા લોકો દેવી ફરતે મશાલો સળગાવીને રમે છે. આને જ ‘દેવીની પોત રમત’ કહે છે. પ્રતિ વર્ષ પોત રમત રમનારાઓની સંખ્યા ૧ સહસ્ર થી ૧ સહસ્ર ૨૦૦ હોય છે. ‘આજૂબાઈ જાગૃત દેવસ્થાન હોવાથી મા-ભવાની માનતા પૂરી કરે છે’, એવી અપાર શ્રદ્ધા ભક્તોના અંતઃકરણમાં છે. અહીં અન્ય ધર્મના લોકો પણ માનતા માને છે.’