અનુક્રમણિકા
સૂર્ય અને ચંદ્ર એ કાળપુરુષના નેત્ર સમજવામાં આવે છે. સૂર્ય અને ચંદ્રના ભ્રમણને કારણે આપણે કાળમાપન કરી શકીએ છીએ તેમજ તેનો વ્યવહારમાં ઉપયોગ પણ કરી શકાય છે. ‘વર્ષ, અયન, ઋતુ, માસ અને પક્ષ’ આ નૈસર્ગિક કાળવિભાગોની જાણકારી આ લેખ દ્વારા સમજી લઈએ.
૧. વર્ષ : સૌરવર્ષ અને ચાંદ્રવર્ષ આ રીતે વર્ષોના ૨ પ્રકાર પ્રચલિત છે.
૧ અ. સૌરવર્ષ
સૂર્ય વસંતસંપાત (વસંત ઋતુમાં દિવસ રાત સરખાં હોય તે દિવસ) બિંદુ પર (નોંધ) આવે, ત્યારથી ફરી તે બિંદુ પર આવવા માટે સૂર્યને જે સમય લાગે છે, તેને ‘સૌરવર્ષ’ કહેવામાં આવે છે. સૌરવર્ષનો સમયગાળો ૩૬૫.૨૪ દિવસ જેટલો છે. સૌરવર્ષમાં મહિના અને ઋતુઓનો મેળ બેસે છે. વર્તમાનમાં વાપરવામાં આવતી ગ્રેગોરિયન (યુરોપીયન) કાળગણના સૌરવર્ષનો અવલંબ કરે છે; પરંતુ ગ્રેગોરિયન વર્ષના આરંભદિનને (૧ જાન્યુઆરીને) ખગોળશાસ્ત્રીય આધાર નથી.
નોંધ – પૃથ્વીના સૂર્ય ફરતે ભ્રમણ કરવાનો માર્ગ (ક્રાંતિવૃત્ત) અને પૃથ્વીનો અક્ષ (વિષુવવૃત્ત) એકબીજાને જ્યાં છેદે છે, તે બન્ને બિંદુઓને ક્રમવાર ‘વસંતસંપાત’ અને ‘શરદસંપાત’ એમ કહે છે. વસંતસંપાત આ સૌરવર્ષનો આરંભબિંદુ અને શરદસંપાત આ મધ્યબિંદુ છે.
૧ આ. ચાંદ્રવર્ષ
એક અમાસથી આગળની અમાસ સુધી એક ચાંદ્રમાસ થાય છે. ૧૨ ચાંદ્રમાસોનું એક ચાંદ્રવર્ષ થાય છે. ચાંદ્રવર્ષનો સમયગાળો ૩૫૪.૩૬ દિવસ જેટલો હોય છે. ચાંદ્રવર્ષમાં માસ અને ઋતુનો મેળ બેસતો નથી. હિજરી (ઇસ્લામી) કાળગણના ચાંદ્રવર્ષનો અવલંબ કરે છે.
ભારતીય કાળગણના સૌરવર્ષ અને ચાંદ્રવર્ષ આ બન્ને પ્રકારનો સમન્વય સાધ્ય કરે છે. ભારતીય કાળગણનામાં વર્ષ સૌર અને મહિનાઓ ચાંદ્ર પદ્ધતિથી છે; અર્થાત્ વર્ષનો આરંભ વસંતઋતુથી થાય છે; પણ દિનાંકથી થવાને બદલે તિથિથી થાય છે. સૌરવર્ષ અને ચાંદ્રવર્ષમાં પ્રતિવર્ષે ૧૧ થી ૧૨ દિવસોનો ફેર પડે છે, તેથી તેમનામાં મેળ બેસાડવા માટે પ્રત્યેક ૩ વર્ષો પછી ‘અધિકમાસ’ યોજવાની પદ્ધતિ વૈદિક કાળથી ચાલી આવી છે. તેથી ભારતીય કાળગણના ‘ચાંદ્ર-સૌર’ (Luni-solar) પદ્ધતિની છે.
૨. અયન : એટલે જવું
સૂર્ય વર્ષના ૬ માસ ઉત્તર દિશાથી અને ૬ માસ દક્ષિણ દિશાથી ભ્રમણ કરે છે. આને ‘ઉત્તરાયણ અને દક્ષિણાયન’ કહે છે. વાસ્તવિક સૂર્ય સ્થિર હોવાથી તે ઉત્તર અથવા દક્ષિણ દિશામાં જતો નથી; પરંતુ પૃથ્વીનો અક્ષ (વિષુવવૃત્ત) ‘૨૩.૫ અંશ’ જેટલો નમેલો હોવાથી તેવો આભાસ થાય છે. વર્તમાનમાં પ્રતિવર્ષ ૨૧ ડિસેંબરે ઉત્તરાયણ અને ૨૧ જૂને દક્ષિણાયન ચાલુ થાય છે. ઉત્તરાયણમાં દિવસ મોટો થતો જાય છે અને દક્ષિણાયનમાં રાત્રિ મોટી થતી જાય છે.
૩. ઋતુ
સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયન ભ્રમણને કારણે પૃથ્વી પર ‘વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર’ આ ૬ ઋતુઓ જોવા મળે છે. એમ ભલે હોય, તો પણ પૃથ્વી પરના સર્વ પ્રદેશોમાં સર્વ ઋતુઓ દેખાતી નથી, ઉદા. પૃથ્વીના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ગ્રીષ્મ અને વર્ષા આ ઋતુઓ પ્રમુખતાથી જોવા મળે છે.
પૃથ્વીના ઉત્તરગોળાર્ધમાં જે ઋતુ હોય, તેનાથી વિરુદ્ધ ઋતુ દક્ષિણ ગોળાર્ધમાં તે સમયે હોય છે, ઉદા. ઉત્તર ગોળાર્ધમાં જ્યારે ગ્રીષ્મ ઋતુ (ઉનાળો) હોય છે, ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં હેમંત ઋતુ (શિયાળો) હોય છે.
૩ અ. વ્યાવહારિક કાર્યો માટે સૌરઋતુ અને ધાર્મિક કર્મો માટે ચાંદ્રઋતુઓનો ઉપયોગ કરવામાં આવવો
સૌરવર્ષ અને ચાંદ્રવર્ષ અનુસાર ઋતુ માનવાની પદ્ધતિ અલગ છે. સૌરવર્ષ અનુસાર સૂર્ય વસંતસંપાત બિંદુ પર આવવાના ૩૦ દિવસ પહેલાં વસંત ઋતુનો આરંભ થાય છે (વર્તમાનમાં ૨૧ ફેબ્રુઆરીના દિવસે), જ્યારે ચાંદ્રવર્ષ અનુસાર ચૈત્ર માસમાં વસંત ઋતુનો આરંભ થાય છે. વ્યાવહારિક કાર્યો સૌરઋતુઓને અનુસરીને કરવામાં આવે છે, જ્યારે ધાર્મિક કર્મો ચાંદ્રઋતુઓને અનુસરીને કરવા માટે ધર્મશાસ્ત્ર કહે છે. પૃથ્વીના ઉત્તરગોળાર્ધમાં સૌર અને ચાંદ્ર ઋતુઓનો આરંભ થવાના દિવસ આગળની સારણીમાં આપ્યા છે.
ઋતુ | આરંભ થવાના દિવસ | |
---|---|---|
સૌરવર્ષ પદ્ધતિ | ચાંદ્રવર્ષ પદ્ધતિ | |
વસંત | ૨૧ ફેબ્રુઆરી | ચૈત્ર સુદ ૧ |
ગ્રીષ્મ | ૨૧ એપ્રિલ | જેઠ સુદ ૧ |
વર્ષા | ૨૧ જૂન | શ્રાવણ સુદ ૧ |
શરદ | ૨૧ ઑગસ્ટ | આસો સુદ ૧ |
હેમંત | ૨૧ ઑક્ટોબર | માગશર સુદ ૧ |
શિશિર | ૨૧ ડિસેંબર | મહા સુદ ૧ |
૪. માસ : સૌરમાસ અને ચાંદ્રમાસ આ રીતે ૨ પ્રકારના માસ પ્રચલિત છે.
૪ અ. સૌરમાસ
આકાશના ૩૦ અંશ (૧ રાશિ) ભ્રમણ કરવા માટે સૂર્યને જેટલો સમય લાગે છે, તેને ‘સૌરમાસ’ કહે છે. સૌરમાસનો સરેરાશ સમયગાળો ૩૦.૪૩ દિવસ જેટલો છે. સૂર્ય ‘વસંતસંપાત’ બિંદુ પર આવે ત્યારથી (૨૧ માર્ચ આ દિવસથી) વર્ષના પ્રથમ સૌરમાસનો આરંભ થાય છે. સૌરમાસને કારણે સૂર્યનું ઉત્તરાયણ-દક્ષિણાયન ભ્રમણ અને ઋતુઓનું જ્ઞાન થાય છે.
૪ આ. ચાંદ્રમાસ
સૂર્ય અને ચંદ્ર આકાશમાં એકત્રિત આવ્યા પછી અમાસ થાય છે. એક અમાસથી આગળની અમાસ સુધી એક ચાંદ્રમાસ થાય છે. ચાંદ્રમાસનો સમયગાળો ૨૯.૫૩ દિવસ જેટલો છે. ૧૨ ચાંદ્રમાસનાં નામો ક્રમવાર ‘ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગશર, પોષ, મહા અને ફાગણ’ આ પ્રમાણે છે. ચાંદ્રમાસનાં નામો નક્ષત્રો પરથી પડ્યાં છે. ચાંદ્રમાસને કારણે તિથિ, નક્ષત્રો, યોગ ઇત્યાદિનું અને પર્યાયથી શુભાશુભ દિવસોનું જ્ઞાન થાય છે. હિંદુ ધર્મમાંના સર્વ તહેવાર, ઉત્સવ, વ્રતો, દેવતાઓની જયંતી ઇત્યાદિ ચાંદ્રમાસ અનુસાર ઊજવવામાં આવે છે.
૫. પક્ષ
પક્ષ (૧૫ દિવસોનો સમયગાળો) કેવળ ચાંદ્રમાસમાં હોય છે. અમાસથી પૂર્ણિમા સુધી સુદ પક્ષ અને પૂર્ણિમાથી અમાસ સુધી વદ પક્ષ હોય છે. મુહૂર્તોની દૃષ્ટિએ સુદ પક્ષ શુભ અને વદ પક્ષ અશુભ માનવામાં આવ્યો છે.’
શ્રી. રાજ કર્વે, જ્યોતિષ વિશારદ, ગોવા. (૮.૧.૨૦૨૩)