અનુક્રમણિકા
આ લેખ દ્વારા આપણે ધર્માચરણનું અનન્યસાધારણ મહત્ત્વ જાણી લઈએ, તેમજ ધર્માચરણ ન કરવાથી થનારાં પરિણામો, ધર્માચરણ કરવું કયા ઘટકો પર આધાર રાખે છે, ખરું ધર્માચરણ કયું છે, ઇત્યાદિ વિશે જોઈશું.
૧. સ્વધર્મપાલનનું મહત્ત્વ
૧. ધર્માચરણ અર્થાત્ ચાતુર્વર્ણીઓનું વર્ણાશ્રમોચિત આચરણ. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે –
श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥
– શ્રીમદ્ભગવદ્ગીતા, અધ્યાય ૩, શ્લોક ૩૫
અર્થ : આચરવા માટે સહેલા એવા પરધર્મ કરતાં સદોષ ભલે હોય, તો પણ સ્વધર્મ જ શ્રેષ્ઠ છે. સ્વધર્મમાં રહીને મૃત્યુ આવે, તો પણ શ્રેયસ્કર; (કારણ) પરધર્મનો સ્વીકાર કરવામાં મોટો ભય છે.
ભાવાર્થ : ભગવાન શ્રીકૃષ્ણએ દ્વાપરયુગમાં જ્યારે આ બાબત અર્જુનને કહી, ત્યારે સર્વત્ર હિંદુ ધર્મ જ હતો. વર્તમાન અર્થમાં ‘ધર્માંતરણ કરશો નહીં’, એવો તેનો અર્થ નહોતો. તેનો અર્થ હતો વર્ણાશ્રમ પર આધારિત જેનો જે ધર્મ હોય, તેનું જ તેણે પાલન કરવું.
૨. સમર્થ રામદાસસ્વામીએ દાસબોધમાં કહ્યું છે, ‘धर्मामध्ये धर्म । स्वरूपी रहाणे हा स्वधर्म ॥’
૩. वेदोक्त स्वधर्मस्थितीं । होय विषयांची विरक्ती । प्राणी निजमोक्ष पावती । हे वेदोक्त पैं माझी ॥ – એકનાથી ભાગવત, અધ્યાય ૨૧, કડવું ૨૧૦
અર્થ : વેદોમાં કહેવા પ્રમાણે સ્વધર્મસ્થિતિમાં રહેવાથી વિષયો વિશે વિરક્તિ ઉત્પન્ન થાય છે અને પ્રાણીઓ મોક્ષને પ્રાપ્ત થાય છે, એ જ મારી વેદોક્તિ છે.
સરવાળે એમ કે, સ્વધર્મઅનુષ્ઠાન આત્મપ્રાપ્તિ કરવા માટે નિશ્ચિત અને નજીકનો માર્ગ છે.
૪. शरीरस्य विनाशेन धर्म एव विशिष्यते । – મહાભારત, આદિપર્વ, અધ્યાય ૨૧૩, શ્લોક ૨૦
અર્થ : પોતાના પ્રાણ ત્યાગીને પણ ધર્મનું પાલન કરવું, એ જ વધારે શ્રેયસ્કર છે.
૨. ધર્માચરણ કરવું, એ કયા પરિબળો પર આધારિત હોય છે ?
૨ અ. સામાજિક વાતાવરણ
‘મોક્ષ એ માનવીનું અંતિમ ધ્યેય હોવું જોઈએ, આ વાત મહાભારતકારોને પણ સ્વીકાર્ય છે; પરંતુ મોક્ષ એ અત્યંત ઉન્નત એવી અવસ્થા હોવાથી તે સમાજની પ્રગત અને પ્રગલ્ભ અવસ્થામાં જ સંભવ છે. જે સમાજના લોકોના આચાર શુચિર્ભૂત અને વિચાર પ્રગલ્ભ તેમજ પવિત્ર છે, જ્યાં રાજ્યવ્યવસ્થા ઉત્તમ છે, જ્યાં લોકવ્યવહાર વ્યવસ્થિત ચાલી રહ્યા છે, જે સમાજ વિદ્યાસંપન્ન અને પરાક્રમી છે તેમજ પરકીય આક્રમણોથી સંરક્ષણ કરવા માટે સમર્થ હોય છે, એવા જ સમાજમાં મોક્ષસાધનાના પ્રયત્નો અને પરિણતી આ બાબતો સંભવ છે, એવો ભારતીય તત્ત્વવેત્તાઓનો સિદ્ધાંત છે.
૨ આ. વ્યક્તિ
૧. क्षुधा निर्णुदति प्रज्ञां धर्मबुद्धिं व्यपोहति ।
क्षुधापरिगतज्ञानो धृतिं त्यजति चैव हि ॥
– મહાભારત, અશ્વમેધપર્વ, અધ્યાય ૯૦, શ્લોક ૯૧
અર્થ : ભૂખ-કંગાળતાને કારણે માનવીનો બુદ્ધિભ્રંશ થાય છે અને તેની ધર્મનિષ્ઠાનો પણ લોપ થાય છે. ક્ષુધા (તરસ) માનવીનું જ્ઞાન નષ્ટ કરીને તેની ધીરજ પણ ઝૂંટવી લે છે.’
એટલા માટે જ કહ્યું છે કે, અજ્ઞાનમાં ડૂબેલા હીનદીન અને ભૂખ્યા કંગાળ રહેલા સમાજનો અને મોક્ષનો રતીભાર પણ સંબંધ નથી.
૨. यथा यथैव जीवेद्धि तत्कर्तव्यमहेलया ।
जीवितं मरणाच्छ्रेयो जीवन् धर्ममवाप्नुयात् ॥
– મહાભારત, શાંતિપર્વ, અધ્યાય ૧૪૧, શ્લોક ૬૫
અર્થ : જે જે રીતે જીવિતોનું સંરક્ષણ થાય, તે તે નિઃશંક કરવું. મરવા કરતાં જીવવું, એ જ શ્રેયસ્કર છે; કારણ કે જીવિત રહેવાથી જ આગળ ધર્માચરણ કરી શકાશે.
૩. यस्यैव बलमोजश्च स धर्मस्य प्रभुर्नरः । – મહાભારત, શાંતિપર્વ, અધ્યાય ૧૫૨, શ્લોક ૧૮
અર્થ : જેના પંડમાં સામર્થ્ય અને તેજ હોય છે, તે જ માનવી ધર્માચરણ કરવામાં સમર્થ બને છે.
૪. धर्मार्थकाममोक्षाख्यं य इच्छेच्छ्रेय आत्मनः ।
एकमेव हरेस्तत्र कारणं पादसेवनम् ॥
– શ્રીમદ્ભાગવત, સ્કન્ધ ૪, અધ્યાય ૮, શ્લોક ૪૧
અર્થ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ પુરુષાર્થ સાધ્ય કરવાથી કલ્યાણ પ્રાપ્ત થાય છે. આ કલ્યાણકારી પુરુષાર્થ સાધ્ય કરવા માટે શ્રીહરિનાં ચરણોની સેવા કરવી, એ જ એક સાધન છે.
૨ ઈ. ધર્મપ્રમુખ
ધર્મપ્રમુખનું મહત્ત્વ આગળ જણાવેલાં સૂત્રો પરથી ધ્યાનમાં આવશે.
૧. પ્રત્યેકે પોતપોતાના દાયિત્વનું પાલન કરવાનું હોય છે; પણ પ્રત્યેક જણ પોતાનું દાયિત્વ ટાળવાનો પ્રયત્ન કરે છે.
૨. બધા જ લોકો એકજ ઠેકાણે આવે; તે માટે એક ઉપાસનાપદ્ધતિ નિર્માણ કરવામાં આવી; પરંતુ દેશભેદ, કાળભેદની જેમ સંઘમાંની વ્યક્તિઓ ઉપાસના છોડી દે છે. તેથી સંઘનું સાંઘિક અસ્તિત્વ જોખમમાં મૂકાય છે.
૩. नियन्ता चेन्न विद्येत न कश्चिद्धर्ममाचरेत् । – મહાભારત, વિરાટપર્વ, અધ્યાય ૬૩, શ્લોક ૪૩
અર્થ : (સંઘનું) નિયમન કરનારો જો કોઈ નહીં હોય, તો કોઈપણ વ્યક્તિ ધર્મ પ્રમાણે વર્તન કરશે નહીં.
સંઘ, સમૂહપ્રિય હોય છે; પરંતુ શિસ્તપ્રિય હોતો નથી. તેને શિસ્તપ્રિય બનાવવા માટે અનુશાસનની આવશ્યકતા હોય છે. અનુ અર્થાત્ અનુકરણ કરવું, પાળવું અને શાસન એટલે નિયંત્રણ. ઉપરોક્ત અડચણો પર માત કરીને સંઘ એકત્રિત રાખવાનું કાર્ય સંઘનાયકનું, અર્થાત્ ધર્મપ્રમુખનું હોય છે. તેને જ અગ્રેસર કહે છે. અગ્ર એટલે આગળ અને ‘સૃ સર’ એટલે જનારો.
૩. ધર્માચરણ ન થવું – ક્ષમ્ય અને અક્ષમ્ય
ધર્માચરણ ન થવાનાં બે કારણો છે – એક અંતસ્થ અને બીજું બાહ્ય. અંતસ્થ અર્થાત્ યોગાચરણ કરતી વેળાએ દેહનું વિસ્મરણ થવાથી રહી ગયેલો ધર્માચાર. બાહ્ય અર્થાત્ પ્રવાસ, વ્યાધિ અથવા એકાદ પ્રકારનો આપત્કાળ. આ બન્ને પ્રસંગોમાં ધર્માચરણ કરવાનું જો રહી જાય, તો સામાન્ય લોકોને વેદ ક્ષમા કરે છે. પરંતુ જો અન્ય કારણો હોય, તો તે અક્ષમ્ય છે.
૪. ધર્માચરણ ન થવાનું પરિણામ
અ. दर्पो नाम श्रियः पुत्रो जज्ञेऽधर्मादिति श्रुतिः ।
– મહાભારત, શાંતિપર્વ, અધ્યાય ૯૧, શ્લોક ૨૪
અર્થ : દર્પ એ લક્ષ્મીપુત્ર છે, તે તેમને અધર્મથી પ્રાપ્ત થયો, એવું સાંભળવા મળે છે.
આ. धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः । – મહાભારત, વનપર્વ, અધ્યાય ૩૧૪, શ્લોક ૧૨૮
અર્થ : ધર્મનું પાલન ન કરનારાનો વિનાશ થાય છે અને જે ધર્મનું તંતોતંત પાલન કરે છે, તેનું રક્ષણ ધર્મ (અર્થાત્ ઈશ્વર) કરે છે.
ઇ. ‘હિંદુ ધર્મ પ્રમાણે આચરણ ન કરવાથી વર્તમાનમાં સર્વત્ર ઝંઝાવાત, ભૂકંપ, અપઘાત, અતિવૃષ્ટિ, સ્વચક્ર, પરચક્ર ઇત્યાદિ ઉત્પાત થઈ રહ્યા છે.’ – પ.પૂ. કાણે મહારાજ, નારાયણગાવ, જિલ્લો પુણે, મહારાષ્ટ્ર
૫. ધર્માચરણ કરવાની ફરજ પાડવી
‘કેવળ ઉપદેશ કરીને માનવી વળતો નથી. તેને વાળવા માટે પારિતોષિક (ઇનામ)ના લોભનો અથવા દંડના ભયનો સાથ દેવો પડે છે. ધર્મશાસ્ત્રમાં અથવા પુરાણોમાં અલગ અલગ ધાર્મિક કૃતિઓની ફળશ્રુતિઓ કહેલી હોય છે. તે ફળશ્રુતિમાંની સંબંધિત બાબતોના લોભથી માણસો ધર્માચરણ કરતા હોવાનું જોવા મળે છે. ગેરપ્રવૃત્તિના લોકો પર ઉપદેશ અથવા ફળશ્રુતિની કોઈ અસર થતી નથી. આવા લોકોને દંડનો જ અવલંબ કરીને ધર્મમાર્ગ પર લાવવા પડે છે. ધર્માચરણ કરાવી લેવાની દૃષ્ટિએ ઉપયોગી પુરવાર થનારા ધર્મના પાસાં આગળ જણાવ્યા પ્રમાણે –
૫ અ. દંડ્ય-પારિતોષ્ય નિર્ણય
આને જ ન્યાય એમ પણ કહી શકાશે. આમાં અમુક એક માણસે અમુક-તમુક કૃતિ ધર્મ અથવા અધર્મ કર્યો છે, એટલા માટે તેને અમુક-તમુક દંડ કરવો અથવા અમુક-તમુક પારિતોષિક આપવું, એ નક્કી કરવામાં આવે છે.
૫ આ. શાસન
અધાર્મિકની ધરપકડ કરવી, તેને દંડ આપવો અને ધાર્મિકને પારિતોષિક આપવું, આ બાબતો રાજસંસ્થા દ્વારા (સરકાર દ્વારા) કરવામાં આવે છે.
ઉપરોક્ત પાસાં એક વ્યક્તિ પાસે રહેવાને બદલે તે ભિન્ન વ્યક્તિ અથવા ભિન્ન સંસ્થા પાસે હોવા. તે જો એકજ વ્યક્તિ, સંસ્થા અથવા વર્ગ પાસે રહે, તો તેના દ્વારા પણ મહાન ભય નિર્માણ થશે. ભાગવતમાં વેન રાજાની કથા તેનું ઉદાહરણ છે. વેને દંડ્ય-પારિતોષ્ય નિર્ણય અને શાસન આ બન્ને કાર્યો પોતાની પાસે રાખ્યા અને તેથી સર્વત્ર ભય અને અસ્વાસ્થ્ય નિર્માણ થયું. આ સંકટમાંથી મુક્ત થવા માટે ઋષિઓએ એકત્રિત થઈને વેન રાજાને જ મારી નાખ્યો અને તેના સ્થાન પર તેના પુત્ર પૃથુની સ્થાપના કરી.’
૬. ધર્મનો અર્થ સમજી લઈને ધર્માચરણ કરવું, એ ખરું ધર્માચરણ !
यस्य धर्मो हि धर्मार्थं क्लेशभाङ्न स पण्डितः ।
न स धर्मस्य वेदार्थं सूर्यस्यान्धः प्रभामिव ॥
– મહાભારત, વનપર્વ, અધ્યાય ૩૪, શ્લોક ૨૩
અર્થ : (તત્ત્વ જાણી લીધાવિના) કેવળ ધર્મ માટે જે ધર્માચરણ કરે છે, તે ડાહ્યો હોવાને બદલે દુઃખનો ભાગીદાર થનારો હોય છે. આંધળાને જેમ સૂર્યની પ્રભા સમજાતી નથી, એ પ્રમાણે તેને ધર્મનો અર્થ સમજાતો નથી.