* ભારતીય શાસ્ત્રીય સંગીતકાર પંડિત ઓંકારનાથ ઠાકૂરે મુસોલિનીને રાગ ‘પૂરિયા’ ગાઈને નિદ્રાધીન કરી દીધા !
* હિંદુઓની અદ્વિતીય સંસ્કૃતિનું મહત્ત્વ આવા પ્રસંગ દ્વારા રેખાંકિત થાય છે ! સૂર્યપ્રકાશસમ દેદિપ્યમાન સંસ્કૃતિ અને શિખામણ મળેલા હિંદુઓને આજે તેનું વિસ્મરણ થાય, આ કેટલો મોટો દૈવદુર્વિલાસ ! આ વિશે હિંદુઓને ધર્મશિક્ષણ આપવું, એ કાળની આવશ્યકતા છે, એ જાણો !
વર્ષ ૧૯૨૨ થી ૧૯૪૩ આ બે દસકા ઇટલી પર અધિરાજ્ય ગજવનારો અને વિશ્વમાં કુપ્રસિદ્ધ રહેલો હુકુમશાહ બેનિટો મુસોલિની ! એકવાર તેને નિદ્રારોગ થયો. તેણે ઘણી ઔષધિઓ કરી; પણ તેને સમાધાનકારક નિદ્રા આવતી નહોતી. તેની અનેક પ્રેમિકાઓમાંથી એક પ્રેમિકા બંગાળી હતી. તેને સંગીતનું સારું જ્ઞાન હતું. તેણે જ્યારે મુસોલિનીને ભારતીય સંગીતમાં નિદ્રારોગ માટે ઉપચાર હોવાનું કહ્યું, ત્યારે તેણે તે હસી કાઢ્યું.
એ જ સમયગાળામાં અર્થાત્ વર્ષ ૧૯૩૩માં ભારતીય શાસ્ત્રીય સંગીતકાર પંડિત ઓંકારનાથ ઠાકૂર યુરોપના પ્રવાસે હતા. તેઓ રોમમાં પહોંચ્યા ત્યારે મુસોલિનીની આ પ્રેમિકા ઠાકૂરને મળી. મુસોલિનીની બીમારી વિશે તેમને કહ્યું અને તેમને મુસોલિનીના બંગલા પર આવવાનું નિમંત્રણ આપ્યું.
પંડિત ઠાકૂર મુસોલિનીના નિવાસસ્થાને ગયા. ત્યાં મુસોલિની પાસે ગાયન પ્રસ્તુત કરવાની અનુમતિ માગી. તેમણે મુસોલિનીને તે રાત્રે શાકાહારી ભોજન કરવાની વિનંતિ કરી. ભોજન થઈ ગયા પછી પંડિત ઠાકૂરે રાગ ‘પૂરિયા’ના આલાપ લેવાનું ચાલુ કર્યું. આ રાગમાં એક ચમત્કારિક પ્રકાર હતો. પંદર મિનિટમાં મુસોલિની સૂઈ ગયો.
બીજા દિવસે ઠાકૂરને મુસોલિનીના બે પત્રો મળ્યા. એક પત્રમાં તેણે તેમને ‘ધન્યવાદ’ આપ્યા હતા, જ્યારે બીજો નિયુક્તિનો પત્ર હતો. તેમાં તેમની વિશ્વવિદ્યાલયના સંગીત વિભાગના સંચાલક તરીકે નિમણૂક કરી હોવાનું કહેવડાવ્યું હતું. પંડિત ઓંકારનાથ ઠાકૂરે મુસોલિનીનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં; કારણકે તેમને પોતાની માતૃભૂમિમાં પાછું જવું હતું.
ત્યાર પછી મુસોલિનીએ ઠાકૂરને મહેમાન તરીકે કેટલાક દિવસ રોકી લીધા. ઠાકૂરે પ્રસ્તુત કરેલા જુદા જુદા રાગના સમયે મુસોલિનીને વિવિધ અનુભૂતિઓ પણ થઈ. એક દિવસ ઠાકૂરે મુસોલિની સામે રાગ ‘છાયાનટ’ ગાયો. ત્યારે મુસોલિનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. મુસોલિનીને કહેવું પડ્યું, ‘મારા જીવનમાં આટલું સારું મેં કદીપણ અનુભવ્યું નહોતું.’ (ભારતીય સંગીતનો એક રાગ સાંભળતી વેળાએ મુસોલિની જેવા વિશ્વના સૌથી ક્રૂર હુકુમશાહની આંખોમાં આંસુ આવે છે, તેના પરથી ભારતીય સંગીતની અલૌકિકતા ધ્યાનમાં આવે છે ! – સંપાદક)
કાલાંતરે પંડિત મદનમોહન માલવીયએ કાશી હિંદુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી. આ વિશ્વવિદ્યાલયમાં જ્યારે સંગીત અને કલા વિભાગની સ્થાપના થઈ, ત્યારે પંડિત ઓંકારનાથ ઠાકૂર વિભાગના પ્રથમ અધિષ્ઠાતા બન્યા. એક કલાકાર અને શિક્ષક જ નહીં, જ્યારે પ્રશાસક તરીકે પણ તેમણે અપાર કીર્તિ મેળવી.