અનુક્રમણિકા
- ૧. સ્વામીજીએ શિષ્યને પોતાના પાર્થિવને ગંગાજીના કાંઠે કયા ઠેકાણે અગ્નિસંસ્કાર કરવા, એ વિશે કહેવું
- ૨. સ્વામી વિવેકાનંદે અંતિમ ક્ષણે ‘રામ’ નામ લઈને પ્રાણ છોડવા અને તેમણે બતાવેલી જગ્યા પર શિષ્યએ તેમના પાર્થિવને અગ્નિસંસ્કાર કરવો
- ૩. સ્વામીજીએ આપેલી શિખામણ અને તેમણે કરેલો ઉપદેશ
- ૪. પશ્ચિમી લોકોની બુદ્ધિને વૈદિક સંસ્કૃતિનું ખરું રહસ્ય ગળે ઉતારનારા સ્વામી વિવેકાનંદ !
‘પ્રાતઃકાળનો સમય, સૂર્યોદય થઈને સૂર્યના કુમળાં કિરણો પ્રસન્ન મુદ્રાથી પૃથ્વીપર ચુંબનોનો વર્ષાવ કરી રહ્યા હતા. પંખીઓનો કલરવ ચાલુ થયો. આકાશમાં વાદળાં બંધાવા લાગ્યાં. સૂર્યનું તેજ નિસ્તેજ વર્તાવા લાગ્યું. વાદળાંનો પડછાયો પૃથ્વી પર પડ્યો. બેલૂર મઠમાં શિષ્યો આઘા-પાછા થવા લાગ્યા. હરણાંના બાળકો ઠેકડા મારવા લાગ્યા. સવારનો ગંભીર સમય હતો. સ્વામી વિવેકાનંદે ઊઠીને ગુરુદેવ શ્રી રામકૃષ્ણ પરમહંસના છાયાચિત્રને નમન કર્યા. તેમણે મુખમાર્જન કરીને સર્વ શિષ્યોની પૂછપરછ કરી. સ્નાન ઇત્યાદિ કરી લીધા પછી સર્વ શિષ્યો સાથે સ્વામીજીએ ધ્યાન કર્યું અને પછી શિષ્યોને ઉપદેશ કર્યો. તેમણે કહ્યું, ‘આપણે પરમેશ્વરના બાળકો છીએ અને તેમના કાર્યની પૂર્તિ માટે જ આપણો જન્મ થયો છે, એવી દૃઢ ભાવના રાખીને કાર્યના અખાડામાં ઉતરો. ચાલુ મન્વંતર માટે જન્મેલા નવા ધર્મનો આદર કરો ! ગુલામગીરીમાં સડી રહેલા લોકોમાં નિર્બળતા અને મત્સર ઘર કરી ગયા હોય છે. હવે દુર્ગુણ દૂર કરીને આ નવા ધર્મના ચક્રને ગતિ આપવા માટે આગળ ધપો.’’ આ રીતે ઉપદેશામૃત પીને સર્વ શિષ્યો પોતપોતાના કાર્યને વળગ્યા.
૧. સ્વામીજીએ શિષ્યને પોતાના પાર્થિવને ગંગાજીના કાંઠે કયા ઠેકાણે અગ્નિસંસ્કાર કરવા, એ વિશે કહેવું
જમવાનો સમય થયો. સ્વામીજીએ શિષ્યોને પોતાના હાથે પીરસ્યું અને સહુની સાથે ભોજન કર્યું. સ્વામીજીના વર્તનમાં ઘણો જ ફેર થતો હોવાની જાણ શિષ્યોને થયા વગર રહી નહીં. જૂન મહિનામાં જ સ્વામીજીએ બેલૂર મઠનો કારભાર પોતાના શિષ્યો પર સોંપ્યો અને પોતે એક મહત્ત્વના દાયિત્વમાંથી છૂટા થયા. જુલાઈની એક તારીખ હશે. તેમણે પોતાના શિષ્યને પ્રેમથી સાદ પાડ્યો અને તેની પાસે વર્ષ ૧૯૦૨નું પંચાંગ (કેલેંડર) માગી. તેમની મુખમુદ્રા ગંભીર અને શાંત દેખાતી હતી. તેઓ કોઈક ગહન વિચારમાં ડૂબી ગયા હોય તેમ લાગતું હતું. તેમણે એક પળ શાંત ચિત્તથી પંચાંગ ભણી જોયું અને ૪ જુલાઈ ૧૯૦૨ આ દિવસની દિનાંક પર લાલ પેન્સિલથી નિશાની કરી. સ્વામીજી આશ્રમની બહાર આવ્યા.
મધુમેહ અને જળોદર જેવી બીમારીને કારણે તેમનો દેહ ભલે કૃશ દેખાતો હોય, તો પણ તેમના મુખમંડલ પર એક પ્રકારનું તેજ હતું. તે તેજ તેમની તપશ્ચર્યાનું, બ્રહ્મચર્યનું હોવું જોઈએ ! માથાનું મુંડન કરેલું, શરીર પર ભગવા વસ્ત્રો ધારણ કરેલા અને પગમાં કાંઈ પહેર્યા વિનાની સ્વામીજીની કૃશ મૂર્તિ ગંગાજીની દિશામાં ચાલવા લાગી. તેમનો ગમતો શિષ્ય તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો. ગંગાજીના કાંઠે સ્વામીજી એક જગ્યાએ થોભ્યા અને તેમણે તેમના શિષ્યને એક ૪ હાથ લાંબી અને ૨ હાથ પહોળી રહેલી જગ્યા બતાવી. ત્યાર પછી તેમણે તેને કહ્યું ‘‘હું દેહત્યાગ કરીને જાઉં પછી મારા પાર્થિવને આ ઠેકાણે અગ્નિ આપશો.’’ આ સાંભળીને તે શિષ્યને શું લાગ્યું હશે ?? સમગ્ર બ્રહ્માંડ હેઠે પડ્યા જેવું તો નહીં લાગ્યું હોય ને ? આ રીતે થઈ રહેલો પાલટ જોઈને સ્વામીજીના શિષ્ય ગડબડમાં પડી ગયા.
૨. સ્વામી વિવેકાનંદે અંતિમ ક્ષણે ‘રામ’ નામ લઈને પ્રાણ છોડવા અને તેમણે બતાવેલી જગ્યા પર શિષ્યએ તેમના પાર્થિવને અગ્નિસંસ્કાર કરવો
સ્વામીજીએ ૩૯મા વર્ષમાં હમણા જ પદાર્પણ કર્યું હતું. ૪ જુલાઈ ૧૯૦૨. સ્વામીજીએ સાંજ સુધી વેદાંતનો વર્ગ લીધો અને પોતાના શિષ્યોને પોતાની મધુર વાણી દ્વારા અંતિમ આકંઠ જ્ઞાનામૃત પાયું. પછી સ્વામીજીએ પોતાના ઓરડામાં જઈને રામકૃષ્ણ પરમહંસના છાયાચિત્રને મનઃપૂર્વક વંદન કર્યા અને સિદ્ધાસન કરીને ધ્યાન ધર્યું. પછી પથારી પર આડા થઈને પરમેશ્વરનું ચિંતન કરવા લાગ્યા. ત્યાર પછી તેમના મુખમાંથી ‘રામ’ આ રીતે છેવટના અક્ષર બહાર આવ્યા. બસ ! પૂરું થઈ ગયું. તેમની જીવનજ્યોત ઓલવાઈ ગઈ; પણ તેનો પ્રકાશ પ્રત્યેક ઉપાસકના અંતર્યામી તેમજ શેષ રહ્યો.
સર્વ જગત્માં આ સંદેશ ‘તાર’ દ્વારા મોકલવામાં આવ્યો. બીજા દિવસે સર્વ શિષ્યોએ તેમના પાર્થિવને વિધિયુક્ત અને અત્યંત શ્રદ્ધાથી સ્નાન કરાવ્યું. તેમનું પાર્થિવ ઠાઠથી ગંગાજીના તીરે લઈ જવામાં આવ્યું. તેમણે જે જગ્યા બતાવી હતી, તે ઠેકાણે ચંદનની ચિતા પર તેમના પાર્થિવને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. ત્યાર પછી સ્વામીજીનો દેહ દેખાતો બંધ થયો અને તેમનો શિષ્ય સમુદાય દુઃખદ મહાસાગરમાં ધકેલાઈ ગયો.
૩. સ્વામીજીએ આપેલી શિખામણ અને તેમણે કરેલો ઉપદેશ
સ્વામીજી ભલે આજે આપણી વચ્ચે ન હોય, તો પણ તેમનો ઉપદેશ જીવિત છે. તેઓ આજે ગ્રંથરૂપમાં ઉપસ્થિત છે. સ્વામીજી એક યોગી હતા. તેમણે તેમના શરીરની ચિંતા કરવાને બદલે લોકકલ્યાણની અખંડ ચિંતા વહોરી. સ્વામીજીને તેમના બાંધવો બળવાન અને તેજસ્વી થાય, એની હંમેશાં તાલાવેલી લાગી રહેતી. દરિદ્રિ અને દીનોની સેવા એ જ ઈશ્વર સેવા ! એ જ સાચો અત્યુચ્ચ ધર્મ અને એ જ સાચી માનવતા, એવું તેઓ સમજતા હતા. ‘જે કોઈ મળે, તેને ભગવાન માનવા’, આ ઉપદેશ તેમની કૃતિમાં ઉતર્યો હતો.
‘આપણે કોઈનું ભલું-બુરું અથવા કોઈની સહાયતા કરી શકીશું, આ કલ્પના જ ખોટી છે. બહુ તો આપણે કોઈકની સેવા કરી શકીએ. ભિખારીને બે પૈસા આપીને આપણે તેના પર બહુ ઉપકાર કર્યા’, એવું આપણને લાગે છે; પરંતુ ખરું જોતાં ભિખારીએ જ તમારા પર તમારા દાનનો સ્વીકાર કરીને અનંત ઉપકાર કર્યા હોય છે, એ આપણને સમજાતું નથી. જો ભિખારી જ ન હોત, તો તમારું દાન કોણે લીધું હોત ? ભિખારી છે; તેથી તમારી દાનશૂરતા, પરોપકાર ઇત્યાદિ ગુણોનો વિકાસ કરી લેવાનો અવસર તમને મળે છે. તેથી તમારે તેમનો આભાર માનવો જોઈએ !’ એવો સ્વામીજીનો ઉપદેશ રહેતો.
‘માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ઠોકો એટલે ઉઘડશે’, આ ખ્રિસ્તીઓના વચનો ખ્રિસ્તી લોકોને સ્વામીજીના ઉપદેશમાં મળ્યા, જ્યારે ‘‘कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।’’ આ ગીતાવચન હિંદુઓને જડ્યું. સ્વામીજીએ લગભગ સર્વ ધર્મનો અભ્યાસ કર્યો હતો. તેમનો ઉપદેશ એટલે અધ્યાત્મ તત્ત્વોની ખાણ જ કહેવી પડશે.
૪. પશ્ચિમી લોકોની બુદ્ધિને વૈદિક સંસ્કૃતિનું ખરું રહસ્ય ગળે ઉતારનારા સ્વામી વિવેકાનંદ !
શિકાગો સર્વધર્મ પરિષદમાં કેટલાક લોકોએ સ્વામીજીની ‘એક ફેટાવાળો ગમાર’ કહીને ઠેકડી ઉડાડી અને કેટલાકે તો તેમનો ફેટો ખેંચી લઈને જોવામાં પણ ઓછું ન કર્યું; પણ સ્વામીજીની સહનશીલતા અપાર હતી. તેમણે પોતાની ઇંદ્રિયો પર વિજય મેળવ્યો હતો અને શરીરમાંની સર્વ સુપ્ત શક્તિઓ તેમણે આત્મસાત કરી હતી, આ વાતની તેમને શું ખબર ?; પણ જ્યારે આ ભગવું વસ્ત્ર પરિધાન કરેલા અને માથે ફેટો વીંટેલા વેદાંતકેસરીએ વ્યાસપીઠ પરથી ગર્જના કરી અને પૌર્વાત્ય, તેમજ પશ્ચિમી તત્ત્વજ્ઞાનનો સમન્વય કરીને પશ્ચિમી લોકોની બુદ્ધિને તત્ત્વજ્ઞાનનું ખરું રહસ્ય ગળે ઉતારી દીધું, ત્યારે તેમના વિચારોને એક નવી ચાલના મળી. વૈદિક ધર્મમાંના રહસ્યો જાણી લેવાની તીવ્ર જિજ્ઞાસા તેમનામાં નિર્માણ થઈ. સ્વામી વિવેકાનંદના વિવેક સામે તેઓ નતમસ્તક થયા. સ્વામીજીની તીક્ષ્ણ બુદ્ધિમત્તા, વિવેક, વૈરાગ્ય, વિદ્વત્તા, ભાષણચાતુર્ય ઇત્યાદિ ગુણોનું તેજ મોટા-મોટા ધર્મોપદેશકો પર પડ્યું અને તેમણે આદરથી સ્વામીજીને પ્રણામ કર્યા. સ્વામીજી પર એક સામટો નિમંત્રણનો વર્ષાવ ચાલુ થયો. અમેરિકન સમાચારપત્રોના મુખપૃષ્ઠો સ્વામીજી વિશે કરેલી સ્તુતિ-સુમનોની પુષ્પવૃષ્ટિથી આચ્છાદિત થયા. તેમનો જયકાર થયો !
પશ્ચિમીઓ જેવા સ્વાભિમાની લોકોમાં વૈદિક સંસ્કૃતિનું રહસ્ય વિશદ કરીને તેમણે વૈદિક ધર્મ વિશે જિજ્ઞાસા વધારવાનું મહાન કાર્ય સ્વામી વિવેકાનંદ સિવાય અન્ય કોઈએ કર્યું નથી. રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને તેમણે પોતાના ગુરુદેવનો સંદેશ અમર કર્યો. જ્યાં સુધી ભૂતલ પર વૈદિક સંસ્કૃતિ જીવિત છે, ત્યાં સુધી હિંદુ સમાજ તેમનું ઋણ ચૂકવી શકશે નહીં.’