અનુક્રમણિકા
૧. આયુર્વેદ અનુસાર
આયુર્વેદના મૂળ સંસ્કૃત ગ્રંથોમાં હાથપગને ‘તેલ ઉપરથી નીચે (ખભા અથવા સાથળથી આંગળી સુધી) લગાડવું કે નીચેથી ઉપર (આંગળીથી ખભા કે સાથળ સુધી) લગાડવું, એ સંદર્ભમાં કોઈપણ ઉલ્લેખ મળતો નથી. આયુર્વેદમાં ‘अनुसुखं मर्दयेत्’ એટલે ‘જે પદ્ધતિથી માંદા માણસને સારું લાગે, તે પદ્ધતિથી મર્દન કરવું’, એવું કહેવામાં આવ્યું છે.
૨. વ્યવહારમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિ
વ્યવહારમાં હાથપગને ઉપરથી નીચે અને નીચેથી ઉપર એવી બન્ને રીતથી તેલ લગાડવાની પદ્ધતિ છે. બન્ને પ્રકારમાં રુધિરાભિસરણ પર વિશેષ ફેર પડતો નથી. નીચેથી ઉપર તેલ લગાડવાથી નસમાંનું લોહી હૃદયની દિશામાં ધકેલાઈ જાય છે. ઉપરથી નીચે તેલ લગાડવાથી ધમનીઓમાંના લોહીને ગતિ મળે છે અને તે આગળ નસ દ્વારા હૃદયની દિશામાં ધકેલાય છે.
૩. શરીરશાસ્ત્ર અનુસાર બન્ને પ્રકારથી તેલ લગાડવાના સંદર્ભમાં વિવેચન
૩ અ. નીચેથી ઉપર તેલ લગાડવું
૧. આ પદ્ધતિમાં શરીરના વાળની વિરુદ્ધ દિશામાં તેલ લગાડવામાં આવે છે. તેથી ઓછું તેલ લગાડતી વેળાએ ઘર્ષણના કારણે એકાદ વાળનાં મૂળ ખેંચાઈ જઈને કેસતોડ (વાળના મૂળમાં થતું ગૂમડું) થવાની શકયતા હોય છે; પણ તેલ વધારે લગાડવાથી ઘર્ષણ થતું નથી અને એવી શક્યતા ઓછી રહે છે.
૨. નસો ફુલેલી હોય (વેરિકોઝ વેન્સ આ વિકાર હોય) તો હળવા હાથે નીચેથી ઉપર તેલ લગાડવાથી નસોમાં ભેગું થયેલું લોહી આગળ ધકેલવામાં સહાયતા થાય છે. આ વિકારમાં નસો પર દબાણ આપવું નહિ.
૩. હાથપગમાં માંસપેશીઓના તંતુઓની રચના ઉપરથી નીચેની દિશામાં હોય છે. એની વિરૂદ્ધ દિશામાં તેલનું મર્દન કરવાથી માંસપેશીઓના તંતુઓ તણાય છે અને તેમને દૃઢત્વ પ્રાપ્ત થવામાં સહાયતા થાય છે.
૪. એક મત પ્રમાણે આ દિશામાં તેલ લગાડવાથી તે રોમરંધ્રોમાંથી (શરીરપરના વાળનાં મૂળમાંથી) શરીરમાં વધારે પ્રમાણમાં શોષાઈ જાય છે.
૩ આ. ઉપરથી નીચે તેલ લગાડવું
૧. આ પદ્ધતિમાં શરીરના વાળની દિશામાં તેલ લગાડવાથી વાળનાં મૂળ તણાતા નથી.
૨. જો નસો ફુલેલી હોય તો આ દિશામાં તેલ ચોળવું નહીં; કારણકે તેથી દબાણ વધીને નસોની હાનિ થવાની શક્યતા હોય છે. ફુલેલી નસો પર જરા પણ દબાણ આપ્યા વિના અતિશય હળવા હાથે આ દિશામાં તેલ લગાડવાથી હાનિ થવાની શકયતા ઓછી થાય છે.
૩. શરીરપરના વાળનાં મૂળમાં ચેતાતંતુ (મજ્જાતંતુ) હોય છે. ઉપરથી નીચે તેલ લગાડવાથી આ ચેતાતંતુઓના માધ્યમ દ્વારા માંસપેશીઓને શિથિલ થવાની સંવેદના પ્રાપ્ત થાય છે. તેથી આ દિશામાં તેલ લગાડવાથી માંસપેશીઓ શિથિલ થાય છે અને આરામ અનુભવાય છે.
વૈદ્ય મેઘરાજ માધવ પરાડકાર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. ( ૧૦.૭.૨૦૧૭ )
આયુર્વેદનુસાર તેલ ઉપરથી નીચે લગાડવું અને મર્દન નીચેથી ઉપર કરવું, એ પદ્ધતિ યોગ્ય હોવી
‘વાત, પિત્ત અને કફ એ પ્રકૃતિનુસાર મર્દનની દિશા પલટાતી નથી. હાથપગને તેલ લગાડતી વેળાએ તે નિયમિત ઉપરથી નીચે લગાડવું અને મર્દન નીચેથી ઉપર, એટલે હૃદયની દિશામાં કરવું. હૃદયની દિશામાં મર્દન કરવાથી નસોમાંનું લોહી હૃદયની દિશામાં ધકેલાઈ જાય છે અને લોહીનો પ્રવાહ સરળતાથી થવામાં સહાયતા મળે છે.’
વૈદ્ય (પૂ.) વિનય ભાવે
તજ્જ્ઞ વૈદ્યોને વિનંતિ !
‘હાથપગને કઈ દિશામાં તેલ લગાડવાથી કયા લાભ થાય છે અને તેની પાછળનું શાસ્ર શું છે’ એ વિશે ઉપર આપેલી માહિતી વ્યતિરિક્ત અન્ય માહિતી હોય તો કૃપયા આગળ આપેલ સરનામા પર મોકલશો. આ માહિતીનો આયુર્વેદના પ્રસાર માટે ઉપયોગ થશે.
સંપર્ક : વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, ૨૪/બ, સનાતન આશ્રમ, રામનાથી, બાંદિવડે, ફોંડા, ગોવા. પિન – ૪૦૩૪૦૧.
ઈ-મેલ : [email protected]