અનુક્રમણિકા
- ૧. સંગીતનો અભ્યાસ કરવાનું મહત્ત્વ
- ૨. સંગીતના અભ્યાસની ક્રિયાઓ
- ૩. સંગીતનો અભ્યાસ કરવાનો સમયગાળો
- ૪. સંગીતનો અભ્યાસ કરવાથી થનારા લાભ અભ્યાસ કરતી વેળાં નીચે જણાવેલા તબક્કામાં સફળતા મળે છે.
- ૫. ‘સ્વયંનો અભ્યાસ અને સારું સંગીત સાંભળવું’, આ પણ સંગીતના અભ્યાસનો જ એક ભાગ હોવો
- ૬. સંગીતનો અભ્યાસ અને દિનચર્યામાંની અન્ય ક્રિયાઓ વચ્ચે પરસ્પર મેળ હોવો જોઈએ !
- ૭. ગુરુનું માર્ગદર્શન આવશ્યક
- ૮. વિવિધ કળાઓમાં ગાયનકળાનું ઈશ્વરપ્રાપ્તિ કરવા માટેનું મહત્ત્વ
૧. સંગીતનો અભ્યાસ કરવાનું મહત્ત્વ
‘સંગીત એ ઈશ્વરની દેણગી (દાન) છે. ‘જેના પર ઈશ્વરની કૃપા છે, તે ગાઈ શકે છે’ એમ કહેવામાં આવે છે; પરંતુ ઈશ્વરે સહુને પોતાના ક્રિયમાણ થકી પોતાનું સ્વપ્ન સાકાર કરવાની શક્તિ આપી છે. તમારો અવાજ ભલે સાધારણ હોય, તો પણ કસીને અભ્યાસ કરવાથી કેવળ તમારા અવાજમાં જ પરિવર્તન થવાને બદલે, એ અવાજ સંગીતમાંની ઊંચાઈ આંબી શકે છે.
૨. સંગીતના અભ્યાસની ક્રિયાઓ
નીચે કેટલીક કૃતિ (ક્રિયાઓ) આપેલી છે. તે અનુસાર તબક્કાવાર અભ્યાસ કરી શકો છો.
૨ અ. ‘ૐ’કારનો અભ્યાસ
સંગીત શીખતી વેળાં આરંભના ત્રણ મહિના ઓછામાં ઓછું ૩૦ મિનિટ સુધી ‘ષડ્જ’ (સાના) સ્વરમાં ‘ૐ’કાર લગાડીને તેનો અભ્યાસ કરવો.
૨ આ. સરગમ અને આરોહ-અવરોહનો અભ્યાસ
૧. અભ્યાસ કરવા માટે અધિક સમય ઉપલબ્ધ હોય તો ‘ૐ’કારનો અભ્યાસ કર્યા પછી ૫ મિનિટ વિશ્રામ લઈને પછી સરગમ, આરોહ-અવરોહનો ધીમી ગતિમાં ૩૦ મિનિટ અભ્યાસ કરવો. આ અભ્યાસ કરતી વેળાએ સ્વર-ઉચ્ચાર ધીમેથી કરવો. ઉતાવળ કરવી નહીં.
૨. ‘સરગમ’નો અભ્યાસ કરતી વેળાં ‘સ્વર અચૂક આવે છે કે કેમ ?’, એ ભણી પૂરેપૂરું ધ્યાન આપવું. સ્વર જો વ્યવસ્થિત લાગતા ન હોય, તો તે લગાડવા માટે ફરી-ફરીથી પ્રયત્ન કરવો. સંગીતમાં ચિકાટી મહત્ત્વની છે. સંગીત શીખવાના આરંભના સમયગાળામાં પુષ્કળ સંયમ હોવો જોઈએ.
૨ ઇ. ખરજના (ષડ્જના) સ્વરોનો અભ્યાસ
સંગીત અભ્યાસમાં ખરજના (ષડ્જના) સ્વરોનો (સંગીતના સપ્તસ્વરોમાંના પહેલા સ્વરનો) અભ્યાસ સહુથી સારો ગણવામાં આવે છે. ખરજનો અભ્યાસ કરવાથી સ્વરોમાં ઊંડાઈ આવે છે. અને સ્વર ઊંચા લયમાં ગાવાની (તાર સપ્તકમાં ગાવાની) ક્ષમતા નિર્માણ થાય છે. ખરજમાંના સ્વર કેળવવાનું થોડું આકરું છે, પણ ખરજમાંના સ્વર ગાવાનો અભ્યાસ પરોઢિયે ૫ થી ૬ સમયમાં કરવામાં આવે, તો તે સમયે સ્વરનો આલાપ કરવાનું સરળ થાય છે. સારા ગાયક માટે કોઈપણ સપ્તકમાં ગાઈ શકવું આવશ્યક છે અને તે આવડવા માટે ‘ખરજમાંનો અભ્યાસ કરવો’ એ એકમાત્ર ઉપાય છે. તેથી આ અભ્યાસ મનઃપૂર્વક પ્રતિદિન સ્વયંશિસ્ત પાળીને અને સાધના તરીકે કરવો આવશ્યક છે.
૨ ઈ. અભ્યાસ કરીને પોતાની શારીરિક ક્ષમતા સંપૂર્ણ રીતે કેવી રીતે વિકસાવવી ?
પ્રતિદિન ઓછામાં ઓછું ૩૦ મિનિટ સુધી પ્રાણાયામ કરવો. ગાયન કરતી વેળાં ચાર અલગ અલગ સપ્તક શરીરના ‘પેટ, ફેફસાં, ગળું અને મસ્તકનો ઉપરનો હિસ્સો’, આ ચાર હિસ્સાઓ સાથે જોડવાં. પ્રતિદિન ભસ્ત્રિકા, ભ્રામરી અને કપાલભાતિ જેવા પ્રાણાયામ કરવામાં આવે, તો તમારામાં લક્ષણીય પરિવર્તન થયેલું દેખાશે. આ તમે સ્વયં કૃતિ (ક્રિયા) કરીને અનુભવી શકો છો
૩. સંગીતનો અભ્યાસ કરવાનો સમયગાળો
૩ અ. સંગીતનો અભ્યાસ કેટલો સમય અને ક્યાં સુધી કરવો ?
ઘણીવાર સંગીત શીખનારાં ‘સંગીતનો અભ્યાસ કેટલો સમય અને ક્યાં સુધી કરવો ?’, એમ પૂછતાં હોય છે. ‘સાચા સંગીત શીખનારાનો અભ્યાસ ક્યારેય પૂર્ણ થતો નથી અને કેટલોય અભ્યાસ કર્યો હોય, તો પણ તે ક્યારેય વધુ પ્રમાણમાં નથી હોતો’, આ વરસોવરસથી ચાલી આવતું સત્ય છે.
૩ આ. અભ્યાસ કરવા દરમ્યાન વિશ્રામનો સમયગાળો
તમે પ્રતિદિન સમય ફાળવીને પરિણામકારી અભ્યાસ કરતા હોવ, તો ૧૦ થી ૧૫ દિવસ સળંગ અભ્યાસ કર્યા પછી એક દિવસનો વિશ્રામ કરી શકો છો. એમ કરવાથી શરીરમાં નિર્માણ થયેલાં સર્વ તણાવ દૂર થાય છે અને ગાયનનો અભ્યાસ કરવાની મહેનત આગળ ચાલુ રાખવા માટે અધિક શક્તિથી તમે સજ્જ થાવ છો.
૩ ઇ. સ્વરોનો અભ્યાસ કરવાનો સમયગાળો
અભ્યાસ કરતી વેળાએ જો યોગ્ય સ્વર લાવવા માટે પુષ્કળ મહેનત કરવી પડતી હોય તો ત્યાં સુધી કેવળ સ્વરોનો અભ્યાસ કરવા પર ભાર મૂકવો જોઈએ. ગાયન અથવા રાગ આલાપ કરવાની ક્રિયા કરવી નહીં. જ્યારે સરગમ, આરોહ-અવરોહનો આલાપ કરતી વેળાં સૂરોમાં સહજતા હશે, બાહ્ય કોઈપણ બાબતોનો આધાર લીધા વિના જો સ્વર યોગ્ય રીતે સાંભળી શકાતા હોય, ત્યારે સમજવું કે, આપણે આગળના તબક્કામાં, એટલે જ કે, રાગનો આલાપ કરવા ભણી અગ્રેસર થઈ શકીએ છીએ.
૪. સંગીતનો અભ્યાસ કરવાથી થનારા લાભ અભ્યાસ કરતી વેળાં નીચે જણાવેલા તબક્કામાં સફળતા મળે છે.
અ. શ્વાસની શક્તિ અને અંકુશ સ્થિર થાય છે.
આ. ગળાના કોષોમાં ગાયનના ચઢ-ઉતારમાંનો તણાવ સહજતાથી ખમવાની ક્ષમતા નિર્માણ થાય છે.
ઇ. કાન અને મગજ સ્વરોને કુદરતી રીતે ઓળખવામાં સક્ષમ બને છે.
ઈ. મન અને આંતરિક વિચાર-પ્રક્રિયાના કારણે ગાવા માટે આવશ્યક હોય એવી ધીરજ, એકાગ્રતા, પવિત્રતા અને સકારાત્મકતા નિર્માણ થાય છે.
સારો ગાયક બનવા માટે આ ચારેય તબક્કામાંથી સ્વયંને વિકસિત કરવું આવશ્યક છે.
૫. ‘સ્વયંનો અભ્યાસ અને સારું સંગીત સાંભળવું’, આ પણ સંગીતના અભ્યાસનો જ એક ભાગ હોવો
અભ્યાસ કરવામાં સ્વયંનો અભ્યાસ કરવા માટે કહેલું છે, તેમજ ‘સારું સંગીત સાંભળવું’ એ પણ અભ્યાસનો એક ભાગ છે, તેથી સારાં ગાયકોનું શાસ્ત્રીય સંગીત સાંભળવું. (માહિતી પ્રદાન કરનારી ચૅનલો પરનું (ઇંટરનેટ પરનું) અથવા ધ્વનિમુદ્રિત કરેલી ગોળ નાની તક્તી પરનું સારું સંગીત સાંભળી શકો છો.) સંગીત સાંભળીને તે મનમાં ઉતારવાથી તે રીત થકી મનની એક વિચારપ્રક્રિયા નિશ્ચિત થાય છે.
૬. સંગીતનો અભ્યાસ અને દિનચર્યામાંની અન્ય ક્રિયાઓ વચ્ચે પરસ્પર મેળ હોવો જોઈએ !
અભ્યાસ કરવા માટે તમારી દિનચર્યા અતિશય પરિશ્રમયુક્ત, તણાવયુક્ત અને આકરી બનાવશો નહીં. એમ કરવાથી તમને અભ્યાસ કરવામાં સફળતા મળશે નહીં. તેથી સંગીત શીખવાની સાથે સાથે અન્ય બાબતોમાં સહજતા અને સંતુલન હોવું જોઈએ.
૭. ગુરુનું માર્ગદર્શન આવશ્યક
ઉપર જણાવેલાં સર્વ સૂત્રો આચરણમાં લાવતી વેળાએ ગુરુનું માર્ગદર્શન ઘણું આવશ્યક છે. સંગીતમાંના સરગમ, આલાપ આદિનો અભ્યાસ કેટલાક વર્ષો સુધી ગુરુના માર્ગદર્શન હેઠળ કરવો એ અત્યંત આવશ્યક છે.
૮. વિવિધ કળાઓમાં ગાયનકળાનું ઈશ્વરપ્રાપ્તિ કરવા માટેનું મહત્ત્વ
‘પૃથ્વી, આપ તેજ, વાયુ અને આકાશ આ ચડતાં ક્રમમાં રહેલાં પંચતત્ત્વોમાંથી તત્ત્વ જેટલું ઉચ્ચ સ્તરનું હોય, તેટલું તેમાંથી ઈશ્વરની અનુભૂતિ થવાનું પ્રમાણ અધિક હોય છે. એનું કારણ એટલે તત્ત્વ જેટલા ઉચ્ચ સ્તરનું હોય, તો તેટલું તે વધુમાં વધુ નિર્ગુણ સ્તર ભણી ઝુકે છે. ઈશ્વર એ નિર્ગુણ હોવાથી નિર્ગુણમાંના ઈશ્વરની અનુભૂતિ નિર્ગુણ સ્તરના પંચતત્ત્વના કારણે સહજતાથી થઈ શકે છે. આ જ તત્ત્વ કળા માટે પણ લાગુ પડે છે. પ્રત્યેક કળા એ ઈશ્વરપ્રાપ્તિ માટે છે. કળાનું વર્ગીકરણ પણ પંચતત્ત્વ અનુસાર કરી શકાશે. ચિત્રકળા અને મૂર્તિકળા આ કળાઓમાં રૂપ હોવાથી તે તેજતત્ત્વ સાથે સંબંધિત છે. વાંસળીમાં હવા ફૂંકીને વગાડવામાં આવતી હોવાથી તે મુખ્યત્વે વાયુતત્ત્વ પર આધારિત છે. ગાયનકળા એ પૂરી રીતે આકાશ તત્ત્વ પર આધારિત છે. વાદ્યોની જેમ તે કળામાં આઘાત કરવાની અથવા તાર જોર-શોરથી વગાડવાની આવશ્યકતા હોતી નથી. તેથી કરીને ગાયન કળા સત્ત્વગુણયુક્ત પણ છે; તેથી અન્ય કળા કરતાં ગાયન કળા દ્વારા ઈશ્વરપ્રાપ્તિ સહજતાથી થઈ શકે છે.’ – (પૂ.) ડૉ. મુકુલ ગાડગીળ, ગોવા. (૧૨.૧૧.૨૦૧૭)