અનુક્રમણિકા
- ૧. શરીર નિરોગી રહેવા માટે કસમયે ખાવાનું ટાળો
- ૨. નિરોગી જીવન માટે કેવળ ૨ વાર જ આહાર લેવાની સારી ટેવ શરીરને પાડવી જોઈએ !
- ૩. ધ્રુજારી છૂટવી અથવા પેટમાં આગ પડવા પાછળનું કારણ
- ૪. ઘીની સહાયતાથી ૪ – ૪ વાર ખાવાની ભૂલભરેલી ટેવ ભાંગવી સહજતાથી સંભવ !
- ૫. આ કરો !
- ૬. ઘી ના લાભ
- ૭. સારાંશ
- ૮. પોતાની ક્ષમતા અનુસાર લેખમાંના સૂત્રોનું આચરણ કરો !
૧. શરીર નિરોગી રહેવા માટે કસમયે ખાવાનું ટાળો
અ. રાત્રિના સમયે ચિપ્સ, ફરસાણ ઇત્યાદિ ખાતા હોવ, તો સાવધાન !
‘સૂવાનો-ઊઠવાનો સમય નિશ્ચિત નથી, વ્યાયામ નથી, હંમેશાં રાત્રે ચિપ્સ, ફરસાણ, ભાકરવડી, શેવ, ચેવડા જેવો નાસ્તો ચાલુ છે’, એમ હોવા છતાં જો તમે નિરોગી હોવ, તો તે તમારી પૂર્વપુણ્યાઈ જ કહેવી પડશે; પરંતુ ધ્યાનમાં લો ! આ પૂર્વપુણ્યાઈ પતે કે, હવે ચાલુ રહેલી ભૂલભરેલી ટેવનું પરિણામ રોગના સ્વરૂપમાં દેખાવા લાગશે. પછી ‘તે સમયે સારી ટેવો પાડી હોત, તો સારું થયું હોત’, એમ કહેવાનો વારો આવશે. આપણે સાધક છીએ. શરીર નિરોગી રહેવાથી સાધના સારી થાય છે. તેથી આપણી સાધના થવા માટે નિરોગી શરીર જોઈતું હોય છે. શરીર નિરોગી રહેવા માટે કેવળ બે જ બાબતો કરો ! ૨ સમય પૂરતો આહાર લો અને નિયમિત વ્યાયામ કરો !’
આ. કોઈપણ ભાવતો પદાર્થ કસમયે ખાવાને બદલે ભોજનના સમયે જ ખાવ !
‘શું આયુર્વેદમાં ચટાકેદાર અને સ્વાદિષ્ટ પદાર્થો વર્જ્ય છે ? જરાય નહીં. ઊલટું રુચિથી જમવાથી સમાધાન મળે છે. તેથી પદાર્થોના સ્વાદમાં વિવિધતા તો જોઈએ જ; પરંતુ એકાદ પદાર્થ ભલે ગમે તેટલો ભાવતો હોય, તો પણ તે યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં ખાવાને ઘણું મહત્ત્વ છે. જો તેમ ન કરીએ, તો તેનો આજ નહીં તો કાલે ત્રાસ થવાનો જ છે. ‘કોઈપણ ભાવતો પદાર્થ જો પચતો હોય, તો તે ખાવામાં જરાય વાંધો નથી; પરંતુ તે પદાર્થ જમતી વેળાએ જ ખાવો. કસમયે, આડો-અવળો ખાવો નહીં.’ આ નિયમ પાળવાથી શરીર નિરોગી રહેવામાં સહાયતા થશે અને સાધના પણ સારી થશે.’
પ્રશ્ન : મારે શરીર નિરોગી રાખવા માટે સમગ્ર દિવસમાં કેવળ ૨ વાર જ આહાર લેવો છે; પરંતુ સવારે અથવા સાંજે જો અલ્પાહાર ન કરું, તો ધ્રુજારી છૂટે છે. ઘણીવાર પેટમાં આગ પડે છે. આવું હોય, ત્યારે મારે કેવળ ૨ વાર જ આહાર લેવો, મારા આરોગ્યની દૃષ્ટિએ યોગ્ય છે ખરું ?
ઉત્તર :
૨. નિરોગી જીવન માટે કેવળ ૨ વાર જ આહાર લેવાની સારી ટેવ શરીરને પાડવી જોઈએ !
આપણે શરીરને જેવી ટેવ પાડીએ, તે રીતે શરીર વર્તે છે. જો આપણે સારી ટેવો પાડીએ, તો આરોગ્ય સારું રહે છે. જો આપણે ભૂલભરેલી ટેવો પાડીએ, તો રોગ થાય છે. હજીસુધી આપણને ૪ – ૪ વાર ખાવાની ભૂલભરેલી ટેવ હતી. હવે આપણે કેવળ ૨ વાર જ જમવાનું નક્કી કર્યું છે; પરંતુ પહેલાંની ટેવ પ્રમાણે આહારનો સમય થાય કે, શરીરમાં પિત્ત સ્રવવાનું જ. કેટલાક લોકોની શારીરિક ક્ષમતા સારી હોય છે. તેમને આ સ્રવેલા પિત્તનો કાંઈ ત્રાસ થતો નથી અને તેઓ સહજતાથી ૪ વાર ખાવાની ભૂલભરેલી ટેવ ભાંગીને ૨ વાર આહાર લેવાની સારી ટેવ પાડી શકે છે. તેમાં મનની ભૂમિકા પણ મહત્ત્વની હોય છે. મનનો પાકો નિશ્ચય હોય, તો ભૂલભરેલી ટેવ ભાંગીને સારી ટેવ પાડવાનું સહેલું પડે છે.
૩. ધ્રુજારી છૂટવી અથવા પેટમાં આગ પડવા પાછળનું કારણ
આધુનિક શાસ્ત્ર અનુસાર જમવાના સમયે જઠરમાં આમ્લ (હાયડ્રોક્લોરિક ઍસિડ), જ્યારે આંતરડાના પહેલા ભાગમાં (‘ડ્યુઓડીનમ’માં) પિત્ત (બાઈલ) અને સ્વાદુપિંડના સ્રાવ (પૅન્ક્રિઍટિક જ્યૂસ) સ્રવે છે. જ્યારે આપણે ખાઈએ છીએ, ત્યારે ખાધેલું અન્ન આ સ્રાવોમાં ભેળવાઈ જાય છે અને તે સ્રાવોની તીક્ષ્ણતા (તીવ્રતા) ઓછી થાય છે. જો ન ખાઈએ, તો સ્રાવોની તીવ્રતા ઓછી થતી નથી. કેટલાકને આ તીવ્રતા સહન થતી નથી. તેને કારણે ધ્રુજારી છૂટે છે અથવા પેટમાં આગ પડવા જેવું થાય છે.
૪. ઘીની સહાયતાથી ૪ – ૪ વાર ખાવાની ભૂલભરેલી ટેવ ભાંગવી સહજતાથી સંભવ !
જો આરોગ્ય મેળવવું હોય, તો ૪ – ૪ વાર ખાવાની ભૂલભરેલી ટેવ ભાંગીને ૨ વાર આહાર લેવાની સારી ટેવ શરીરને પાડવી આવશ્યક છે. તે માટે વધેલા પિત્ત પર નિયંત્રણ મેળવવું આવશ્યક છે. ‘पित्तस्य सर्पिषः पानम् ।’ એટલે ‘પિત્ત પર ‘ઘી પીવું’ એ સર્વશ્રેષ્ઠ ઔષધ છે’, એવું આયુર્વેદમાં (અષ્ટાંગહૃદય, સૂત્રસ્થાન, અધ્યાય ૧૩, શ્લોક ૪માં) કહ્યું છે. ઘીનો ઉપયોગ કરીને આહારના ૪ સમય પરથી ૨ સમય પર આવવું પુષ્કળ સહેલું છે.
૫. આ કરો !
અ. આરંભમાં તમારા મનને ‘૨ વાર આહાર લેવાની ટેવ પાડવાથી આરોગ્ય મળવાનું છે અને ઘીનો ઉપયોગ કરવાથી વધેલા પિત્તનું શમન થઈને આરોગ્ય પર કોઈપણ દુષ્પરિણામ થવાનું નથી’, એમ સમજાવીને કહો. એમ કરવાથી તમારું મન આ અભિયાનમાં આનંદથી સહભાગી થશે.
આ. હવે દિવસમાં ૨ વાર જ આહાર લેવાનું ચાલુ કરો.
ઇ. આહાર પર કોઈપણ બંધન મૂકશો નહીં. જે પચે તે ખાવ. ભાવતા કોઈપણ પદાર્થો પચતા હોય, તો તે ખાઈ શકાય છે; પણ આવા પદાર્થો કેવળ ભોજન સમયે જ ખાવા.
ઈ. ભોજનનો સમય છોડીને ગમે ત્યારે કસમયે ભૂખ લાગે, તો એક ચમચી ભરીને ઘી ચગળીને ખાવ. ચગળવાથી શરીરની ઉષ્ણતાથી ઘી પાતળું બને છે. જો કેવળ ઘી ખાવું કઠિન લાગતું હોય, તો ઘીમાં થોડી ખાંડ અથવા ગોળ ભેળવીને ખાઈએ, તો પણ ચાલશે. (ઘીના માપ માટે ચાની ચમચીનો ઉપયોગ કરો. પાતળું થયેલું ઘી ૧ ચમચીના પ્રમાણમાં લેવું અપેક્ષિત છે. તેથી જો ઘી થીજેલું હોય તો તે પ્રમાણમાં લેવું.)
ઉ. ઘી ખાધા પછી સામાન્ય રીતે ૧૫ મિનિટ પછી ભૂખ શમે છે. તે જો ન શમે, તો ફરીવાર ૧ ચમચી ઘી ખાવ. આ રીતે ભૂખ શમવા માટે કેટલું ઘી ખાવું પડે છે, તેનો અંદાજ લઈને આગળ જતાં સીધું તેટલું જ ઘી ખાઈએ, તો પણ ચાલશે. સામાન્ય રીતે વધારેમાં વધારે ૪ ચમચી ઘીથી ભૂખ શમે છે. શરીરની રચના અનુસાર આ પ્રમાણ ઓછું-વધતું હોઈ શકે છે.
ઊ. ભૂલથી ઘીનું પ્રમાણ વધારે થઈને તેનું અપચન થશે કે કેમ, એવી શંકા આવતી હોય, તો અડધી વાટકી ગરમ પાણી પીવું.
એ. જો ઔષધ લેવા માટે ખાવું પડતું હોય, તો તમારા વૈદ્યકીય ચિકિત્સકને તમે નક્કી કરેલા આહારના સમય કહીને ‘ઔષધ ક્યારે લેવું’, એમ પૂછી લો.
ઐ. પીધેલું ઘી પચવા માટે પ્રતિદિન સવારે નયણે કોઠે વ્યાયામ કરો.
૬. ઘી ના લાભ
કસમયે જો ભૂખ લાગે તો ઘી પીવાથી ભૂખ શમે છે. ધ્રુજારી છૂટતી નથી. પેટમાં આગ પડવા જેવું લાગતું હોય, તો તે પણ તરત જ ઓછું થાય છે. વધેલા પિત્તનું યોગ્ય રીતે શમન થાય છે. (‘શમન થવું’ એટલે ‘શાંત થવું’) ઘી ઉત્તમ શક્તિવર્ધક છે. તેથી થાક પણ દૂર થાય છે. કેટલાક દિવસો પછી શરીરને ૨ સમય જ આહાર લેવાની ટેવ પડે છે. પછી કસમયે ભૂખ લાગવાનું બંધ થાય છે. તે સમયે ઘી ખાવાની આવશ્યકતા રહેતી નથી. પછી ભોજન સમયે જ ૨ – ૨ ચમચી ઘી લેવું. એવું નિયમિત ચાલુ રાખવાથી ભોજનના ૨ સમયે શરીરને આવશ્યક તે પ્રમાણમાં ભૂખ લાગે છે અને આવશ્યક તેટલો જ આહાર લેવાય છે. તેથી કૃશ વ્યક્તિઓએ ૨ સમય આહાર લેવાથી તેમનું વજન ઓછું થશે, તેવી બીક રાખવી નહીં. સ્થૂળ વ્યક્તિઓએ આહાર પર નિયંત્રણ રાખવાથી તેમનું વજન ઓછું થવામાં સહાયતા થાય છે.
૭. સારાંશ
આનો સારાંશ વ્યાવહારિક ભાષામાં આ રીતે સમજી શકાશે. ‘પિત્ત’ આ એક કર્મચારી છે. તેને તેના સ્થાને એટલે પેટમાં કામ ન મળે, તો તે બીજે ઠેકાણે, અર્થાત્ લોહી ઇત્યાદિ ઠેકાણે અડપલાં કરતું રહેશે. આ અડપલાં એટલે ધ્રુજારી છૂટવી અથવા પેટમાં આગ પડવી. તે પિત્તરૂપી કર્મચારીને ઘી પચાવવાનું કામ આપીએ કે, તે કામમાં અટવાઈ પડે છે અને અન્યત્ર ત્રાસ આપશે નહીં.
૮. પોતાની ક્ષમતા અનુસાર લેખમાંના સૂત્રોનું આચરણ કરો !
મનનો નિશ્ચય હોય અને ૪ દિવસ કળતર સહન કરવાની સિદ્ધતા (તૈયારી) હોય, તો આ લેખમાં આપ્યા પ્રમાણે આહારના સમય ૪ પરથી ૨ પર લાવવાનું સહેજે સંભવ છે; પરંતુ ઘણાં લોકોની તેવી સિદ્ધતા હોતી નથી. આવા લોકોના મનમાં આરંભ કરવા પહેલાં જ અનેક શંકા-કુશંકાઓ આવતી રહે છે. આવા લોકોએ આ લેખમાં આપેલી કૃતિઓનો ઉતાવળે આરંભ કરવો નહીં. અન્યોએ પણ તેમને આગ્રહ ન કરવો. સાશંક સાધકોએ હંમેશાંની જેમ આચરણ રાખવું. તેમણે સાધના માટે નિરોગી રહેવાનું મહત્ત્વ સ્વયંસૂચનાઓ આપીને મન પર અંકિત કરવું. જે દૃઢનિશ્ચયી સાધકો નિઃશંક મનથી આ કૃતિઓનું આચરણ કરશે, તેમને નક્કી જ તેનું સારું ફળ મળશે. તેમના સારા અનુભવ સાંભળીને સાશંક સાધકોનો આત્મવિશ્વાસ વધશે. મનનો નિશ્ચય પણ થશે. તે એકવાર થાય કે, સહુકોઈને આ સહજે કરવાનું ફાવશે.’
વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી ગોવા. (૨૫.૯.૨૦૨૨)