પરોઢિયાના પ્રસન્ન સમયે અથવા ફેલાઈ જતા સાંજના પડછાયા વેળા દ્રશ્યમાન થનારું ધાયરી ગામમાંનું ધારેશ્વરનું દેવાલય અનુભવવા જેવું જ છે. ઔદુંબર, પીપળો ઇત્યાદિ વૃક્ષોથી ઘેરાયેલા માર્ગમાંથી જ આપણે દેવાલય ભણી જઈએ છીએ. પગથિયાં ચઢીને જતી વેળા બન્ને બાજુએથી તેમના પડછાયાનો આધાર હોય છે. ગર્ભગૃહમાંનું સ્વયંભૂ પ્રસન્ન શિવલિંગ નિહાળતી વેળા બન્ને હાથ અજાણ્યે જોડાઈ જાય છે.
શ્રી ધારેશ્વર દેવાલય
ધારેશ્વર દેવાલય એ સાડાચાર એકર પરિસરમાં આવેલું છે. હાલના દેવાલયનું સ્વરૂપ વર્ષ ૧૯૭૮માં નિર્માણ થયેલું છે. દેવાલયના આજુબાજુનો પરિસર લીલોછમ છે. પાછળ આવેલા ડુંગર પરના ખંડોબાના દેવાલયમાં સ્થાનિક લોકો પ્રસંગવશાત્ જતા હોય છે. શ્રી ધારેશ્વરનું આ દેવાલય ૩૫૦ વર્ષો પહેલાંનું છે. ધાયરી ગામમાં રાયકર કુળના ઘણાં લોકો રહે છે. આ કુળના જૈતુજીબાબા રાયકર નામના મહાપુરુષની શિવભક્તિ થકી આ દેવાલય નિર્માણ થયેલું છે. વર્તમાનમાં શ્રી ધારેશ્વર મહાદેવ સંસ્થાન, ધાયરી વતી આ દેવાલયનો સર્વ વહીવટ સંભાળવામાં આવે છે. આ દેવાલયની કથા નીચે પ્રમાણે છે.
ધારેશ્વર સ્વયંભૂ શિવલિંગ
રાયકર કુળના મૂળ પુરુષ એવા જૈતુજીબાબા શિવભક્ત હતા. તેઓ સાતારા જિલ્લામાં આવેલા શિખર શિંગણાપુર ખાતે પ્રતિદિન દર્શન કરવા માટે જતા. સવારે જઈને સાંજે પાછા ફરતા. એક દિવસ તેમને શિખર શિંગણાપુરથી આવતી વેળા અંધારું થયું. તેઓ મનમાં ગભરાઈ ગયા; પરંતુ તે સમયે સાક્ષાત ભગવાન શંકર સ્વયં સાધુના વેશમાં આવ્યા અને કહ્યું, તું ગભરાઈશ નહીં. હું તારી પડખે છું. કેવળ તારા ઘર સુધી પહોંચતા અગાઉ તું પાછું વળીને જોઈશ નહીં. આ સાંભળીને જૈતુજીબાબા નીકળ્યા. હવે જ્યાં ધારેશ્વર દેવાલય છે, ત્યાં આવ્યા પછી બાબાને લાગ્યું કે હવે આપણે આપણા ગામમાં આવી ગયા છીએ. હવે પાછું વળીને જોવામાં વાંધો નથી. તેઓ પાછું વળીને જુએ છે તો શું, સાધુના રૂપમાં પ્રત્યક્ષ ભગવાન ત્યાં ઊભા હતા અને તે જ ઠેકાણે તેઓ અંતર્ધાન થયા. તે ઠેકાણે સ્વયંભૂ શિવલિંગ સિદ્ધ થયું. શિખર શિંગણાપુર ખાતે જે રૂપમાં સ્વયંભૂ શિવલિંગ છે, તેવું જ અહીં પણ છે.
જૈતુજીબાબાએ પછી તે ઠેકાણે નાનું દેવાલય બાંધ્યું. વળી કેટલાક દિવસો પછી જૈતુજીબાબા ઘણા વધારે થાકી ગયા. તેમને ઘરેથી આ દેવાલય સુધી જવાનું પણ આકરું પડવા લાગ્યું. તેથી તેઓ રહેતા હતા તે ઘરમાં ભગવાનનું નામસ્મરણ કરતા રહીને પાણી જમીન પર રેડવા લાગ્યા. તે ઠેકાણે તેમના નિવાસ્થાનમાં પણ શિવલિંગ સિદ્ધ થયું. આજે તેમના ઘરને ‘દેવવાડા’ તરીકે સંબોધવામાં આવે છે.
૭ શિવલિંગ પ્રગટ થયાં..
આગળ જતા તેમના મનમાં જીવિત સમાધિ લેવી, એવો વિચાર આવવા માંડ્યો અને તેમણે તેમના પુત્રોને તે માટે ખાડો ખોદવા કહ્યું. તેમના પુત્રો ખાડો ખોદવા માટે ગયા. પહેલો ખાડો ખોદ્યો, તે ઠેકાણે શિવલિંગ પ્રગટ થયું. બીજો ખાડો ખોદ્યો, ત્યાં પણ શિવલિંગ પ્રગટ થયું. એમ કરતાં ૭ ખાડા ખોદવામાં આવતા ત્યાં ૭ શિવલિંગ પ્રગટ થયાં. પુત્રોએ પિતાને આ વાસ્તવિકતા જણાવી. પછી જૈતુજીબાબાએ પ્રાર્થના કરી, ત્યારે આઠમા ઠેકાણે શિવલિંગ નીકળ્યું નહીં અને તે ઠેકાણે જૈતુજીબાબાએ જીવિત સમાધિ લીધી. આજે પણ તે સંજીવન સમાધિ અને ૭ શિવલિંગો જોવા મળે છે. થોડું ચઢીને ઉપર આવ્યા પછી, જમણી બાજુએ શનિ દેવાલય છે. મૂર્તિ જૂની જ છે; પણ પ્રતિષ્ઠાપના થોડા વર્ષો પહેલાં થઈ છે. મુખ્ય પગથિયાં ચઢીને ઉપર આવીએ કે બે મક્કમ દીપમાળાઓ આપણું સ્વાગત કરે છે. તે બન્ને વચ્ચે રહેલો નંદી શિવદેવાલય ભણી મુખ કરીને બેઠો છે. સામેના મોટા એવા પ્રાંગણમાં દેવાલય છે. સભામંડપ પણ સારો એવો મોકળાશ ધરાવતો, સુઘડ છે અને ત્યાં શિવભક્તો ભગવાનનો જપ કરતા દેખાય છે. ગર્ભગૃહમાંનું આ પ્રસન્ન શિવલિંગ નિહાળતી વેળા હાથ અજાણ્યે જોડાઈ જાય છે. તાંબાના પાત્રમાંથી અભિષેકની ધારા અખંડ ચાલુ હોય છે. જૈતુજી બાબાની શિવભક્તિ થકી આ સ્વયંભૂ સ્થાન નિર્માણ થયેલું છે. દેવાલયમાં પ્રતિદિન સવારે ૬ કલાકે પૂજા અને અભિષેકનો પ્રારંભ થાય છે. સાંજે ૭.૩૦ કલાકે ફરીથી આરતી થાય છે. બપોરે ૧૨ થી ૪ના સમયમાં દર્શન બંધ હોય છે.
ચૈત્ર વદની ચોથના દિવસે શ્રી ધારેશ્વરની મોટી જાત્રા હોય છે. તેનું નિયોજન ગૂડી પડવાના દિવસે કરવામાં આવે છે. મહાદેવજીની લાકડી અથવા કાવડ પડવાના આઠમા દિવસે શિખર શિંગણાપુર ખાતે જવા નીકળે છે. ધાયરી ગામની લાકડીને શિંગણાપુરમાં પ્રથમ સન્માનનું સ્થાન છે. તેનો ઉલ્લેખ છત્રપતિ શિવાજી મહારજજીએ પોતાના તાંબાના પત્ર દ્વારા કર્યો છે. ત્યાર પછી બાર દિવસ પછી તે પાછી આવે છે. આ કાવડની સાથે જનારાં સહુની વ્યવસ્થા સંસ્થા વતી કરવામાં આવે છે. કાવડ પરત આવી જાય કે પછી મોટો ઉત્સવ હોય છે. ભજન, કીર્તન, પ્રવચન ઇત્યાદિ થકી પરિસર ભક્તિમય બની જાય છે. મુખ્ય ધારેશ્વર દેવાલયની પાછળ ઔદુંબરના ઓછાયામાં દત્ત દેવાલય છે. તેથી આગળ અક્કલકોટ સ્વામીના દેવાલયનું બાંધકામ પૂર્ણ થયું છે. સમગ્ર પરિસર નિહાળતી વેળાએ આપણને ત્યાંનું પ્રસન્ન વાતાવરણ નિરંતર જણાઈ આવે છે.
પ્રાર્થના
રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે આવશ્યક એવું આરાધનાનું બળ લોકોમાં નિર્માણ થાય એવી શિવજીનું રૂપ ધરાવતા શ્રી ધારેશ્વરનાં ચરણોમાં પ્રાર્થના !