‘એક જંગલમાં એક સંત તેમની ઝૂંપડી બનાવીને રહેતા હતા. એક કિરાત (ભીલ) શિકારી જ્યારે પણ ત્યાંથી પસાર થતો, ત્યારે તે સંતને હંમેશાં નમસ્કાર કરતો. એક દિવસ તે કિરાતે સંતને કહ્યું ‘‘બાબા, હું તો મૃગનો (હરણનો) શિકાર કરું છું. આપ કોનો શિકાર કરવા અહીં બેઠા છો ?’’ સંત બોલ્યા, ‘‘શ્રીકૃષ્ણનો !’’ અને તેમની આંખોમાંથી આંસુ આવવા માંડ્યા. કિરાત બોલ્યો, ‘‘બાબા, આપ શા માટે રુદન કરો છો ? મને કહો તે દેખાવે કેવો છે ? હું તેને પકડીને લઈ આવું.’’ સંતે ભગવાન શ્રીકૃષ્ણનું સુંદર વર્ણન કરીને કિરાતને કહ્યું, ‘‘તેનો વર્ણ શ્યામ છે, તે મસ્તક પર મોરનું પીછું લગાડે છે, વાંસળી વગાડે છે’.
કિરાત બોલ્યો, ‘‘બાબા, જ્યાં સુધી હું તમારો શિકાર પકડીને લાવું નહીં, ત્યાં સુધી હું પાણી પણ પીશ નહીં.’’ ત્યાર પછી તે એક ઠેકાણે જાળ બિછાવીને બેઠો. પ્રતીક્ષા કરતા કરતા ૩ દિવસ વીતી ગયા. દયાળુ ભગવાનને કિરાતની દયા આવી. શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા આવ્યા અને સ્વયં પેલી જાળમાં ફસાયા. શ્રીકૃષ્ણનું એ રૂપ જોઈને કિરાત સ્વયં જ તેમના મોહની રૂપમાં અટવાયો. એકીટશે શ્યામસુંદરને નિહાળતા રહેવાથી તેની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા, તે પોતાનું અસ્તિત્વ ભૂલી ગયો. તેની ચેતના જાગૃત થઈ, ત્યારે તે જોર-જોરથી બૂમાબૂમ કરવા લાગ્યો. ‘શિકાર મળી ગયો’, ‘શિકાર મળી ગયો’, ‘શિકાર મળી ગયો’.
શ્રીકૃષ્ણ ભગવાન તેના ભણી મલકાઈને મંદ હાસ્ય વેરતા નિહાળતા હતા. કિરાત જાણે શિકાર મળ્યો હોય તેવી રીતે શ્રીકૃષ્ણને ખભા પર ઊંચકીને સંત પાસે લઈ આવ્યો. શ્રીકૃષ્ણ જાળમાં મંદ હાસ્ય વેરતા હોવાનું દ્રશ્ય જોઈને તે સંત ભાન ગુમાવી બેઠા. તેમણે કિરાતના પગે પડીને દંડવત પ્રણામ કર્યા. તેમણે કંપિત સ્વરમાં શ્રીકૃષ્ણને કહ્યું, ‘‘હે નાથ, મેં બાળપણથી આટલા પ્રયત્નો કર્યા. આપને પામવા માટે ઘરબાર છોડી, ભજન કર્યા. પણ આપ મળ્યા નહીં અને આને કેવળ ૩ ત્રણ દિવસમાં જ મળ્યા.’’ ભગવાને કહ્યું, ‘‘આનો તમારા પ્રત્યે રહેલો અમર્યાદ પ્રેમ અને આપેલા વચન પરનો અટલ વિશ્વાસ જોઈને મને એની પાસે આવ્યા વિના રહેવાયું નહીં.’’ પરમેશ્વર તો ભક્ત અર્થાત્ સંતને અધીન હોય છે. કિરાતને ‘પરમેશ્વર શું હોય છે?’, એ પણ જ્ઞાત નહોતું; પરંતુ તે સંતને પ્રતિદિન નમસ્કાર કરતો હતો. સંતોને નમસ્કાર કરવાનું અને સંતદર્શનનું ફળ એ છે કે, તેને ૩ દિવસમાં પરમેશ્વરના દર્શન થયા.
– પ્રેષક : શ્રી વિજય અનંત આઠવલે