અનુક્રમણિકા
તંત્રજ્ઞાનના આ યુગમાંના ચમકદાર શહેરોને પણ પાછળ પાડી દે, એવું સુપરક્લાસ શહેર સહસ્ત્રો વર્ષો પહેલાં ભારતમાં હતું, તે શહેર એટલે મોહેંજોદડો ! સિંધુ સંસ્કૃતિ ધરાવતા મોહેંજોદડો શહેરમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે, એની માહિતી ઇતિહાસના પુસ્તકોમાંથી મળે છે; પરંતુ તેના કરતાંય અધિક વિશિષ્ટતાઓ મોહેંજોદડોમાં વાસ્તવમાં હતી. સહસ્ત્રો વર્ષો પહેલાંનું આ શહેર સંપૂર્ણ આયોજનથી નિર્માણ કરવામાં આવ્યું હતું. મુંબઈનો ટ્રૅફિક જામ અને ખાડાં પડ્યા હોય એવા રસ્તાઓને લજ્જિત કરે એવા પ્રશસ્ત રસ્તાઓ મોહેંજોદડોમાં હતા. પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ-ઉત્તર વિસ્તરણ પામેલા ૯ મીટર પહોળા રસ્તાઓ અને તેમની સાથે જોડી દેવામાં આવેલા ૫ મીટર પહોળા પેટા રસ્તાઓ એ મોહેંજોદડોની વિશિષ્ટતા હતી. પીવાના પાણી માટે નદીઓ ઉપરાંત પ્રત્યેક ઘર સામે એક વધારાનો કૂવો, ધનિકોના મોટા મકાનોની સાથે શ્રમજીવી વર્ગ માટે વિશેષ વસાહતો, એવી અનેક વિશિષ્ટતાઓ મોહેંજોદડોમાં હતી.
ડ્રેનેજ લાઈન, ઇંટોથી વ્યવસ્થિત રીતે ઢંકાયેલી ગટરો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ ઇત્યાદિ માટે અલગ વિભાગ, એમ યોજનાબદ્ધ અને સર્વ સુવિધાઓ ધરાવતું આ શહેર વર્ષ ૧૯૨૭ માં ખોદકામ થયા પછી વિશ્વ સમક્ષ આવ્યું. નગરની રચના, વાસ્તુરચના અને પાયાની સુવિધાઓ તથા ખેતી ઉદ્યોગ ઇત્યાદી સર્વ બાબતોમાં સારી રીતનું આયોજન ધરાવતા આ શહેરનો આદર્શ વિશ્વના કોઈપણ દેશે અનુસરવો જોઈએ, એવો જ છે, કારણકે તે વેળાનું તંત્રજ્ઞાન આજના અદ્યતન દેશોને પણ આશ્ચર્ય પમાડનારું છે.
૧. વાસણો
મોહેંજોદડોના વિસ્તારમાં હડ્ડપ્પન તંત્રજ્ઞાન પ્રગતિશીલ હતું. ખ્રિસ્તપૂર્વે ૫ સહસ્ત્ર વર્ષો પહેલાં અગાઉ પણ માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. કાળી, લાલ માટી, હડ્ડપ્પા ગેરુ (એક જાતની લાલ માટી) ઇત્યાદિમાંથી આ વાસણો બનાવવામાં આવતા હતા. વાસણોને આકાર આપવા માટે કુંભાર ત્યારેય પણ ચાકડાનો ઉપયોગ કરતો. આ વાસણો પકવવા માટે એ ૬ x ૪ ફૂટની ભઠ્ઠી ત્યારે પણ હતી જેના પુરાવા ખોદકામમાંથી મળી આવ્યા છે.
૨. દાગીના
માટીના વાસણોની સાથે સિરૅમિકમાંથી તૈયાર કરવામાં આવેલી વસ્તુઓ, બંગડીઓ, તેમજ શંખ-છીપમાંથી બનાવવામાં આવેલાં દાગીનાઓનો સહસ્ત્રો વર્ષો અગાઉ પણ ઉપયોગ થતો હતો.
૩. ધાતુઓનો ઘણો અદ્યતન રીતે ઉપયોગ
સોનું, ચાંદી, તાંબુ, જસત, લોખંડ ઇત્યાદીના સંદર્ભમાં ભારતમાં સંશોધનો થયાં. ધાતુઓના શુદ્ધિકરણની પ્રક્રિયા પણ સૌ પ્રથમ ભારતમાં સહસ્ત્રો વર્ષોથી જ્ઞાત છે; તેથી જ પહેલા માટી, લાકડું અને ધાતુની શોધ થયા પછી તેનો ઉપયોગ ચલણી સિક્કાઓ બનાવવા માટે થવા લાગ્યો.
૩ અ. તાંબુ : રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ૫ થી ૬ સહસ્ત્ર વર્ષો પહેલાં પણ તાંબાનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવતો હતો. ૧ સહસ્ત્ર ૮૩ અંશ સેન્ટીગ્રેડ સુધી કાચી ધાતુ તપાવીને તેમાંથી શુદ્ધ તાંબુ મેળવવાની કળા તે સમયના કારીગરોને સારી રીતે જ્ઞાત હતી. તેવી જ રીતે ૧ સહસ્ત્ર ૬૩ અંશ સેન્ટીગ્રેડની ગરમી આપીને સોના પર શુદ્ધિકરણની પ્રક્રિયા કરવામાં આવતી. ઇંટોમાંથી બનાવેલી લોખંડની ભઠ્ઠીનો ત્યારે વિશેષ રીતે ઉપયોગ કરવામાં આવતો હતો.
૩ આ. જસત : જસત ધાતુનો પણ ત્યારે ઉપયોગ કરવામાં આવતો હતો. હિંદુસ્થાન જંક લિમિટેડ, બ્રિટીશ મ્યુઝિયમ અને વડોદરાની વિશ્વવિદ્યાલયે રાજસ્થાનમાં સંયુક્ત રીતે ખોદકામ કર્યું. ત્યારે તેમને જસતની એક ભઠ્ઠી સાંપડી હતી. આ ભઠ્ઠીમાં પ્રતિદિન ૨૦ થી ૨૫ કિલો જસત પર પ્રક્રિયા કરવામાં આવતી. તેના પરથી પાંચમાં અને છઠ્ઠા શતકમાં લગભગ ૬૦ સહસ્ત્ર ટન જસત વપરાયું (હશે) એવું અનુમાન આ જૂથ દ્વારા તારવવામાં આવ્યું છે.
૩ ઇ. ધાતુઓમાંથી મૂર્તિ બનાવવી : મૂર્તિ ઘડવા માટે મીણના સાંચાનો હંમેશાં ઉપયોગ કરવામાં આવતો હતો. મીણમાંથી મૂર્તિ બનાવીને તેના પર રેતી અને માટીનું મિશ્રણ રેડીને સાંચો બનાવવામાં આવતો હતો. આ સાંચામાં ધાતુ રેડીને મૂર્તિઓ ઘડાવવામાં આવતી હતી. શેકવું અને ચમકાવવું (પૉલિશિંગ) પણ તે સમયે કરવામાં આવતું હતું. એવી જ રીતે કેવળ ૧ થી ૨ ટકા કાર્બન ધરાવતું ઊંચી પ્રતિનું પોલાદ (સ્ટીલ) ભારતમાં બનતું હતું. ચીન અને ભારતના પૂર્વ ભણીના કેટલાક દેશો દ્વારા ભારતીય પોલાદ (સ્ટીલ)ની વિશેષત: વૂટજ સ્ટીલની મોટા પ્રમાણમાં માંગ રહેતી. ઇરાન માટે ભારત કપાસ અને કપડાંનું મોટું બજાર હતું. આ જ કપાસને કારણે ઇરાન સહિત અન્ય દેશોના વેપારીઓ ત્યારે ભારતમાં આવવા લાગ્યા. માલની આયાત-નિકાસ માટે તેટલીજ ક્ષમતા ધરાવતો વાહનવ્યવહાર ભારત પાસે હતો.
૪. ચાક (પૈડા)ની શોધ
પૈડાની શોધ થયા પછી તેનો વિવિધ પ્રકારે ઉપયોગ કરવાનો ભારતમાં આરંભ થયો. લાકડામાંથી ચોકઠું બનાવીને તેને પૈડું લગાડીને બળદગાડી, ઘોડાગાડી બનાવવામાં આવી. તેવી જ રીતે કૂવામાંથી પાણી કાઢવા માટે રેંટ બનાવવામાં આવ્યો. ખ્રિસ્તપૂર્વ ૩૫૦માં ભારતમાં પાણી ખેંચવા માટે રેંટનો ઉપયોગ થતો હતો.
૫. લોટ દળવાની ઘંટી
કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ધોધમાંથી ઝડપથી વહેનારા પાણીનો ઉપયોગ કરીને અનાજ દળવાની ચક્કી (ઘંટી) બનાવવામાં આવી. એ વિશેની માહિતી આપતી વેળા કેનેડ બોલ્યા, પથ્થર કંડારીને તેના દાંતાઓનું ચક્ર બનાવવામાં આવતું. તેમા વૃક્ષનું મોટું લાકડું ભેરવીને તેની પર ઘંટી બેસાડવામાં આવતી. અર્થાત્ તે માટે નજીકના બે મોટા ખડકોનો આધાર લેવામાં આવતો. પાણીની ગતિશીલતાને કારણે પથ્થરનું ચક્ર ફરે, તો ચક્કીના પથ્થર ફરતા. આ વિશ્વની પ્રથમ લોટ દળવાની ઘંટી હતી.
૬. વજનો
સિંધુ સંસ્કૃતિમાં વજન-માપનો પણ ઉપયોગ થતો. ૧.૭, ૩.૪, ૧૩.૬ અને ૧૩૬ ગ્રામ એવા વજનો તે સમયમાં હતા.
૭. અદ્યતન શલ્યચિકિત્સા
શલ્યચિકિત્સા (surgery) એ અંગ્રેજો પાસેથી ભારતીયોને મળેલી દેણ છે, આ અનેક લોકોની ગેરસમજ છે. સુશ્રુતાચાર્યના સુશ્રુતસંહિતા નામના ગ્રંથમાં જ શલ્યચિકિત્સા વિશેની માહિતી મળે છે. એટલું જ નહીં જ્યારે યુદ્ધ જેવા પ્રસંગોમાં ઇજાગ્રસ્ત સૈનિકો પર પ્રસંગે શલ્યચિકિત્સા થઈ હોવાની માહિતી ઇતિહાસ-વૃત્તાંતમાંથી મળે છે. ગત ૪ થી ૫ સહસ્ત્ર વર્ષો પહેલાં પણ ભારતમાં વૈદ્યો દ્વારા શસ્ત્રક્રિયાઓ કરવામાં આવતી. ૩૦૦ થી અધિક પ્રકારની શસ્ત્રક્રિયાઓ શરીર પર થતી હતી.
૭ અ. શસ્ત્રક્રિયા કરવા માટે આવશ્યક સાધનો : ઘા, અકસ્માત જેવા બનાવો પર ત્યારે પણ શસ્ત્રક્રિયા કરવામાં આવતી. તે માટે આવશ્યક સાધનો બનાવડાવી લેવામાં આવતા. આ સાધનો પ્રાણીઓના જડબાં, પક્ષીઓની ચાંચો તેમ જ ધાતુઓમાંથી બનાવવામાં આવતા.
૭ આ.પ્લૅસ્ટિક સર્જરી : એકાદ અવયવ પર પ્લૅસ્ટિક સર્જરી પણ કરવામાં આવતી. ગાલ પરની ત્વચા કાઢીને નાક, હડપચી અથવા કપાળ પર જોડી દેવાથી ચહેરો સુંદર કરવાનું કૌશલ્ય કેટલાક વૈદ્યો પાસે હતું. તેથી પ્લૅસ્ટિક સર્જરીના જનક ભારતમાં હોવાની બાબતને સમર્થન મળે છે.
૮. સુગંધી દ્રવ્યો
સુંદરતાની સાથે સુગંધને પણ માનવી જીવનમાં મહત્ત્વનું સ્થાન હોય છે. આ મહત્ત્વ ભારતીયોએ સહસ્ત્રો વર્ષો પહેલાં જ ઓળખ્યું હતું. હમણા બજારમાં પરદેશી બનાવટના મોંઘા પરફ્યુમ મળે છે, તો પણ સુગંધ ધરાવતા દ્રવ્યોનો વારસો ભારતે આરંભથી જ જાળવી રાખ્યો છે. ત્વચા રક્ષક પદાર્થો નિર્માણ કરતી વેળાએ સુવાસિત ફૂલો, વનસ્પતિમાંથી સુવાસિત દ્રવ્યો નિર્માણ થવા લાગ્યા. સુગંધિત તેલ, ચૂર્ણ/ભૂકી (પાવડર) અને સુગંધી દ્રવ્યો માટે કન્નોજ એ તે કાળનું શહેર પ્રસિદ્ધ હતું. સુગંધી દ્રવ્ય એ ત્યારે પણ કુટીર-ઉદ્યોગ હતો.
– શ્રી નિલેશ કરંજે (સંદર્ભ : માસિક ચિત્રલેખા, ૮ જાન્યુઆરી ૨૦૦૭)