સ્‍થૂલતા (લઠ્ઠતા) ઓછી કરવા માટે આયુર્વેદિક ઉપચાર

Article also available in :

સ્‍થૂલતા (લઠ્ઠતા) ઓછી કરવા માટે પ્રતિદિન વ્‍યાયામ કરવો, ઔષધિઓથી મર્દન (માલીશ) કરવું, યોગ્‍ય આહાર લેવો, તેમજ ઔષધિઓ પણ લેવી. આ સર્વ સ્‍તર પર પ્રયત્ન કરવાથી શરીરમાં સંગ્રહિત અનાવશ્‍યક મેદ (ચરબી) ઓછો થાય છે. આ વિશેનું વિવેચન આગળ આપ્‍યું છે.

વૈદ્ય મેઘરાજ પરાડકર

 

૧. વ્‍યાયામ

૧ અ. પથારીમાં અથવા ભૂમિ પર આળોટવું

સવારે પથારીમાં રહીને જ નીચે જણાવ્‍યા પ્રમાણે વ્‍યાયામ કરવો. પીઠ પર સૂઈને બન્‍ને બાવડાં (ખભાથી કોણી સુધી) કાન પાસે રાખીને હાથ સીધા ઉપર લેવા. બન્‍ને હાથની આંગળીઓ એકમેકમાં ભેરવવી. આ સ્‍થિતિમાં પડખું ફરીને પથારીના એક છેડાથી બીજા છેડા સુધી અને બીજા છેડાથી ફરી પહેલા છેડા સુધી ૧ – ૨ મિનિટ આળોટવું. જો પથારી નાની હોય તો ભૂમિ પર આળોટીને આ વ્‍યાયામ કરવો. આ વ્‍યાયામ કરવો જો ઊઠ્યા પછી તરત જ કરવો સંભવ ન હોય, તો અન્‍ય વ્‍યાયામ કરતી વેળાએ કરવો.

સવારે શૌચ જઈ આવ્‍યા પછી નીચે જણાવેલામાંથી શક્ય હોય તેટલા વ્‍યાયામ શરીરમાં રહેલી ઊર્જા કરતાં અર્ધી ઊર્જાથી કરવા. વ્‍યાયામ કરતી વેળાએ મોઢેથી શ્‍વાસ લેવાનું ચાલુ થાય, ત્‍યારે અર્ધી શક્તિ વપરાઈ ગઈ, એમ સમજવું. હજી વધારે વ્‍યાયામ કરવો હોય, તો થોડું થોભીને શ્‍વાસ પાછો નાક દ્વારા વ્‍યવસ્‍થિત ચાલુ થયા પછી કરવો. વ્‍યાયામ ૫ મિનિટથી આરંભ કરીને તબક્કાવાર વધારવો. વ્‍યાયામની ટેવ પડ્યા પછી પ્રતિદિન ઓછામાં ઓછો ૨૦ મિનિટ વ્‍યાયામ કરવો.

૧ આ. પેટ અંદર-બહાર કરવું

ઊભા રહીને અથવા બેસીને ૧૫ થી ૨૦ વાર આ કૃતિ કરવી.

૧ ઇ. સૂર્યનમસ્‍કાર

સૂર્યદેવને પ્રાર્થના કરીને સૂર્યનમસ્‍કાર કરવા. એક નમસ્‍કારથી પ્રારંભ કરીને પ્રતિદિન એકેક નમસ્‍કાર વધારતા જવું. આ રીતે નિયમિત રીતે ઓછામાં ઓછા ૧૨ સૂર્યનમસ્‍કાર કરવા.

સૂર્યનમસ્કાર વિશેની અધિક જાણકારી માટે જુઓ :

https://www.sanatan.org/gujarati/6530.html 

૧ ઈ. ભુજંગ દંડ

આ દંડને કારણે સ્‍થૂળ પેટ પૂર્વવત્ થવું, તેમજ ભૂખ ન લાગવી, પેટ સાફ ન થવું જેવા પેટના વિકાર દૂર થવામાં સહાયતા થાય છે.

૧ ઈ ૧. ભુજંગ દંડ કરવાની કૃતિ

અ. ભૂમિ પર ગોઠણ ટેકવીને બેસવું. પાવલાં એકમેકને સ્‍પર્શ કરીને રાખવા.

આ. ટેકવેલા ગોઠણથી આગળ એક હાથ અને ૧ વેંત અંતર પર હથેળીનો કાંડા પાસેનો ભાગ ટેકવવો. (કોણીથી હાથની વચલી આંગળીની ટોચ સુધીનું અંતર એટલે ૧ હાથ અંતર. હાથનો અંગૂઠો અને ટચલી આંગળી વધારેમાં વધારે દૂર કર્યા પછી બન્‍ને આંગળીઓની ટોચમાંનું અંતર એટલે એક વેંત અંતર.)

ઇ. બન્‍ને હથેળીઓમાં ૧ હાથ અંતર હોવું.

ઈ. મૂળસ્‍થિતિ : પગના તળિયા ભૂમિને પૂર્ણ રીતે ટેકવવા. કટિ (કમર) બને તેટલી ઊંચી કરીને હાથ અને પગ ક્રમવાર કોણી અને ગોઠણમાંથી વાળ્યા વિના સીધા રાખવા અને માથું તેમજ પીઠ હાથની રેખામાં લેવા. આ સ્‍થિતિમાં શરીર પર્વત જેવું દેખાશે. (આકૃતિ ૧ જુઓ.)

આકૃતિ ૧

ઉ. હવે હાથ કોણીમાંથી વાળીને પ્રથમ માથું અને છાતી નીચે લઈને પછી સંપૂર્ણ શરીર નીચે લેવું અને માથું આગળથી ઊંચે કરીને પછી બને તેટલું પાછળ લઈને આકાશ ભણી જોવું અને છાતી આગળ લેવી. આ સ્‍થિતિમાં શરીર ફેણ કાઢેલા નાગ જેવું દેખાય છે, તેથી આ દંડને ભુજંગ દંડ કહે છે. (આકૃતિ ૨ જુઓ)

આકૃતિ ૨

ઊ. ફરીવાર કમર પહેલાંની જેમ ઉપર ઊંચકીને મૂળ સ્‍થિતિમાં આવવું. મૂળ સ્‍થિતિથી અહીંયા સુધી ૧ દંડ પૂર્ણ થાય છે. આ દંડ ઝડપથી ૫ થી ૧૦ વાર કરવા. એક દંડથી આરંભ કરીને પોતાની ક્ષમતા અનુસાર દંડની સંખ્‍યા વધારવી.

 

૨. મર્દન (માલિશ)

પ્રતિદિન સ્‍નાન પહેલાં મર્દન કરવું. મર્દન કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવી ઔષધિઓની સૂચિ નીચે જણાવી છે. તેમાંનું કોઈપણ એક ઔષધ, જે સંભવ છે અને સગવડભર્યું હોય, તે વાપરવું. મર્દન કરવાથી શરીરમાંનો મેદ (ચરબી) પાતળો થઈને ઓછો થવા લાગે છે. જે ભાગમાં મેદનો વધારે સંગ્રહ થયો છે, તે ભાગ પર વધારે સમય, અર્થાત્ ઓછામાં ઓછું ૫ મિનિટ મર્દન કરવું. મર્દન પ્રતિદિન ભૂલ્‍યા વિના કરવું. આ મર્દન ઓછામાં ઓછું ૧૦૦ દિવસ કરવું પડે છે. મર્દન કર્યા પછી બને તો સ્‍નાન સમયે સાબુ ન લગાડવો. શરીર લૂછવાનો પંચિયો અને કપડાં તેલવાળા ન થાય તે માટે નીચે જણાવેલાં ચૂર્ણ વાપરવા.

૨ અ. મર્દન કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવા ચૂર્ણો

નીચે જણાવેલી ઔષધિઓમાંથી કેટલીક ઔષધિઓ કોરા ચૂર્ણના સ્‍વરૂપમાં છે. તે શરીર પર ચોળતા પહેલાં શરીર પર તલના અથવા કોપરાના તેલથી મર્દન કરવું. ત્‍યાર પછી આ કોરા ચૂર્ણ શરીર પર ચોળવા. રસ અથવા તેલ સ્‍વરૂપમાં રહેલી ઔષધિઓથી મર્દન કરવા પહેલાં તલનું અથવા કોપરાનું તેલ લગાડવાની આવશ્‍યકતા નથી; પણ શરીરે લગાડેલું વધારાનું તેલ નીકળી જાય, તે માટે તેલ લગાડ્યા પછી નીચે જણાવેલા ચૂર્ણમાંથી એક કોરું ચૂર્ણ શરીર પર ચોળવું.

૧. લિંબુ, સંતરા અથવા મોસંબીની છાલની ભૂકી : છાલના નાના નાના ટુકડા કરીને તે તડકે સૂકવવા. સૂકાઈ ગયા પછી મિક્સરમાં વાટીને તેની ઝીણી ભૂકી કરવી. એક સમયે ૧ – ૨ ચમચી ભૂકી વાપરવી.

૨. સૂકાવેલી ચાના કૂચાની ભૂકી : ચા ગાળી લીધા પછીનો કૂચો (નિચોવણ) લેવો. તેમાં ખાંડ ભળેલી હોય છે. તેથી કૂચામાં પાણી રેડીને હલાવીને તે ફરી ગાળી લેવો. તેથી ખાંડનો અંશ નીકળી જશે. ચા બનાવતી વેળાએ પહેલા ખાંડ નાખવાને બદલે ચા ગાળી લીધા પછી ખાંડ નાખતા હોવ, તો કૂચામાં ખાંડ ભળતી નથી. આ કૂચો તડકામાં સૂકવીને તેની ઝીણી ભૂકી કરવી. એક સમયે ૧ – ૨ ચમચી ભૂકી વાપરવી.

૩. ૪ ચમચી ચણાનો લોટ, અર્ધી ચમચી હળદરની ભૂકી અને પા ચમચી કપૂરની  ભૂકીનું  મિશ્રણ

૪. ૪ ચમચી તુવેરની દાળનો અથવા કળથીનો લોટ અને ૧ ચમચી લિંબુના રસનું મિશ્રણ

૫. મૂળો, ભાંગરો, ટાકળાનાં પાન, દાડમના પાન અથવા સંતરાનાં ફૂલનો અડધી વાટકી તાજો રસ

૬. કરડનો રસ ઉકાળીને ઓછો કરીને બનાવેલું તેલ : અડધી વાટકી કરડના તેલમાં અડધી વાટકી કરડની શાકભાજી વાટીને કાઢેલા રસનું મિશ્રણ કેવળ તેલ બાકી રહે, ત્‍યાં સુધી ઉકાળવું. આ તેલ ઠંડું થઈ જાય પછી ગાળીને બાટલીમાં ભરી રાખવું. આ તેલથી સર્વાંગને મર્દન કરીને તરત જ સ્‍નાન કરવું. આ તેલ લગાડ્યા પછી જો ખંજવાળ આવતી હોય, તો આ ઉપચાર કરવો નહીં. આ તેલ આંખોમાં જવા ન દેવું નહીંતર આંખોમાં ખંજવાળ આવવી, બળતરા થવી, દુખવી, પાણી વહેવા જેવી સમસ્‍યાઓ નિર્માણ થઈ શકે છે. તેલનાં જો દુષ્‍પરિણામ ન થાય, તો ઉપર જણાવેલી પદ્ધતિ અનુસાર પૂરતા પ્રમાણમાં તેલ બનાવીને તે વાપરવું.

૭. ટાકળાનું તેલ : ૧ લોટો (૧ લિટર) તલના તેલમાં ટાકળાની શાકભાજીનો પૂરતા પ્રમાણમાં પાણી નાખીને વાટીને કાઢેલો ૧ લોટો રસ ભેળવીને આ મિશ્રણ કેવળ તેલ બાકી રહે ત્‍યાં સુધી ઉકાળવું. આ તેલ ઠંડું થઈ ગયા પછી બાટલીમાં ભરી રાખવું.

 

૩. ઔષધિઓ

પ્રતિદિન સવારે નયણે કોઠે નીચે જણાવેલામાંથી કોઈપણ એક ઔષધ લેવું. મધુમેહ ધરાવતી વ્‍યક્તિઓએ મધને બદલે નવશેકું પાણી વાપરવું. સળંગ ૧ માસ ૧ ઔષધનો ઉપયોગ કરીને લાભ ન થાય, તો સૂચિમાંનું બીજું ઔષધ ૧ માસ વાપરવું.

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, ગોવા. (૨૦.૫.૨૦૧૬) (સંદર્ભ: આપત્‍કાળ વિશેની સનાતનની આગામી ગ્રંથમાલિકા)

૧. મેથી, અજમો અને વરિયાળીનું સમભાગ રહેલું ૧ ચમચી ચૂર્ણ ૧ કપ ગરમ પાણીમાં પીવું.

૨. નવક ગુગ્‍ગુળ અથવા કાંચનાર ગુગ્‍ગુળ આ ઔષધિઓની ૪ ગોળીઓ અડધો કપ ગોમૂત્ર અથવા ગરમ પાણી સાથે લેવી.

 

૪. આહાર

ભોજનમાં ભાત, રોટલો ઇત્‍યાદિ પૂર્ણ બંધ કરીને કેવળ શાકભાજી ખાવા તે ભૂલભરેલું છે. આહારમાં ગળ્યા, ખાટાં, ખારાં, તીખાં, કડવા અને તૂરાં આ છયે રસોનો સમાવેશ હોવો જોઈએ. તેમાંથી ગળ્યા, ખાટાં અને ખારાં પદાર્થો તુલનામાં ઓછા ખાવા. તે પૂર્ણ રીતે બંધ કરવા નહીં.

૪ અ. પરેજી (આ ખાવું)

આહારમાં જવ (સાતુ), મગ, કળથી, છાસ, ટાકળાની લીલી ભાજી, સરગવાની શીંગો, પંડોળા, ગલકાં, ભોલર મરચાં, આ પદાર્થ અનાવશ્‍યક ચરબી ઓછી કરે છે. તેથી આ પદાર્થોનો આહારમાં વધારેમાં વધારે સમાવેશ કરવો.

મેદસ્‍વી વ્‍યક્તિઓને ભૂખ વધારે લાગે છે. આવા સમયે મેદ ન વધારનારા અને ભૂખ નિવારણ કરનારા પદાર્થો નીચે આપ્‍યા છે. આ સૂચિમાંના પોતાની પસંદના એક સમયે ૧ – ૨ પદાર્થો લેવા. પ્રતિદિન એકજ પદાર્થ ખાઈને કંટાળો આવે છે. એકાદ પદાર્થનો કંટાળો આવે કે સૂચિમાંનો અન્‍ય પદાર્થ પસંદ કરવો.

૧. પાકેલા ટમેટાં

૨. ગલકાંનું શાક

૩. સારી રીતે સેકેલા ધોળાશ પડતા રંગનાં શીંગદાણા (લાલ રંગનાં શીંગદાણામાં સ્‍નિગ્‍ધાંશ વધારે, જ્‍યારે ધોળાશ પડતા શીંગદાણામાં સ્‍નિગ્‍ધાંશ ઓછો હોય છે; તેથી ધોળાશ પડતા રંગના શીંગદાણા ખાવા.)

૪. સફરજન

૫. પલાળેલા મગ અથવા મગનું શાક (કઠોળ)

૬. કળથીનું શાક (કઠોળ) અથવા કળથીનો ખારો, મીઠો પેય

૭. કળથી અને પંડોળાનું સૂપ : ૧ ભાગ કળથી અને ૧૦ ભાગ પંડોળા કુકરમાં ચડાવીને તે મિક્સરમાં વાટવું. તેમાં ૧ ચમચી જીરૂં, પા ચમચી તજ, અડધી ચમચી અજમો અને સ્‍વાદ પૂરતું સૈંધવ મીઠું નાખવું.

૮. ટાકળાના કૂણાં પાન બાફીને કરેલું શાક અને સામો અથવા સેકેલા સર્વ લોટના મિશ્રણનો રોટલો

૯. બાજરાનો રોટલો, ડુંગળી અને લસણ

૪ આ. અપરેજી (આ કરવું નહીં)

પેટભરીને ભોજન, વારેઘડીએ ખાવું, તળેલા પદાર્થ ખાવા, માંસાહાર, વધારે પડતું પાણી પીવું, ફ્રીજમાંનું ઠંડું પાણી પીવું, ભોજન કરી લીધા પછી પાણી પીવું, બપોરે ઊંઘવું અને આરામખુરશીમાં બેસવું.

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, ગોવા. (૨૦.૫.૨૦૧૬)

સંદર્ભ : આપત્‍કાળ વિશેની સનાતનની આગામી ગ્રંથમાલિકા

Leave a Comment